જિનપિંગ G20માં પહેલી વાર રિસાયા છે
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા એક દાયકાથી ચીનના રાષ્ટ્રપતિપદે રહેલા શી જિનપિંગ ૨૦૨૧માં કોવિડને કારણે સંમેલનથી દૂર રહ્યા. એ એક સંમેલનને જો અપવાદ ગણીએ તો આ વખતે દિલ્હીમાં ગેરહાજર રહેવાના તેમના નિર્ણયના ઘણા રાજકીય સૂચિતાર્થ છે, કારણ કે તેમણે કોઈ મજબૂરીમાં નહીં, પરંતુ હેતુપૂર્વક આવવાનું ટાળ્યું છે.
તમે આ વાંચતા હશો ત્યારે દિલ્હીમાં ભારત માટે અતિ મહત્વનું G20 શિખર સંમેલન સંપન્ન થઈ રહ્યું હશે. ૨૦૨૨માં બાલી-ઇન્ડોનેશિયામાં યોજાયેલા ૧૭મા G20 સંમેલનમાં ભારતે રોટેશન પ્રમાણે ૨૦૨૩ના સંમેલનનું યજમાનપદ સ્વીકાર્યું હતું. એ વખતે આપણે લખ્યું હતું કે G20 વિશ્વની સૌથી આગળ પડતી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે. એનાં રાષ્ટ્રોનું વૈશ્વિક જીડીપીમાં ૮૫ ટકા, વૈશ્વિક વેપારમાં ૭૫ ટકા અને વૈશ્વિક વસ્તીમાં ૬૬ ટકાનું યોગદાન છે.
ADVERTISEMENT
મૂળમાં આ અમેરિકા, કૅનેડા, જર્મની, ઇટલી, ફ્રાન્સ, જપાન અને બ્રિટન દેશોનું G7 જૂથ હતું, પરંતુ વૈશ્વિક આર્થિક મંદી ટાળવાના આશયથી ૧૯૯૯માં એનું કદ વધારીને ૨૦નું કરવામાં આવ્યું હતું. એ ઉપરાંત એમાં અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરતા આતંકવાદ, જળવાયુ પરિવર્તન અને હવે સ્વાસ્થ્ય જેવા અન્ય વિષયો પણ સામેલ થતા ગયા છે અને એ રીતે G20 કુટનીતિનો એક સમાવેશી મંચ બની ગયો હતો.
આ સમૂહમાં ૧૯ દેશ સભ્યો છે, સમૂહનું ૨૦મું સભ્ય યુરોપિયન યુનિયન છે. એમાં ભારત ઉપરાંત ફ્રાન્સ, ચીન, કૅનેડા, બ્રાઝિલ, ઑસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, અમેરિકા, યુકે, ટર્કી, સાઉથ કોરિયા, સાઉથ આફ્રિકા, સાઉદી અરેબિયા, રશિયા, મેક્સિકો, જપાન, ઇટલી, ઇન્ડોનેશિયા અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.
G20 સંમેલનનું આયોજન વર્ષમાં એક વાર કરવામાં આવે છે, પણ ૨૦૦૮થી શરૂ કરીને G20 સંમેલનનું આયોજન ૨૦૦૯ અને ૨૦૧૦માં બે વાર કરવામાં આવ્યું હતું. આ કૉન્ફરન્સમાં સમૂહના સભ્ય-દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને અન્ય કેટલાક દેશોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. એ પછી તમામ દેશોના વડાઓ બેસીને ઘણા મુદ્દા પર ચર્ચા કરે છે.
દિલ્હીમાં ૨૦ દેશોના લગભગ ૪૦ નેતાઓએ સંમેલનમાં ભાગ લીધો છે. વડા પ્રધાન મોદીએ શિખર સંમેલનને ઐતિહાસિક ગણાવ્યું છે, કારણ કે પહેલી વાર આટલી મોટી સંખ્યામાં દેશો એમાં સામેલ થઈ રહ્યા છે. જોકે શિખર સંમેલનની ચમકદમક નીચે થોડા અંધારાં કૂંડાળાં પણ પડ્યાં છે, જેની નોંધ લેવી પડે એમ છે.
દિલ્હી G20 સમૂહનું યજમાન છે એ આ વર્ષના સૌથી મોટા સમાચાર છે અને એ સમાચારની અંદર જ બીજા સૌથી મહત્ત્વના સમાચાર એ છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સંમેલનથી દૂર રહ્યા છે. એમ તો ૬ સપ્ટેમ્બર સુધી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનનું પણ ઢચુપચુ હતું, કારણ કે ફર્સ્ટ લેડી જિલ બાઇડનને કોવિડનો ચેપ લાગ્યો હતો, પણ રાષ્ટ્રપતિની ખુદની કોરોના-ટેસ્ટ નેગેટિવ આવતાં તેમણે દિલ્હી આવવાની હામી ભરી હતી.
પુતિન યુક્રેનના યુદ્ધમાં ભરાયેલા છે. તેમણે અગાઉથી જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને તેઓ G20 સંમેલનમાં હાજર રહી નહીં શકે એની જાણ કરી દીધી હતી. તેમની જગ્યાએ રશિયાનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી સર્ગેઇ લવરોવે કર્યું હતું.
સૌથી મોટું આશ્ચર્ય શી જિનપિંગની ગેરહાજરીનું છે. ચીને તેમના સ્થાને વડા પ્રધાન લી કુઆંગને સંમેલનમાં ભાગ લેવા મોકલ્યા હતા. ઘરમાં લગ્ન લેવાયાં હોય અને ગામના ચાર મોટા પરિવારમાંથી એકની ગેરહાજરી જેમ મંડપમાં ચર્ચાનો અને ગૉસિપનો વિષય બને એવી રીતે શી જિનપિંગની દિલ્હીમાં ગેરહાજરી શંકા-કુશંકાઓનો મુદ્દો બની હતી. ચીની રાષ્ટ્રપતિએ છેલ્લે ૨૦૧૯માં ભારતની મુલાકાત લીધી હતી, જ્યાં નરેન્દ્ર મોદીએ મલ્લપુરમમાં તેમનું સ્વાગત કર્યું હતું.
શી જિનપિંગ ‘રિસાઈ’ ગયા છે એ વાત કેટલી મહત્ત્વની છે એની સાબિતી યજમાન ભારત અને મહેમાન અમેરિકા તેમ જ રશિયાએ એના પર આપેલી પ્રતિક્રિયા છે. પહેલાં તો પુતિનની સાથે શી પણ નથી આવતા એ સંયોગ ગેરસમજ પેદા કરે એવો છે એવું લાગતાં ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે રશિયન સમાચાર સંસ્થા ‘તાસ’ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે રશિયાએ ચીન સાથે મેળાપીપણામાં આવું નથી કર્યું.
આ મામલે વાઇટ હાઉસે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. વાઇટ હાઉસના અધિકારી જૅક સુલિવાને પાંચમી સપ્ટેમ્બરે કહ્યું હતું કે ચીન પાસે સંમેલનમાં ભાગ લેવાનો અને રંગમાં ભંગ પાડવાનો એમ બન્ને વિકલ્પ છે. ખુદ રાષ્ટ્રપતિ બાઇડને પણ આ સંદર્ભે ‘નિરાશા’ વ્યક્ત કરી હતી.
ત્રીજી પ્રતિક્રિયા ભારત તરફથી આવી હતી. વિદેશપ્રધાન એસ. જયશંકરે એએનઆઇ સમાચાર સંસ્થા સાથે વાત કરતાં જિનપિંગની ગેરહાજરીને ‘સામાન્ય’ ગણાવતાં કહ્યું હતું, ‘મને લાગે છે કે G20માં અલગ-અલગ સમયે અમુક રાષ્ટ્રપતિઓ કે વડા પ્રધાનો કોઈ ને કોઈ કારણસર ગેરહાજર રહ્યા છે, પરંતુ એ પ્રસંગે એમાં એ દેશના પ્રતિનિધિ હોય છે અને પોતાના દેશની વાત મૂકે છે. મને લાગે છે કે દરેક નેતા પૂરી ગંભીરતાથી સંમેલનમાં આવે છે.’
છેલ્લા એક દાયકાથી ચીનના રાષ્ટ્રપતિપદે રહેલા શી જિનપિંગ બીજી વખત G20 સંમેલનમાં ગેરહાજર રહ્યા છે. પહેલી વાર ૨૦૨૧માં તેઓ સંમેલનથી દૂર રહ્યા ત્યારે કોવિડનો રોગચાળો ચરમસીમાએ હતો. એ વખતે ચીનની કડક ‘ઝીરો કોવિડ નીતિ’ હેઠળ તેમણે એક પણ વિદેશયાત્રા નહોતી કરી.
એ એક સંમેલનને જો અપવાદ ગણીએ તો આ વખતે દિલ્હીમાં ગેરહાજર રહેવાના તેમના નિર્ણયના ઘણા રાજકીય સૂચિતાર્થો છે, કારણ કે તેમણે કોઈ મજબૂરીમાં નહીં, પરંતુ હેતુપૂર્વક આવવાનું ટાળ્યું છે. જિનપિંગ G20માં પહેલી વાર રિસાયા છે, કેમ?
જિનપિંગે આ નિર્ણય પાછળના કારણનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે સરહદ પર ચીન અને ભારત વચ્ચેના સંબંધોમાં તાજેતરમાં ખટાશ આવી ગઈ છે. લદાખ ક્ષેત્રમાં સરહદ પરનો વિવાદ ત્રણ વર્ષ પહેલાં સૈનિક-ટકરાવમાં ફેરવાઈ ગયો હતો, જેમાં ૨૦ ભારતીય અને ૪ ચીની સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા અને ત્યારથી બન્ને દેશોએ તોપખાનાં, ટૅન્કો અને ફાઇટર ઍરક્રાફ્ટ સહિત ભારે લશ્કરી હાજરી સાથે વાસ્તવિક નિયંત્રણરેખા પર તેમની સ્થિતિ મજબૂત કરી છે.
ચીનના મુખ્ય ભૂ-રાજનૈતિક હરીફ અમેરિકા સાથે ભારતની વધતી જતી વ્યૂહાત્મક ભાગીદારી પર બીજિંગનું બરાબર ધ્યાન છે. બન્ને દેશોએ એકબીજાના પત્રકારોને હાંકી કાઢ્યા છે અને વેપારમાં તાણ વધી છે. ભારતે તાજેતરમાં ચીનને વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે પાછળ છોડી દીધો છે. ટેક્નૉલૉજી, અવકાશ સંશોધન અને વૈશ્વિક વેપારમાં બન્ને એશિયન દિગ્ગજો પ્રતિસ્પર્ધી બન્યા છે. આ ઉપરાંત, ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે ચીનના ગાઢ સંબંધો અને વિવાદિત કાશ્મીર ક્ષેત્ર પર એનું વલણ ભૂ-રાજનીતિને વધુ જટિલ બનાવે છે.
ચીનની દાંડાઈ કેટલી છે એ એ વાત પરથી સાબિત થાય છે કે G20ની બેઠકના ૧૫ દિવસ પહેલાં જ ચીને પોતાનો નકશો જારી કર્યો હતો, જેમાં સમગ્ર અરુણાચલ પ્રદેશને ચીનનો હિસ્સો ગણાવ્યો હતો. ચીન દર વર્ષે આવો નકશો જારી કરતું રહે છે એટલે એના દાવામાં કશું ‘નવું’ નહોતું, પરંતુ રાજકીય વિશ્લેષકો કહે છે કે દિલ્હીમાં G20નો મંડપ બંધાયો હોય એ જ વખતે આ નકશો જારી કરવો એ એટલી નિર્દોષ વાત પણ નથી.
એશિયન સોશ્યલ પૉલિસી ઇન્સ્ટિટ્યૂટ (એએસપીઆઇ) ખાતે દક્ષિણ એશિયા ઇનિશ્યેટિવના નિર્દેશક ફરવા આમેર કહે છે કે G20 સંમેલનથી દૂર રહેવાના શી જિનપિંગના નિર્ણયમાં ભારતની યજમાન તરીકેની એની ભૂમિકા પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ હોઈ શકે. ચીન નથી ઇચ્છતું કે ભારત G20નું સફળ સંમેલન યોજવાનો દાવો ખાટી જાય અને દક્ષિણ ગોળાર્ધ તેમ જ હિમાલયના દેશોનો અવાજ બને.
ફરવા આમેર કહે છે કે રાષ્ટ્રપતિ શીનો નિર્ણય અપેક્ષિત હતો. એવું સહેજેય અનુમાન કરી શકાય કે ચીન ભારતને નેતૃત્વની બાગડોર સોંપવા ઇચ્છુક નથી, ખાસ કરીને એશિયા ક્ષેત્રમાં અને એના પાડોશમાં. ચીન આ પ્રદેશમાં એની પ્રબળ ભૂમિકા અને પ્રભાવ જાળવી રાખવાનો ઇરાદો સેવે છે. ભારત એમાં આડખીલી છે. જિનપિંગ ભારતના વધતા પ્રભાવને સ્વીકારવા માગતા નથી.
જિનપિંગે ગયા ઑક્ટોબરમાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની ૨૦મી કૉન્ગ્રેસના પ્રથમ દિવસે સંકેત આપ્યો હતો કે ભારત સાથેના સંબંધો સુધરશે નહીં. તેઓ G20માં હાજર નથી રહ્યા એનો અર્થ એ થાય કે ભારતે સરહદ પર તનાવ માટે તૈયાર રહેવું પડશે. સામા પક્ષે ભારત પણ એનું વલણ સખત કરશે. સરવાળે ભારત-ચીનના સંબંધોની ખાઈ વધુ પહોળી થશે.
