૭૫ વર્ષ એટલે ત્રણ પેઢી. આ ૩ પેઢીઓએ બંધારણને લક્ષ્મણરેખા માનીને ગમા-અણગમા સાથે પણ વહીવટી ક્ષમતા જાળવી રાખી છે. પણ હવે એક પ્રશ્ન પેદા થયો છે.
પ્રતીકાત્મક તસવીર
સમય બડા બલવાન હૈ. આ વાત તો આપણે બધા જાણીએ છીએ પણ હમણાં સમયની આ દોરી ખેંચ રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ વચ્ચે જે થઈ રહી છે એ જરા રસપૂર્વક જોવા જેવી છે. ૧૪૦ કરોડની વસ્તીવાળા આપણા દેશમાં રાષ્ટ્રપતિ અને ચીફ જસ્ટિસ વચ્ચે સવાલ-જવાબ થતા હોય એવું આપણી સાંભરણમાં તો કદાચ આ પહેલી જ વાર છે.
આપણા વડીલોએ આ દેશનું સુકાન અંગ્રેજો પાસેથી લઈને આપણને આપ્યું. આ સુકાન કેવી રીતે ઉપયોગમાં લેવું, દેશનો વહીવટ કેવી રીતે ચલાવવો આ બધું ૩ વર્ષ સુધી દેશના સેંકડો શાણા માણસોએ બેસીને વિચાર્યું હતું અને પછી આપણને દેશનો વહીવટ સોંપવાની સાથે જ કહ્યું, ‘લ્યો, હવે દેશનો વહીવટ આમાં જે લખ્યું છે એ પ્રમાણે જ કરવાનો રહેશે. સમય જતાં જો એમાં કંઈ આઘુંપાછું કરવું પડે તો એવું કરવાની તમને છૂટ છે પણ એવું કરવા માટે અમે જે ચોક્કસ નિયમો ઘડી આપ્યા છે એ પ્રમાણે જ કરવાનું રહેશે.’ આ શિખામણને છેલ્લાં ૭૫ વર્ષથી આપણે બંધારણ તરીકે ઓળખીએ છીએ. ૭૫ વર્ષ એટલે ત્રણ પેઢી. આ ૩ પેઢીઓએ બંધારણને લક્ષ્મણરેખા માનીને ગમા-અણગમા સાથે પણ વહીવટી ક્ષમતા જાળવી રાખી છે. પણ હવે એક પ્રશ્ન પેદા થયો છે.
ADVERTISEMENT
આપણા બંધારણના આદેશ પ્રમાણે આપણા વહીવટી તંત્રનું માળખું ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. રાજ્યની ધારાસભાઓ અને સંસદ જરૂરી કાયદાઓ ઘડી કાઢે અને પછી રાજ્ય કે કેન્દ્રના અધિકાર પ્રમાણે ગવર્નર અથવા રાષ્ટ્રપતિ એને મંજૂરી આપે. રાજ્યના અને કેન્દ્રના આ વહીવટી અધિકારો બંધારણે નિયત પણ કરી આપ્યા છે એટલે તેમની મંજૂરી વિના કાયદો અમલી બનતો નથી એ ખરડો કહેવાય છે પણ જો ગવર્નર કે રાષ્ટ્રપતિ આવા ખરડા ઉપર સહી ન કરે તો ધારાસભા કે લોકસભા એને ફરી વાર પાસ કરે છે અને ગવર્નર કે રાષ્ટ્રપતિએ હવે બીજી વાર મંજૂરીની મહોર મારવી પડે. ધારાસભા કે સંસદ એ પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે. ગવર્નર કે રાષ્ટ્રપતિ પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા નથી. આમ છતાં બીજી વાર પણ ગવર્નર આ ખરડાને ધારાસભામાં પાછો મોકલી દે તો ધારાસભા એને ફરી એક વાર પસાર કરે. અને હવે આ વખતે પણ ગવર્નર કે રાષ્ટ્રપતિ એને રોકી શકે ખરા?
