વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા પશ્ચિમના દેશોની જેમ સમયપાલન અને શિસ્તપાલન આવશ્યક છે. પ્રતિભાને પૂરતી તક આપવી જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
જેના પર વિશ્વાસ ન મૂકી શકાય એવી કોઈ વ્યક્તિ ‘મને બસ એક દિવસ આપો’ એમ કહે એટલે સમજી જવાનું કે કામ એક દિવસમાં થવાનું નથી. વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા પશ્ચિમના દેશોની જેમ સમયપાલન અને શિસ્તપાલન આવશ્યક છે. પ્રતિભાને પૂરતી તક આપવી જરૂરી છે. આપણું બુદ્ધિધન વિદેશોમાં સ્થાયી થાય છે એના કારણમાં આપણી બ્યુરોક્રસી, ભ્રષ્ટાચાર, પ્રતિભાની અવગણના અને તકની અછત જેવાં અનેક કારણો જવાબદાર છે. ભરત વિંઝુડાની પંક્તિઓ સાથે વાતનો ઉઘાડ કરીએ...
ભીંત માફક જે ઊભા છે એને
દ્વારની જેમ ઊઘડવું આપો
ADVERTISEMENT
હસ્તરેખાની નદી વહી આવે
હાથનું એમ અડકવું આપો
સ્થિર હોવું અને જડ હોવું એ બન્નેમાં ફરક છે. વૃક્ષ સ્થિર છે પણ જડ નથી. એનાં પાંદડાં ફરફરે છે એટલે આપણને સ્થિરતામાં પણ જીવંતતાનો અહેસાસ થાય. આપણા ઋષિમુનિઓ સ્થિરતા ધારણ કરીને તપ કરતા ત્યારે તેમનું સૂક્ષ્મ મન વિહાર કરીને અનેક પ્રકારની શોધખોળ કરતું. સાધના માટે સમય આપવો પડે. ભાવિન ગોપાણી આ સમય માગે છે...
બિછાવી ફૂલ કે જાજમ અમે છટકી નહીં જઈએ
હયાતી પાથરી જઈશું, તમે થોડો સમય આપો
અમે મોજાં, સતત અથડાઈને તૂટી જઈશું પણ-
ખડકને કોતરી જઈશું, તમે થોડો સમય આપો
શિલ્પકાર મૂર્તિ ઘડતો હોય ત્યારે તેણે અપાર ધીરજ રાખવી પડે. નાકનકશો ઉપસાવતાં સમય લાગે. ભારતે પણ છેલ્લા ત્રણ દાયકામાં જે વિકાસ સાધ્યો છે એના પરિણામરૂપે આપણું અર્થતંત્ર આજે વિશ્વમાં ચોથા નંબરે પહોંચી ગયું છે. અમેરિકા, ચીન અને જર્મની પહેલા ત્રણમાં છે. અર્થતંત્ર મક્કમ ગતિએ વિકાસ સાધે એ માટે રાજકીય સ્થિરતા અને વેપાર-વિસ્તરણ જરૂરી છે. રાહુલ ગાંધી જેવાઓના હાથમાં ભૂલેચૂકે પણ સુકાન આવે તો કૉન્ગ્રેસશાસિત હિમાચલ પ્રદેશ કે તેલંગણ રાજ્યની જેમ તિજોરી તળિયાઝાટક થઈ જાય. વિરોધ પક્ષ હોવા જ જોઈએ, પણ રાષ્ટ્રવિરોધી પરિબળોનો તો સફાયો જ થવો જોઈએ. નેહા પુરોહિત લખે છે...
એક એરણ, કે પછી ઘણ, હોય એ આપો મને
તોડવાં સઘળાં જ સગપણ, હોય એ આપો મને
છાતીમાં અંગાર ચાંપું? હોઠ સળગાવું? કે શું?
આ તૃષાનું જે નિવારણ, હોય એ આપો મને
આ વર્ષે તૃષાનું નિવારણ આપવામાં કુદરત મહેરબાન થઈ છે. સામાન્ય રીતે મે મહિનો એવો ઉકળાટ મચાવે કે ધગધગીને કામો કરવાં પડે ને સમસમીને સફર કરવી પડે. જૂનના પહેલા-બીજા અઠવાડિયે શરૂ થતું ચોમાસું બેએક અઠવાડિયાં વહેલું બેસી ગયું એટલે અકલ્પનીય રાહત મળી છે. આવું આગમન વહાલું લાગે. સાકિન કેશવાણી પ્રિયાનું આગમન ઝંખે છે...
રહી પડદામાં દર્શનની ઝલક થોડીઘણી આપો
ન આપો ચંદ્ર મારા હાથમાં, પણ ચાંદની આપો
પ્રતીક્ષાને બહાને જિંદગી જીવાઈ તો જાશે
તમારા આગમનની કંઈ ખબર ખોટીખરી આપો
વિચિત્ર પ્રકારની ખોટીખરી કરીને પાડોશી દેશ આપણને પરેશાન કરવાની કોશિશ જરૂર કરશે. ઑપરેશન સિંદૂર પછી પાકિસ્તાનને પોતાની હેસિયત સમજાઈ ગઈ છે છતાં ભવિષ્યમાં છમકલાં કરવાનું એ ચૂકશે નહીં. ચીન પાંચમી પેઢીનાં J-35A ફાઇટર વિમાનો પાકિસ્તાનને અડધી કિંમતે સોંપવાનું છે. પાકિસ્તાનને પ્રેમની ભાષા ક્યારેય સમજાઈ નથી અને સમજાવાની નથી. નીતિન પારેખ લખે છે...
આખેઆખું આભ નહીં તો આંગણ આપો
મેળો ના આપો તો મનગમતું જણ આપો
પ્રેમ નામનો રસ્તો શાને અંત વિનાનો
સમજ નથી કંઈ પડતી, થોડી સમજણ આપો
કોઈ પણ ધર્મનો ઉદ્દેશ પાપમાંથી પુણ્ય તરફ લઈ જવાનો હોય છે. માત્ર વ્યક્તિગત જ નહીં, સામાજિક જીવન પણ આસ્થાપૂર્ણ બને તો એનો ફાયદો સમાજને જ થાય છે. ધર્મનું કામ સમતા દ્વારા ક્ષમતા વધારવાનું છે. જ્યારે ધર્મનું અર્થઘટન અનર્થઘટન બની જાય ત્યારે દિશા અને દશા બન્ને વિપરીત થઈ જાય. ધર્મ ગમે એટલું શીખવે કે માર્ગદર્શન આપે આખરે તો કર્મ જ છાપરે ચડીને પોકારવાનું. ડૉ. મનોજ જોશી મન કહે છે એવું સ્વ-મૂલ્યાંકન કરવું અઘરું છે પણ અશક્ય નથી.
હજી છોડી શકતો નથી હું તરાપો
મને ડૂબવા કોઈ વરદાન આપો
તમે કર્મના ઘેર મારો જો છાપો
મળે પુણ્ય પાછળ છુપાયેલ પાપો
લાસ્ટ લાઇન
ઘેન છાંટી ભીની હવા આપો
ઊંઘને ઊંઘની દવા આપો
દોડી દોડીને આવે છે હરણાં
જોખી જોખીને ઝાંઝવાં આપો
આ જૂની હાડમારીઓ લઈને
એક-બે દિવસો નવા આપો
મેં ઊકળવા મૂક્યો છે દરિયાને
ઢાંકણું એને ઢાંકવા આપો
કેદ વરસાદને કરી લઈએ
દોરડું એક બાંધવા આપો
- રમેશ ચૌહાણ
ગઝલસંગ્રહ : પીળો પડછાયો

