° °

આજનું ઇ-પેપર
Friday, 27 May, 2022


રાજદ્રોહના કાનૂન સામે જંગ છેડનાર ભડવીર ગુજરાતી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી

15 May, 2022 01:15 PM IST | Mumbai
Aashutosh Desai

બ્રિટિશરોથી લઈને દરેક સત્તાધારી પાર્ટીઓએ આ કાયદાને તોડીમરોડીને એનો મિસયુઝ કેટલી માત્રામાં કર્યો છે એની તવારીખ જાણવા જેવી છે

કનૈયાલાલ માણેકલાલ મુનશી

કનૈયાલાલ માણેકલાલ મુનશી

આ એવો કાયદો છે જેનો ઉપયોગ ઓછો, દુરુપયોગ જ વધારે થયો છે. હાલમાં કાયદાનું  સ્થાન અને અસ્તિત્વ યથાર્થ છે કે નહીં એની ફેરવિચારણાની જે વાતો થઈ રહી છે એનો ડ્રાફ્ટ ૧૮૫ વર્ષ જૂનો છે અને ભારતમાં એ ૧૬૨ વર્ષ પહેલાં બ્રિટિશરાજમાં લાગુ કરવામાં આવ્યો છે. બ્રિટિશરોથી લઈને દરેક સત્તાધારી પાર્ટીઓએ આ કાયદાને તોડીમરોડીને એનો મિસયુઝ કેટલી માત્રામાં કર્યો છે એની તવારીખ જાણવા જેવી છે

આપણો વર્ષોનો અનુભવ છે કે જે અનુભવ શીખવે છે એ ભણતર શીખવતું નથી. આથી જ તો આપણી ભાષામાં કહેવત પણ રચાઈ છે, ‘ભણ્યો છે, પણ ગણ્યો નથી!’ જેનું સચોટ દૃષ્ટાંત અમારા એક વડીલની વાત પરથી મળે છે. વર્ષો પહેલાં અમારા એક વડીલે (જે ખાસ ભણેલા નહોતા) કહ્યું હતું કે ‘તમારે ક્યારેય એવી વ્યક્તિ સામે કાયદાકીય લડાઈ લડવા ન જવું જે ખુદ કાયદો બનાવતી હોય!’ મતલબ કે કાયદો 
એને ન દેખાડાય જે પોતે જ કાયદો ઘડતા હોય! 

આ હમણાં ‘રાજદ્રોહના કાયદા’ વિશે જે ફરી એક વાર રમખાણ ઊભું થયું છે એ વિષય આ વિધાનને સાચું ઠેરવે છે. બીજેપી (ભારતીય જનતા પાર્ટી) શાસિત સરકાર હોય, કૉન્ગ્રેસ શાસિત હોય કે બીજા કોઈ પણ પક્ષની, અહીં ‘બીજેપી’ અને ‘કૉન્ગ્રેસ’ જેવા શબ્દો ગૌણ થઈ જાય છે, કારણ કે દરેક સરકાર કાયદાનું અર્થઘટન અને એનું અમલીકરણ પોતાને યોગ્ય લાગે અથવા પોતાના પક્ષમાં હોય એ રીતે કરતી હોય છે. આ એક કડવું સત્ય છે.

આજે જે કાયદા વિશે એવાં નિવેદનો થઈ રહ્યાં છે કે આધુનિક સમયમાં એનું સ્થાન અને અસ્તિત્વ યથાર્થ છે કે નહીં એ વિચારવું પડશે. ત્યારે ખબર છે એ કાયદો વાસ્તવમાં કોના દ્વારા, ક્યારે અને શા માટે બનાવવામાં આવ્યો હતો? આ કાયદો ભારતમાં છેક ૧૬૨ વર્ષ પુરાણો છે. એનો ડ્રાફ્ટ તો એથીયે વધુ ૧૮૫ વર્ષ જૂનો છે. આમ આંખ પહોળી નહીં કરો, આ વાસ્તવિકતા છે. થોમસ બૅડિંગટન માકૌલે દ્વારા છેક ૧૮૩૭માં રાજદ્રોહના કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ભારતમાં એ લાગુ કરવામાં આવ્યો હતો ૧૮૬૦થી, એટલે કે બ્રિટિશરાજમાં. હવે ધારો કે તમને આ કાયદાનો વાસ્તવિક ડ્રાફ્ટ ન જણાવવામાં આવે તો પણ તમે એ લાગુ કરવા પાછળનો આશય સમજી શકો છો, ખરું કે નહીં? 

મૂળ કાયદો શું કહે છે?
થોમસ બૅડિંગટન માકૌલેના ડ્રાફ્ટ અનુસાર અને ૧૮૬૦માં લાગુ થયેલા આ કાયદામાં કંઈક એમ કહેવામાં આવ્યું છે કે ‘જેકોઈ વ્યક્તિ કે સંસ્થા શબ્દો દ્વારા અથવા તો બોલવામાં અથવા લખવામાં કે પછી સંકેત દ્વારા અથવા દૃશ્યમાન પ્રતિનિધિત્વ દ્વારા કે કોઈ અન્યથા, ધિક્કાર અથવા તિરસ્કાર લાવવાનો કે ફેલાવવાનો પ્રયાસ કરે અથવા (ભારતમાં) કાયદા દ્વારા સ્થાપિત સરકાર પ્રત્યે અસંતોષને ઉત્તેજિત કરે અથવા ઉત્તેજિત કરવાનો પ્રયાસ કરે છે તો તે વ્યક્તિ કે સંસ્થાના પ્રતિનિધિ આજીવન કેદની સાથે શિક્ષાને પાત્ર છે. એમાં આર્થિક દંડથી લઈને ત્રણ વર્ષ આજીવન કેદ સુધીની સજાને પાત્ર છે.’ 

કયા ઉદ્દેશ સાથે બનાવાયો?
આ એક એવો સમય હતો જ્યારે અંગ્રેજો આપણા દેશ પર ગેરકાનૂની રીતે શાસન કરી રહ્યા હતા. તેમણે આપણને આપણા જ દેશમાં ગુલામ બનાવી દીધા હતા. આથી સ્વાભાવિક છે કે એ સમયે ભારત પોતાની આઝાદી માટે લડી રહ્યું હતું અને કોઈ પણ ક્રૂર શાસક એવું નહીં જ ચાહતો હોય કે એ રાજ્ય કે દેશની પ્રજા એના શાસન વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ કરે. આથી મૂળતઃ લોકમાન્ય ટિળક, મહાત્મા ગાંધી, લાલા લજપતરાય અને ઔરોબિંદો ઘોષ જેવા સ્વાતંત્ર્યવીરોનો અવાજ બંધ કરાવી દેવાના આશયથી આ કાયદો આપણા દેશમાં એ સમયના બ્રિટિશ શાસનમાં અમલી બનાવાયો હતો. 

લોકમાન્ય ટિળક પર અખબાર ‘કેસરી’માં સરકાર વિરુદ્ધ લખવા માટે અને મહાત્મા ગાંધી પર ‘યંગ ઇન્ડિયા’ નામના સામયિકમાં લખવા માટે આ કાયદાની રૂએ કેસ કરવામાં આવ્યા હતા અને તેમની ધરપકડ કરી જેલમાં બેસાડી દેવામાં આવ્યા હતા. ગાંધીજીએ એ સમયે પણ કહ્યું હતું કે ‘રાજદ્રોહનો આ કાયદો એ ભારતીય દંડસંહિતા (આઇપીસી)ના રાજકીય વિભાગોમાંનો એક એવો રાજકુમાર છે જે નાગરિકોની સ્વતંત્રતાને દબાવવા માટે રચાયો છે.’   

ત્યાર પછી?
ત્યાર બાદ દેશ અંગ્રેજોના શાસનથી આઝાદ થઈ ગયો અને ભારતે ૧૯૫૦-’૫૧થી પોતાનું સંવિધાન બનાવ્યું અને અમલમાં મૂક્યું, પરંતુ દુ:ખની વાત એ છે કે આ સંવિધાનમાં અંગ્રેજ શાસન આપણે આઝાદ થઈ ગયા પછી પણ વિદ્યમાન રહ્યું, ઘણા કાયદા એમના એમ જ રાખવામાં આવ્યા, જેમાંના અનેક કાયદા અને ભાષાઓ માટે ખુદ ડૉ. ભીમરાવ આંબેડકરસાહેબે લખ્યું હતું કે સમયાનુસાર એનું અવલોકન થવું જોઈએ અને જરૂર જણાય ત્યાં ફેરવિચાર કરીને એમાં બદલાવ કરવો જોઈએ, પરંતુ તેમના એ શબ્દો અને આશય પણ એ જ રીતે અભેરાઈએ ચડાવી દેવામાં આવ્યા જે રીતે આપણે બધા સ્વાતંત્ર્યવીરોને ચડાવી દીધા છે.

