અમે આશ્રમમાં જ એક નાનીસરખી ગૌશાળા બનાવી. ખૂબ સરસ, જાતવાન અને અલમસ્ત ગાયો, જેને જોઈને સાચે જ મન ઠરે એવી તંદુરસ્તીવાળી. આ ગાયો દૂધ પણ સરેરાશ ૮ ફૅટનું આપે અને તમને જાણીને નવાઈ લાગશે, પણ એ બધી ગાયોમાંથી એક ગાયનું તો દૂધ છેક ૧૧ ફૅટ સુધી પહોંચે
ચપટી ધર્મ
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
ગૌશાળાનો અમારો અનુભવ કહું. મારી અંગત વાત છે.
અમે આશ્રમમાં જ એક નાનીસરખી ગૌશાળા બનાવી. ખૂબ સરસ, જાતવાન અને અલમસ્ત ગાયો, જેને જોઈને સાચે જ મન ઠરે એવી તંદુરસ્તીવાળી. આ ગાયો દૂધ પણ સરેરાશ ૮ ફૅટનું આપે અને તમને જાણીને નવાઈ લાગશે, પણ એ બધી ગાયોમાંથી એક ગાયનું તો દૂધ છેક ૧૧ ફૅટ સુધી પહોંચે. લોકોને નવાઈ લાગે અને એવી જ વાત છે. સામાન્ય રીતે ભેંસ પણ ૮ અને ૯ ફૅટનું દૂધ આપતી હોય છે, જેની સામે આ તો એનાથી પણ વધારે ફૅટનું દૂધ કહેવાય. બે-ત્રણ વાર પરીક્ષણ કરાવ્યું, જુદી-જુદી સંસ્થા પાસે કરાવ્યું અને એ પછી પણ બધેબધામાં એકસરખો રિપોર્ટ, ૧૧ ફૅટ જ આવે. ઘીની બરણીઓ ભરાઈ જાય, પણ એક મોટો પ્રશ્ન ઊભો થયો.
ADVERTISEMENT
જરસી ગાયો હોવાથી એને વાછડા જન્મે તો શું કરવું? કોઈ ખેડૂત લેવા તૈયાર નહીં. એક વાછડો જેમ-તેમ કરીને સમજાવીને એક ખેડૂતને મફત આપ્યો, પણ બીજા વર્ષે પાછો વાછડો જ આવ્યો. સુંદર અને કદાવર પણ એટલો જ. જો માથું ઊંચું કરીને સામે ઊભો હોય તો સિંહ પણ બે ફુટ દૂર રહે એવો અલમસ્ત. એ વાછડાને અમે દૂધ પીવડાવીને હૃષ્ટપુષ્ટ કર્યો, પણ ફરી પાછો એ જ પ્રશ્ન આવ્યો, ખૂંધ વિનાનો આ વાછડો કોણ લે? કોઈ ખેડૂત લેવા તૈયાર નહીં.
છેવટે પંચમહાલના એક ભીલ પાસે સોગંદ ખવડાવી તેને આપ્યો કે તે એ વાછડાને કતલખાને નહીં મોકલે અને સાંઢ બનાવીને પોતાની પાસે રાખશે. જોકે આપી દીધા પછી પણ મારું મન માને નહીં. મનમાં થયા કરે કે પેલો ભલે સોગંદ ખાઈને ગયો, પણ તે જરૂર એને કતલખાને મોકલી દેશે. મેં તપાસ કરાવી, પણ ખાસ કંઈ જાણવા મળ્યું નહીં એટલે છેવટે પછી મેં ગૌશાળા બંધ કરવાનું નક્કી કર્યું અને ગૌશાળા બંધ કરી દીધી.
શુદ્ધ દેશી ગાયોનું દૂધ ઘણું ઓછું નીકળે, વળી તે પાંચેક મહિના સરેરાશ દોહવા દે. વસૂક્યા પછી એકાદ વર્ષે નવું બચ્ચું જન્મે એટલે એકાદ વર્ષ જેટલો એનો સૂકો સમય રહે. આર્થિક રીતે એ બહુ પોસાય નહીં. અમારી પાસે એક જરસી ગાય તો એવી હતી કે એને પ્રયત્નપૂર્વક વસુકાવવી પડતી. છેવટ સુધી ત્રણ-ચાર લિટર દૂધ આપતી. ગાયો આર્થિક રીતે પગભર હોવી જોઈએ. દાન-ધર્માદાથી એને લાંબો સમય જિવાડવા મથતા લોકો થાકી જવાના છે અને એ પછી પણ આપણે ગાયોને આર્થિક રીતે પગભર કરવાની દિશામાં આગળ વધ્યા નથી, જે ખરેખર શરમની વાત છે.