મહોરની ડાબે અને જમણે મુદ્રિત થયેલાં છ ચિહ્નો તમારું ધ્યાન ખેંચે છે અને તમને મૂંઝવણમાં નાખી દે એવાં છે
સુવર્ણમુદ્રાઓ
જરા કલ્પના કરી જુઓ. રાજ્યાભિષેકનાં પચાસ વર્ષોની ઉજવણી થઈ રહી હોય, આખું રાજ્ય હરખઘેલું થઈ ચૂક્યું હોય, લોકોનો ઉલ્લાસ હિલોળે ચડ્યો હોય અને આ પ્રસંગને યાદગાર બનાવવા હજારોના હિસાબે સોનામહોર, અર્ધમહોર, ચાંદીના સિક્કાઓ વહેંચવામાં આવી રહ્યાં હોય. એ કેવું દૃશ્ય હશે? વાત છે વિ. સં. ૧૯૯૪ એટલે કે ઈ. સ. ૧૯૩૭ની અને પ્રસંગ છે તત્કાલીન રાજપુતાના પ્રદેશમાં આવેલા બિકાનેર રાજ્યના રાજવી મહારાજાધિરાજ ગંગાસિંહજી બહાદુરનાં પચાસ ઉત્કૃષ્ટ વર્ષોના રાજની ઉજવણીનો. કોઈ કચાશ બાકી રહે? ન જ રહેવી જોઈએ. એનાં અનેક કારણો છે.
સૌપ્રથમ તો તેમના રાજનાં પચાસ વર્ષો. ઈસવી સન ૧૮૮૮માં ફક્ત આઠ વર્ષની ઉંમરે તેઓ રાજા બન્યા અને છેક ઈ. સ. ૧૯૪૩માં ૫૬ વર્ષો સુધી રાજ કરીને તેઓ દેહાંત પામ્યા. આ ૫૬ વર્ષો બિકાનેરનો સુવર્ણકાળ કહી શકાય. કદાચ આખા રાજસ્થાનને મહારાજા ગંગાસિંહજી જેવા દીર્ઘદૃષ્ટા અને કાબેલ રાજવી નહીં મળ્યા હોય એવી શક્યતા ખરી. તેઓ અંગ્રેજ હકૂમતના ખાસ રાજા હતા. બ્રિટિશ સરકાર દ્વારા તેમને લગભગ તમામ ઉચ્ચતમ શિરપાવ, ઇલકાબ એનાયત થયા હતા એની નોંધ લેવી જ રહી. તેમને બિકાનેરમાં લોકશાહી શાસનના પ્રથમ પ્રણેતા કહી શકાય. શ્રી ગંગાનગર શહેર તેમણે સ્થાપ્યું અને વિકસાવ્યું પણ ખરું. સમગ્ર રાજસ્થાનની સૌથી ફળદ્રુપ અને ઉપજાઉ જમીનનો હિસ્સો એટલે શ્રી ગંગાનગર શહેર. નહેર યોજના, જળ સંવર્ધન અને લોકકલ્યાણનાં અનેક કાર્યો તેમણે પોતાના શાસનકાળ દરમ્યાન સફળતાપૂર્વક અમલમાં આણ્યાં એ તેમની અનેક અનેરી સિદ્ધિઓ દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લશ્કરી ગતિવિધિઓમાં પણ તેઓ ખૂબ જ પ્રવૃત્ત અને ફેમસ રહ્યા હતા. આવા આ વિરલ વ્યક્તિત્વની છબી જોવી હોય તો તેમનો કોઈ ફોટોગ્રાફ જોવાની જરૂર જ નથી. આ ઓચ્છવ દરમિયાન છાપેલી સોનામહોર કે અર્ધમહોર જોઈ લો. રાજવીનો આખો ચહેરો આંખો સમક્ષ તરવરી ઊઠે એટલું સુંદર મુદ્રણ આ મહોર ધરાવે છે. આવા ખૂબ જ મહત્ત્વના પ્રસંગે છપાતી, સગાંસંબંધી અને મિત્રવર્તુળને ભેટ અપાતી આવી મહોર ‘નજરાણા’ મહોર તરીકે પણ ઓળખાય છે. નજરાણું એટલે ભેટ એ કહેવાની જરૂર ખરી? કદાચ ભારતીય રાજવીઓની સુવર્ણ મુદ્રાઓમાં કોઈ પણ શાસકનો ચહેરો આટલો સુરેખ, સચોટ રીતે તમને પ્રતિબિંબિત થતો જોવા નહીં મળે. સંપૂર્ણ વ્યક્તિત્વ જે હિસાબે ઝળકે છે, કમાલની વાત છે. લાંબી અણિયાળી મૂછો ધરાવતો કરડાકીભર્યો ચહેરો એક રાજવીની, યોદ્ધાની ખરી પ્રતિભાની ઝલક અને એ પણ એક ધાતુના સિક્કામાં આટલી ચોકસાઈથી, વાહ!
ADVERTISEMENT
મહોર હાથમાં પકડો અને મજાલ છે તમારી કે આ સિક્કો તમે પાંચ મિનિટ પહેલાં નીચે મૂકી શકો. સમ્મોહિત કરી નાખતું આ મહોરનું સૌંદર્ય તમને વિવશ કરી નાખે છે. માથે પહેરેલા રાજસ્થાની સાફાનું સૌંદર્ય, એની ટોચે દેખાતી હીરાજડિત કલગીથી વિશેષ દેદીપ્યમાન લાગે છે. રજવાડી પહેરવેશ ભલે અડધો જ દેખાતો હોય, પરંતુ આ લશ્કરી પહેરવેશ છે એ સમજતાં પાંચ સેકન્ડ પણ નહીં લાગે. ઊભો કૉલર, ખભા પર દેખાઈ રહેલી પહેરવેશનો રુઆબ વધારતી ગણવેશની કૉલર પટ્ટીઓ, જમણા ખભાની કૉલર પટ્ટીમાંથી છેક છાતી સુધી દેખાઈ રહેલી કોઈ મણકાદાર દોરી અને ડાબે, છાતીએ ઝૂલી રહેલા અનેક-અનેક મેડલ્સ, ઇલકાબ અને સન્માનજનક ચિહ્નો! કાબિલે તારીફ!
સિક્કાની ઉપર કોતરેલું નામ ‘મહારાજાધિરાજ શ્રી ગંગાસિંહજી બહાદુર’ અને સંપૂર્ણ કિનારીને આવરી લેતી ટપકાંની ભાત! વાહ! હવે? હવે શું? સિક્કો પાછળ ફેરવો. ટોચે કોતરેલો રાજશ્રીનો ખિતાબ, એની નીચે લખેલું ૧ (એક) મહોર, એની નીચે મહોરનું ગૌરવ વધારતો શબ્દ ગંગાશાહી, જેનાથી આ મહોર ગંગાશાહી તરીકે જ ઓળખાય છે. વિક્રમ સંવત 1994 એટલે કે ઈસવી સન 1937, જે આ મહોરની છપાઈનું વર્ષ છે. નીચે બિકાનેર રાજ્યનું નામ. પરંતુ થોભો, મહોરની ડાબે અને જમણે મુદ્રિત થયેલાં છ ચિહ્નો તમારું ધ્યાન ખેંચે છે અને તમને મૂંઝવણમાં નાખી દે છે. અહીં ખરી કમાલ છે. દરેક રાજ્યનાં ચિહ્નો હોય જ છે. એક, બે કે ત્રણ; પરંતુ અહીં તો છ-છ ચિહ્નો છે. આ શું વળી? આ જ ખરી કમાલ છે. આગળના દરેક રાજવીને એક-એક ચિહ્ન અર્પણ કર્યું અને તેમને પણ આ નાનકડી સુંદર મહોરમાં અંકિત કરીને અમર કરી નાખ્યા.
ચાલો, ચિહ્નો સાથેનાં નામ જાણીએ. ઘડિયાળના કાંટાની દિશામાં જઈએ. ચિહ્નો આડાંઅવળાં છે પરંતુ ગંગાસિંહજી સહિતના છેલ્લા છ રાજાઓનાં નામ તેમનાં ચિહ્નો સાથે દર્શાવ્યાં છે. પ્રથમ નંબરે મહારાજા શ્રી ડુંગરસિંહ, ચિહ્ન મશાલ, 1872થી 1887. બીજા નંબરે મહારાજા રતનસિંહ, ચિહ્ન પાઘડીની કલગી, 1828થી 1851. ત્રીજા નંબરે મહારાજા સરદારસિંહ, ચિહ્ન રાજગાદી અને છત્ર, 1851થી 1872. ચોથા નંબરે, આપણા મહારાજા શ્રી ગંગાસિંહજી, ચિહ્ન મોરપંખ, 1887થી 1943. પાંચમા નંબરે ગજસિંહજી, ચિહ્ન ત્રિશૂળ, 1746થી 1787 અને છઠ્ઠા નંબરે, મહારાજા સુરત સિંહજી, ચિહ્ન ધ્વજા, 1787થી 1828. આ ખરેખર કાબિલેતારીફ છે. સિક્કાની ડિઝાઇન પણ સારી લાગે અને ચિહ્નોથી આગલી પેઢીઓની જાણકારી પણ મળી રહે. અનુસરવા જેવું ખરું. આ સિક્કાના ડિઝાઇનર હતા એ સમયના વિખ્યાત ડિઝાઇનર બ્રિગેડિયર વી. જી. જે. બાર્ટન, જે ફક્ત બાર્ટન તરીકે વધારે ઓળખાતા. એક નાનકડા સિક્કામાં આખો ઇતિહાસ અંકિત. કોઈ નાનકડી ટાઇમ કૅપ્સુલ જાણે. આ એક મહોરનું વજન છે ૮.૫૪ ગ્રામ અને વ્યાસ છે ફક્ત ૨૧.૫ મિલીમીટર, પરંતુ આ ૨૧.૫ મિલીમીટરમાં મુદ્રિત કરેલી કારીગરી લાજવાબ છે. સારી કન્ડિશનમાં રહેલી આવી ગંગાશાહીની કિંમત લગભગ ૩.૫૦થી ૪ લાખ રૂપિયા ગણાય, પરંતુ જાણકારોની સલાહ વગર કોઈ પણ પ્રકારની સુવર્ણમુદ્રા લેવાની ઉતાવળ કરવી નહીં. આમ પણ કહે છેને ઉતાવળે આંબા ન પાકે. બધી ચોકસાઈ કરીને જ આટલા કીમતી સિક્કાઓ ખરીદવાનું હિતાવહ છે. વારસો સાચવો, પરંતુ અસલ. અતુલ્ય ભારત, અમૂલ્ય ભારત.
એક નહીં, બે નહીં; ત્રણ-ત્રણ અદ્ભુત સિક્કાઓની વાત લઈને મળીશું આવતા અઠવાડિયે.
(લેખક ટ્રાવેલ-રાઇટર, પક્ષીવિદ, ફોટોગ્રાફર અને ઇતિહાસના ચાહક છે.)


