વાતચીતનો મુદ્દો અહીં નૈતિકતા કે અનૈતિકતાનો નહોતો, પણ મુદ્દો એ હતો કે ઈલૉન મસ્ક આટલાં બાળકો પેદા કરીને શું કરવા ધારે છે? આ મુદ્દા સાથે બૌદ્ધિકો એ મત સુધી પહોંચી પણ ગયા હતા કે ઈલૉન મસ્ક ખોટું કરે છે.
ઈલૉન મસ્ક
હમણાં એક સોશ્યલ ફંક્શનમાં પુરુષો બધા સાઇડ પર બેઠા હતા. એમાં એક ગ્રુપ હતું એ એવા મિડલ-એજના લોકોનું હતું જેઓ બિઝનેસ અને પોતપોતાના પ્રોફેશનમાં ટોચ પર પહોંચ્યા હતા. વાતો ચાલતી હતી એ દરમ્યાન ડાયમન્ડના એક જાણીતા બિઝનેસમૅને અમેરિકન ટૅરિફનો ટૉપિક કાઢ્યો અને પછી વાત પહોંચી છેક ઈલૉન મસ્ક સુધી અને એમાંથી વાત પહોંચી કે ઈલૉન મસ્ક પોતાનાં બાળકોની ફોજ બનાવવા માગે છે અને એના માટે તે પોતાના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’નો ઉપયોગ કરીને સરોગસી માટે અલગ-અલગ ફીલ્ડની મહિલાઓને ઑફર મોકલે છે. આ વાત સાચી પણ છે. જપાનની ક્રિપ્ટો ઇન્ફ્લુએન્સર ટિફની ફૉગને ઈલૉન મસ્કે સરોગસી મધર બનવા માટે ઑફર આપી, જે ટિફનીએ પબ્લિકલી ખુલ્લી પણ મૂકી. વાતચીતનો મુદ્દો અહીં નૈતિકતા કે અનૈતિકતાનો નહોતો, પણ મુદ્દો એ હતો કે ઈલૉન મસ્ક આટલાં બાળકો પેદા કરીને શું કરવા ધારે છે? આ મુદ્દા સાથે બૌદ્ધિકો એ મત સુધી પહોંચી પણ ગયા હતા કે ઈલૉન મસ્ક ખોટું કરે છે. નમ્રતા સાથે વિરોધ નોંધાવતાં મારે કહેવું પડ્યું કે આ તમારી ગેરમાન્યતા છે અને આ ગેરમાન્યતામાંથી તમારે બહાર આવવું જોઈએ, કારણ કે ઈલૉન મસ્ક જે કરી રહ્યો છે એ માત્ર પોતાના દેશ પર જ નહીં પણ તે પ્રત્યેક અમેરિકન પર પણ ઉપકાર કરે છે અને સાથોસાથ તે જગતના બૌદ્ધિકો પર પણ અહેસાન કરે છે કે પોતાના DNAનો આ રીતે વ્યાપ વધારે છે.
અગાઉ ‘મિડ-ડે’માં પ્રશ્નોતરીની કૉલમ ચાલતી હતી એ સમયે આ ટૉપિક જરા જુદી રીતે ચર્ચામાં લેવાયો હતો એ સહેજ જાણ ખાતર. બૌદ્ધિકતા ધરાવતા કે પછી પોતપોતાના ક્ષેત્રમાં અવ્વલ દરજ્જા પર પહોંચેલા એજ્યુકેટેડ લોકોના મનમાં એક અને વધીને બે બાળકો કરવાની જે માનસિકતા ઘર કરી ગઈ છે એને લીધે એક સમય એવો આવીને ઊભો રહેવાનો છે કે સોસાયટીમાં સારા અને ભણેલા-ગણેલા કે સોશ્યલી પ્રસિદ્ધિ અપાવી શકે એવા DNAની કમી ઊભી થશે. આજે ડૉક્ટર, આર્કિટેક્ટ, લેખક, નામી કલાકાર કે અમુક કિસ્સામાં રાજનેતા સંતાનો કરતા નથી કે એક સંતાન પર પોતાની વિરાસત અટકાવી દે છે; જ્યારે સામે પક્ષે ડ્રાઇવરથી માંડીને મજૂર કે પછી અન્ય નિમ્નસ્તરની બૌદ્ધિકતા ધરાવતા લોકોના ઘરે બાળકોની ફોજ ઊભી થતી જાય છે. આમ જ જો ચાલતું રહ્યું તો આવતાં પચાસ-પંચોતેર વર્ષ પછી સોસાયટીમાં બૌદ્ધિકતાનું સંતુલન એટલું ખરાબ રીતે બગડશે કે કોઈ કલ્પના પણ ન કરી શકે. સારી, સૌમ્ય અને બુદ્ધિસંપદા ધરાવતી વ્યક્તિઓ વધુમાં વધુ સંતાનોને જન્મ આપે એ માત્ર પોતાના પરિવાર માટે જ નહીં, સમગ્ર સમાજ માટે બહુ જરૂરી છે. આ બાબતમાં ઈલૉન મસ્કની નકલ કરવામાં આવી અપેક્ષા રાખવી હિતાવહ છે.

