મેક્સિકો, કૅનેડા અને યુરોપમાં રાષ્ટ્રીય નેતાઓને ખબર નથી પડતી કે ટ્રમ્પ સામે કેવી રીતે પ્રતિક્રિયા આપવી. ટ્રમ્પના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બોલ્ટને આંતરરાષ્ટ્રીય નેતાઓને સલાહ આપી છે
ડોનલ્ડ ટ્રમ્પ
મેક્સિકો, કૅનેડા અને યુરોપમાં રાષ્ટ્રીય નેતાઓને ખબર નથી પડતી કે ટ્રમ્પ સામે કેવી રીતે પ્રતિક્રિયા આપવી. ટ્રમ્પના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બોલ્ટને આંતરરાષ્ટ્રીય નેતાઓને સલાહ આપી છે કે તમે રાષ્ટ્રપતિને ફોન કરો, તેમને મળો, તેમની સાથે કોઈ બાબત પર વાત કરો અને જો એવું કશું ન થતું હોય તો તેમની સાથે ગૉલ્ફ રમો
અમેરિકાના બીજી વારના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે હૉલીવુડના હીરો રૅમ્બોની જેમ સત્તામાં આવતાંવેંત જે ઝડપે ઘરઆંગણે અને વિદેશી મોરચે નીતિઓમાં ફેરબદલ કરી છે અને નવા ઇરાદાઓ જાહેર કર્યા છે એના આઘાત-પ્રત્યાઘાત વૉશિંગ્ટનથી લઈને દુનિયાભરની રાજધાનીઓમાં ગુંજી રહ્યા છે. અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિએ, ઈવન પહેલી ટર્મના ટ્રમ્પે પણ આટલા મોટા પાયે આવી ઉતાવળ બતાવી નહોતી. લાગે છે કે તેઓ તેમના પહેલા ૧૦૦ દિવસમાં આખી વિશ્વ વ્યવસ્થા ઉપરતળે કરી નાખવાના મૂડમાં છે. એનાં પરિણામો દૂરગામી હશે, અમુક સારાં અને અમુક અત્યંત ખરાબ.
ADVERTISEMENT
ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને બેડીઓ પહેરાવીને તેમના દેશમાં તગેડી મૂકવાનું શરૂ કર્યું છે. તેમણે મેક્સિકો અને કૅનેડાને એમને ત્યાંથી અમેરિકામાં ઘૂસતા લોકોને રોકવા માટે ધમકાવ્યા છે. તેમણે કૅનેડા પર ટૅરિફ લાદ્યું છે અને મેક્સિકોને કહ્યું છે કે સરહદ પર સૈનિકોનો ચોકીપહેરો ગોઠવો.
ટ્રમ્પે મધ્ય પૂર્વના મુસ્લિમ દેશોને કહ્યું છે તેઓ ગાઝામાં રહેતા પૅલેસ્ટીની લોકોને તેમને ત્યાં લઈ જાય. ટ્રમ્પ કહે છે કે અમેરિકા ગાઝાને એના કબજામાં લઈ લેશે અને એને નવેસરથી વિકસાવશે. તેમણે ઇઝરાયલી બંધકોને વિના શરતે છોડવા માટે હમાસને શનિવાર સુધીનો સમય આપ્યો છે. એ પછી અમેરિકા એના પર ધાવો બોલશે.
તેમણે યુક્રેનને કહ્યું છે કે અમેરિકાને એની જમીનમાં જે દુર્લભ તત્ત્વો છે એમાં હિસ્સો જોઈએ છે. અમેરિકા તમને રશિયા સામેના યુદ્ધમાં મદદ કરી રહ્યું છે એનો એને ફાયદો તો મળવો જોઈએને! તેમણે મેક્સિકોની ખાડીનું નામકરણ કરીને એને અમેરિકાની ખાડી જાહેર કર્યું છે.
તેમણે ભ્રષ્ટાચારના આરોપસર, દુનિયાભરના ગરીબ અને વિકાસશીલ દેશોને આર્થિક મદદ કરતી ‘યુસેઇડ’ સંસ્થાને નષ્ટ કરવાનો આદેશ કર્યો છે. તેમણે સરકારી કર્મચારીઓ માટે વર્ક ફ્રૉમ હોમ સુવિધા ખતમ કરી છે અને કહ્યું છે તમામે ફરજિયાત ઑફિસોમાં કામ કરવું પડશે. ટ્રમ્પે ફેડરલ એજન્સીઓને સરકારી કર્મચારીઓની સામૂહિક છટણી માટે રોડ મૅપ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. નવી ભરતી પણ મર્યાદિત કરવાની યોજના બનાવવામાં આવશે.
