ગોલ્ડ મેડલિસ્ટ મૂર્તિકાર અને ચિત્રકાર બાબુભાઈ ધનાણીનું પૅશન જ પ્રોફેશન
બાબુભાઈ ધનાણી
૫૮૦થી પણ વધુ રીતે યુનિવર્સના બીજમંત્ર ૐનું પેઇન્ટિંગ્સમાં નિરૂપણ કરનારા, વિવિધ ધાતુઓમાંથી સરદાર પટેલની પાંચ હજારથી વધુ મૂર્તિઓ બનાવનારા ગોલ્ડ મેડલિસ્ટ મૂર્તિકાર અને ચિત્રકાર બાબુભાઈ ધનાણીનું પૅશન જ પ્રોફેશન છે. જેના શ્વાસમાં મૂર્તિકળા છે, જેના ધબકારમાં ચિત્રકારી છે એવા અનોખા માનવીને મળીએ
‘જગતનો સૌથી સુખી માણસ હું છું, કેમ કે મારે કોઈની સાથે કૉમ્પિટિશન નથી.’
ADVERTISEMENT
આવું કહે છે ૫૮૦થી પણ વધુ રીતે ૐનું પોતાનાં પેઇન્ટિંગ્સ દ્વારા નિરૂપણ કરનારા બાબુભાઈ ધનાણી. સોનું, ચાંદી, પંચધાતુ, બ્રાસ, બ્રૉન્ઝ, તાંબું, ગન મેટલ, ઈપોક્સી એફઆરપી વગેરે વિવિધ ધાતુઓમાંથી સરદાર વલ્લભભાઈ પટેલની ૫૦૦૦થી વધુ મૂર્તિઓ તેમણે બનાવી છે. ૨૦૦૦થી વધુ પોર્ટ્રેટ પેઇન્ટિંગ્સ, ૫૦૦થી વધુ ઑઇલ પેઇન્ટિંગ્સ બનાવ્યાં છે અને એ માટે વિવિધ અવૉર્ડ્સ પણ તેમણે મેળવ્યા છે.
સનાતન ધર્મના ઊંડા અભ્યાસી અને એમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા મૂર્તિકાર અને ચિત્રકાર બાબુભાઈ દૃઢપણે માને છે કે આખી સૃષ્ટિની અને વિશ્વના બધા જ સંપ્રદાયોની ઉત્પત્તિ ૐમાંથી જ થઈ છે. કોઈ પણ એક જ વિષયને કેન્દ્રમાં રાખીને એના ઉપર આટલું બધું અને આટલી વિવિધતા સાથેનું કામ કરવું કેવી રીતે શક્ય બન્યું એમ તેમની ૐ પેઇન્ટિંગ્સની શ્રેણી વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે તેઓ ફક્ત અંતઃસ્ફુરણાથી કામ કરે છે. શરૂઆતમાં જ્યારે એ એમનું કામ કરતાં થાકી જતાં ત્યારે એ મેડિટેશન કરવા બેસી જતાં. એમાંથી જ તેમને ૐ પર પેઇન્ટિંગ્સ બનાવવાની પ્રેરણા મળી અને પછી એ અંતઃસ્ફુરણા પ્રમાણે કામ કરતા ગયા અને એક આખી ૐ પેઇન્ટિંગ્સની શ્રેણી તૈયાર થઈ ગઈ!
આ સાથે તેમણે શિલ્પ ક્ષેત્રે પણ અદ્ભુત કામ કર્યું છે. સરદાર પટેલના સ્ટૅચ્યુ ઑફ યુનિટીની એકથી અઢી ફીટ જેટલી તેમણે ૫૦૦૦થી પણ વધુ મૂર્તિઓ બનાવી છે. રતન તાતાએ તેમના પરદાદા એવા જમશેદજી તાતાની ૧૩ ફીટની મૂર્તિ બનાવડાવી છે, જે આજે પણ ઝારખંડના જમશેદપુર ખાતેના સ્ટીલ પ્લાન્ટના પ્રાંગણમાં મૂકવામાં આવી છે. મોટા-મોટા નામી લોકોના પૂર્વજો માટે તેમણે મૂર્તિઓ બનાવી આપી છે.
કામની શરૂઆત ક્યાંથી થઈ?
તેઓ અમરેલીની બાજુમાં આવેલા એક બહુ નાના ગામના મૂળ વતની. બાળપણથી જ શાળામાં હસ્તકામ અને ચિત્રકામમાં રસ હતો. આખી શાળાનું ચિત્રકામ એ જ કરે. શાળાની દીવાલો પર સુવાક્ય લખવાનું કામ પણ તેમનું જ. એ વખતે વડવાઈનું દાંતણ લઈને એના આગળના ભાગમાં કપડું બાંધીને બ્રશ બનાવતા અને એને પાણીમાં બોળીને એનાથી ગારની દીવાલ પર આકૃતિ બનાવવાની પ્રૅક્ટિસ કરતાં. તે હસે છે અને કહે છે, પાણી તો પછી દીવાલમાં ઊતરી જાય એટલે પાટી પરથી એને ભૂંસવાની કડાકૂટ પણ નહીં.
શાળા પછી વધુ ભણવા અમદાવાદ આવ્યા. ત્યાં આંબાવાડીમાં આવેલી સી. એન. કૉલેજ ઑફ ફાઇન આર્ટ્સમાં મૂર્તિશાસ્ત્રનો પાંચ વર્ષનો કોર્સ લીધો અને સાથે-સાથે હૉસ્ટેલમાં રહેવા અને ખાવાની સગવડ મેળવવા માટે થઈને કૉમર્સમાં ઍડ્મિશન લીધું. બંને કોર્સ સાથે પૂરા કર્યા બાદ તેઓ મુંબઈની જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સમાં આવ્યા અને નવેસરથી પાછો સાત વર્ષનો મૂર્તિશાસ્ત્રનો અભ્યાસ આદર્યો. પાછો એ જ અભ્યાસ કેમ, એવા સવાલના જવાબમાં તેઓ કહે છે કે બસ, મને ભણવાની જ ધૂન હતી.
કેમ મૂર્તિશાસ્ત્ર જ?
મૂર્તિશાસ્ત્ર શીખવાનું કેમ મન થયું એના જવાબમાં તેઓ કહે છે, ‘ચિત્રકારોની સરખામણીએ મૂર્તિકારો ઓછા છે એટલે મેં મૂર્તિકાર બનવાનું અને મૂર્તિશાસ્ત્ર શીખવાનું પસંદ કર્યું. કોઈ પણ મૂર્તિ બનાવતા પહેલાં ચિત્ર તો બનાવવું જ પડે એટલે ચિત્રકામ તો આપમેળે મહેનત કરો એટલે આવડી જ જાય. ઉપરાંત ચિત્રના આયુષ્યની સરખામણીમાં મૂર્તિનું આયુષ્ય ઘણું લાંબું પણ હોય. કોઈ પણ મૂર્તિને ફ્રન્ટ, સાઇડ, બૉટમ એવા અનેક ઍન્ગલથી બનાવી શકાય એટલે મને મૂર્તિ બનાવવાનું ખૂબ જ રસપ્રદ લાગે છે.’
મૂર્તિકળાની વાત નીકળે એટલે બાબુભાઈના અવાજમાં જબદરસ્ત ઉત્સાહ છલકાય. કળાની બારીકી વિશે સમજાવતાં તેઓ કહે છે, ‘મૂર્તિ બનાવવામાં મુખ્ય છે આકૃતિ, જે ફક્ત માટીમાંથી જ બની શકે. ત્યાર બાદ બ્રાસ, સિલિકૉન, ફાઇબર, ઈપોક્સી વગેરે જેવાં વિવિધ મટીરિયલમાંથી જે પણ મટીરિયલમાં મૂર્તિ બનાવવી હોય એ પ્રમાણે એનું બીબું બને અને ત્યાર પછી એમાં ઢાળીને મૂર્તિ બનાવી શકાય. પાંચ વર્ષ પહેલાં હાઈ ગ્રેડ ફાઇબરમાંથી ૧૩ ફીટ ઊંચો એક અશોકસ્તંભ પણ બનાવ્યો છે. અત્યાર સુધીમાં ૨૦૦થી વધારે વ્યક્તિચિત્રો અને વિવિધ મટીરિયલ્સથી બનાવેલાં ૫૦થી વધારે બસ્ટ વેચ્યાં છે.’
આધ્યાત્મિક પેઇન્ટિંગ્સ
આધ્યાત્મિક પેઇન્ટિંગ્સની શ્રેણીમાં તેમનાં ૐનાં પેઇન્ટિંગ્સ શિરમોર છે. છએક વર્ષ પહેલાં તેમનું ૐનું એક પેઇન્ટિંગ ૩.૫૧ કરોડમાં વેચાયું હતું. આજે તેમની પાસે ૧૨૦૦ જેટલાં પેઇન્ટિંગ્સ તૈયાર છે, જેમાંથી ૫૮૦ માત્ર ૐનાં પેઇન્ટિંગ્સ છે. હનુમાન ચાલીસામાં જે અષ્ટસિદ્ધિ અને નવનિધિની વાત છે એ નવનિધિનું પેઇન્ટિંગ બનાવવાનો તેમને ઑર્ડર મળ્યો હતો. આ પેઇન્ટિંગ બનાવવા માટે તેમણે ઘણાં પુસ્તકોનો અભ્યાસ કર્યો. તેમણે ગીતાપ્રેસ, ગોરખપુરથી પણ પુસ્તકો મંગાવીને અભ્યાસ કર્યો અને સંશોધન કરી છેવટે નવનિધિનું પેઇન્ટિંગ બનાવ્યું.
તેઓ અધ્યાત્મના વિષયમાં એક હટકે વિષય પર પેઇન્ટિંગ બનાવવા માટે છેલ્લાં ૩૮ વર્ષથી કામ કરે છે. ૩૮ વર્ષથી જે પેઇન્ટિંગના વિષય પર તે રિસર્ચ કરે છે એે વિષય છે કે માણસ મરે ત્યારે જીવ શરીરના કયા ભાગમાંથી નીકળે છે? અને જીવ જાય ત્યારે એની ગતિ કેવી હોય? તેઓ કહે છે, ‘આ વિષય ગહન છે. આવા પેઇન્ટિંગમાં કોઈ રેફરન્સ નથી હોતો. બધાં શાસ્ત્ર અલગ સમજાવે છે. એના માટે શાસ્ત્ર વાંચવાં પડે. આવા વિષયને કૅન્વસ પર ઉતારવું ખૂબ અઘરું છે.’
નિજાનંદ માટે થાય એ જ ખરું
દરેક ચિત્રકારની એક અનોખી શૈલી હોય છે અેમ જણાવતાં તેઓ કહે છે, ‘હું પોતે કોઈ પણ ચિત્રકારની શૈલી પર કામ કરી શકું છું. જે રિયલિસ્ટિક કામ કરી શકે તે કોઈ પણ શૈલીનું કામ કરી શકે. ક્લાયન્ટના ઑર્ડર પ્રમાણે પણ કામ કરવાનું થાય અને પોતાના મનની સ્ફુરણાનું કામ પણ કરે છે. મારો સિદ્ધાંત છે કે ક્લાયન્ટનું કામ કરું ત્યારે તેને સો ટકા સંતોષ આપવો અને મારું પોતાનું કામ કરું ત્યારે મને સો ટકા આનંદ મળવો જોઈએ.’
કયું કામ કરવામાં વધારે મજા આવે એના જવાબમાં તેઓ કહે છે, ‘જગતના સૌથી શ્રીમંત માણસની મૂર્તિ કે ચિત્ર બનાવું તો એમાં પૈસા તો ખૂબ મળે પણ એક ગુલાબનું ચિત્ર બનાવું તો એમાં આનંદ ખૂબ મળે. હું તો ખૂબ મજા આવે એવું કામ કરવા માટે જ જીવું છું. આજે પણ હું દિવસના ૧૬-૧૭ કલાક કામ કરું છું. ઘરમાં જ વર્કશૉપ રાખી છે કેમ કે જે વિષય પર કામ કરતા હોય એની ઉપર અડધી રાત્રે પણ જો કોઈ નવો આઇડિયા આવે તો કામ કરવા બેસી જઈ શકાય. વર્કશૉપ જો ઘરથી દૂર હોય તો એ વિચાર વર્કશૉપ પર પહોંચતાં સુધીમાં તો ખોવાઈ જાય.’
આટલી મોટી દુનિયામાં આપણને આપણા જેટલું મળી રહે છે એને જ પ્રભુકૃપા જાણવી એવી તેમની શ્રદ્ધા છે. સાદગી તેમનો જીવનમંત્ર છે. તેમનું માનવું છે કે બીજા શું કરે છે એ જોઈને આપણે તણાઈ ન જવાય, આપણે શું કરવું એ આપણી વિવેકબુદ્ધિથી જ નક્કી કરવું.
- સોનલ કાંટાવાલા


