Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમારી હૅપીનેસનું સીક્રેટ છે ગ્રેટિટ્યુડ

તમારી હૅપીનેસનું સીક્રેટ છે ગ્રેટિટ્યુડ

21 September, 2022 11:31 AM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

જીવનની પ્રત્યેક ક્ષણ સુખમય જાય એવું તમે ઇચ્છતા હો તો ‘ગ્રેટિટ્યુડ’ એટલે કે કૃતજ્ઞતાને આજથી જ અમલમાં મૂકવાનું શરૂ કરી દો. આજે ‘વર્લ્ડ ગ્રેટિટ્યુડ ડે’ છે ત્યારે આ કન્સેપ્ટને અને એની પાછળના સાયન્સને સમજીએ

તમારી હૅપીનેસનું સીક્રેટ છે ગ્રેટિટ્યુડ

રોજેરોજ યોગ

તમારી હૅપીનેસનું સીક્રેટ છે ગ્રેટિટ્યુડ


‘લૉ ઑફ ઍટ્રૅક્શન’ મુજબ જે ફીલિંગ્સ કે ભાવને તમે વારંવાર રિપીટ કરો છો એ જ પ્રકારના સંજોગોને ઍટ્રૅક્ટ કરો છો. તમારી મનઃસ્થિતિથી જ તમારી પરિસ્થિતિ નક્કી થતી હોય છે.  મજાની વાત એ છે કે દરેક પરિસ્થિતિમાં તમને કંઈક તો સારું મળશે જ જો તમે જોવા તૈયાર હો તો. જીવનની પ્રત્યેક ક્ષણ સુખમય જાય એવું તમે ઇચ્છતા હો તો ‘ગ્રેટિટ્યુડ’ એટલે કે કૃતજ્ઞતાને આજથી જ અમલમાં મૂકવાનું શરૂ કરી દો. આજે ‘વર્લ્ડ ગ્રેટિટ્યુડ ડે’ છે ત્યારે આ કન્સેપ્ટને અને એની પાછળના સાયન્સને સમજીએ

રુચિતા શાહ
ruchita@mid-day.com



ધારો કે એક દિવસ એકદમ અચાનક તમારા ફેવરિટ ભગવાન તમારી સમક્ષ પ્રગટ થયા.


તેમણે તમને કહ્યું, ‘માગ-માગ વત્સ, આજે તારે જે વરદાન જોઈતું હોય એ માગી લે.’

તમે વિચારમાં પડ્યા કે યાર કેટલી બધી ઇચ્છાઓ બાકી છે, શું માગવું પહેલાં?


ત્યાં તમારા મનની વાત જાણીને ભગવાને પાછું તમને કહ્યું, ‘અરે વત્સ, તું તારે જે-જે માગવું હોય એ બધું માગ. એકેએક ઇચ્છા પૂરી કરીશ આજે તારી. તું ખાલી અવાજ કર.’ 