તેમનું ટૅરિફ યુદ્ધ ચીન, યુરોપ અને ભારત સહીત અન્ય દેશો પર તલવાર બનીને લટકી રહ્યું છે. અમેરિકાના મિત્રો સામે ટેરિફ લાદવાની તેમની ધમકી ખરાબ સમયે આવે છે. ઘણા G7 દેશોમાં વિકાસ અટકી ગયો છે, દેશો ફુગાવાનો સામનો કરી રહ્યા છે અને વેપાર આધારિત ક્ષેત્રો માટે ટૅરિફ હાનિકારક હશે.
અમેરિકન સુરક્ષા સહાય પર નિર્ભર યુક્રેન અને તાઇવાન જેવા દેશોને નોંધારા થઈ જવાનો ડર સતાવી રહ્યો છે. હવે ગ્રીનલૅન્ડ અને કૅનેડાને જાણ કરવામાં આવી છે કે તેમને અમેરિકાનો હિસ્સો બનાવી દેવાનો ઇરાદો છે.
મેક્સિકો, કૅનેડા અને યુરોપમાં રાષ્ટ્રીય નેતાઓને ખબર નથી પડતી કે ટ્રમ્પ સામે કેવી રીતે પ્રતિક્રિયા આપવી. ટ્રમ્પના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બૉલ્ટને આંતરરાષ્ટ્રીય નેતાઓને સલાહ આપી છે કે તમે રાષ્ટ્રપતિને ફોન કરો, તેમને મળો, તેમની સાથે કોઈ બાબત પર વાત કરો. અને જો એવું કશું ન થતું હોય તો તેમની સાથે ગૉલ્ફ રમો!
ચીન એની પ્રતિક્રિયામાં વધુ નિશ્ચિત દેખાય છે. એણે ટ્રમ્પ હજી કશું કરે એ પહેલાં અમેરિકન આયાત પર ટૅરિફ લંબાવ્યું છે અને US કંપનીઓ પર પ્રતિબંધો મૂક્યા છે. યુરોપ અને કૅનેડાના તેમના સમકક્ષોથી વિપરીત રાષ્ટ્રપતિ શી જિનપિંગને ઘરઆંગણે પ્રતિક્રિયાનો બહુ ઓછો ડર છે. ઓબામા વહીવટીતંત્રના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા અધિકારી ઈવાન મેડિરોસ કહે છે કે ચીનની વ્યૂહરચના પ્રતિશોધ, અનુકૂલન અને વૈવિધ્યકરણની છે.
એક મત એવો છે કે ટ્રમ્પ જે રીતે ઉતાવળા થયા છે એમાં લાંબા ગાળે ચીનને ફાયદો થશે. અમેરિકાના સહયોગીઓ અને દુશ્મનો બન્ને ચીનના શરણે જશે. ચીન ઇચ્છે છે કે અમેરિકાથી દુનિયા નારાજ થાય. ચીની અર્થવ્યવસ્થા યુનાઇટેડ સ્ટેટ્સ પર એટલી નિર્ભર નથી જેટલી ૨૦૨૦માં હતી. બીજિંગે આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં એના વેપાર કરારોને મજબૂત કર્યા છે. એ હવે ૧૨૦થી વધુ દેશો સાથે વેપારમાં સૌથી મોટું ભાગીદાર છે.
રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે અહીં અવસર છે. ટ્રમ્પ અમેરિકાની છાવણીમાં પણ તોડફોડ કરી રહ્યા છે. તેઓ યુરોપિયન યુનિયનને પણ ટૅરિફની તલવાર ફટકારવાની ધમકી આપી રહ્યા છે એટલે અમેરિકાના સહયોગીઓ પણ ચિંતામાં છે.
એનાથી વિપરીત ચીન શાંત અને સ્થિર છે અને કદાચ એ એક આકર્ષક વૈશ્વિક વેપાર ભાગીદાર બનવા માટે મોટો પ્રયાસ કરશે. સ્ટિમસન સેન્ટર ખાતે ચાઇના પ્રોગ્રામના ડિરેક્ટર યુન સન કહે છે, ‘ટ્રમ્પની અમેરિકા-પ્રથમ નીતિ વિશ્વના લગભગ તમામ દેશો માટે પડકારો અને જોખમો લાવશે.’
અમેરિકા-ચીન વચ્ચે વ્યૂહાત્મક સ્પર્ધાના દૃષ્ટિકોણથી જોઈએ તો અમેરિકી નેતૃત્વ અને વિશ્વસનીયતામાં ઘટાડો થવાથી ચીનને ફાયદો થશે. દ્વિપક્ષીય સ્તરે ચીન માટે ભલે કોઈ ફાયદો નહીં હોય, પણ બીજા દેશો એના ખોળામાં આવી પડે એ નિશ્ચિતપણે એના માટે લૉટરી જેવું હશે.
બીરેન સિંહના જવાથી મણિપુર થાળે નહીં પડે

છેલ્લાં બે વર્ષથી વંશીય હિંસામાં હોમાયેલા પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ‘સબ સલામત’ના કથિત આશ્વાસન વચ્ચે મુખ્ય પ્રધાન એન. બીરેન સિંહનું રાજીનામું રાજ્ય માટે તાત્કાલિક રીતે રાહતના સમાચાર તો છે, પરંતુ કાયદો-વ્યવસ્થા જાળવવામાં BJPની આ દેખીતી નિષ્ફળતા પછી રાજ્યની બે કોમો વચ્ચે લાંબા ગાળે શાંતિ સ્થપાશે કે કેમ એ એક પ્રશ્ન હજી પણ અનુત્તર છે.
બીરેન સિંહનું રાજીનામું એવા વખતે આવ્યું હતું જ્યારે બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થવાનો હતો અને એવી વ્યાપક ભીતિ હતી કે BJPના સભ્યો પણ કૉન્ગ્રેસના આ પ્રસ્તાવને સમર્થન કરવાના હતા. બીરેન સિંહ વિધાનસભામાં તેમના જ પક્ષના સભ્યોનો વિશ્વાસ ગુમાવે એવી નાલેશી સહન કરવાને બદલે કેન્દ્રીય નેતાગીરીએ તેમનું રાજીનામું લઈ લેવાનું મુનાસીબ માન્યું હતું.
મુખ્ય પ્રધાનને લઈને છેલ્લા કેટલાક સમયથી BJPની અંદર ખેંચતાણ ચાલી રહી છે. BJPના કેટલાક વરિષ્ઠ ધારાસભ્યોએ તેમને બદલવાની માગ ઘણી વખત કરી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી બીરેન સિંહ દાવો કરી રહ્યા છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થામાં સુધારો થઈ રહ્યો છે. એવું હોય તો રાજીનામું કેમ?
વાસ્તવમાં બે વર્ષ સુધી હિંસા ચાલુ રહેવી એ એક અસાધારણ અને ચિંતાજનક બાબત બની ગઈ હતી. એનું કોઈ સમાધાન દેખાતું નહોતું. BJPની અંદર પણ આ બાબતે મતભેદો વધી ગયા હતા. તેમની સામે પ્રજામાં જે રીતનો રોષ હતો અને જે રીતે ધારાસભ્યો એક થઈ ગયા હતા એ જોતાં BJPએ વિધાનસભામાં સરકાર ગુમાવી હોત.
વાસ્તવમાં એ નાલેશીથી બચવા માટે તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે અને વિધાનસભા ભંગ કરી દેવામાં આવી છે જેથી અવિશ્વાસનો પ્રસ્તાવ પણ નિરસ્ત થઈ ગયો છે. બાકી કેન્દ્ર સરકાર તો બે વર્ષથી અડીખમ રીતે મુખ્ય પ્રધાનની પાછળ ઊભી હતી.
બીજી બાજુ, સુપ્રીમ કોર્ટમાં પણ તેમના પર તલવાર લટકી રહી હતી. કુકી જનજાતિની એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં આરોપ લગાવ્યો છે કે મુખ્ય પ્રધાન બીરેન સિંહે રાજ્યમાં હિંસા ભડકાવી છે અને આ સંબંધમાં પુરાવા તરીકે કોર્ટમાં એક ઑડિયો ટેપ રજૂ કરવામાં આવી હતી. આ ઑડિયો બહુ સ્ફોટક છે અને એ બીરેન સિંહની વિરુદ્ધ જઈ શકે એમ હતો.
BJPએ તેમનું રાજીનામું લઈને નાલેશી તો બચાવી છે, પણ એનાથી મણિપુરનું સમાધાન નહીં આવે. આ સંદર્ભમાં ‘ધ વાયર’ સાથે વાત કરતાં BJPના મણિપુરી ધારાસભ્ય પાઓલિનલાલ હાઓકિપે શંકા વ્યક્ત કરી હતી કે રાજ્યમાં અર્થપૂર્ણ પરિવર્તન ત્યારે જ થશે જ્યારે કેન્દ્ર સરકાર ટેકરીઓમાં કુકી સમુદાય માટે અલગ વહીવટ બનાવશે.
રાજ્યની ડામાડોળ રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને જ કેન્દ્ર સરકારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાધ્યું છે. બે વર્ષની લગાતાર હિંસા પછી અને સબ સલામતના દાવા પછી ત્યાં કેન્દ્રીય શાસન લાવવું પડે એ બતાવે છે કે આ મુદ્દો કેટલો જટિલ બની ચૂક્યો છે.
હરિયાણા અને રાજસ્થાનમાં BJP માટે દુઃખ શરૂ થયું
મણિપુરની જેમ હરિયાણા પણ આજકાલ BJP માટે માથાનો દુખાવો બન્યું છે. ત્યાં નાયબ સિંહ સૈની સરકારના કૅબિનેટ પ્રધાન અનિલ વિજ મુખ્ય પ્રધાન સામે બગાવત પર ઊતરી આવ્યા છે. તાજેતરમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈની સામે વિજે બયાનબાજી કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી ઉડનખટોલા પરથી ઊતર્યા નથી. તેમણે પ્રદેશ અધ્યક્ષ મોહલ લાલ બડોલી વિશે પણ ટિપ્પણી કરી હતી.

અનિલ વિજ
પાર્ટી હાઈ કમાન્ડે હવે આ ગેરશિસ્ત બદલ અનિલ વિજને કારણદર્શક નોટિસ મોકલી છે અને ત્રણ દિવસમાં જવાબ માગ્યો છે. અનિલ વિજે અંબાલા વહીવટીતંત્રમાં ફેરફારને લઈને મુખ્ય પ્રધાન પર નિશાન સાધ્યું હતું. તેમણે મોહન લાલ માટે એમ પણ કહ્યું હતું કે તેમની સામે બળાત્કારના આક્ષેપો છે અને પાર્ટીએ એની નોંધ લેવી જોઈએ.
નોંધપાત્ર વાત એ છે કે આ સમગ્ર પ્રકરણ પછી પણ અનિલ વિજના તેવરમાં ફરક નથી આવ્યો અને તેઓ પાર્ટી સાથે લડવાના મૂડમાં છે. હરિયાણામાં ‘ગબ્બર’ નામથી મશહૂર વિજને પાર્ટીની નોટિસ માટે પૂછવામાં આવ્યું તો તેમણે બેપરવાઈથી કહ્યું હતું કે તેઓ બૅન્ગલોરથી હમણાં ઘરે આવ્યા છે, ઠંડા પાણીએ સ્નાન કર્યું છે, ડિનર કર્યું છે અને હાઈ કમાન્ડને જવાબ મોકલ્યો છે.

નાયબ સિંહ સૈની
૨૦૧૪માં જ્યારે BJP પોતાના દમ પર પહેલી વાર હરિયાણામાં સત્તામાં આવી ત્યારે અનિલ વિજ અને રામ બિલાસ શર્મા સહિત કેટલાક અન્ય નેતાઓ મુખ્ય પ્રધાન પદ માટે સૌથી આગળ હતા. પરંતુ પાર્ટીએ પહેલી વાર ધારાસભ્ય બનેલા ખટ્ટરને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. ૨૦૨૪ના માર્ચમાં જ્યારે પાર્ટીએ મનોહર લાલ ખટ્ટરની જગ્યાએ નાયબ સિંહ સૈનીને રાજ્યના મુખ્ય પ્રધાન બનાવ્યા ત્યારે અનિલ વિજની નારાજગી ફરી સામે આવી હતી.
રાજસ્થાન BJPના પ્રધાન કિરોડી લાલ મીણાની પણ આવી જ સ્થિતિ છે. મીણા તેમની જ સરકાર પર ફોન-ટેપિંગનો આરોપ લગાવી રહ્યા છે. હવે મીણાને પણ પાર્ટી દ્વારા કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે. મીણાએ કહ્યું, ‘મને કારણદર્શક નોટિસની જાણ નથી. હું પક્ષનો શિસ્તબદ્ધ સૈનિક છું. નોટિસ મળતાંની સાથે જ હું નિર્ધારિત સમયગાળામાં પાર્ટી નેતૃત્વને જવાબ મોકલીશ.’


