બાજુમાં સૂતેલી પાંખીએ પડખું ફેરવ્યું અને ફાટી આંખે એકીટસે સીલિંગ તરફ જોઈ રહેલા વિશાખે ફરી આંખો એ રીતે બંધ કરી લીધી જાણે તે ભરઊંઘમાં હોય
ઇલેસ્ટ્રેશન
બાજુમાં સૂતેલી પાંખીએ પડખું ફેરવ્યું અને ફાટી આંખે એકીટસે સીલિંગ તરફ જોઈ રહેલા વિશાખે ફરી આંખો એ રીતે બંધ કરી લીધી જાણે તે ભરઊંઘમાં હોય, પરંતુ પાંખી બરાબર ઊંઘમાં છે એવો ભાસ થતાં તેણે ફરી આંખો ખોલી અને બારીમાંથી આવતા સ્ટ્રીટલાઇટના પ્રકાશને કારણે પંખાની ગોળ ફરતી પાંખોના સીલિંગ પર પડતા પડછાયા તરફ તાકી રહ્યો. આમ ને આમ, નીંદર વિના વીતી રહેલી વિશાખની આ ચોથી રાત હતી. રોજ રાતે જમવાનું પતાવી ડ્રૉઇંગરૂમમાં ટીવી સામે ગોઠવાઈ જતી પાંખી અને તેની અડોઅડ આવીને બેસી જતો વિશાખ. બન્નેનો લાગણીમય સંસાર પણ આટલો જ અડોઅડના સ્પર્શ સાથે વીતી રહ્યો હતો. પાંખી પોતાની ટીવી-શ્રેણીમાં મગ્ન હોય અને વિશાખ પોતાના લૅપટૉપની સ્ક્રીનમાં. રીજન-વાઇસ સેલ્સ ફીગરનું ઍનૅલિસિસ રોજ જમ્યા પછી કરી લેવાની તેને આદત હતી, જેથી સવારમાં ઑફિસ પહોંચીએ ત્યારે માર્કેટિંગ સ્ટ્રૅટેજિસ પર કામ થઈ શકે. ઊંઘને કારણે જ્યારે આંખો ઘેરાવા માંડે ત્યારે પ્રેમથી વિશાખ કહેતો, ‘પાંખી, હાલોને આપણા મલકમાં!’ અને તરત પાંખી ટીવી બંધ કરીને વિશાખ સાથે બેડરૂમમાં આવી જતી. રોજ વિશાખ આ રીતે કહેતો અને તરત પાંખી ટીવી બંધ કરી દેતી. આથી વિશાખને લાગતું જાણે પાંખી તેના કહેવાની જ રાહ જોતી હોય.
‘પાંખી...’ એક દિવસ વિશાખે પૂછ્યું.
‘હં, બોલ...’
‘કેમ હંમેશાં મને ઊંઘ આવવા માંડે અને હું કહું કે ચાલો સૂવા જઈએ ત્યારે જ તું ઊભી થઈને આવે છે? રાતે ૧૧ વાગ્યા હોય કે ૧૨, ક્યારેક તો મને કામ કરતાં-કરતાં દોઢ-બે પણ વાગી જાય છે છતાં હંમેશાં હું બેઠો હોઉં ત્યાં સુધી તું ટીવી સામે બેસી રહે છે. ક્યારેય એવું બનતું નથી કે તને ઊંઘ આવી રહી હોય અને તું કહે કે વિશાખ ચાલો સૂઈ જઈએ. કેમ એવું?’ વિશાખે કહ્યું.
‘હા બની શકે વિશુ, પણ પ્રૉબ્લેમ એ છેને કે તું જે મર્દાના લહેકામાં કહે છેને ‘પાંખી, હાલોને આપણા મલકમાં...’ એવું મને કહેતાં નથી આવડતું એટલે દરરોજ તારા મોઢે એ સાંભળવાની લાલચમાં બેઠી રહું છું.’ પાંખી બોલી અને વિશાખે તેને બાથમાં ભરી લીધી હતી, પણ કોણ જાણે છેલ્લી ચાર રાતથી વિશાખ કમસે કમ આજે તો સારી ઊંઘ આવી જશે એમ વિચારીને પથારીભેગો થાય અને ઊંઘ જાણે રીસે ભરાઈ હોય એમ તેનાથી દૂર ભાગી જાય.
‘પાંખી, છેલ્લી ચાર રાતથી મને સરખી ઊંઘ નથી આવી રહી!’ સવારે નાસ્તાના ટેબલ પર સૅન્ડવિચ બનાવી રહેલી પાંખીએ વિશાખને કહ્યું, ‘અરે કેમ, વિશુ? કોઈ વિચારો ચાલે છે તારા દિમાગમાં, ઑફિસમાં કોઈ ટેન્શન છે?’
ADVERTISEMENT
વિશાખ બોલ્યો, ‘ના પાંખી, એવું કંઈ નથી છતાં ખબર નહીં કેમ પણ ચાર રાતથી હું સરખું ઊંઘી શક્યો નથી.’
પાંખીએ મજાક કરતાં કહ્યું, ‘તો પછી કેમ ઊંઘ નથી આવતી? પહેલાં તો ક્યારેય તને આવું નથી થયું. પથારીમાં પડતાની સાથે જ ભાઈસાબના શરીરમાં જાણે કુંભકર્ણ ભરાઈ જતો હતો!’
‘મજાકની વાત નથી, પાંખી! છેલ્લી ચાર રાતથી...’ વિશાખ આગળ બોલવા જતો હતો પણ અટકી ગયો.
‘ડોન્ટ વરી વિશુ, આજે સાંજે વાળમાં તને સરસ ચંપી કરી આપું છું, પછી જો કેવી સરસ ઊંઘ આવે છે?’ પાંખી બોલી.
નાસ્તો ખતમ કરી વિશાખ ઑફિસ જવા માટે રવાના થઈ રહ્યો હતો ત્યાં પાંખીએ આંખ મીંચકારતાં વિશાખના કાનમાં કહ્યું, ‘આજે સાંજે વાળમાં ચંપી કરી આપું કે સાહેબને કોઈ બીજી રીતે પણ રિલૅક્સ કરી દઉં?’ પાંખીની આ ધમાલથી વિશાખના મોઢા પર પણ સ્માઇલ આવી ગયું. ‘ઉસ કે બારે મેં સા’બ આપકો શામ કો બતાએંગે!’ કહેતાં વિશાખે પાંખીના ગાલ પર હળવી પપ્પી કરી અને ઑફિસ માટે રવાના થઈ ગયો.
વિશાખની કાર ઑફિસની દિશાએ દોડી રહી હતી, પરંતુ તેના દિમાગમાં ચાલતા વિચારો કોઈક બીજી જ સફરે નીકળી ચૂક્યા હતા. છેલ્લી ચાર રાતથી આવતા વિચારો, નજર સામે દેખાતાં દૃશ્યો જાણે તેને ઠરવા નહોતાં દઈ રહ્યાં. આજે સવારે જ્યારે પાંખી સાથે વાત થઈ ત્યારે અનેક વાર તેને થયું કે તેની સાથે શું થઈ રહ્યું છે એ પાંખીને કહી દે, પરંતુ પોતે જે મનોદશામાંથી પસાર થઈ રહ્યો છે એમાં પોતાની વહાલી પાંખીને નથી નાખવી એમ વિચારીને તે અટકી ગયો હતો. સાંજ પડતાની સાથે જમવાનું પતાવીને પાંખી હાથમાં હેરઑઇલની શીશી લઈ આવી અને વિશાખના માથામાં તેણે પ્રેમથી હળવા હાથે મસાજ કરવા માંડ્યું. વિશાખ આંખ બંધ કરીને એ રીતે બેઠો હતો જાણે ખરેખર તે હમણાં પાંખીનો વહાલભર્યો સ્પર્શ માણી રહ્યો છે કે માથામાં થઈ રહેલો મસાજ એ કહેવું મુશ્કેલ હતું.
પાંખીના પ્રેમભર્યા મસાજથી વિશાખને લાગતું હતું કે આજે તો ચોક્કસ રાત ઘેરી ઊંઘમઢી રહેવાની. જેવું તેલમાલિશ પત્યું કે તરત તેણે પાંખીને બે હાથમાં ઊંચકી લીધી અને ગાલ પર પપ્પી કરતાં કહ્યું, ‘ચલો અબ વિશાખસા’બ, પાંખીમૅડમ કો રિલૅક્સ કર દેતે હૈં!’
પાંખીની આંખોમાં તોફાન પ્રવેશી ગયું. તેણે વિશાખના ગળા પર હળવું બચકું ભર્યું, ‘રિલૅક્સ ક્યા કરોગે, આજ તો મૈં તુમ્હેં કચ્ચા ચબા જાઉંગી!’
‘અચ્છા, કૈસે? બતાઓ ઝરા...’ કહેતાં વિશાખે પાંખીને બેડ પર સુવડાવી અને તેના ચહેરા પર પોતાનો ચહેરો અડાબીડ કરી મૂકતાં બોલ્યો, ‘હું ક્યારેક તારાથી દૂર થઈ જવાના વિચારમાત્રથી પણ ખળભળી ઊંઠું છું, પાંખી! તું મારો સંગાથ નહીં, મારો શ્વાસ છે!’
વિશાખના શબ્દો સાંભળીને પાંખી તેને એ રીતે વળગી પડી જાણે યુગોથી તરસ્યા થયેલા હોઠને પાણીની બૂંદો અડે. ત્યાર પછીનો સમય ગુલાબી પ્રસ્વેદ બિંદુઓથી ભીંજાતી ક્ષણોનો હતો. બે યુવાન હૈયાંઓનું પ્રગાઢ આલિંગન તેમને સુખની એ ચરમસીમાએ લઈ જનારું સાબિત થવાનું હતું, જેનો અનુભવ ભવેભવ થતો રહેવા છતાં અધૂરા જ રહ્યાની લાગણી થયા કરે.
અનરાધાર વરસ્યા પછી શાંત થયેલા વાતાવરણમાં જે રીતે માટીની મીઠી સોડમ પ્રસરી રહી હોય એ રીતે વિશાખ મીઠું ઘેન આંખમાં પરોવીને પાંખીની બાજુએ પડ્યો હતો. પાંખી હજીય વિશાખના માથા પર વહાલથી હાથ ફેરવી રહી હતી અને પળવારમાં તો વિશાખ એવી ઘેરી ઊંઘમાં સરી પડ્યો હતો જાણે હવે માથે ઢોલ-નગારાં વાગશે તો પણ નહીં જાગે. વિશાખ તરફ તાકી રહેલી પાંખીને ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર નહોતી પડી.
આવા મીઠડા સમયને હજી તો દસ-પંદર મિનિટ જેટલો જ સમય થયો હશે ત્યાં તો વિશાખના કપાળે પરસેવો બાઝી ગયો. તેનું આખું શરીર ધ્રૂજવા માંડ્યું. ફરી એ જ દૃશ્ય, ફરી એ જ ગભરામણ, ફરી એક અકળામણ. તેની આંખો આજે ફરી એ રીતે ખુલ્લી થઈ ગઈ હતી જાણે ઊંઘ જેવું એમાં ક્યારેય, ક્યાંય હતું જ નહીં. ‘પાંખી, પાંખી...’ તે બરાડ્યો, પણ બાજુમાં સૂતેલી પાંખી એવી ભરઊંઘમાં હતી જાણે તેના કાન સુધી વિશાખનો અવાજ પહોંચી જ નહોતો રહ્યો, પણ સતત પાંચ રાતથી નજર સામે એકનું એક દૃશ્ય જોઈ રહેલા વિશાખની હાલત હમણાં એવી હતી કે પાંખી તેનો અવાજ સાંભળી રહી છે કે નહીં, તે જાગી છે કે નહીં એ જોવાનું પણ જાણે તેને ભાન નહોતું. તે તો બસ બરાડી રહ્યો હતો, ‘પાંખી, મને... મને ખબર છે કે હું જીવિત છું. તારી બાજુમાં જ સૂતો છું છતાં, છતાં મને મારી નજર સામે હું દેખાઉં છું, હું... હું... હું મારા શરીરને છોડીને જઈ રહ્યો છું, પાંખી... તારાથી દૂર! હું તો, હું તો જીવિત છું, પાંખી. પછી, પછી હું કઈ રીતે મરી શકું? હું કઈ રીતે મને પોતાને જ મારી નજર સામે જોઈ રહ્યો છું? શું મને મારું મૃત્યુ દેખાઈ રહ્યું છે? તને છોડીને, તને છોડીને હું નહીં જઈ શકું, પાંખી! મારા વિના તું કઈ રીતે જીવી શકશે? છેલ્લી ચાર રાતથી મને મારા મૃત્યુનું દૃશ્ય નજર સામે દેખાયા કરે છે, પાંખી અને હું... હું જાગી જાઉં છું. કંઈક કર પાંખી, પ્લીઝ, કંઈક કર. હું... હું પાગલ થઈ જઈશ!’
આ રીતે સતત બરાડા પાડી રહેલા વિશાખની આંખમાં આંસુ આવી ગયાં હતાં. સહજીવનની શરૂઆત થયાને હજી માત્ર ત્રણ જ વર્ષ થયાં છે અને આટલા ટૂંકા સમયમાં જ તે પોતાના જીવથીયે વહાલી એવી પાંખીથી દૂર જઈ રહ્યો છે એવી ભ્રમણા ઊભી કરતું દૃશ્ય નજર સામે છેલ્લી પાંચ રાતથી જોઈ રહેલા વિશાખની હાલત હમણાં એવી થઈ ગઈ હતી જાણે એ સપનામાં દેખાતું દૃશ્ય વાસ્તવિકતામાં સર્જાઈ રહ્યું હોય અને તેના શરીરમાંથી પ્રાણ જઈ રહ્યો હોય.
તેણે બાજુમાં સૂતેલી પાંખીનો હાથ પકડ્યો અને જગાડવાનો પ્રયત્ન કરતાં તેણે ફરી બરાડો પાડ્યો, ‘જાગને પાંખી, હું... હું તારાથી દૂર જવા નથી માગતો, મારે જીવવું છે, પાંખી... મારે જીવવું છે!’ પરંતુ પાંખી નહીં જાગી, ઠંડા થઈ ગયેલા તેના હાથને ગમે એટલા હલાવવા છતાં પાંખી નહીં જાગી. પાંખી, વિશાખનો જ નહીં, પોતાના શરીરનો પણ સાથ છોડીને ક્યાંક દૂર ચાલી ગઈ હતી.
(સ્ટોરી: આશુતોષ દેસાઈ)


