વાદળાં સાથેની રંગરમતને કારણે આ વૈવિધ્ય સર્જાતું રહે. વહેતી નદીને જોઈને કોઈ દિવસ આંખ થાકે નહીં.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કેટલાંક દૃશ્યો એવાં હોય કે ફરી-ફરીને જોવાનું મન થાય. સૂર્યાસ્ત રોજ જોઈએ તોય એની આભા જુદી જ લાગે. વાદળાં સાથેની રંગરમતને કારણે આ વૈવિધ્ય સર્જાતું રહે. વહેતી નદીને જોઈને કોઈ દિવસ આંખ થાકે નહીં. દિવસ અને રાત પ્રમાણે એના પ્રવાહનું જોર અને શોર બન્ને બદલાતાં રહેતાં હોય છે. રમેશ પટેલ ‘ક્ષ’ કુદરતના અચરજને આલેખે છે...
સ્તબ્ધ આંખોથી મને જોયા કરે તે કોણ છે?
ને પછી દૃષ્ટિ થકી પળમાં સરે તે કોણ છે?
ADVERTISEMENT
સાવ સુક્કું વૃક્ષ છે ને સાવ સુક્કી ડાળ છે
પર્ણ જેવું કંઈ નથી તો પણ ખરે તે કોણ છે?
ગ્રીષ્મ ઋતુમાં સૂરજ આગ વરસાવી રહ્યો છે. અમદાવાદમાં તો ચામડી અને સડકો બન્ને તડતડવાનું શરૂ થઈ ગયું છે. મુંબઈ પાસે દરિયો હોવાથી ગરમી પ્રમાણમાં કાબૂમાં રહે છે છતાં બફારાથી છૂટવું કે છટકવું મુશ્કેલ છે. વૈશ્વિક તાપમાનમાં ફેરફાર થવાને કારણે એક તરફ રણમાં વરસાદ આવતો થઈ ગયો છે તો બીજી તરફ અનેક નગરોમાં વરસાદ ઓછો થયો છે. આકાશ ઠક્કર અનોખા નગરની વાત કરે છે...
સૂનાં પડ્યાં છે ટેરવે વસતાં નગર
લકવો પડેલા સ્પર્શ તો ચોપાસ છે
ઈશ્વર, તને જોયા પછી સમજાયું છે
બન્ને તરફ સરખો વિરોધાભાસ છે
વિરોધાભાસ પ્રત્યેક વ્યક્તિમાં વણાયો જ હોય છે. કુદરત પોતે પણ અનેક વિરોધાભાસ ધરાવે છે. જે બળવાન હોય એ જ ટકે એવો નિયમ જંગલમાં લાગુ પડે છે. જે જીવને જન્મ અપાય છે એને બીજાની ભૂખ શામવા મારી નાખવામાં આવે એ ક્યાંનો ન્યાય? કુદરત તો કરુણાથી છલકાતી હોવી જોઈએ તો પછી આવી ક્રૂરતા શા માટે? શું કડી જાળવવા માટે આવી ક્રૂરતા જરૂરી છે? સ્વાતિ નાયક આશા બંધાવે છે...
રેત, છીપો, શંખ છે તો શું થયું?
મોજનો આધાર તો છે જળ ઉપર
કોઈ આવી કહી ગયું એ તૂટશે
ત્યારથી જોયા કરું સાંકળ ઉપર
જિંદગીમાં અનેક પ્રકારની સાંકળો હોય છે. આ સાંકળ તમારા પગ બાંધી દે, ઊડવાની શક્તિ હોય છતાં તમને ઊડવા ન દે. તમારી આવડત દરિયામાં હલેસાં મારવાની હોય છતાં તમને ખાબોચિયામાં તરવા મજબૂર કરી દે. કશુંક સારું બનવાની સંભાવના જાગી હોય ત્યાં નિયતિનો એક ફટકો એવો લાગે કે પટકાઈ પડીએ. જોકે મરીઝ આને વ્યક્તિગત હાર માને છે...
જિંદગી વેડફી દીધી તેનું કારણ એ છે
તક હતી એટલી મોટી કે પચાવી ન શક્યો
સામે મંઝિલ હતી જોયા કીધી, જોયા જ કીધી
હતી હિંમતમાં ઊણપ, પગ હું ઉઠાવી ન શક્યો
કોઈ નવું કામ કરવા માટે સાહસ જોઈએ. માત્ર સાહસ ન જોઈએ, ગણતરી પણ જોઈએ. આડેધડ ઝંપલાવવા પાછળ પણ કોઈક તર્ક હોવો જોઈએ. હોમવર્ક વગરની મહેનત રંગ લાવતી નથી, માત્ર પરસેવો પડાવે છે. હકીકત અને કલ્પના વચ્ચે એક સંતુલન જાળવવું સમજદારીનું કામ છે. બાબુલાલ ચાવડા ‘આતુર’ સિક્કાની બન્ને બાજુ રજૂ કરે છે...
ક્યાંક વરવી વાસ્તવિકતા કોઈ માટે થઈ ગયા
કોઈ માટે ક્યાંક ભીની યાદના માણસ છીએ
કોઈએ જોયા છે અમને રોજ નકરી મોજમાં
કોઈ માને છે નર્યા અવસાદના માણસ છીએ
અવસાદથી બચવા માટેના ઉપાયો શોધવા પડે. તાજેતરમાં જ વરિષ્ઠ પત્રકાર સુરેન્દ્ર મોદીએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દીધું. એકલા હોઈએ ને એમાં પણ માંદગી હોય ત્યારે જિંદગી પરથી શ્રદ્ધા ઊઠી જાય. કોના માટે જીવવું એ સવાલ હોય ત્યારે કઈ રીતે જીવવું એ બાબત પરથી ધ્યાન હટી જાય છે. લાખ અનબન હોય છતાં જીવનસાથીનું મહત્ત્વ ઓછું આંકવા જેવું નથી. આ સથવારાની ખરી કિંમત વૃદ્ધાવસ્થામાં જ સમજાય છે. ગની દહીંવાલા પ્રેમ અને સુખ અને દુઃખના પડછાયાની તસવીર ખેંચે છે...
મેં તેમના વદન પર જોયા છે કેશ કાળા
ને ચંદ્રને લપાતો જોયો છે વાદળીમાં
આંસુનાં નીર સીંચી પોષી અમે વસંતો
રંગીન સ્વપ્ન જોયાં ગમગીન જિંદગીમાં
લાસ્ટ લાઇન
જે તમે અંધકારમાં જોયા
એ જ ઈશ્વર મેં યારમાં જોયા
એક ડૂસકું મળ્યું છે લાવારિસ
કવિઓ મેં સારવારમાં જોયા
સપનાંએ રાજીનામું દઈ દીધું
આંસુ જ્યારે પગારમાં જોયાં
ફૂલ ચૂંટાઈ, બાગમાં હાર્યાં
પણ જીતેલાના હારમાં જોયાં
જેમણે જોયો ન્હોતો સૂર્યોદય
એ સૂરજના શિકારમાં જોયા
જેમના તપથી દાઝ્યો હિમાલય
એવા બાવા બજારમાં જોયા
- ગૌરાંગ ઠાકર
ગઝલસંગ્રહ : તમને ગઝલ તો કહેવી છે

