ભારતની નાલંદા અને તક્ષશિલા યુનિવર્સિટીઓ વિશ્વમાં પંકાતી હતી. છેક ચીનમાંથી હ્યુ એન સંગ ભારતની આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવ્યા હતા
પ્રતીકાત્મક તસવીર
એક સમય એવો હતો જ્યારે ભારતની નાલંદા અને તક્ષશિલા યુનિવર્સિટીઓ વિશ્વમાં પંકાતી હતી. છેક ચીનમાંથી હ્યુ એન સંગ ભારતની આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવ્યા હતા. કાળનું કે પછી યુનિવર્સિટીઓનું ચક્ર ફર્યું અને ભારતની યુનિવર્સિટીઓનું સ્થાન ઇંગ્લૅન્ડની યુનિવર્સિટીઓએ લીધું. ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ વિશ્વમાં નંબર વન યુનિવર્સિટી ગણાવા લાગી. જેમણે ભારતના રાજકારણમાં અગત્યનો ભાગ ભજવ્યો છે એવી વ્યક્તિઓએ, આપણા બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર ઇંગ્લૅન્ડની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયા હતા. ફરી એક વાર કાળનું ચક્ર યા યુનિવર્સિટીઓનું ચક્ર ફર્યું અને ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ અને કેમ્બ્રિજે જેમ ભારતની નાલંદા અને તક્ષશિલાને પાછળ મૂકીને આગવું સ્થાન મેળવ્યું હતું એમ અમેરિકાની હાર્વર્ડ અને સ્ટેનફર્ડે ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ અને કેમ્બ્રિજને પાછળ મૂકીને શિક્ષણ આપવાની બાબતમાં વિશ્વમાં અગ્રસર સ્થાન ભોગવ્યું. હવે શું કાળનું ચક્ર તેમ જ યુનિવર્સિટીનું ચક્ર ફરી પાછું ફરશે? અમેરિકાની યુનિવર્સિટીઓને પાછળ મૂકીને વિશ્વના અન્ય કોઈ દેશની યુનિવર્સિટીઓ અગ્રસર સ્થાન પ્રાપ્ત કરશે? ડોનલ્ડ ટ્રમ્પે હાલમાં જ વિશ્વમાં સૌથી ટોચની ગણાતી અમેરિકાની યુનિવર્સિટી હાર્વર્ડને અપાતી ગ્રાન્ટ બંધ કરી દીધી છે. ત્યાં ભણતા પરદેશી વિદ્યાર્થીઓ, જેમણે પોતાની જાતને સ્ટુડન્ટ એક્સચેન્જ વિઝિટર ઇન્ફર્મેશન સર્વિસિસમાં રજિસ્ટર કરાવવી પડે એ સર્વિસના રેકૉર્ડમાંથી પરદેશી વિદ્યાર્થીઓ, જેની સંખ્યા લગભગ સાત હજાર જેટલી છે તેમનાં નામો કાઢી નાખવાની અને એ સઘળા વિદ્યાર્થીઓને કાં તો અમેરિકાની બીજી કોઈ યુનિવર્સિટીમાં ટ્રાન્સફર કરવાની યા તો અમેરિકા છોડીને સ્વદેશ પાછા ચાલ્યા જવાની આજ્ઞા કરી છે.
અમેરિકાની કોર્ટોએ ટ્રમ્પના આ ફરમાનને તાત્પૂરતો સ્થગિત કરી દીધો છે. તેમ છતાં વિશ્વના વિદ્યાર્થીઓને ટ્રમ્પના આ પગલાના કારણે ચિંતાગ્રસ્ત કરી દીધા છે. હાર્વર્ડ યુનિવર્સિટીએ દાખલ કરેલી પિટિશન પર કોર્ટ આખરે શું નિર્ણય લેશે? જો ટ્રમ્પે જે ફરમાન કર્યું છે એ રદ કરવામાં આવે તો શું ટ્રમ્પ બીજો કોઈ નિયમ બહાર નહીં પાડે? શું ટ્રમ્પ હાલમાં જે પરદેશી વિદ્યાર્થીઓને ભણી રહ્યા બાદ એક અને અમુક કિસ્સામાં ત્રણ વર્ષનો ઑપ્શનલ પ્રૅક્ટિકલ ટ્રેઇનિંગ પિરિયડ આપવામાં આવે છે એ સવલત બંધ કરી નહીં દે? એ સમય ઓછો કરી નહીં નાખે? એવા-એવા નિયમો લાવે જેથી અમેરિકન કંપનીઓ પરદેશી વિદ્યાર્થીઓને તેમના ઓપીટી પિરિયડમાં કામ શીખવા માટે પોતાને ત્યાં નોકરી ન આપે?
ADVERTISEMENT
સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ અને વિશ્વના અન્ય દેશના વિદ્યાર્થીઓ ટ્રમ્પના આવા-આવા એક્ઝિક્યુટિવ ઑર્ડરોના કારણે કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને વિશ્વના અન્ય દેશોની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માંડ્યા છે અને હજારો અમેરિકા સિવાયની યુનિવર્સિટીઓમાં ભણવા જવાનું વિચારી રહ્યા છે. કાળના ચક્રની જેમ યુનિવર્સિટીનું ચક્ર પણ ફરી પાછું ફરશે અને વિશ્વના વિદ્યાર્થીઓ અમેરિકાને બદલે અન્ય દેશોમાં ઉચ્ચ અભ્યાસ માટે જવા પ્રેરાશે?