તમે રાજીના રેડ થઈ ગયા. હેલ્ધી લાઇફ, કરોડો રૂપિયાનું બૅન્ક-બૅલૅન્સ, મોટો બંગલો, સમાજમાં અદકેરું સ્થાન, મનગમતો જીવનસાથી, સુખી-સંપન્ન પરિવાર જેવું તમારી સુખની વ્યાખ્યામાં જે-જે સેટ થતું હતું એ બધું જ તમે માગ્યું અને ભગવાન તો ‘તથાસ્તુ’ કહીને અદૃશ્ય થઈ ગયા. તમે જે જીવનને સપનામાં નિહાળ્યું હતું એવું જ જીવન તમને જીવવા મળી ગયું. એ બધેબધું તમારી પાસે છે જેની તમે કલ્પના કરી હતી. બસ સુખેસુખ. હવે સાચું કહેજો કે આટલું મળી ગયા પછી પણ તમે કહી શકો કે હવે જીવનમાં કંઈ જ ખૂટતું નથી? તમે જે ઇચ્છતા હતા એ બધું જ તમારી પાસે ખરેખર આવી ગયું અને હવે એકેય વાતનું દુઃખ નથી એવું કૉન્ફિડન્ટ્લી કહી શકો તમે? પ્રૅક્ટિકલ જવાબ છે ના. આપણને ગમે એટલું મળી જાય એ પછીય કંઈક તો ખૂટતું આપણને લાગશે જ. આજથી પાંચ વર્ષ પહેલાં તમે જે ઇચ્છતા હતા એ આજે તમને મળી ગયું એટલે હવે તમારી ઇચ્છાઓ સમાપ્ત થઈ ગઈ, એવું નથી. એ ઇચ્છાઓ પૂરી થઈ તો આજે નવી ઇચ્છાઓ જાગી. એ પૂરી થશે એટલે ફરી પાછું કંઈ નવું આવશે. આ સાઇકલ ચાલતી જ રહેવાની. મોરલ ઑફ ધ સ્ટોરી એ કે દરેક સમયે કંઈક તો એવું હશે જેનો અભાવ લાગશે અને જો તમે એ અભાવ પર જ ફોકસ કરીને મનમાં સ્ટ્રેસ, ટેન્શન, અફસોસ કે વસવસો રાખ્યા કરશો તો સ્વર્ગમાંથી ભગવાન આવીને પણ તમને સુખી નહીં કરી શકે. બસ અહીં જ શરૂ થાય છે ગ્રેટિટ્યુડનું મહત્ત્વ. ‘સીક્રેટ’ અને ‘ધ મૅજિક’ જેવાં પુસ્તકો દ્વારા રોન્ડા બર્ને ‘લૉ ઑફ ઍટ્રૅક્શન’ના સિદ્ધાંતને ખૂબ જ પદ્ધતિસર ડિફાઇન કર્યો છે. તમારી પાસે જે છે એના માટે તમે આનંદિત રહો, તમારી પાસે જે છે એને માટે તમે સતત આભાર માનતા રહો ત્યારે એને કારણે જે પ્રકારની એનર્જી જનરેટ થાય એ સુખમાં વધારો કરનારી હશે. તમે જેવા વિચાર કરો છો, તમે જે અહેસાસમાં, જે ભાવમાં રહો છો એ જ પ્રકારના સંજોગોને ઍટ્રૅક્ટ કરો છો. કુદરતના ‘લૉ ઑફ ઍટ્રૅક્શન’ સિદ્ધાંતની વૈજ્ઞાનિકતાના આધારે ગ્રેટિટ્યુડ એટલે કૃતજ્ઞતા, અહોભાવ દ્વારા કઈ રીતે જીવનને ટ્રાન્સફૉર્મ કરી શકાય એ વિષય પર આજે ‘વર્લ્ડ ગ્રેટિટ્યુડ ડે’ નિમિત્તે ચર્ચા કરીએ. 

