સાઇકલ પર કાશ્મીરથી કન્યાકુમારી વાયા મુંબઈ, ૪૨૦૦ કિલોમીટર, ૪૦ દિવસ : યુવાનોને પણ શરમાવે એવી આ સફર કેવી દિલધડક રહી એ જાણીએ પંચાવનથી ૬૭ વર્ષની ઉંમરના આ સાઇક્લિસ્ટો પાસેથી
ગોવાના બીચ પર સાઇક્લિંગની મજા માણતા પાંચેય વડીલ.
જીવન એક વાર જ મળે છે તો એને મન મૂકીને જીવી લેવું, જે ઇચ્છાઓ અને સપનાંઓ હોય એને પૂરાં કરવાની તક મળે તો છોડવી ન જોઈએ. આ વાક્યને સાર્થક કર્યું છે મુંબઈમાં રહેતા પાંચ રિટાયર્ડ વડીલોએ. કોઈ પણ ઉંમરે સાઇક્લિંગ કરવું સામાન્ય વાત છે, પણ ૫૫-૬૦ વર્ષની ઉંમરે હજારો કિલોમીટર સાઇક્લિંગ કરીને કાશ્મીરથી કન્યાકુમારી સુધી પહોંચવું એ વિરલ ઘટના છે. મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં રહેતા આ સાઇક્લિસ્ટ ફ્રેન્ડ્સે આવી ટ્રિપ પ્લાન પણ કરી અને ૪૦ દિવસમાં પૂરી પણ કરી દેખાડી. તેમની આ ઍડ્વેન્ચરસ જર્ની કેવી રહી અને કેવા પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો એ વિશે જાણીએ.
પાંચ સુપરસ્ટાર્સ
ADVERTISEMENT
ઘાટકોપરમાં રહેતા સેવાનિવૃત્ત રાજકારણી અને અચીજા હોટેલના સંસ્થાપક મંગલ ભાનુશાલી ઍડ્વેન્ચરસ જર્નીના શોખીન તો છે જ. તેમણે અગાઉ ઘણી ટ્રિપ બાઇક અને સાઇકલ પર કરી છે, પણ કાશ્મીરથી કન્યાકુમારી વાયા મુંબઈના રૂટ પર ૪૨૦૦ જેટલા કિલોમીટરનું સાઇક્લિંગ પહેલી વાર કર્યું. ૬૪ વર્ષના મંગલભાઈની થોડા સમય પહેલાં કૅન્સરની સર્જરી થઈ હોવાથી ડૉક્ટરે ટ્રાવેલિંગની ના પાડી હતી, પણ ઍડ્વેન્ચરના શોખીન હોવાથી તેમણે ટ્રિપ તો કરી અને એ પણ ચાર મિત્રો સાથે સાઇકલ પર. મંગલભાઈની જેમ પરેલમાં રહેતા BMCના પાણી ખાતાના રિટાયર્ડ કર્મચારી સતીશ જાધવ પણ ઍડ્વેન્ચરના શોખીન છે. તેમની લાંબા રૂટ પર સાઇક્લિંગ કરવાની ઇચ્છા હતી અને એ ઇચ્છા આટલી જલદી પૂરી થશે એ તેમણે સપનેય વિચાર્યું નહોતું. ઉંમર ૬૭ વર્ષની છે પણ જુસ્સો ૨૭ વર્ષના યુવાનોને પણ ઝાંખા પાડે એવો છે. મંગલભાઈની સાથે જિતેન્દ્ર જૈનના પણ સતીશભાઈ સારા મિત્ર છે. તેમણે મંગલભાઈ અને જિતેન્દ્રભાઈ સાથે ટ્રિપ વિશે વાત કરી. ટ્રિપમાં સાઇક્લિંગનું ઍડ્વેન્ચર હોવાથી તાત્કાલિક હા પાડી દીધી. અંધેરીમાં રહેતા ૫૬ વર્ષના જિતેન્દ્રભાઈ મેડિકલની દુકાન ચલાવે છે. દુકાનની દેખરેખનું કામ ભરોસાપાત્ર વ્યક્તિને સોંપીને આ ઉંમરમાં સેમી-રિટાયરમેન્ટ લઈને પોતાનાં ડ્રીમ્સ પૂરાં કરી રહ્યા છે. કાશ્મીરથી કન્યાકુમારીની ડ્રીમ ટ્રિપમાં દાદરમાં રહેતા ગોદરેજ કંપનીના રિટાયર્ડ અસિસ્ટન્ટ મૅનેજર મનોજ ચૌગુલે પણ જોડાયા. ૬૨ વર્ષની ઉંમરમાં તેમણે આ ઍડ્વેન્ચર સ્વીકાર્યું અને મિત્રો સાથે માણ્યું પણ. ટ્રિપના પાંચમા અને સૌથી નાના મેમ્બર હતા ઘાટકોપરમાં રહેતા જયંતી ગાલા. પંચાવન વર્ષની ઉંમરે નિવૃત્ત થઈને તેમના સાઇક્લિંગના શોખને મન મૂકીને માણી રહ્યા છે. બાળપણથી જ સાઇકલ ચલાવવી ગમતી હોવાથી તેમણે નાનીમોટી ઇવેન્ટ્સમાં પાર્ટ લીધો છે અને જીત્યા પણ છે. તેમને લૉન્ગ રૂટ પર સાઇક્લિંગ કરવાની ઇચ્છા હતી અને એ ઇચ્છા પૂરી થઈ. નોંધવા જેવી વાત એ પણ છે કે ૪૦ દિવસના પ્રવાસ દરમિયાન આ યંગ સિનિયર સિટિઝનોને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ જાતની સમસ્યાઓ થઈ નહીં. બધા મનથી મક્કમ હોવાથી ટ્રિપ બહુ જ સ્મૂધ રહી.
બધાએ જમ્મુમાં ડાન્સ કરીને સેલિબ્રેશન કર્યું હતું.
ગજબનું પ્લાનિંગ
પાંચેય સાહસવીરોએ ત્રણ મહિના પહેલાં પ્લાનિંગ કરીને સાઇક્લિંગનો રોડમૅપ બનાવ્યો. કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો સીધો હાઇવે છે, પણ તેમની ઇચ્છા જુદી હતી. તેમને કાશ્મીરથી કન્યાકુમારી તો જવું હતું, પણ મુંબઈ થઈને. મુંબઈથી કન્યાકુમારી કોસ્ટલ રોડથી જવાય અને એ રોડ ખરેખર ઍડ્વેન્ચરસ છે. જો ચૅલેન્જ લેવી જ છે તો એક લેવલ ઉપરની લેવી, જેથી આપણી સ્ટ્રેન્ગ્થ વધે અને મેન્ટલ કૅપેસિટી વધે એવા મંત્ર સાથે પાંચેય જણે બહુ જ મહેનતથી અને ધ્યાનપૂર્વક પ્લાનિંગ કર્યું. ૪૦ દિવસમાં ૪૨૦૦ કિલોમીટરનું અંતર કાપવું અને એ પણ સાઇકલ પર એ કંઈ ખાવાના ખેલ નથી. યુવાનો પણ આવું સાહસ ન કરી શકે. સાઇકલની સ્પીડ બહુ મર્યાદિત હોય અને આખો દિવસ પેડલ મારીને આગળ વધવાનું હોય અને એમાંય કપરાં ચડાણ અને ઉતારવાળા રસ્તા આવે તો ભલભલાના શ્વાસ અધ્ધર ચડી જાય અને ત્યાંથી યુ-ટર્ન મારવાનું મન થાય. જોકે મંગલભાઈ ઍન્ડ કંપનીએ એ બધા જ પડકારોને હસતા મોઢે અને સેલિબ્રેટ કરતાં-કરતાં પાર કર્યા. દરરોજ સૂરજ ઊગતાંની સાથે સાઇકલ લઈને નીકળી પડવાનું અને સૂર્યાસ્ત થતાંની સાથે જ આરામ ફરમાવવાનો. આ રૂલ સાથે તેમણે આખી ટ્રિપ કમ્પ્લીટ કરી. કન્યાકુમારીથી ટ્રેનમાં બેસીને ૨૬ ફેબ્રુઆરીએ ઘરે પહોંચ્યા ત્યારે રેલવે-સ્ટેશન પર તો તેમનું સ્વાગત થયું જ અને ઘરે પણ જોરદાર સેલિબ્રેશન થયું.
રસ્તામાં સાઇકલનું ટાયર પંક્ચર થયા બાદ એનું રિપેરિંગ કરતા પાંચેય વડીલ.
ટ્રિપની વિશેષતા
કાશ્મીરથી કન્યાકુમારીની ટ્રિપ કોસ્ટલ રોડથી થઈ રહી હતી એ તો એક વિશેષતા છે જ, પણ આ સાથે ટ્રિપનો અૅક્સ ફૅક્ટર હતો સેલ્ફ-સપોર્ટ. સામાન્યપણે લાંબા રૂટ પર બાઇકિંગ કે સાઇક્લિંગ કરતા લોકો પોતાના સામાન માટે તથા રસ્તામાં મેડિકલ ઇમર્જન્સીની જરૂર પડે તો દવા અને ડૉક્ટરની વ્યવસ્થા માટે એક કાર સાથે રાખતા હોય છે જેથી જરૂર પડ્યે તાત્કાલિક સેવા મળી રહે, પણ આ પાંચ જણે તો આ પ્રકારના સપોર્ટને સાથે ન રાખવાનો નિર્ણય લીધો હતો. આ વિશે વાત કરતાં મંગલ ભાનુશાલી કહે છે, ‘મેં પાંચ મહિના પહેલાં આખા યુરોપમાં સાઇક્લિંગ કર્યું ત્યારે પણ સેલ્ફ-સપોર્ટથી સોલો ટ્રાવેલ કર્યું હતું. કોઈ પણ જાતની સુવિધાઓને સાથે લઈને ફર્યો ન હોવા છતાં વિદેશમાં મને કોઈ અડચણ આવી નહોતી. અમારી ટ્રિપ તો અમારા વતનમાં જ હતી. તેથી કપડાં અને ભોજનની સાથે બીજી કોઈ સુવિધાની જરૂર નહોતી. એ અમે સાઇકલની પાછળ ગોઠવી દીધું. ટ્રિપ દરમિયાન અમે ડાયટનું ખાસ ધ્યાન રાખ્યું હતું. અમે ડ્રાયફ્રૂટનાં નાનાં પૅકેટ બનાવીને લઈ ગયા હતા. આ સાથે મોટી સાઇઝની ત્રણ ખજૂર ખાઈ લેતા, પછી જ્યાં જે લોકલ ફૂડ મળે એ એક્સપ્લોર કર્યું છે. મેં એક્સ્ટ્રામાં ગાયનું દેશી ઘી સાથે લીધું હતું. સવારે ઊઠીને ગાયના ઘીમાં ખજૂર અને ડ્રાયફ્રૂટ ખાતો. મને દરરોજ ૧૦૦થી ૨૦૦ ગ્રામ જેટલું ઘી જોઈએ. એ મારી સ્ટ્રેન્ગ્થ છે. સામાન હોય તો એને સાચવવાની ઉપાધિ થાય એટલે ન હોવો જ યોગ્ય હતો. આ વાતથી પાંચેય સંમત થયા. વતનમાં જ ફરવું હોય તો શેના સપોર્ટની જરૂર? ભારતમાં માનવતાના ભાવે અજાણી વ્યક્તિ વહારે આવે જ છે તો સપોર્ટ સાથે ટ્રિપ કરવામાં મન માનતું નહોતું. મેં ચારેય મિત્રો સામે મારો વિચાર રજૂ કર્યો અને તેઓ પણ સેલ્ફ-સપોર્ટ વગર ટ્રિપ કરવા સહમત થયા.’
પંજાબની એક સ્કૂલમાં પાંચેય સાઇક્લિસ્ટોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રદૂષણમુક્ત ભારતનો સંદેશ
પાંચેય યંગ સુપરસ્ટાર્સને સાઇક્લિંગનો ગાંડો શોખ ખરો જ, પણ તેમને કાશ્મીરથી કન્યાકુમારી કોઈ સામાજિક સંદેશ આપતાં અને જાગરૂકતા ફેલાવતાં પહોંચવું હતું. ૪૦ દિવસ પ્રકૃતિના સાંનિધ્યમાં જ વિતાવવાના હોવાથી એનું સંવર્ધન થાય અને પ્રદૂષણ ઓછું થાય એ હેતુથી તેમણે ટ્રિપ કરી. ‘પૉલ્યુશન ફ્રી ભારત’ના સંદેશ સાથે શરૂ કરેલી ટ્રિપ દરમિયાન રસ્તામાં આવતી સ્કૂલો અને ગ્રામપંચાયતોમાં જઈને પ્રદૂષણ ઓછું કરવા વિશે જાગરૂકતા ફેલાવવાનું નેક કાર્ય તેમણે કર્યું.
લાલ ચૌકથી કર્યો પ્રારંભ
વડીલોની સાઇક્લિંગ ટ્રિપનો પ્રારંભ ૧૬ જાન્યુઆરીના દિવસે શ્રીનગરના લાલ ચૌકથી થયો હતો. આ માટે તેમને ૧૩ જાન્યુઆરીએ મુંબઈથી ટ્રેનમાં નીકળી જવું પડ્યું હતું. સાઇકલને લગેજ ડબ્બામાં નાખીને મુંબઈ ટુ કાશ્મીરની જર્ની શરૂ થઈ. ૧૬ તારીખે કાશ્મીરના DIGએ ફ્લૅગઑફ આપ્યો અને અમે સવારે સાત વાગ્યે સાઇક્લિંગની શરૂઆત કરી. ત્યાંના પોલીસ-પ્રશાસને પાંચેય વડીલોની મન મૂકીને પ્રશંસા તો કરી જ અને સાથે તેમને પ્રોટેક્શન મળે એ માટે સિક્યૉરિટી કાર પણ મોકલાવી. ટ્રિપ દરમિયાન દિવસ કેવી રીતે વીતતો હતો એ વિશે જણાવતાં મંગલભાઈ કહે છે, ‘અમારો ડેઇલીનો સાઇક્લિંગનો ટાર્ગેટ ૧૦૦થી ૧૨૫ કિલોમીટર જેટલો હતો. ફક્ત જમવા અને ચા-પાણી માટે જ અમે થોડો સમય હૉલ્ટ લેતા હતા અને રાત્રે જ્યાં પહોંચ્યા હોઈએ ત્યાં નજીકની કોઈ હોટેલમાં રાત વિતાવતા હતા.’
જર્ની પૂરી કરીને મુંબઈ પાછા ફરતી વખતે ભવ્ય સ્વાગત થયું હતું.
રૂટમાં મુંબઈ શા માટે?
કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો સળંગ હાઇવે હોવાથી આ રૂટ પર ટ્રાવેલ કરવું ઈઝી છે અને સામાન્ય પણ કહેવાય છે. આ પાંચેય વડીલોએ આ ટિપિકલ રૂટને બદલે કાશ્મીરથી મુંબઈ થઈને કોસ્ટલ રોડથી કન્યાકુમારી સુધી સાઇક્લિંગ કરવાનો રૂટ લીધો. સામાન્ય કરતાં અલગ વિચાર ધરાવતા આ વડીલોને ઍક્ચ્યુઅલી પ્રકૃતિના સાંનિધ્યમાં રહીને એક-એક સ્થળને ફીલ કરવું હતું અને એ ત્યારે જ શક્ય છે જ્યારે કાશ્મીરથી મુંબઈ અને મુંબઈથી કન્યાકુમારી જવાય. મુંબઈ ઘર કહેવાય એટલે કાશ્મીરથી મુંબઈ પહોંચ્યા બાદ વિસામો ખાઈને ગંતવ્યસ્થાન એટલે કે કન્યાકુમારી તરફ જવા પ્રયાણ કર્યું. કોસ્ટલ રોડથી કન્યાકુમારી જવું હોય તો મુંબઈથી ગોવા જવું પડે. ગોવાથી કન્યાકુમારીના રૂટમાં દરિયાકિનારા જ છે અને ત્યાં સાઇક્લિંગ કરવાની જે મજા આવે એ ક્યાંય ન આવે એવું તેમનું કહેવું છે. આ દરમિયાન આવેલી ચૅલેન્જિસ વિશે વાત કરતાં મંગલભાઈ કહે છે, ‘કોસ્ટલ રોડ જેટલો બ્યુટિફુલ છે એટલો ચૅલેન્જિંગ પણ છે. અહીં હેવી ટ્રાફિક તો ન નડે પણ લોનાવલાના બોરઘાટ જેવાં કપરાં ચઢાણ અને અઘરા ટર્નિંગ પૉઇન્ટવાળા રસ્તાઓ મળે. ત્યાં સાઇક્લિંગ કરવું ખરેખર ટફ ટાસ્ક છે. જો આ ચૅલેન્જ તમે શાંત મગજ રાખીને સાવધાનીપૂર્વક પૂરી કરો તો જાણે જંગ જીતીને આવ્યા હોઈએ એવી ફીલિંગ આવી જાય. ઍડ્વેન્ચરસ જર્ની પર જવું હોય તો ડરને એક બાજુએ રાખવાનું અને મગજ શાંત રાખીને ફોકસ કરવાનું બહુ જરૂરી છે. જો એ હશે તો ઉંમર ગમે તે હોય, આ ચૅલેન્જ આરામથી પાર થઈ જશે.’
પહેલો થ્રિલિંગ એક્સ્પીરિયન્સ
લાંબા રૂટ પર સાઇક્લિંગનો એક્સ્પીરિયન્સ ખરેખર થ્રિલિંગ હોય છે. એમાંય વાત આ યંગ નિવૃત્ત સાઇક્લિસ્ટોની થાય તો તેમના અનુભવોને જાણવાની આતુરતા વધી જાય. પહેલી વાર ક્યાં અને કેવી ચૅલેન્જ આવી હશે? એને પાર કરતી વખતે મનમાં શું મથામણ ચાલતી હશે? એને સફળતાપૂર્વક પાર કર્યા બાદ તેમની હાલત કેવી હશે? એવા સવાલોનું ઘોડાપૂર આવવું સ્ભાવાવિક છે. જર્નીની શરૂઆત થતાંની સાથે ચૅલેન્જ તો જાણે આ પાંચેય વડીલની કાગડોળે રાહ જોઈ રહી હોય એમ આવીને ઊભી હતી. માઇનસ ચાર ડિગ્રી ટેમ્પરેચરમાં કાશ્મીરથી જમ્મુ તરફ જતી વખતે ૧૦ કિલોમીટર લાંબી ટનલ આવે છે. એ કાશ્મીર અને જમ્મુને જોડે છે. એ ટનલ આવતાં પહેલાં જ હિમવર્ષા શરૂ થઈ. એ સમયના અનુભવને શૅર કરતાં મંગલભાઈ કહે છે, ‘અમારી સાઇકલ-યાત્રા પ્રારંભ કરી અને આશરે ૨૦થી ૨૫ કિલોમીટર જેટલું અંતર કાપ્યું હશે ત્યાં તો હિમવર્ષા શરૂ થઈ. અમે હવામાનની આગાહી જોયા વગર જ ટ્રિપ શરૂ કરી હોવાથી અચાનક સ્નોફૉલ થતાં અમને ટેન્શન આવી ગયું કે શરૂઆતમાં જ શેડ્યુલ પ્રમાણે ચાલી શકાશે કે નહીં. હું યુરોપમાં ગયો ત્યારે એવી અપેક્ષા હતી કે મારે સ્નોફૉલમાં સાઇકલ ચલાવવી પડશે, પણ ત્યાં મને એવો ચાન્સ મળ્યો નહીં તેથી અમને કોઈ આઇડિયા નહોતો કે બરફાચ્છાદિત રસ્તામાં સાઇક્લિંગનો અનુભવ કેવો હશે. બધાને એનો એક્સ્પીરિયન્સ કરવો હતો તેથી અમે બરફથી ઢંકાયેલા રસ્તા પર સાઇકલ ચલાવવાનો નિર્ણય લીધો અને ૩૫ કિલોમીટર સુધી સાઇકલ ચલાવી. ભગવાનની કૃપાથી અમે હેમખેમ આ પહેલી ચૅલેન્જને પાર કરી અને નાચી-ગાઈને સેલિબ્રેશન કર્યું. બરફમાં સાઇકલ ચલાવવાનો અનુભવ અમારા માટે ખરેખર થ્રિલિંગ હતો.’
સ્પેશ્યલ ટ્રીટમેન્ટ મળી
કાશ્મીરથી જમ્મુ જવા માટે ૧૦ કિલોમીટર લાંબી ટનલમાંથી પસાર થવું પડે, પણ રૂલ એવો હતો કે સાઇકલ આ ટનલને ક્રૉસ કરી શકે નહીં. ત્યાં આ ટનલમાં સાઇકલ ચલાવવા પર પ્રતિબંધ છે. જોકે પાંચેય રૉકસ્ટાર્સ જર્નીની શરૂઆતથી જ સ્થાનિક લોકોમાં છવાઈ ગયા હતા અને પ્રશાસને પણ તેમને સરસ પ્રતિસાદ આપ્યો હોવાથી તેમના હેતુ અને જુસ્સાને જોઈને ટનલમાંથી તેમને પસાર થવાની સ્પેશ્યલ પરમિશન મળી એટલું જ નહીં, જ્યાં સુધી તેઓ પસાર ન થાય ત્યાં સુધી ટનલમાં કોઈ પણ વાહનને એન્ટ્રી આપવામાં ન આવે એવી જોગવાઈ પણ કરવામાં આવી. કદાચ આવું પહેલી વાર બન્યું હશે કે કાશ્મીરની આ ટનલને સાઇક્લિસ્ટો માટે બંધ કરવામાં આવી હોય.
જમ્મુ ટુ ગુજરાત વાયા પંજાબ
પાંચેય સાઇક્લિસ્ટોને આખા રૂટમાં જે લોકો મળ્યા તેમણે તેમને વધાવ્યા. તેમના જોશ અને જુસ્સો જોઈને લોકો પણ ખુશ-ખુશ થઈ જતા અને આ ઉંમરે પણ આ હદે સાહસ થઈ શકે એવા આશ્ચર્ય સાથે તેમને પણ આ વડીલોની ટ્રિપ માણવાનું મન થઈ જતું. કાશ્મીરથી જમ્મુ અને જમ્મુથી પંજાબ પહોંચ્યા બાદ ગોલ્ડન ટેમ્પલમાં શીશ નમાવીને ચંડીગઢ અને ત્યાંથી રાજસ્થાન પહોંચ્યા. જયંતી ગાલા આ યાત્રા વિશેની વાતો કરતાં કહે છે, ‘અમે જે હેતુ સાથે ટ્રિપ કરી રહ્યા હતા એ માટે રસ્તામાં જે ગ્રામપંચાયત અને શાળાઓ દેખાય ત્યાં પ્રદૂષણ ન ફેલાવવાનો અને પ્રકૃતિને બચાવવાનો સંદેશ આપતા. ત્યાંના લોકો અમને જોતા તો એવું ફીલ થતું હતું જાણે અમે સેલિબ્રિટી છીએ. અમને જોઈને ખુશ થતા અને ફોટો પડાવતા તો અમનેય સંતોષ થતો કે પોતાના માટે આયોજિત કરેલી ટ્રિપને કારણે અન્ય લોકોને પણ ખુશી મળી રહી છે. મીડિયાવાળા અમારી સાથે વાતચીત કરતા, ઇન્ટરવ્યુ લેતા અને અમારી પાસેથી ટ્રિપની વાતો સાંભળતા. અમને પણ તેમને જીવનના કિસ્સાઓ સંભળાવવાની બહુ મજા આવતી. રાજસ્થાનમાં પહોંચ્યા ત્યારે નેવી કમાન્ડર બનવારી લાલ મળ્યા. તેઓ ઘાટકોપરમાં ફરજ પર હતા ત્યારે અમારી જૂની મિત્રતા હતી. તેમને અમારા વિશે ખબર પડી તો તરત જ અમને મળવા પહોંચ્યા એટલું જ નહીં, તેમણે ઢોલનગારાં વગાડીને અને હાર પહેરાવીને અમારો અતિથિસત્કાર કર્યો. ચાર દિવસ રાજસ્થાનમાં વિતાવીને ખાણીપીણીનો તો જાણે ટેસડો પડી ગયો. ત્યાંથી અમે ગુજરાતના ગાંધીનગર પહોંચ્યા ત્યારે એવું ફીલ થયું જાણે ઘરે પહોંચ્યા. ત્યાં અમારે ગુજરાતના મુખ્ય પ્રધાનને મળવાનું હતું પણ સમય ન હોવાથી તેમને મળ્યા વગર જ નીકળી જવું પડ્યું.’
એક ટ્રિપમાં બધી સીઝન
કાશ્મીરથી કન્યાકુમારી જાઓ તો એક જ ટ્રિપમાં વરસાદ, ઠંડી અને ગરમી આ ત્રણેય ઋતુનો અનુભવ થઈ જાય. પ્રકૃતિપ્રેમી અને ઍડ્વેન્ચર-લવર્સ માટે એથી વિશેષ કંઈ ન હોય. ટ્રિપ દરમિયાન થયેલા અનુભવ વિશે જયંતી ગાલા કહે છે, ‘કાશ્મીરની કડકડતી ઠંડીની સાથે હિમવર્ષાનો અનુભવ અદ્ભુત રહ્યો હતો. ત્યાર બાદ જેમ આગળ વધ્યા એમ ગરમ વાતાવરણને પણ ફીલ કર્યું. કોસ્ટલ રોડથી કન્યાકુમારી જવાનું હતું એટલે ભેજવાળી હવા આવતી હોવાથી ગરમી હોવા છતાં એટલી ગરમી લાગતી નહોતી અને આનંદથી મોજ કરતાં-કરતાં આગળ વધતા હતા. ૪૦ દિવસ મોજ કરતાં-કરતાં અને પ્રકૃતિને માણતાં જ વિતાવ્યા છે અને લાઇફટાઇમની મેમરી બનાવી છે. રસ્તામાં આવતા નાના-મોટા પડકારોને પાર કર્યા બાદ અમે રસ્તા પર ગીત વગાડીને સેલિબ્રેશન કર્યું હતું. યુવાવસ્થામાં ઘરપરિવારની જવાબદારીમાં વ્યસ્ત હતો, પણ હવે મારી ઇચ્છાઓ પૂરી કરીને લાઇફને આ રીતે સેલિબ્રેટ કરું છું.’
સતત ૨૩ કલાક કર્યું સાઇક્લિંગ
પાંચેય વડીલોના જીવનમાં એવું પહેલી વાર બન્યું હશે કે ડિસ્ટન્સ સમયસર કવર કરવા માટે ૨૩ કલાક સતત સાઇક્લિંગ કર્યું હોય અને ૨૩૦ કિલોમીટરનું અંતર કાપ્યું હોય. પ્રવાસના અંતિમ તબક્કા દરમિયાન થયેલા આ અનુભવ વિશે જણાવતાં જયંતીભાઈ કહે છે, ‘૧૬ જાન્યુઆરીએ શરૂ કરેલી ટ્રિપને ૨૪ ફેબ્રુઆરીએ પૂરી કરવાનો ટાર્ગેટ હતો. અમે સમય કરતાં થોડા લેટ ચાલી રહ્યા હોવાથી અમારે ૨૩૦ કિલોમીટર જેટલું અંતર કાપવાનું બાકી હતું. કન્યાકુમારી જવાના રૂટ પર મોટાં વાહનોની અવરજવર ઓછી હોવાથી અમે રાતના પણ સાઇક્લિંગ કરીને સમયસર પહોંચવા માટે ડિસ્ટન્સ કવર કર્યું અને ૨૪ તારીખે સવારે ચાર વાગ્યે અમે કન્યાકુમારી પહોંચ્યા. આટલું ડિસ્ટન્સ અમે બધાએ કદાચ પહેલી વાર કવર કર્યું હતું. અમારી જર્નીનો આ સૌથી ચૅલેન્જિંગ અને ડિફિકલ્ટ પાર્ટ હતો, પણ અમે એને ફેસ કરીને પાર કર્યો. જીવન પણ આવું જ છે. ઉતાર-ચડાવ તો આવશે જ પણ તમે ધીરજ રાખીને એને પાર કેવી રીતે કરો છો એ મહત્ત્વનું છે. અમને લાગે છે ૪૨૦૦ કિલોમીટર લાંબા રૂટ પર આ રીતે કોઈએ ટ્રાવેલ નથી કર્યું તેથી વર્લ્ડ રેકૉર્ડ પણ બની શકે છે. જોકે અમારા માટે અને પરિવાર માટે તો આ ટ્રિપ કોઈ વર્લ્ડ રેકૉર્ડથી ઓછી નથી. એવરેસ્ટ પર્વતની હાઇટ ૮૮૪૯ મીટર છે અને અમે અમારી આખી જર્નીમાં એના કરતાં ચારગણી એટલે કે ૩૨,૯૬૦ મીટર જેટલી હાઇટ સુધી પહોંચ્યા હતા અને આગળ પણ જ્યાં સુધી હિમ્મત છે ત્યાં સુધી આવાં જ શિખરો સર કરતા રહેવું છે.’
વૉટ નેક્સ્ટ?
કાશ્મીર ટુ કન્યાકુમારી ટ્રિપ સફળ થયા બાદ આગામી ટ્રિપ વિશે વાત કરતાં જયંતી ગાલા કહે છે, ‘કાશ્મીરથી કન્યાકુમારીની ટ્રિપ બાદ થોડો આરામ કરીને હવે મુંબઈ ટુ લંડન સાઇકલ પર જવાની ઇચ્છા છે. મુંબઈથી લંડન જવાનો રસ્તો ચીનથી છે. તેથી હવે એની તૈયારી કરવી છે. કેવી રીતે જઈ શકાય, પાસપોર્ટ અને વીઝાની સિસ્ટમની સાથે અન્ય નાની-મોટી ટેક્નિકલ બાબતો પર સ્ટડી કર્યા બાદ મારી આ ડ્રીમ ટ્રિપને પૂરી કરવી છે.’
મંગલ ભાનુશાલી પણ તેમની આગામી ટ્રિપના પ્લાન વિશે કહે છે, ‘આમ તો અત્યાર સુધી મેં અઢળક નૅશનલ અને ઇન્ટરનૅશનલ ટ્રિપ કરી છે અને અગણિત મેમરી બની છે અને જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી મારે એ કન્ટિન્યુ રાખવું છે. કાશ્મીરથી કન્યાકુમારીની ટ્રિપ બહુ જ મેમરેબલ અને થ્રિલિંગ હતી. હવે જો ભારતમાં ટ્રિપ કરું તો બુલેટ પર નર્મદા પરિક્રમા કરવાની ઇચ્છા છે અને ઇન્ટરનૅશનલ ટ્રિપની વાત કરું તો મારે અમેરિકામાં લૉન્ગ રૂટ સાઇક્લિંગ કરવું છે. મારાં દીકરી અને દીકરો ત્યાં જ રહે છે તો તેમની સાથે પણ સમય પસાર થશે અને મારું ઍડ્વેન્ચર પણ થશે.’