ઐતિહાસિક રીતે ૧૯૫૧ના મે મહિનામાં જવાહરલાલ નેહરુ સરકાર દ્વારા પહેલો બંધારણીય સુધારો લાવવામાં આવ્યો હતો અને એ પણ વડા પ્રધાન દ્વારા જે સૌથી વધુ સ્વતંત્રતાપ્રેમી હોવાની છબિ ધરાવતા હતા. નેહરુને તેમની ફ્રીડમ સૌથી વધુ વહાલી હતી એ સર્વવિદિત હકીકત છે, પરંતુ કૉન્ગ્રેસ સરકાર જે-તે સમયે હજી એક જ વર્ષ જૂની હતી. એ કેટલી ‘સ્વતંત્રતા-પ્રેમી’ હતી એ મૂળ બંધારણમાં આ સુધારણાથી માલૂમ પડે છે. નેહરુએ સ્વતંત્ર ભારતના નાગરિકોના મૂળભૂત અધિકારો પર નિયંત્રણ મૂક્યાં હતાં. તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતાને મર્યાદિત કરી, એટલું જ નહીં, પછીનાં વર્ષોમાં તો સરકારે એ પણ પુરવાર કરી દેખાડ્યું કે કટોકટી એ માત્ર એક વિચલન નહોતી, પરંતુ માત્ર પક્ષના સર્વાધિકારી કાયદાઓના ઉપયોગની પરાકાષ્ઠા હતી, જે તેમણે બ્રિટિશયુગથી જાળવી રાખી હતી. 

પણ એક ગુજરાતી ભડવીર હતા જેમણે એ સમયે પણ આ કાયદા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને તેઓ હતા ક. મા. મુનશી, જેમણે આ કાયદાની સખત શબ્દોમાં ટીકા કરતાં કહ્યું હતું કે ‘આવો કઠોર કાયદો ભારતની લોકશાહી માટે ખતરો છે.’ તેમણે આ વિશે દલીલ કરતાં કહ્યું હતું કે ‘વાસ્તવમાં લોકશાહીની ખરી સુંદરતા અને અસરકારકતા જ સરકારની ટીકામાં રહેલી છે.’ આખરે તેમના પ્રયાસો અને સિખ નેતા ભૂપિન્દર સિંહ માનની દૃઢતાને કારણે બંધારણમાંથી ‘રાજદ્રોહ’ શબ્દ કાઢી નાખવામાં આવ્યો હતો.

કાયદો ક્યાં રીતે કઈ રીતે વપરાયો?
અહીં પ્રશ્ન સૌથી મોટો અને સૌથી મહત્ત્વનો એ છે કે રાજદ્રોહ નક્કી કોણ કરશે? વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એ લોકશાહીની ઓળખ છે, જેની સાથે રાજદ્રોહના કાયદાને કારણે ચેડાં કરવામાં આવે છે. લોકશાહીમાં નાગરિકોએ સક્રિયપણે ચર્ચામાં ભાગ લેવો અને સરકારની નીતિઓની રચનાત્મક ટીકા વ્યક્ત કરવી જરૂરી છે, પરંતુ એ નક્કી કોણ કરશે કે શું અભિવ્યક્તિની સ્વતંત્રતામાં લેવું અને શું રાજદ્રોહમાં. આ બાબત વર્ષોથી એક વિવાદાસ્પદ ચીજ રહી છે, જેથી શાસનકારોને એનો ઉપયોગ પોતાના લાભાર્થે કરવાની છૂટ મળી ગઈ છે. 
જેમ કે હુબલીમાં એક ઘટના બની હતી, જ્યાં ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીઓને રાજદ્રોહના કાયદા હેઠળ અટકમાં લેવામાં આવ્યા હતા. તેમનો ગુનો એટલો હતો કે તેમણે પાકિસ્તાનની તરફેણમાં અને ભારતની વિરુદ્ધમાં અનેક વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર પોસ્ટ કર્યા હતા.  આ ગુનામાં થયેલી અટકાયતને કારણે તેમણે ૧૦૦ દિવસ જેલમાં રહેવું પડ્યું હતું.
તો બીજી એક ઘટના બૅન્ગલોરની છે. ૧૯ વર્ષ, માત્ર ૧૯ વર્ષની એક છોકરીની રાજદ્રોહના કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી! શા માટે? કારણ કે તેણે જાહેર પ્લૅટફૉર્મ પર ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. 

જ્યારે દેશમાં યુપીએની સરકાર હતી ત્યારનો પેલો કિસ્સો યાદ છે? યુપીએના ૧૦ વર્ષના શાસન દરમ્યાન નાગરિકો પર હજારો રાજદ્રોહના કેસ દાખલ કરવામાં આવ્યા હતા. તામિલનાડુના કુડનકુલમ ખાતેના પરમાણુ પાવર પ્લાન્ટ સામેના આંદોલનનો મામલો યાદ છેને? આ બાબતે પત્રકારો અને નાગરિક સમાજના સભ્યોની બનેલી એક ફૅક્ટ-ફાઇન્ડિંગ ટીમે આ મામલે ખૂબ વિગતે શોધખોળ કરી હતી અને જાણવા મળ્યું હતું કે કુલ ૫૫,૭૯૫ લોકો સામે એ સમયે એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો અને લગભગ ૨૩,૦૦૦ આંદોલનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે એમાંથી લગભગ ૯૦૦૦ વિરુદ્ધ ‘ભારત સરકાર સામે યુદ્ધ’ કરવા બદલ રાજદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

તો બીજા એક કિસ્સાને યાદ કરીએ તો કાયદાના દુરુપયોગનો સૌથી કુખ્યાત કેસ નજર સામે આવે છે. કાનપુર સ્થિત એક કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદી સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કારણ શું? સમાજમાં ભ્રષ્ટાચાર કેવી પરાકાષ્ઠાએ પહોંચ્યો છે એ દર્શાવતાં વ્યંગચિત્રો તેમણે દોર્યાં હતાં. આ માટે અસીમ ત્રિવેદીને બે અઠવાડિયાં જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. તેના પર ૨૦૧૨માં મુંબઈમાં અણ્ણા હઝારેએ જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન છેડ્યું હતું એ રૅલી દરમ્યાન બંધારણની ‘મશ્કરી’ કરતાં બૅનર્સ લગાવવાનો અને તેની વેબસાઇટ પર વાંધાજનક પોસ્ટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ‘મધર ઇન્ડિયાનો ગૅન્ગ રેપ’ શીર્ષક સાથે અસીમે એક કાર્ટૂનમાં ત્રિરંગી સાડીમાં સજ્જ એવાં મધર ઇન્ડિયા પર રાજકારણીઓ અને અમલદારો હુમલો કરી રહ્યા છે એવું દેખાડ્યું હતું, જેમાં ‘ભ્રષ્ટાચાર’ તરીકે વર્ણવેલી આનંદની મુદ્રામાં એક જાનવર ઊભું હોય એમ દર્શાવાયું હતું. 

તો અસીમનાં જ બીજાં વ્યંગચિત્રોમાં ભારતના રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભના સિંહોની જગ્યાએ તેણે શિયાળ દેખાડ્યાં હતાં. અશોક સિંહોના આ ચિત્ર પર તેણે શિલાલેખમાં ‘સત્યમેવ જયતે’ને બદલે ‘ભ્રષ્ટમેવ જયતે’ લખ્યું હતું. આ માટે મહારાષ્ટ્ર પોલીસે તેના પર રાજદ્રોહના આરોપ હેઠળ કેસ દાખલ કર્યો હતો અને તેની ધરપકડ કરી હતી. એ સમયે પણ કેન્દ્ર અને રાજ્યમાં કૉન્ગ્રેસની આગેવાની હેઠળની સરકાર સત્તામાં હતી.

આમ સોનિયા ગાંધીની આગેવાની હેઠળની યુપીએની સરકાર સૌથી ઓછા સમયમાં સૌથી વધુ રાજદ્રોહના આરોપ દાખલ કરવાની શંકાસ્પદ વિશિષ્ટતા ધરાવે છે, તો બીજી તરફ એનડીએ સરકાર પણ નિયમમાંથી બાકાત નથી જ. ભારતમાં કેટલાક ભાગો તો જાણે આ સરકારના સમયમાં રાજદ્રોહના હૉટસ્પૉટ તરીકે ઊભરી આવ્યા છે. દાખલા તરીકે આસામ અને ઝારખંડ એ બે રાજ્યો પર કુલ ૩૭ રાજદ્રોહના કેસ છે, જે ૨૦૧૪થી ૨૦૧૮ વચ્ચેના તમામ રાજદ્રોહના કેસમાં ૩૨ ટકા હિસ્સો ધરાવે છે. ઝારખંડમાં પોલીસે વિવિધ પ્રકારના દેખાવકારો પર આરોપ લગાવવા માટે રાજદ્રોહનો ઉપયોગ કર્યો છે. તો નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) વિરુદ્ધ ૩૦૦૦થી વધુ વિરોધીઓ સામે રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જ્યારે ૨૦૧૯માં ૩૩૦૦થી વધુ ખેડૂતો પર જમીનવિવાદ વિશે વિરોધ કરવા બદલ રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 

પત્રકાર વિનોદ દુઆ પર થયેલા કેસની વિગતો યાદ છેને? કોરોના પર સરકારના પ્રતિભાવની ટીકા કરવા બદલ વિનોદ દુઆ વિરુદ્ધ રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને પેલી દિશા રવિની ધરપકડ? ગ્રેટા થનબર્ગ ટૂલકિટ કેસમાં ૨૨ વર્ષની દિશા રવિ નામની છોકરીની ધરપકડ કરવામાં આવી હતી, કારણ કે તેણે ભારતમાં ખેડૂત આંદોલન બાબતે ટ્વીટ કર્યું હતું. હા, એ વાત સાચી કે સીએએના કાયદા બાબતે અને ખેડૂત આંદોલન બાબતે પણ સરકારે સકારાત્મક નિવેદનો અને રૂબરૂમાં ચર્ચા આવકારી હતી અને આંદોલનકારોને વાતચીત માટે બોલાવ્યા હતા, પરંતુ તેમણે ચર્ચાને બદલે મહદંશે વિરોધ-પ્રદર્શન કરવાનું પસંદ કર્યું હતું. 

જોકે સરકારનો આ બાબતે પક્ષ લેતાં માનનીય કોર્ટે પણ કહ્યું હતું કે વિરોધ-પ્રદર્શનના નામે કોઈ પણ વ્યક્તિ કે સમૂહ લોકજીવનને અસર થાય એ રીતે રસ્તા કે સ્થળો લાંબા સમય સુધી રોકી શકે નહીં.

પરંતુ ખબર છે કે આ કાયદાની સૌથી મોટી કરુણતા શું છે? આ કાયદો એક એવો કાયદો છે જે પોતે જ સંવિધાનના બીજા કાયદાને અવરોધે છે. એની અસરકારકતા વિશે પ્રશ્નો ઊભા કરે છે. મતલબ કે એકબીજાથી વિરુદ્ધ દેખાય છે, જેમ કે ઇન્ડિયન પીનલ કોડ (આઇપીસી)ની ધારા ૧૨૪-એ એટલે કે રોજદ્રોહનો કાયદો જે એમ કહે છે કે કોઈ વ્યક્તિ શબ્દો દ્વારા, બોલવામાં કે લખવામાં ધિક્કાર અથવા તિરસ્કાર ફેલાવવાનો પ્રયત્ન કરે તો એ રાજદ્રોહ છે. જ્યારે એની સામે સંવિધાનનો આર્ટિકલ-૧૯ દેશના દરેક નાગરિકને મુક્ત રીતે પોતાને વ્યક્ત કરવાની એટલે કે અભિવ્યક્તિની આઝાદી અને પબ્લિક લાઇફમાં કોઈ પણ જાતના ડર કે જાતિભેદ વિના સક્રિય થવાની છૂટ આપે છે. જ્યારે આર્ટિકલ-૧૪ દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર અપાવે છે. હવે મુખ્ય મુશ્કેલી એ છે કે આ ત્રણ અલગ-અલગ કાયદાનું ક્યારે, ક્યાં અને કઈ રીતે અર્થઘટન કરવું અને અમલ કરવો કે કરાવવો એ કોણ નક્કી કરશે?

જ્યારે નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરો દ્વારા આપવામાં આવેલા ડેટા દર્શાવે છે કે રાજદ્રોહના કેસ ૨૦૧૪માં ૪૭ હતા જે વધીને ૨૦૧૯માં ૯૩ થઈ ગયા છે, એટલે કે ૧૬૩ ટકાનો મોટો ઉછાળો! જોકે કેસમાંથી દોષી ઠર્યા હોય એનો રેશિયો માત્ર ૩ ટકા છે. એનો સીધો અર્થ એ છે કે આ ગુનો દાખલ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ વાસ્તવમાં એ કાયદા હેઠળ થયેલો ગુનો હોતો જ નથી, પરંતુ સરકાર દ્વારા એ કાયદાનો થયેલો ઉપયોગ હોય છે, કારણ કે અસલમાં તો સરકાર આ પ્રકારના મોટા ભાગના કિસ્સાઓમાં પોલીસ અને સંબંધિત રાજ્ય સત્તાવાળાઓ નાગરિકોમાં ભય પેદા કરવા અને શાસન સામેની કોઈ પણ ટીકા અથવા અસંમતિને શાંત કરવા માટે કાયદાનો આડેધડ ઉપયોગ કરતી હોય છે. શક્ય છે જેકોઈ વ્યક્તિની દૃષ્ટિએ અભિવ્યક્તિની આઝાદી છે એ સરકારની દૃષ્ટિએ રાજદ્રોહ છે અને શક્ય છે કોર્ટની દૃષ્ટિએ આ બન્નેમાંથી કંઈ પણ નહીં હોય. આથી જ ફરી પેલા અનુભવી વડીલે કહેલું વાક્ય યાદ કરાવીએ? ‘તમારે ક્યારેય એવી વ્યક્તિ સામે કાયદાકીય લડાઈ લડવા ન જવું જે ખુદ કાયદો બનાવતી હોય!’  

જો ખરેખર તેમણે કહેલી આ વાત જ હકીકત હોય તો સ્પષ્ટવક્તા બનશે કોણ? કાયદા ઘડનારાઓની પણ સકારાત્મક ટીકા કરશે કોણ? કારણ કે આખરે તો એક મજબૂત લોકશાહી માળખા માટે અભિવ્યક્તિની આઝાદી સાથે થયેલી ટીકાઓ ખૂબ મહત્ત્વનું અંગ છે, પરંતુ, પરંતુ, પરંતુ, ‘સ્પાઇડરમૅન’ ફિલ્મ જોઈ છે? ‘વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પૉન્સિબિલિટી!’ જેમ સરકાર કાયદાનો દુરુપયોગ કે પોતાના સ્વાર્થ માટે એનો ઉપયોગ કરવા માટે જવાબદાર છે એ જ રીતે આપણે પણ અભિવ્યક્તિની આઝાદી જવાબદારીપૂર્વક નિભાવીએ અને ભોગવીએ તો એની બ્યુટી છે. આ ‘ટીકા’ કે ‘ટિપ્પણીઓ’ જેવા શબ્દો સાથે ‘સકારાત્મક’ શબ્દ પણ જોડાયેલો છે અને એની રજૂઆત પણ ‘સકારાત્મકતા’ દ્વારા કરવામાં આવે એ જરૂરી છે. જો તમારી વાત કહેવા માટે કે મનાવવા માટે તમે નકારાત્મક પરિબળો કે વિકલ્પોનો ઉપયોગ કરો તો સ્વાભાવિક છે કે સરકારે ક્યાંક અને ક્યારેક તો પગલાં લેવાં જ પડે.   

રાજદ્રોહ શું છે અને શું નથી એ વ્યાખ્યાયિત કોણ કરે?
૧૯૬૨ની વાત છે જ્યારે કેદારનાથ કેસ બાબતે ચુકાદો આપતાં માનનીય કોર્ટ દ્વારા કહેવાયું હતું કે દેશદ્રોહ કાયદો એવા દુર્લભ કિસ્સાઓમાં લાગુ થવાનો હતો જ્યાં દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ જોખમમાં હોય, પરંતુ અસંમતિ અને સ્વતંત્ર વાણીને દબાવવા માટે રાજકીય પ્રતિસ્પર્ધીઓ સામે આ કાયદાને એક સરળ સાધન તરીકે શસ્ત્ર બનાવવામાં આવ્યો હોય એવું દર્શાવતાં ઉદાહરણો વધી રહ્યાં છે. તો વળી જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડે પણ આંધ્ર પ્રદેશ સરકારને આઇપીસીની કલમ ૧૨૪-એ (રાજદ્રોહ) હેઠળ નોંધાયેલી બે તેલુગુ ન્યુઝ-ચૅનલો સામે પ્રતિકૂળ પગલાં લેવાથી રોકી હતી અને ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ‘બધું જ રાજદ્રોહ ન હોઈ શકે. આ સમય છે કે આપણે વ્યાખ્યાયિત કરીએ કે રાજદ્રોહ શું છે અને શું નથી.’ અન્ય એક મહત્ત્વપૂર્ણ કેસમાં જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબદુલ્લા સામે દાખલ કરાયેલી પીઆઇએલ વિશે ટિપ્પણી કરતાં ન્યાયમૂર્તિ ચંદ્રચુડે જણાવ્યું હતું કે ‘અસંમત અને સરકારના અભિપ્રાયથી અલગ હોય એવા અભિપ્રાયને રાજદ્રોહ કહી શકાય નહીં’. એવી જ રીતે દિશા રવિ કેસમાં દિલ્હી હાઈ કોર્ટના ચુકાદામાં સ્પષ્ટપણે સરકારને કહેવામાં આવ્યું હતું કે ‘સરકાર માત્ર એટલા માટે કોઈને જેલના સળિયા પાછળ રાખી શકતી નથી, કારણ કે તેમણે રાજ્યની નીતિઓ સાથે અસંમત હોવાનું પસંદ કર્યું છે.’ ન્યાયતંત્રના આ ચુકાદાઓ કારોબારી દ્વારા રાજદ્રોહના કાયદાના અર્થઘટનથી સ્પષ્ટપણે અલગ પડે છે અને દર્શાવે છે કે કેવી રીતે કાયદાનો તેમના દ્વારા આડેધડ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

અનુચ્છેદ-૧૪ દ્વારા રજૂ કરાયેલા તાજેતરના ડેટા મુજબ નાગરિકતા સુધારા કાયદા (સીએએ)ના વિરોધ પછી ૨૫ જેટલા હાથરસ ગૅન્ગ રેપ પછી ૨૨ અને પુલવામાની ઘટના પછી ૨૭ રાજદ્રોહના કેસ દાખલ કરવામાં આવ્યા હતા. કુલ મળીને છેલ્લા એક દાયકામાં ૪૦૫ ભારતીયો સામે નોંધાયેલા રાજદ્રોહના ૯૬ ટકા કેસ ૨૦૧૪ પછી નોંધાયા છે. 

 

15 May, 2022 01:15 PM IST | Mumbai | Aashutosh Desai

અન્ય લેખો

યૂં હી કટ જાએગા સફર, સાથ ચલને સે

‘હમ હૈં રાહી પ્યાર કે’નું આ પિકનિક-સૉન્ગ હકીકતમાં તો ગીતકાર સમીરે ક્યારનું લખી લીધું હતું અને નદીમ-શ્રવણે એ પોતાની સાથે રાખી લીધું હતું, પણ આઠ ફિલ્મોમાં રિજેક્ટ થયા પછી મહેશ ભટ્ટે સૉન્ગ સાંભળ્યું અને એકઝાટકે હા પાડી દીધી

27 May, 2022 03:39 IST | Mumbai | RJ Dhvanit Thaker

બેફામ બાળપણ માટે પેરન્ટ્સ અને સરકાર બન્નેએ કંઈક કરવું પડશે

કલ્ચર વધવાને કારણે હવે નાનકા ટાબરિયાને કોઈ પણ પ્રકારની રોકટોક પસંદ નથી. મોબાઇલની દુનિયા હવે ખાસ થઈ ગઈ છે, જેને કારણે ખૂબ વહેલી ઉંમરે ટીનેજર્સમાં પ્રેમ-પ્રકરણ ખૂબ વધવા લાગ્યાં છે.

27 May, 2022 03:34 IST | Mumbai | Bhavini Lodaya

કરાટેનું લર્નિંગ આ યુવાન માટે બન્યું ટર્નિંગ પૉઇન્ટ

ઉંમર હતી ૧૪ વર્ષની જ્યારે ૯૬ કિલોના રાહુલ કારેલિયાના જીવનમાં કોઈ ધ્યેય નહોતું, એમાંથી આજે સેંકડો લોકોને કરાટેમાં ટ્રેઇન કરનારા રાહુલ કારેલિયાના લાઇફના ગોલ્સ જ બદલાઈ ગયા છે

27 May, 2022 03:29 IST | Mumbai | Ruchita Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK