જેનો વ્યાપ વધારવો છે એના મૂલ્ય પર સૌથી પહેલું ધ્યાન આપવાની જરૂર છે
પ્રતીકાત્મક તસવીર
આજે એવી ઇચ્છા રાખવામાં આવે છે કે ગાયના દૂધની માર્કેટ વધે. એને માટે પ્રયાસો પણ થાય છે અને સરકાર દ્વારા એને માટેનાં ખાસ બોર્ડ અને કૉર્પોરેશન પણ બનાવવામાં આવે છે. એવી પણ ઇચ્છા રાખવામાં આવે છે કે ગૌમૂત્ર અને ગાયના છાણમાંથી બનેલી ઔષધિ અને ચીજવસ્તુઓ વાપરવામાં આવે એ માટે પણ ખાસ જવાબદારી સોંપવામાં આવે છે. આવી પ્રોડક્ટ બનાવનાર સહકારી મંડળીઓને સબસિડી પણ મળતી હશે એવું પણ ધારી શકાય. આયુર્વેદમાં તો ગૌમૂત્રને શ્રેષ્ઠ દર્શાવવામાં પણ આવ્યું છે અને એના ચમત્કારિક ઉપયોગ પણ વર્ણવવામાં આવ્યા છે. ગાયના છાણના ઉપયોગ વિશે પણ શાસ્ત્રોમાં કહેવાયું છે અને એના પણ ચમત્કારિક પ્રયોગોનો ઉલ્લેખ છે એટલે એ બધા વિશે વધારે વાત અત્યારે નથી કરવી, પણ વાત કરવાની છે આ જે ગૌ-વિચાર છે એને સૌ સુધી પહોંચાડવાના થઈ રહેલા પ્રયાસોની અને એ કઈ રીતે લોકો સુધી નથી પહોંચતા એની.
પ્રયાસો ભરપૂર થાય છે અને એને માટે સરકારથી માંડીને સંગઠનો અને મંડળીઓ પણ પુષ્કળ કામ કરે છે, પણ એ કામ દીપી ઊઠે એવી રણનીતિ વાપરવામાં નથી આવતી. હમણાંની જ વાત કહું તમને. અમદાવાદમાં એક જગ્યાએ ગાયના છાણ પર પ્રોસેસ કરીને તૈયાર કરવામાં આવેલી અગરબત્તી મળે છે. એ અગરબત્તીનું વેચાણ જૂજ છે અને એને લીધે હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે એ લોકો યુનિટ બંધ કરવાનો વિચાર કરવા માંડ્યા છે પણ અહીં મુદ્દો એ છે કે વેચાણ જૂજ શું કામ છે? આ જ મુદ્દો ગાયના છાણમાંથી બનતા કોડિયાને પણ લાગુ પડે છે અને આ જ પ્રશ્ન ગૌમૂત્રના કિસ્સામાં પણ લાગુ પડે છે. જબરદસ્ત પ્રયાસ પછી, સરકારી સહકાર પછી પણ દૂધથી માંડીને ગાયના છાણમાંથી બનતી બીજી પ્રોડક્ટ્સ કેમ લોકો સુધી મોટી માત્રામાં પહોંચતી નથી અને શું કામ લોકો એ લેવા માટે પડાપડી નથી કરતા?
સૂગની વાત નથી કે પછી નથી વાત ક્યાંય એની ઉપલબ્ધિની. ના, એ પ્રશ્ન છે જ નહીં પણ મુખ્ય સમસ્યા છે એની પ્રાઇઝની. જે અગરબત્તી વિશે વાત થઈ એની ગુણવત્તા એટલી સરસ છે કે તમે એ પ્રોડક્ટના સાચે જ પ્રેમમાં પડી જાઓ પણ એની સામે જ્યારે ભાવની ખબર પડે ત્યારે એક સેકન્ડ માટે ખચકાટ મનમાં આવી જાય અને તમારો હાથ રોકાઈ જાય. જૂજ માત્રામાં આવતી એ અગરબત્તીની કિંમત ૧૦૦ રૂપિયાથી પણ વધારે રાખવામાં આવી છે. ગાયના દૂધના વપરાશમાં પણ કોઈને વાંધો નથી, પણ ભાવ, સામાન્ય રીતે મળતા દૂધ કરતાં ઑલમોસ્ટ ૨૦થી ૩૦ ટકા વધારે હોય છે. ગૌમૂત્ર માટે પણ આ જ વાત લાગુ પડે છે. ૫૦૦ મિલીલિટરની એક બૉટલ ૨૦૦ અને ૨૫૦ રૂપિયાની મળે છે. આ બધી પ્રોડક્ટના ભાવ પર જો બંધન આવશે તો નવો વર્ગ એમાં ઉમેરાશે અને એ, એકાદ વાર ટ્રાય કરવાના હેતુથી પણ આ પ્રોડક્ટ લેશે, પણ જો તેને ભાવની બાબતમાં ખર્ચ ભારે નહીં પડતો હોય. આજે કયો માણસ ૧૦૦ રૂપિયાની અગરબત્તી ઘરમાં લઈ આવીને પહેલી વાર એક્સપરિમેન્ટ કરશે, કોણ આજે સીધા ૨૫૦-૩૦૦ રૂપિયા ખર્ચીને સીધો ગૌમૂત્રનો એક બાટલો ઘરમાં લઈ આવશે, જેમાં તેને વિશ્વાસ પણ નથી કે તે એ પ્રોડક્ટ નિયમિત વાપરવાનો છે કે નહીં. જો ભાવને ચોક્કસ પ્રકારની લક્ષ્મણરેખા આપવામાં આવશે તો જ આ પ્રોડક્ટ લોકો સુધી પહોંચશે અને તો જ સરકાર દ્વારા, સંગઠનો દ્વારા કરવામાં આવતી મહેનત લેખે લાગશે.