આ પાયાનો પ્રશ્ન તામિલનાડુની ધારાસભામાં તાજેતરમાં ઉપસ્થિત થયો છે. તામિલનાડુની સરકાર અને કેન્દ્ર સરકાર બન્ને સામસામે છે. તામિલનાડુના ગવર્નરે તામિલનાડુની સરકારે જે ખરડો પસાર કર્યો છે એના વિશે એકે વાર હા કે ના કશુંય કહ્યા વિના આ ખરડાની ફાઇલ પોતાની ઑફિસના ટેબલના ખાનામાં રાખી મૂકી છે. આ ફાઇલ કેટલો વખત રાખી શકાય એનો આદેશ બંધારણમાં નથી. એ સાથે જ ધારાસભા એટલે કે પ્રજાના પ્રતિનિધિઓ (જોકે આ પ્રતિનિધિઓ કેવા હોય છે એનો આપણને પૂરતો અનુભવ થઈ ગયો છે.) પ્રજાની ઇચ્છાની અવગણના ક્યાં સુધી કરી શકે? તમિલનાડુની સરકારે ન્યાયતંત્ર પાસેથી આ પ્રશ્નનો ઉત્તર મેળવવાનો પ્રયત્ન કર્યો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ચુકાદો આપી દીધો કે ગવર્નરે ત્રણ મહિનામાં પોતાની સંમતિ કે અસંમતિ સાથે એ ખરડો પાછો મોકલવો જોઈએ. કોઈ સંજોગોમાં એને પડતર ક્યાં સુધી રાખી શકાય? ગવર્નર બંધારણીય છે. બંધારણમાં ક્યાંય સમયમર્યાદા આપી નથી. એમાં એટલો જ આદેશ આપવામાં આવ્યો છે કે વાજબી સમયમર્યાદામાં આ વહીવટ થઈ જવો જોઈએ.
હવે શું?
આ વાજબી સમયમર્યાદા એટલે શું? એ લાખ રૂપિયાનો સવાલ છે. ગવર્નર કે ધારાસભા જે કંઈ કરે ત્યારે ન્યાયતંત્ર એને આદેશ આપી શકે ખરું? મુદ્દો સાચો છે પણ ન્યાયતંત્ર કોઈ પણ સંજોગોમાં ધારાસભાની પાંખ કરતા વિશેષ સત્તાધારી બની શકે ખરું ? ન્યાયતંત્રે માત્ર જે કંઈ બનતું હોય અથવા જે કંઈ બન્યું હોય એના વિશે બંધારણના આદેશનો ઉલ્લંઘન ન થાય એ નક્કી કરવાનું છે પણ એ નક્કીનો અર્થ નવો આદેશ આપવા જેવો તો ન જ થાય.
ચીફ જસ્ટિસે જે ત્રણ મહિનાની મર્યાદા આંકી આપી છે એમાં અન્યાય નથી પણ એમાં લક્ષ્મણરેખા તો જરૂર ઓળંગાઈ છે. કશુંક કરવું જરૂરી છે પણ એ કશુંક કરવાનો અધિકાર કોની પાસે છે?
હવે તમે જ કહો
વાત સાવ સાચી, પણ એ સાચી વાત સામે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓને આપણે નાનકડો સવાલ પણ પૂછી શકીએને! ધારાસભાના ખરડાને ગવર્નર અનિશ્ચિત મુદત સુધી અનિર્ણિત રાખી શકે ખરા? જો આમ થાય તો પ્રજાના પ્રતિનિધિત્વનું શું? એટલું જ નહીં, સમયમર્યાદાનો જેવો આગ્રહ કરે છે એ ન્યાયતંત્રને આપણે એ પણ પૂછી લઈએ કે તમારી પાસે કેટલા લાંબા સમયથી અનિર્ણિત ખટલાઓ પડ્યા છે? અદાલતમાં કોઈ પણ મુદ્દા માટે ન્યાય માગવો એટલે પ્રજા એટલું જ કહે આટો અને આવરદા બન્ને હોવાં જોઈએ. જો ન્યાયતંત્રનો આ ચુકાદો ન્યાયી હોય તો એનો અમલ પોતાને આંગણે જ કરવાનો ન્યાયતંત્ર પાસેથી આપણે આગ્રહ ન રાખી શકીએ? અહીં પ્રશ્નો અપરંપાર છે. પક્ષીય તાણખેંચથી અથવા વ્યક્તિગત અહમને લક્ષમાં રાખીને આ પ્રશ્નની વિચારણા કરવામાં આવશે તો પૂર્વજોએ ઘડી આપેલા બંધારણના આપણે દ્રોહી ગણાઈશું. બંધારણ સભામાં જ સરદાર પટેલે એક વાત કહી હતી, ‘બંધારણ ગમે એવું સારું ઘડાયેલું હોય પણ જો એનો અમલ ખરાબ હાથોમાં જશે તો એ સારું નહીં રહે અને જો ગમેતેવું ખરાબ બંધારણ સારા હાથોમાં જશે તો એનો અમલ સારી રીતે જ થશે.’
આ વાત અત્યારે ત્રાજવે તોળાયેલી છે. કહો જોઈએ સરદાર પટેલે જે કહ્યું હતું એમાંથી આપણે અત્યારે કઈ બાજુ છીએ?