આપણી સંસ્કૃતિના મૂળમાં

તમે બહુ જ ડીપલી જોશો તો આપણી ભારતીય સંસ્કૃતિમાં ડગલે ને પગલે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરા છે. પ્રકૃતિના એકેએક અંશ પ્રત્યે આપણે ગ્રેટિટ્યુડ વ્યક્ત કરતા આવ્યા છીએ. જેમ કે ભોજન જમતાં પહેલાં પ્રેયર, સ્નાન કરતી વખતે પ્રેયર, આયુર્વેદમાં કોઈ મેડિસિનલ પ્લાન્ટ પરથી પાંદડું કે એનાં મૂળ લેતાં પહેલાં પણ એની પરમિશન લેવાની અને અનુગ્રહ વ્યક્ત કરવાની પરંપરા છે. આપણે સૂર્યને જળ ચડાવી એમનો આભાર માનીએ, આપણે નદીની અને સમુદ્રની પૂજા કરીએ. કોઈ પણ મોટો ગ્રંથ, શ્લોક કે સ્તોત્ર હોય તો એમાં પણ તમે જોયું હશે કે પહેલાં મંગલાચરણમાં ઈશ્વરનો અને ગુરુનો આભાર માનીને જ એની શરૂઆત થાય. આપણે ત્યાં સદીઓથી ગ્રેટિટ્યુડની વૃ​દ્ધિ કરે એવી બાબતો પરંપરામાં જોડી દીધી છે. જોકે આજના પરિપ્રેક્ષ્માં ગ્રેટિટ્યુડના આ ગુણને જીવનમાં ટે​ક્નિકલી ઉતારવાની ટ્રેઇનિંગ ૨૦૨૦ નવેમ્બરથી સુરતના ચિરાગ શાહ અને તેમનાં ભાઈ-બહેન અને કેટલાક લાઇક-માઇન્ડેડ લોકોએ ભેગા થઈને ‘કોચ ફૉર લાઇફ’ કંપની અંતર્ગત લોકોને આપી રહ્યા છે. રોન્ડા બર્નના ‘ધ મૅજિક’ પુસ્તકના આધારે દર મહિનાની પહેલી તારીખે સવાર, બપોર અને સાંજ હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં જીવનમાં ગ્રેટિટ્યુડને કેમ સ્થાન આપવું, કેવી રીતે આપવું વગેરેની એક મહિનાના નિ:શુલ્ક કોર્સમાં ચિરાગ શાહ અને તેમની વિવિધ કોચની ટીમ અત્યાર સુધીમાં ૭૨,૦૦૦થી વધુ લોકોને ટ્રેઇન કરી ચૂક્યા છે. ચિરાગભાઈ કહે છે કે ‘તમારા સુખ-દુખમાં તમારો નજરિયો બહુ મહત્ત્વનો છે. અત્યારના સંજોગોમાં પણ તમે સુખી થઈ શકો અને જો નજરિયો માત્ર નેગેટિવ દિશામાં હોય તો ગમે એવા સુખમય માહોલમાં પણ તમે દુખી રહી શકો. નૉર્મલી આપણે બધા જ એક ઇલ્યુઝનમાં જીવીએ છીએ કે મને આ મળશે તો હું સુખી થઈશ, મારા દીકરાને સારી નોકરી મળશે એટલે શાંતિ, મારી પત્ની કચકચ ઓછી કરતાં શીખી જશે એટલે સુખી કે મારું વન બીએચકેને બદલે ફોર બીએચકેનું ઘર હશે તો સુખી થઈશ. હકીકત એ છે કે અત્યારની તમારી ઇચ્છા પૂરી થાય એ પહેલાં જ બીજી જાગી ગઈ હશે, એટલે ઇચ્છાઓ પૂરી થવાથી સુખ મળશે એ બહુ મોટી ભ્રમણા છે. બીજી દૃ​ષ્ટિએ જોવા જઈએ તો ઘણાની દૃ​​ષ્ટિએ આપણે અત્યંત સુખી છીએ. આ દુનિયામાં ૧૦૦ કરોડ લોકો એવા છે જેમની પાસે રહેવા માટે ઘર નથી, જ્યારે તમે નાનકડા કહો તોય પોતાના ઘરમાં, છત નીચે રહો છો. ૯૩ કરોડ લોકો દુનિયામાં એવા છે જેમને બે ટાઇમનું ભોજન નથી મળતું અને આપણે ઘણા સુખી છીએ કે જ્યારે જે ઇચ્છીએ એ મનગમતું ભોજન ખાઈ શકીએ છીએ. ઇચ્છાપૂર્તિથી મળતી ખુશી બહુ જ ટેમ્પરરી છે, પરંતુ તમારી પાસે રહેલી સુખમય બાબતો પર ફોકસ કરવાથી મળતો સંતોષ અને એનો આનંદ લૉન્ગ ટર્મ અને પર્મનન્ટ છે. પંદર હજાર રૂપિયા પગાર ધરાવતાને એમ થાય કે પચાસ હજાર સૅલરી થાય પછી ચિંતા જ નહીં અને જેવો પચાસ હજાર રૂપિયા પગાર થાય કે તેની આકાંક્ષા લાખ રૂપિયાની જાગે અને પછી ત્રણ લાખ આવક થાય તો પણ તેને સુખની અનુભૂતિ ન થતી હોય. અહીં ‘મૅજિક’ પુસ્તકના ઓથર તમને દરેક સંજોગોમાં રહેલી સારી બાબતો તરફ ફોકસ શિફ્ટ કરીને એના માટે ગ્રેટિટ્યુડ ફીલ કરવાનું શીખવે છે. જો આ કળા આવડી જાય તો તમે જીવનના કોઈ પણ તબક્કે માત્ર ખુશ જ હશો.’

ચિરાગ જે. શાહ

લોહચુંબકનો નિયમ

તમે પોતાની જાતને મૅગ્નેટની જેમ જુઓ. જે પ્રકારનો ભાવ સતત તમારા મનમાં વહેતો રહેશે એ પ્રકારની એનર્જી તમારી તરફ આકર્ષાશે. પ્રત્યેક ક્ષણ તમે તમને મળેલા બ્લેસિંગ્સ તરફ જ ફોકસ કરતા હશો અને એ જ પ્રકારની એનર્જી, વધુ ને વધુ એવી જ પૉઝિટિવ બાબતો નૅચરલી તમે ઍટ્રૅક્ટ કરશો. ધારો કે અત્યારે પંદર હજાર રૂપિયાના પગારમાં પણ તમે ઈશ્વરનો એવો આભાર માની રહ્યા છો અને ગ્રેટિટ્યુડ ફીલ કરી રહ્યા છો તો બને કે એવા જ પ્રકારના સંજોગો ઊભા થાય કે આવક તમને ખબર પણ ન પડે અને તમારી આવક પંદર હજારથી પચાસ હજાર થઈ ગઈ હોય. 

ગ્રેટિટ્યુડ વર્કશૉપના કામમાં જોડાયા પછી ૪૩ વર્ષે રિટાયરમેન્ટ લઈ લેનારા ચિરાગભાઈ કહે છે કે ‘આ વાતો નથી, આવું બન્યું છે. સેંકડો નહીં, આ વર્કશૉપમાં ભાગ લેનારા હજારો લોકોનો અનુભવ છે કે રિલેશનશિપ, આર્થિક પરિસ્થિતિ, હેલ્થ સ્ટેટસ, સોશ્યલ સ્ટેટસમાં લોકોના જીવનમાં અદ્ભુત પરિણામ આવ્યું હોય. અહીં ઘણાને પ્રશ્ન થાય કે મારી પાસે જે છે એમાં જ ખુશી મનાવું અને સંતોષી થઈને બેસી જાઉં તો કોઈ મહત્ત્વાકાંક્ષા જ ન રહે, તો જીવનમાં પ્રગતિ કેમ થાય? એનો જવાબ એ છે કે તમે અહીં સંતુષ્ટ છો અને જે છે એને સેલિબ્રેટ કરી રહ્યા છો એ સિચુએશન જ તમને વધુ ને વધુ ગ્રોથ તરફ લઈ જશે. મહત્ત્વાકાંક્ષા સેવ્યા વિના પણ સતત તમે પ્રગતિના પંથે જ હશો. સમૃ​દ્ધિ નૅચરલી ઍટ્રૅક્ટ થતી હોય છે. તમારી ઝંખનાની એના માટે જરૂર જ નથી રહેતી. એ નૅચરલ પ્રોસેસ છે. ગ્રેટિટ્યુડથી ઘણાનાં જીવન ટ્રાન્સફૉર્મ થયાં છે, જેમ કે કોઈકના પ્રિયજન બીમારીમાં ગુજરી ગયા હોય અને એમાંથી ગ્રેટિટ્યુડ પ્રૅક્ટિસે તેમને બહાર આવવામાં મદદ કરી હોય. સુસાઇડ કરવા જનારા લોકોએ જીવનની દિશા બદલી નાખી હોય. દરેક સ્તરે આ લાભકારી છે.’

ટ્રાય કરો આ બે મૅથડ

કાઉન્ટ યૉર બ્લેસિંગ્સ: એક ડાયરી બનાવો જેમાં તમારે રોજ દસ એવી બાબતો લખો જેને માટે તમે આભાર વ્યક્ત કરી શકવાના હો, જેમ કે હું કેટલો નસીબદાર છું કે મને ભગવાને સુંદરમજાના બે હાથ આપ્યા, જેના થકી હું વ્યવસ્થિત કામ કરી શકું છું. હું ઈશ્વરનો આભાર માનું છું આને માટે. થૅન્ક યુ, થૅન્ક યુ, થૅન્ક યુ. હું કેટલો ભાગ્યશાળી છું કે મને નોકરી મળી છે અને મારી દર મહિને આવક ચાલુ છે. કેટલાયે લોકો જૉબલેસ છે ત્યારે મને આવકનું માધ્યમ ઈશ્વરે આપ્યું છે. થૅન્ક યુ, થૅન્ક યુ, થૅન્ક યુ. દરેક ગ્રેટિટ્યુડ લખ્યા પછી ત્રણ વખત થૅન્ક યુ લખવાનું. હું દરરોજ ભોજન કરું છું અને શરીરને પોષણ આપી શકું છું એને માટે હું દરરોજ ખેતરમાં તનતોડ મહેનત કરતા એ ખેડૂતોનો ખૂબ આભારી છું. થૅન્ક યુ, થૅન્ક યુ, થૅન્ક યુ. દરરોજ સવારે આવા ૧૦ નવા ગ્રેટિટ્યુડ લખવાના અને ઈશ્વરનો કે તમારાં માતા-પિતાનો કે જે-તે વ્યક્તિનો આભાર માનવાનો. દરરોજ આગલા દિવસે લખેલા ગ્રેટિટ્યુડનું લિસ્ટ વાંચી જવાનું અને પછી નવું લિસ્ટ બનાવવાનું. 

ધ મૅજિક રૉક: રાતે સૂતાં પહેલાં કોઈ પણ એક પથ્થર હાથમાં રાખો અને હાથમાં પથ્થરને સ્પર્શતાં-સ્પર્શતાં આખા દિવસમાં બનેલી શ્રેષ્ઠ ઘટનાઓને યાદ કરો. સૂતાં પહેલાં જે પણ સારું થયું એને તમારી મેન્ટલ સ્ક્રીન પર ફરી એક વાર રિવાઇવ કરો અને એને માટે ઈશ્વરનો અને એ ઘટના સાથે સંકળાયેલા તમામ લોકોનો મનોમન આભાર માનો. આ બન્ને અભ્યાસથી તમારા દિવસની શરૂઆત અને અંત કૃતજ્ઞતા સાથે થશે.

શીખવી છે તમારે ગ્રેટિટ્યુડની ટે​ક્નિક?

ગ્રેટિટ્યુડને લગતી એક મહિનાની ફ્રી ઑનલાઇન વર્કશૉપ તમારે પણ અટેન્ડ કરવી હોય તો વિગત માટે તમે www.coachforlife.in/magic વેબસાઇટ પર વિઝિટ કરી શકો છો અથવા 8401840170 નંબર પર સંપર્ક કરી શકો છો.

Whatsapp-channel Whatsapp-channel

21 September, 2022 11:31 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK