Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નવી દિશા, નવી માનસિકતા

નવી દિશા, નવી માનસિકતા

23 September, 2021 07:58 AM IST | Mumbai
JD Majethia

આજે દરેક બીજો માણસ સ્ટ્રેસમાં છે. આર્થિક પ્રશ્નોથી માંડીને ફૅમિલીના, એજ્યુકેશનના, બિઝનેસના, હેલ્થના અનેક પ્રશ્નો સૌકોઈને સતાવે છે ત્યારે સ્વસ્થતા સાથે આગળ વધવું, ચીવટ રાખવી અને ચિંતા કર્યા વિના જીવવું એ જ બેસ્ટ છે

નવી દિશા, નવી માનસિકતા

નવી દિશા, નવી માનસિકતા


‘રૂલ મતલબ રૂલ, ફૉલો ન કરે વો ફૂલ.’ 
આપણી ‘વાગલે કી દુનિયા’ના જોષીપુરા આ જ કહે છેને, પણ સાચું કહેજો, કેટલા લોકો આ વાતને કે બનાવવામાં આવ્યા હોય એ રૂલ્સને ફૉલો કરે છે. ઍનીવેઝ, આપણે આગળ વધીએ એ પહેલાં આપણો જે ટોપિક હતો એ ટોપિક કન્ટિન્યુ કરીને તમને યાદ અપાવી દઉં કે આપણે કયા વિષય પર વાત કરતા હતા.
આપણે વાત કરતા હતા વિચારોના અડાબીડ જંગલની. મનમાં એકસાથે અનેક વિચારો ચાલતા હતા અને એ વિચારોને આપણે ક્રમમાં ગોઠવીને આગળ વધવાનું હતું. પહેલાં વાત કરી મારાં બા-બાપુજીની અને એ પછી આપણે વાત કરી કોવિડ અને કોવિડની ત્રીજી લહેરની સંભાવનાની. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ૧૪૪ની ધારા અમલમાં મૂકી હતી. આ ધારાનો અર્થ એવો થાય કે પાંચથી વધારે વ્યક્તિઓએ ઑફિશ્યલ પરમિશન વિના એકત્રિત થવું નહીં. પણ સાચું કહેજો, ક્યાં તમને આ ધારાનો અમલ થતો દેખાયો. ક્યાંય નહીં, કોઈ એને પાળતું નહોતું. ભૂલ છે આ. બહુ મોટી ભૂલ અને સરકાર, પ્રશાસન બધા આ જોતા હતા, પરંતુ તેમની પણ મજબૂરી હતી. માસ સામે ક્યાં સુધી તમે કડક થઈને અમલવારી કરી શકો અને હું તો કહીશ કે દરેક વાતમાં અમલવારી કરાવવાની શું કામ ભાઈ? આપણે ભણેલા-ગણેલા છીએ, આપણે નિયમોને જાણીએ છીએ અને કોરોનાની ગંભીરતાની પણ આપણને ખબર છે. એ પછી પણ આપણે આવી ભૂલો કરવાની. આવી બેદરકારી? 
તમે જુઓ તો ખરા, લોકો એકબીજાના ઘરે ગણપતિનાં દર્શન કરવા પણ ગયા અને લોકોએ એકબીજાને આગ્રહ કરીને બોલાવ્યા પણ ખરા. આમ તો ધાર્મિક પ્રવૃત્તિમાં કશું બોલાય નહીં, પણ નિયમો તૂટે છે એ વાતથી જીવ બળે છે અને લોકોની ચિંતા થાય છે એટલે આટલું કહેવાઈ ગયું. આ વિષય પર વધારે વાત કરવાને બદલે હું કહીશ કે દરેકની પોતપોતાની સમજણ અને માન્યતાઓ છે અને એને ફૉલો કરવાની વિચારધારા પણ દરેકની પોતપોતાની છે તો પછી બીજું તો શું કહેવાનું હોય, પણ હા, એટલું કહીશ કે પ્લીઝ ધ્યાન રાખજો. 
ધાર્મિક પ્રસંગોમાં મોટા પ્રમાણમાં લોકો ભેગા થતા હોય છે અને એમાંથી ફેલાવો પણ જલદી થતો હોય છે. લોકો મુસીબતમાં મુકાઈ શકે છે અને જો મુસીબતમાં ન મુકાવું હોય તો સૌકોઈએ પોતપોતાના પ્રસંગોને, તહેવારોને, ઉજવણીઓને સાવચેતીથી માણવાની છે. છેલ્લાં દોઢ-બે વર્ષમાં ઘણું નવું શીખ્યા, કોરોનાએ ઘણુંબધું શીખવી દીધું અને નવી-નવી ભાતભાતની રીતભાત તથા વ્યવહાર પણ શીખવ્યા છે. પ્રસંગોની ઉજવણીમાં કેવું ધ્યાન રાખવાનું અને આપણા લોકો હેરાન ન થાય, દુઃખી ન થાય એની કાળજી કેવી રીતે રાખવાની. આ કાળજી અકબંધ રાખજો અને જરા પણ હેરાનગતિ આગળ ન વધે એનું ધ્યાન રાખીને બીજાને પણ મુસીબત ન પડે, તકલીફ ન પડે એમ પ્રસંગ-તહેવાર ઊજવજો. 
હવે વાત કરીએ આપણે ‘વાગલે કી દુનિયા’ના એ એપિસોડની, જેણે આ જ ગણેશજીના ઉત્સવમાં કેવી રીતે એક બહુ સરસ સંદેશને વણી લેવાનું કામ કર્યું. એમાં વાત એકમેકના સાથની હતી અને એ સાથ માટે કેવી રીતે કલાકારોને ઇન્વૉલ્વ કરી, ઇવેન્ટ કરી. સૌને મદદ કરવાની ભાવના એમાં હતી. મને એ વાત કહેવાનું બહુ મન થયું છે, પણ એનો વિસ્તાર શરૂ કરીએ એ પહેલાં એક વાત કહી દઉં તમને કે જો તમને એ બધું જોતાં એવું લાગતું હોય કે ધારો કે તમે એવું ધારતા હો કે તમને જ હું સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને સૅનિટાઇઝર માટે કહેતો હોઉં અને તમને એમ લાગતું હોય કે આ બધું અમે ‘વાગલે કી દુનિયા’માં નથી પાળતા તો કહેવાનું કે અમે શૂટિંગ પર બહુ રિસ્ટ્રિક્શન અને તમામ પ્રકારના નિયમો સાથે આગળ વધીએ છીએ. એક પણ વ્યક્તિએ કોઈ પણ પ્રકારની ભૂલ ન કરવી જોઈએ એની ચીવટ રાખીએ છીએ અને એ તમામ નિયમોનું પાલન થાય છે કે નહીં એનું ધ્યાન રાખવા માટે પણ એક ટીમ બનાવી હોય છે. અમારી એ ટીમ કોઈની પણ શેહશરમ કે સાડીબારી રાખ્યા વિના નિયમ તૂટતો જુએ એટલે તરત જ ટોકી દે અને જેને કહેવામાં આવે તેણે એ સૂચનાનું પાલન પણ કરવાનું જ.
માત્ર સીન શૂટ કરવાનો હોય એ સમયે જ કલાકારોએ મોઢા પરથી માસ્ક ઉતારવાનો અને એ પણ જે કલાકારોએ સીનમાં રહેવાનું હોય એ જ કલાકારે. એ સિવાયના તમામ કલાકારોએ માસ્ક પહેરી જ રાખવાનો. જે કલાકાર સીન કરે છે એ કલાકાર પણ તમારા મનોરંજન માટે આટલું રિસ્ક લે છે, બાકી તો એ પણ આવું જોખમ ન લે, પણ તમારા મનોરંજનને અમે પ્રાધાન્ય આપીએ છીએ, જેથી ઘેરબેઠાં લોકોનું ડિપ્રેશન થોડું ઓછું થાય. આજે અડધો દેશ ડિપ્રેશનમાં છે અને આ હકીકત છે. જાતજાતનું સ્ટ્રેસ સૌકોઈના મનમાં છે. આવકથી માંડીને ભણતર, રોજીરોટી, તબિયત જેવી દરેક બાબતની ચિંતા સૌકોઈના મનમાં છે ત્યારે એ ચિંતા, એ સ્ટ્રેસને દૂર કરવાનું બીજું કોઈ કૉન્ટ્રિબ્યુશન તો અમે ન કરી શકીએ, પણ અમે એ સ્ટ્રેસ ઘટાડવાનું કામ તો કરી શકીએ અને એ જ કારણે અમારા જીવના જોખમે પણ થોડું ઘણું મનોરંજન તમને મળી રહે એવા હેતુથી જરાઅમસ્તી બાંધછોડ અને એ પણ સ્ક્રીન પર દેખાય એટલા જ સમયની અમે કરતા હોઈએ છીએ, પણ સ્ક્રીન પર જેકંઈ નથી દેખાતું એ બધામાં તમામેતમામ નિયમોનું પાલન સૌકોઈ કરે જ છે એટલે નિશ્ચિંત રહેજો અને એવું ન માનતા કે અમે કહીએ છીએ. ના, અમે પોતે એનું પાલન કરતા જ હોઈએ છીએ અને દરેક વ્યક્તિ એ પાલનનો આગ્રહ રાખે છે છતાં અલગ-અલગ જગ્યાએથી સૌકોઈ ટ્રાવેલ કરીને આવતા હોય તો અમારે ત્યાં પણ ઘણી વાર તકલીફ ઊભી થાય છે. એ તકલીફને ધ્યાનમાં રાખીને જ કહું છું કે તમે ધ્યાન રાખજો. બાય ધ વે, આ વાત ચાલે છે ત્યારે તમને કહી દઉં કે આવતા સમયમાં ‘વાગલે કી દુનિયા’ના એક ખુશખબર તમને આપવાનો છું, પણ એને માટે થોડો સમય તમારે રાહ જોવી પડશે. બહુ જલદી તમારી સાથે એ ગુડ ન્યુઝ શૅર કરીશ, પણ અત્યારે શૅર કરવાની છે મારે એ વાત જેના વિશે બહુ લાંબા સમયથી મારા મનમાં વિચારો ચાલ્યા કરે છે.
આ એવો કપરો કાળ ચાલી રહ્યો છે કે કામ જ નથી અને હવે તો ઑલમોસ્ટ બે વર્ષ થવા આવ્યાં. સિનેમા-હૉલ બંધ છે, ગુજરાતી નાટકોના શો થતા નથી. શો થાય ક્યાંથી, થિયેટરો બંધ છે. કલાકારો, ટેક્નિશ્યનોથી માંડીને સૌકોઈ અલગ-અલગ પ્રવૃત્તિના પ્રયત્નો કરે છે. કોઈ ઘરે ટિફિન બનાવવા માંડ્યું છે તો કોઈએ ચૉકલેટ અને બીજી વરાઇટી બનાવવાનું શરૂ કરી દીધું છે. કોઈ આ કામ કરે છે તો કોઈ પેલું કામ કરે છે. બધાના પ્રયત્ન ચાલુ છે અને એ પ્રયત્નો વચ્ચે સૌકોઈ સર્વાઇવ થવાની દિશામાં મથે છે. હમણાં કોઈકે સૅન્ડવિચનો ધંધો શરૂ કર્યો છે અને એનું નામ રાખ્યું છે જેડી. આપણા થિયેટરવાળા જ છે. પ્લીઝ, તેને ત્યાં સૅન્ડવિચ ખાવા જરૂર જજો, મારે પોતાને પણ જવું છે. લારી પર સૅન્ડવિચ ખાવી છે, જેડીને ત્યાં જેડી એવા ભાવ સાથે. જે હિંમત સૌ દેખાડે છે, જે મહેનત દરેક કરે છે એ ખરેખર કાબિલે તારીફ છે. બધા લોકોએ માનસિક તાણમાંથી બહાર આવીને હિંમત કરીને કંઈક જુદું કર્યું છે એટલે તેમને વધાવવા જ રહ્યા, આ વધામણીનો સમય છે. નવી શરૂઆત કરવા માટે પણ બહુ બધી નવી હિંમત જોઈએ. જૂની વાતોને ભૂલવાની ક્ષમતા જોઈએ અને એ બધાથી પણ આગળ, નજર આંખ સામે રાખવાની માનસિકતા જોઈએ. આ માનસિકતા જ આપણને સૌને ટકાવવાનું કામ કરશે અને આ જ માનસિકતા નવી દિશા ખોલવાનું કામ કરશે.

કલાકારો, ટેક્નિશ્યનોથી માંડીને સૌકોઈ અત્યારે અલગ-અલગ પ્રવૃત્તિના પ્રયત્ન કરે છે. કોઈ ઘરે ટિફિન બનાવવા માંડ્યું છે તો કોઈકે ચૉકલેટ અને બીજી વરાઇટી બનાવવાનું શરૂ કરી દીધું છે. કોઈ આ કામ કરે છે તો કોઈ પેલું કામ કરે છે. બધાના પ્રયત્ન ચાલુ છે અને એ પ્રયત્ન વચ્ચે સૌકોઈ સર્વાઇવ થવાની દિશામાં મથે છે.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2021 07:58 AM IST | Mumbai | JD Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK