અત્યારે અમેરિકામાં પોણાપાંચ લાખ ભારતીય વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને એ જ અમેરિકામાં એક મહિનામાં છ ભારતીય વિદ્યાર્થીઓનાં મૃત્યુના બનાવો સામે આવતાં કમકમાટી જાગી છે.
સ્પેશ્યલ સ્ટોરી
પ્રતીકાત્મક તસવીર
૨૦૧૮થી ૨૦૨૩ સુધીમાં એટલે કે પાંચ વર્ષમાં વિદેશ રહેતા ૪૦૩ ભારતીય વિદ્યાર્થીઓનું ત્યાં જ મૃત્યુ થયું હોવાના આંકડા વિદેશ મંત્રાલયે વિધાનસભામાં રજૂ કર્યાને હજી અઠવાડિયું જ થયું હતું ત્યાં અમેરિકામાં વિદ્યાર્થીઓના એક પછી એક થયેલાં મૃત્યુના બનાવોએ ચકચાર મચાવી છે. મૃત્યુનાં કારણો જુદાં-જુદાં છે. ક્યાંક મેડિકલ ઇમર્જન્સી તો ક્યાંક અકસ્માત તો ક્યાંક હેટ-ક્રાઇમ. અમેરિકા કે વિદેશની કોઈ પણ યુનિવર્સિટીમાં ભણવા જવાનું સપનું પૂરું થાય ત્યારે વિદ્યાર્થી સાતમા આસમાન પર હોય. પેરન્ટ્સ પણ પોતાની બધી જ જમાપૂંજી દાવ પર મૂકીને સંતાનનું ભવિષ્ય ઊજળું થતું હોય તો હૃદય પર પથ્થર મૂકીને પણ પોતાના બાળકને સાત સમંદર પાર ભણવા મોકલવાની હિંમત જોતરતા હોય છે, પરંતુ એ વચ્ચે જો દીકરો કે દીકરી ક્યારેય પાછાં જ ન આવે તો? એ દુ:ખની કલ્પના પણ કરવી અઘરી છે.
અમેરિકાની ભારતીયોમાં ખૂબ જાણીતી એવી ઇન્ડિયાના સ્ટેટની પરડ્યુ યુનિવર્સિટીના કૉલેજ કૅમ્પસમાંથી ૧૯ વર્ષના નીલ આચાર્ય નામના વિદ્યાર્થીની ડેડ-બૉડી મળી આવી. કમ્યુટર સાયન્સ અને ડેટા ઍનૅલિસિસમાં માસ્ટર કરી રહેલો નીલ ઉબરમાંથી ઊતરીને યુનિવર્સિટીના કૅમ્પસમાં પ્રવેશ્યો અને પછી તેની કોઈ ભાળ નહોતી. તેની મમ્મી ગૌરીએ જ્યારે સોશ્યલ મીડિયા પર તેના વેરઅબાઉટ્સ જાણવા મિસિંગની પોસ્ટ કરી એના બે જ દિવસમાં કૉલેજ કૅમ્પસની એક લૅબોરેટરીની બહારથી તેની ડેડ-બૉડી મળી આવી. પરડ્યુ યુનિવર્સિટીમાં છેલ્લાં બે વર્ષમાં આવો બીજો ઇન્સિડન્ટ છે જે ભારતીય વિદ્યાર્થી સાથે બન્યો હોય. આ પહેલાં વરુણ મનીષ છેડા નામના વિદ્યાર્થીનું તેના જ કોરિયન રૂમ-મેટ દ્વારા મર્ડર કરવામાં આવ્યું હતું. એ પણ જાણી લો કે અત્યારે ઇન્ડિયાના સ્ટેટની પરડ્યુ યુનિવર્સિટીમાં ૨૭૮૨ ભારતીય વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. માત્ર આ એક યુનિવર્સિટીના વિદ્યાર્થીની વાત નથી. જાન્યુઆરીમાં અમેરિકામાં અકુલ ધવન, જાહ્નવી ખંડુલા, સમીર કામથ અને વિવેક સૈની જેવા ઓગણીસથી બાવીસ વર્ષની ઉંમરના છ વિદ્યાર્થીઓના ડેથના સમાચાર આવી ચૂક્યા છે. વિવેક સૈનીની ખૂબ જ ક્રૂરતા સાથે હત્યા કરવામાં આવી હતી. મૂળ હરિયાણાના પચીસ વર્ષના વિવેક સૈની અલબામાં યુનિવર્સિટીમાં બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી કરવાની સાથે એક ફૂડ-માર્ટમાં પાર્ટ ટાઇમ જૉબ કરી રહ્યો હતો. આ ફૂડ-સ્ટોરમાં જ બે દિવસ તો તેણે ઘર વિનાના એક ડ્રગ ઍડિક્ટને ખાવાનું, પાણી અને જૅકેટ આપીને મદદ કરી, પણ ત્રીજા દિવસે જ્યારે તેણે ના પાડી અને સ્ટોરમાંથી બહાર નીકળવા કહ્યું તો ૫૩ વર્ષના નશેડીએ તેના માથા પર હથોડાના પચાસ ઘા કરીને તેનો જીવ લઈ લીધો. આ કમનસીબ ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ ગઈ. આવો જ એક ઇન્સિડન્ટ હૈદરાબાદના એક યુવાન સાથે પણ અમેરિકામાં બન્યો, પણ સદ્નસીબે તે બચી ગયો. જેમાં સ્ટોરમાંથી એકલા બહાર નીકળી રહેલા યુવાન પર ચાર-પાંચ લોકોએ તેને લૂંટવાના ઇરાદે હુમલો કરેલો. જીવનમાં આગળ વધવાના અને પોતાનો અને પરિવારનો ઉદ્ધાર કરવાના આશયથી લાખોનું ઇન્વેસ્ટમેન્ટ કરીને વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓનો આવો કરુણ અંત કયાં મા-બાપ સ્વીકારી શકવાનાં?
ADVERTISEMENT
નીલેશ ખિમસરિયા પત્ની અને અમેરિકા ભણતા બન્ને દીકરા .
દરરોજ એક બનાવ?
આવી એકલદોકલ ઘટના છે કે આવા બનાવોની ફ્રિક્વન્સી વધારે છે એનો જવાબ વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓ અને ખાસ તો અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓને મદદ કરવાના આશયથી સક્રિય એક સામાજિક ગ્રુપે એક ન્યુઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુ થકી જાણવા જેવું છે. TEAM Aid નામના સામાજિક ગ્રુપના ફાઉન્ડર મોહન નન્નાપનેની એ ઇન્ટરવ્યુમાં કહે છે કે ‘હું જરા પણ અતિશયોક્તિ સાથે નથી કહેતો, પણ દરરોજની આવી એક કમનસીબ ડેથની ઘટના બનતી હોય છે, જેમાં મોટે ભાગે યંગ વિદ્યાર્થીઓ ભોગ બન્યા હોય અથવા તો H-1B વિઝા પર કામ કરી રહેલા કર્મચારીઓ વિક્ટિમ હોય જેઓ રિસન્ટલી ઇમિગ્રેટ થયા હોય.’
માત્ર અમેરિકામાં જ ૩૦૦૦ જેટલા વૉલન્ટિયર્સ અને બીજા પચીસ દેશોમાં જેમના સ્વયંસેવકો જોડાયેલા છે અને વિવિધ દેશોની એમ્બેસી અને કૉન્સ્યુલેટ સાથે મળીને કામ કરતી TEAM Aid સંસ્થાના મોહન નન્નાપેનીની બીજી પણ કેટલીક વાતો સમજવા જેવી છે. તેઓ કહે છે ‘અમારું મુખ્ય ફોકસ હોય છે જે ભારતીય વિદ્યાર્થીઓ તકલીફમાં હોય તેમને મદદ કરવાનું. આજનું નહીં, પણ ૨૦૦૧થી હું જોઉં છું, પણ છેલ્લાં થોડાંક વર્ષોમાં તો ભારતીય વિદ્યાર્થીઓમાં આપઘાતના બનાવો પણ ખૂબ બની રહ્યા છે, કારણ કે પેરન્ટ્સ બહુ જ ઊંચાં સપનાંઓ જોઈને અમેરિકા ભણવા મોકલતાં હોય અને અહીં આવ્યા પછી તેમને જોઈએ એવી અપૉર્ચ્યુનિટી ન મળે કે તેમને વર્ક વિઝાની કોઈ ગૅરન્ટી ન હોય ત્યારે સ્ટુડન્ટ્સ ભયંકર પ્રેશરમાં હોય છે, જે ઘણી વાર તેમને અમેરિકામાં ઇલીગલ કામ કરવા માટે પણ મજબૂર કરે છે, કારણ કે તેઓ ભારત પાછા જવા કરતાં અમેરિકામાં જે પણ સાચું-ખોટું કામ મળે એ કરી લેતા હોય છે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ તો માત્ર શરૂઆત છે. આવનારા સમયમાં આવા ઘણા કેસ સાંભળવા મળશે.’
નીલેશ ઠક્કર અમેરિકા ભણતા દીકરા શિવમ અને પરિવાર સાથે.
આ સંસ્થા દ્વારા ફૉરેન ભણવા આવતા વિદ્યાર્થીઓમાં વાસ્તવિકતાને લઈને જાગૃતિ આવે એ માટે એક વેબિનારનું પણ આયોજન થઈ રહ્યું છે. જુદા કલ્ચરમાં નવેસરથી આવો ત્યારે શું ધ્યાન રાખવું. ફેક ડ્રગ્સની બોલબાલા અમેરિકામાં વધી રહી છે ત્યારે પોતાની સેફ્ટીને કઈ રીતે સાચવવી, ખોટા પ્રકારની જૉબમાં સંડોવાઈ ન જાઓ એ માટે શું કાળજી રાખવી, ઇમર્જન્સીમાં ક્યાં સંપર્ક કરવો, કમ્યુનિટી લીડર સાથે ક્યાં જોડાવું જેવી બાબતો આ વેબિનારમાં સમાવવામાં આવશે. વધુ વિગતો તમે teamaid.org નામની તેમની વેબસાઇટ પરથી મેળવી શકશો.
પેરન્ટ્સની તૈયારી
પોતાનાં સંતાનોનું ઉજ્જ્વળ ભવિષ્ય ઇચ્છતાં મા-બાપને આવા સમાચાર ખળભળાવી નાખનારા જ હોય. જોકે સાવધાની સાથે આગળ વધવાની નીતિ મહત્ત્વની છે. હજી છ મહિના પહેલાં જ દીકરાને અમેરિકા ભણવા મોકલનારા નીલેશ ઠક્કર કહે છે કે ‘તેને ભણવું હતું, તેનામાં હિંમત અને આત્મવિશ્વાસ હતો એટલે મારે તો માત્ર પૈસાનો દાવ લગાડવાનો હતો. જેનું લોન લઈને મેં ઍડ્જસ્ટમેન્ટ કરી આપ્યું અને છ મહિના પહેલાં તે અમેરિકા ભણવા ગયો છે. બેશક, આવા સમાચારો ચિંતા કરાવે, પણ અમે અહીં બેસીને તેને સાવધાનીપૂર્વક રહેવા માટે સૂચવી શકીએ અને તે સમજદાર છે. બીજું, તેને મોકલતાં પહેલાં જ તે જે એરિયામાં રહેવાનો છે એ કેવો છે? તે જે યુનિવર્સિટીમાં ભણવાનો છે એ કેવી છે? એની અમે પૂરેપૂરી તપાસ કરી હતી. તેની સાથે અમે દરરોજ વાત કરીએ અને વિડિયોકૉલ હોય એટલે તેના હાવભાવથી પણ આપણને તેની મનોસ્થિતિનો અંદાજ આવી જાય. હમણાં જ તેની સાથે રહેતા બીજા બે જણને કૅમ્પસમાં જૉબ મળી ગઈ પણ તેને ન મળી તો તેનું મોઢું નાનું થઈ ગયું હતું. તેને ટેન્શન થતું હતું, પણ મારી સામે બોલી નહોતો શકતો. જોકે પછી હું તેની સાથે વાત કરતો રહ્યો એટલે તેનાથી બોલાયું અને મેં કહ્યું કે તું ભણવા ગયો છે, કમાવા નથી ગયો. નોકરી નહીં મળે તો પણ તારું ભણવાનું હું અટકવા નહીં દઉં. બધું સાચવી લઈશું. તેના મનમાં નોકરી ન મળ્યાનો ડર અને વસવસો હતો એ અમે કાઢી નાખ્યો અને હવે તે ભણવા પર ફોકસ કરી રહ્યો છે. મને લાગે છે કે પેરન્ટ્સની આ મોટી જવાબદારી છે કે તેઓ પોતાનાં બાળકો જે વિદેશમાં ભણી રહ્યાં છે એના સંજોગોને સમજવાની મોકળાશ રાખે. તેને હિંમત આપશો તો આમેય તે જે કરવાનું છે એ કરી જ લેશે, પણ તેને ખબર હશે કે પડ્યો તો તમે તેની પાછળ ઊભા છો. પૈસા રિકવરી કરવા માટે તે ભણવા નથી ગયો. ભણતા-ભણતા સારી રીતે તમે કરેલું ઇન્વેસ્ટમેન્ટ રિકવર થઈ ગયું તો બહુ સારું, પણ જો સાચા પ્રયાસ કર્યા પછી પણ ન થયું તો સંતાન ગભરાય નહીં એનો આત્મવિશ્વાસ પેરન્ટસે જ જગાડવો પડે. બીજું, મેં તો તેને એ પણ સમજાવ્યું છે કે ધારો કે બધી જ સાવધાની રાખ્યા પછી અચાનક એકલામાં કોઈ એવું મળી જાય તેનો ઇરાદો તને લૂંટવાનો હોય તો પાસે જે હોય એ આપી દેવું. એ લૂંટાયેલા પૈસા પછી કમાઈ શકાશે, પણ એ ભાન ભૂલેલાઓ એવી કોઈ હરકત કરી બેઠા તો આપણે જીવનભર પસ્તાવું પડશે.’
શિવમ ઠક્કર નૉર્થ-ઈસ્ટ યુનિવર્સિટીમાં માસ્ટર્સ ઇન કમ્પ્યુટર સાયન્સ કરી રહ્યો છે. પોતાની સેફ્ટી વિશે તે કહે છે કે ‘અત્યારે જ્યાં હું છું એ ટૂરિસ્ટ પ્લેસ છે. એ અમેરિકાના ટૉપ ફાઇવ સેફેસ્ટ એરિયામાં આવે છે. પોલીસની પણ અહીં ખૂબ કડક નિગરાણી છે. એમ છતાં રાતે એકલા બહાર નહીં નીકળવાનું, અવાવરુ અને નશા માટે જાણીતા હોય એવા વિસ્તારમાં ચાલ જઈને જોઉં તો ખરો એવા અખતરા કરવા પણ નહીં જવાનું. મોડા આવતા હો તો મિત્રો સાથે હોય એની કાળજી રાખો. મારા એક ફ્રેન્ડને રાતે કામ પરથી આવવામાં મોડું થઈ ગયું ત્યારે કોઈક ફૉલો કરતું હોય એવો અનુભવ થયો, પણ નસીબથી તે સુરક્ષિત પાછો આવી ગયેલો. જોકે આવું બને ત્યારે મિત્રોને, તમારી કૉલેજમાં કમિટી હોય એને ઇન્ફૉર્મ કરવું જરૂરી છે. અમેરિકામાં પણ ઓહાયો, શિકાગો, ઇન્ડિયાના જેવા રીજન છે જ્યાં આ પ્રકારના બનાવો વધુપડતા બની રહ્યા છે. બીજી એક ખાસ વાત કે તમે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં હો તો કોઈને જોઈને હસવું કે અજાણ્યા પર કોઈ કમેન્ટ કરવી વગેરે ન જ કરવું. ઘણી વાર નશાની હાલતમાં કે માનસિક રીતે બીમાર હોય અને વીઅર્ડ હરકત કરતા લોકો જોવા મળે ત્યારે પોતાના કામથી કામ રાખવાનું અને બને તો એવા કોઈની સામે પણ ન જોવાનો નિયમ બહુ જરૂરી છે અહીં. કોઈની પણ સાથે વિવાદમાં કે ઝઘડામાં પડો જ નહીં.’
આવો જ અનુભવ વડોદરામાં રહેતા નીલેશ ખિમસરિયાનો છે. તેમના બન્ને દીકરા અત્યારે અમેરિકામાં છે. મોટા દીકરાને આજથી બાર વર્ષ પહેલાં તેમણે અમેરિકા મોકલેલો. એ પછી નાના દીકરાને ત્યાં સેટલ થવામાં તકલીફ ન પડી. નીલેશભાઈ કહે છે કે ‘દુનિયામાં કોઈ પણ ખૂણે હોઈએ, આપણી સાવધાની અને સતર્કતા આપણી રક્ષા કરે. અમેરિકા ભણવા જવાનો આર્થિક બોજ ખૂબ વધારે હોય છે, એટલે ત્યાં જઈને તેઓ પોતાની રીતે ઇન્કમ ઊભી કરે એ મહત્ત્વનું તો છે, પણ સાવધાની સાથે. મોટા દીકરા પાર્થમાં મૅચ્યૉરિટી દેખાઈ એટલે તેને ટ્વેલ્થ પછી જ મોકલી દીધેલો અને તેને કહેલું કે શરૂઆતનાં બે વર્ષ તો હું બધું જ સાચવી લઈશ, પણ પછી તારે મને આર્થિક રીતે સપોર્ટ મળે એવા રસ્તા શોધવા પડશે, કારણ કે મોટાને મોકલ્યો એટલે નાનાને પણ પછી ભણવા મોકલવો જ પડશે એની ગણતરી હતી જ. લકીલી મોટાએ કૉલેજમાં જાતજાતની કલ્ચરલ ઍક્ટિવિટીમાં સ્કૉલરશિપ મળે એવા રસ્તાઓ શોધી કાઢ્યા અને સાથે તેને કૅમ્પસમાં કામ મળ્યું અને બધું સચવાઈ ગયું. પીજીમાં જેમના ઘરે રહેતો હતો એ પરિવાર પણ ખૂબ સારો હતો અને તેને દીકરાની જેમ સાચવતા હતા. અમે નિયમિત ફોનથી સંપર્કમાં હતાં. નાનો દીકરો બીજી યુનિવર્સિટીમાં ભણ્યો, પણ તેણે પણ સાવચેતી ખૂબ રાખી એટલે બન્નેનું એજ્યુકેશન સારી રીતે પતી ગયું અને તેમને કામ પણ મળી ગયું. વિદેશમાં તમારે તમારી મર્યાદા સમજીને રહેવાની તૈયારી રાખો એ ખૂબ જ મહત્ત્વનું છે.’
કન્સલ્ટન્ટના અનુભવો
અત્યારે ફૉરેન એજ્યુકેશનમાં અગ્રણી કન્સલ્ટન્ટ કંપની ગણાતી GeeBee એજ્યુકેશનમાં છેલ્લાં ૧૮ વર્ષથી કામ કરી રહેલા કપિલ દેઢિયા અત્યાર સુધીમાં ત્રણ હજાર કરતાં વધુ સ્ટુડન્ટને વિદેશમાં ભણવા મોકલી ચૂક્યા છે. વિદ્યાર્થીઓની સેફ્ટીનો પ્રશ્ન ગંભીર છે એ વાત સ્વીકારીને કપિલભાઈ કહે છે કે ‘ફૉરેનમાં ભણવા જાઓ ત્યારે પહેલાં રિસર્ચ કરવું જરૂરી છે. હું તો હમેશા કૉલેજ હૉસ્ટેલ કે કૅમ્પસમાં જ રહેવાનું કહેતો હોઉં છું. થોડાક રૂપિયા બચાવવા માટે કૉલેજથી ખૂબ દૂર અને રિસ્કી ગણાય એવા એરિયામાં સ્ટુડન્ટ્સ રહેવા જતા હોય છે અને પછી પસ્તાય છે. તમે જ્યાં રહેવાના છો એ એરિયાની રેકી કરાવવી અથવા તો એની તપાસ કરાવવી મહત્ત્વની છે. ટોળામાં ચાલવું, પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવો, સૂર્યાસ્ત પછી ઘરમાં રહેવું, એકલા હો તો પૅટ્રોલ-પોલીસની મદદ લેવી જેવા નિયમો પાળવા જોઈએ. એ વાત સમજી લઈએ કે આજે ભારત વિકાસ કરી રહ્યું છે, પરંતુ હજીયે એજ્યુકેશનનું સ્ટૅન્ડર્ડ બનાવવામાં આપણે પાછળ છીએ. વિદેશ જવાનો ક્રેઝ વધવા પાછળનું કારણ પણ એ જ છે. આજે ૧૪૫ કરોડની જનતામાં ચાર આઇઆઇટી છે જ્યારે નેવું લાખના પૉપ્યુલેશનવાળા લંડનમાં એનાથી વધારે ભણવાની સુવિધા છે. ભારતમાં સારી ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા માટે તમારે એક્સ્ટ્રા ઑર્ડિનરી બ્રિલિયન્ટ બનવું પડે. અમેરિકામાં આજે ચાર હજારથી વધારે યુનિવર્સિટી છે, જેમાંથી બસો જેટલી તો ટૉપ ગ્રેડમાં આવતી છે. એજ્યુકેશનનું લેવલ એવું છે કે ત્યાં જઈને ભણવું પડે એવું લાગે, પરંતુ એની સામે એ પણ સમજવું જોઈએ કે હવે ત્યાં પણ જૉબ ઑપોર્ચ્યુનિટી ઘટી રહી છે, એટલે જરૂરી નથી કે તમે ત્યાં ગયા એટલે હવે ત્યાં જ નોકરી કરીને ઠરીઠામ થવું. હું એવા હજારો સ્ટુડન્ટ્સને ઓળખું છું જેઓ ભણ્યા વિદેશમાં હોય, પણ પાછા ભારત આવીને અમેરિકામાં ન કમાઈ શકાય એટલા રૂપિયા અહીં કમાય છે.’
કપિલભાઈ અમેરિકામાં ભણવા ગયેલા સ્ટુડન્ટ સાથે બનેલી એક ઘટના યાદ કરતાં કહે છે કે ‘અકસ્માતમાં એક સ્ટુડન્ટની ડેથ થઈ ગઈ. અમને ખબર પડી ત્યારે તેનું પાર્થિવ શરીર અહીં લાવવાથી લઈને યુનિવર્સિટી પાસેથી તેની ફીઝનું ફુલ રીફન્ડ મેળવવા સુધીની મદદ અમે કરી હતી. વચ્ચે એક વાર એક છોકરાની હેલ્થ બરાબર નહોતી તો તેને પણ અમે કૅનેડાથી પાછો બોલાવ્યો અને તેની પણ ફુલ ફી રીફન્ડ અપાવડાવી હતી. હું હમેશા ત્રણ વાત કહેતો હોઉં છું કે ત્યાં જઈને કોઈ પણ જાતનો પૈસાનો દેખાડો ન કરો. બીજું, શક્ય હોય ત્યાં સુધી કૅમ્પસમાં જ જૉબ કરો. ન મળે તો રાહ જુઓ, પણ કૅમ્પસમાં જ નોકરી કરો. થોડાક હજાર રૂપિયા માટે બહાર આવવા-જવાનું, ટ્રાવેલ કરવાનું અવૉઇડ કરો. સારા એરિયામાં રહો અને કૉન્ફિલક્ટમાં ન પડો. કોઈક એવું મળી જાય તો વીસ-ત્રીસ ડૉલર આપીને નીકળી જાઓ, સામા થવાની જરૂર નથી.’
છેલ્લાં ચોવીસ વર્ષથી પોલસ્ટર એજ્યુકેશન હેઠળ બાળકોને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવામાં મદદ કરતાં ભાવેશ શાહ પણ આ પ્રકારના બનાવોથી વ્યથિત છે. તેઓ કહે છે કે ‘જે થઈ રહ્યું છે એ સો ટકા આંચકાદાયક છે અને દરેક દેશની સરકારે સ્ટુડન્ટ-સેફ્ટીના નિયમોને વધુ સઘન કરવાની જરૂર છે. અમે જ્યારે વિદ્યાર્થીને અહીંથી મોકલીએ ત્યારે અમારા તરફથી ફુલ પ્રૂફ પ્લાન બનાવતા હોઈએ છીએ, જેમાં તેમનો રહેવાનો એરિયા સાચો હોય એના પર ભાર મૂકીએ છીએ. યુનિવર્સિટીનું લોકેશન મહત્ત્વનું છે. લકીલી આવો એક પણ ઇન્સિડન્ટ અમારા કોઈ સ્ટુડન્ટ સાથે નથી બન્યો. હા એક કિસ્સો એવો જરૂર હતો જેમાં ૨૦૧૭માં અમેરિકા ભણવા ગયેલી એક દીકરી ત્યાં ગયા પછી માંદી પડી ગઈ. ત્યાંના ડૉક્ટરો તેને પ્રૉબ્લેમ શું છે એ ડિટેક્ટ ન કરી શક્યા. અહીં તેના પેરન્ટ્સે મારો સંપર્ક કર્યો. મેં મારા કૉન્ટેક્ટનો ઉપયોગ કરીને ત્યાંના અને અહીંના ડૉક્ટરો વચ્ચે વાત કરાવડાવી. રિપોર્ટ્સ મગાવ્યા અને પછી ખબર પડી કે તેને ડેન્ગી છે. ત્યાંના ડૉક્ટર તો તેની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની ટ્રીટમેન્ટ સુધી પહોંચી ગયા હતા. તાત્કાલિક તેના પેરન્ટ્સને મેડિકલ વિઝા અપાવડાવ્યા. બાળક અહીંથી વિદેશ ભણવા જાય એ પહેલાં જ તેના ઓરિયન્ટેશનમાં અમુક ટિપ્સ આપતા હોઈએ છીએ, જેમ કે અમુક એરિયામાં ન જવું એ વાત મુંબઈ કે દિલ્હીમાં પણ લાગુ પડે છે તો ત્યાં તો સ્વાભાવિક છે. બીજું, તમારું પણ રિસર્ચ કરો. છ મહિના મોડા જશો તો ચાલશે. કંઈ જ લૂંટાઈ નથી જવાનું, પણ પૂરતી તપાસ કરીને જાઓ.’
વિચારીને જ દીકરીને સિંગાપોર ભણવા મોકલી
વિદેશમાં ભણવા જતાં બાળકોનાં મા-બાપ પોતાના હૃદય પર પથ્થર મૂકીને પણ બાળકના વિકાસને પ્રાધાન્ય આપતાં હોય છે. અંધેરીમાં રહેતા સૌમિત્ર અને દેવલ ત્રિવેદીએ પોતાની એકની એક દીકરી પ્રણિતીને હજી ગયા મહિને જ બિઝનેસ મૅનેજમેન્ટ ભણવા માટે સિંગાપોર મોકલી છે. સૌમિત્રભાઈ કહે છે કે ‘એક જ સંતાન હોય અને તે વિદેશ ભણવા જાય તો ઘરમાં કેવો સૂનકાર વ્યાપે એની કલ્પના ન થઈ શકે. ઉપરથી તેની ચિંતા તો રહે જ. તેની મમ્મી ઘણા દિવસ સુધી એ ખાલીપાને દૂર કરવા મથી છે. જોકે બીજી બાજુ એમ પણ લાગે કે બાળક જ્યારે એકલું બહાર જાય ત્યારે સ્વાભાવિક રીતે જ તે વધુ જવાબદાર બનતું હોય છે. ભણતર અને ઘડતર બન્ને શ્રેષ્ઠ રીતે થતાં હોય છે. જોકે એ પછી પણ અમે તેની ડબલ સેફ્ટીને ધ્યાનમાં રાખીને અમેરિકા કે લંડનને બદલે સિંગાપોર પસંદ કર્યું. એક તો આપણે ત્યાંથી સાડાપાંચ કલાકનું જ ડિસ્ટન્સ. બીજું, ઝીરો ક્રાઇમ રેટ અને કાયદાકાનૂન બહુ આકરા છે. ડ્રગ્સના મામલે પણ બહુ કડક નિયમો આ દેશમાં પળાય છે. ધાણા-જીરું પણ સિંગાપોરમાં લઈ નથી જવાતું. ગન-કલ્ચર નથી, રેસિઅલ ડિસક્રિમિનેશન નથી. બીજું, તે જે કૉલેજમાં ભણે છે એ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટના રેટિંગ્સ ભારતના આઇઆઇએમ કરતાં પણ વધુ સારા છે એટલે એજ્યુકેશનમાં કોઈ કૉમ્પ્રોમાઇઝ ન થાય. તેનું અકોમોડેશન પણ સેફ જગ્યાએ થયું અને અત્યારે દરરોજ એક વાર વાત તો થઈ જ જાય છે. જોકે એ પછીયે કહીશ કે બાળકના ગ્રોથનો પ્રશ્ન ન હોય તો પેરન્ટ્સ ક્યારે સ્ટુડન્ટ તરીકે પોતાના બાળકને બહાર ભણવા ન મોકલે.’
મેડિકલ ઇન્શ્યૉરન્સ મહત્ત્વનું છે સ્ટુડન્ટ્સ માટે
કપિલ દેડિયા
સિંગાપોર ગુજરાતી સમાજ સાથે ૩૨ વર્ષથી સંકળાયેલા બીરેન દેસાઈએ પણ આજ સુધી ઘણા વિદ્યાર્થીઓને તેમની તકલીફમાંથી બહાર કાઢવા મદદનો હાથ આપ્યો છે. બીરેનભાઈ ભણવા આવતા વિદ્યાર્થીઓની ત્રાહિત અવસ્થા જોઈને ખૂબ દુખી પણ થઈ જાય છે. તેમણે સિંગાપોર સરકાર અને ઇન્ડિયન એમ્બેસી એમ બન્નેને આ વિદ્યાર્થીઓની બહેતર સ્થિતિ માટે કમ્પલ્સરી મેડિક્લેમ, પ્રૉપર રજિસ્ટ્રેશન, કમ્પલ્સરી ઓરિયન્ટેશન જેવા સુઝાવો પણ આપ્યા છે, પરંતુ એનું પાલન નથી થયું આજ સુધી. પોતાના અનુભવો શૅર કરતાં બીરેનભાઈ કહે છે કે ‘તમને નવાઈ લાગશે, પણ ઘણા વિદ્યાર્થીઓ એટલા ઇનોસન્ટ હોય છે કે તેમને એ પણ નથી ખબર હોતી કે કોઈ મૉલ કે ફૂડ-સ્ટોરમાંથી ચોરી કરે તો સીસીટીવીમાં પકડાઈ જવાય. સ્પેશ્યલી મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસના વિદ્યાર્થીઓ, જેમની પાસે ખાવાના પૈસા ન બચ્યા હોય એ આવા સ્ટોરમાંથી ચોરી કરતાં પકડાયા છે. તેમની પાસે દવાના પૈસા ન હોય. સવાર-સાંજ ઘર-ઘર જઈને રસોઈ બનાવે. એક છોકરી મને યાદ છે. તેને પગમાં પસ થઈ ગયેલું, ચાલી ન શકે. દવાના પૈસા નહોતા. એક મિત્ર ડૉક્ટરે મારા કહેવાથી ચાર સીટિંગમાં તેની ફ્રી ટ્રીટમેન્ટ આપી. ખૂબ જરૂરી છે કે વિદેશમાં ભણવા આવ્યા એટલે નોકરી તેમની રાહ જોઈને નથી ઊભી એ સમજવું જરૂરી છે. ખૂબ મહેનત કરવા પછી પણ પરિણામ ન મળે અને તેમણે પાછા જવું પડી શકે. વિદેશમાંથી પાછા ભારત જશે તો નાક કપાશે એવું વિચારીને ઘણા સ્ટુડન્ટ્સ ગેરકાયદે ઍક્ટિવિટીમાં લાગી ગયા હોય. અમુક વાર એકસાથે પંદર-વીસ જણ રેન્ટ પર રહેતા હોય. નિયમ પ્રમાણે છ જ જણનો છે અને જ્યારે પોલીસની રેડ પડે એટલે મકાનમાલિક ઘર ખાલી કરાવે અને ડિપોઝિટ જપ્ત કરી લે. બસ પૂરી સભાનતા, પૂરા રિસર્ચ અને કોઈ પણ જાતના રોઝી પિક્ચર સાથે વિદેશ ભણવા ન જાઓ, પ્રૅક્ટિકલ રહો. એજન્ટની ગેરદોરવણીનો શિકાર ન બનો. તેણે આપેલાં વચનો કરતાં તમારી જાતે પણ થોડીક તપાસ કરો એ જરૂરી છે.’
પડશે એવા દેવાશે જેવી નીતિ વિદેશમાં નહીં ચાલે
છેલ્લાં ત્રેવીસ વર્ષથી કૅનેડામાં રહેતા અને આજ સુધીમાં સેંકડો સ્ટુડન્ટ્સને જરૂરિયાતના સમયે મદદ કરી ચૂકેલા ગુજરાતી સમાજ ઑફ ટોરન્ટોના ફાઉન્ડર પ્રેસિડન્ટ લલિત ઠાકર કહે છે કે ‘ડ્રગ્સ અને ડિપ્રેશન એ ભારતીય વિદ્યાર્થીઓમાં અત્યારે બહુ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. એક જ્યાં રહેવાના હોય એ એરિયામાં રિસર્ચ કર્યા વિના પૈસા ભરી નાખે અને પૂરતી તપાસ કર્યા વિના એજન્ટની ભોળવણીથી અહીં તો આવી જાય અને પછી ખબર પડે કે જ્યાં રહેવાનું છે એ જગ્યા તો યુનિવર્સિટીથી દૂર છે અથવા તો યુનિવર્સિટી ગામના છેડે છે. બીજું, એજન્ટ એવું કહીને મોકલતા હોય છે કે તમે જાઓ તમને જૉબ તો આરામથી મળી જશે અને તમારો ખર્ચો તો એ પગારમાંથી જ નીકળી જશે, પણ હકીકતમાં એવું હોતું નથી. જૉબ ન મળે અને આર્થિક તંગી વચ્ચે સ્ટ્રેસમાં વિદ્યાર્થીઓ ભણવા પર પણ ધ્યાન નથી આપી શકતા હોતા. એમાં પાછા પેરન્ટ્સનું પણ દબાણ હોય. છેલ્લા દોઢ વર્ષમાં લગભગ પાંચેક લાખ વિદ્યાર્થીઓ કૅનેડા આવ્યા છે. બધાને ક્યાંથી જૉબ મળવાની? એટલે જ કહું કહીશ કે પડશે એવા દેવાશે કે જે થશે એ જોયું જશે એવું વિચારીને સીધા અહીં આવી જવાની કે જુગાડુ માનસિકતા વિદેશમાં રાખવાનું ઘણી વાર મોંઘું પડી શકે છે. પૂરતી તૈયારી અને પૂરતું રિસર્ચ કરીને આવો તો કોઈ વાંધો નહીં આવે. એ પછી પણ ઘરની, જૉબની, કોઈ હેરાન કરતું હોય એવી સમસ્યાઓ લઈને વિદ્યાર્થીઓ અમારી પાસે આવે ત્યારે અમે મદદ કરતા હોઈએ છીએ. ભારતમાં પણ આજે ફૅસિલિટી છે. આર્થિક રીતે સધ્ધર ન હો તો જોખમ ન લો. અહીં વેધર અને કલ્ચર બન્ને જુદાં છે. આવી પરિસ્થિતિમાં ઇમૅચ્યોર બાળકો અહીં આવે તો તેઓ ભારે તકલીફમાંથી પસાર થતાં હોય છે. પાણીમાં ડૂબી જવાના, અકસ્માતના અને સુસાઇડલ કેસનું પ્રમાણ છેલ્લા થોડાક અરસામાં ખૂબ વધ્યું છે.’