ગંદકી ન થાય એ માટે જાગૃતિ રાખવામાં આવે છે અને ગંદકી ન થાય એને માટે સજાગ પણ રહેવામાં આવે છે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ગઈ કાલે કહ્યું એમ, આપણે ત્યાં ફૉરેન જવાના શોખીનોનો તોટો નથી, પણ આપણે ફૉરેન જઈને માત્ર ત્યાંની ચકાચૌંધ કરી દેનારા હાઇવે અને હાઇરાઇઝ બિલ્ડિંગ કે પછી ત્યાંના મૉલમાં રહેલી ટેક્નૉલૉલોજીને જ યાદ રાખીએ છીએ અને પાછા આવ્યા પછી પણ એની વાત બધાને કરતા ફરીએ છીએ, પણ એ વાતો વચ્ચે આપણે ત્યાં જોયેલી મેનર્સ, ત્યાં જોયેલી સભ્યતા, ઊડીને આંખે વળગેલી ત્યાંની સ્વચ્છતા અને જોવા ન ધારતા હો તો પણ દેખાઈ આવે એવી ત્યાંની નિયમો પાળવાની પદ્ધતિ ભૂલી જઈએ છીએ. ઊંચાં બિલ્ડિંગ તમને આકર્ષે એ સમજી શકાય, પણ એ આકર્ષણ વચ્ચે જે શીખવાનું છે, જેનો અમલ કરવાનો છે એ ભૂલી જશો તો કેવી રીતે આ દેશ આગળ વધશે?
ભારત પાસે પોતાની સભ્યતા છે, પોતાની સંસ્કૃતિ છે અને જૂજ દેશો એવા છે જેની પાસે પોતાની સભ્યતા, પોતાની સંસ્કૃતિ હોય. આપણે ભારતને તરછોડીએ એ યોગ્ય ન કહેવાય. કૅલિફૉર્નિયામાં રહીને ત્યાં મળતા ઢોસાની કે પછી દુબઈમાં રહીને ત્યાં મળનારા હામૂસ અને પીટા બ્રેડ વિશે વાતો કરવાને બદલે જો ત્યાં રહેલી સ્વચ્છતા વિશે વાતો કરશો તો ઍટ લીસ્ટ લોકોના ભેજામાં એ વાત ઊતરશે ખરી કે સ્વચ્છતા એ સરકારની નહીં, પણ ત્યાં રહેતા નાગરિકની જવાબદારી છે અને સ્વચ્છતા ત્યારે જ કરવાની વાત આવતી હોય છે જ્યારે ગંદકીનો જન્મ થતો હોય છે. ફૉરેનના આ વિકસિત દેશોમાં સ્વચ્છતા અકબંધ રહે છે એનું કારણ છે કે ત્યાં ગંદકી કરવામાં નથી આવતી. ગંદકી ન થાય એ માટે જાગૃતિ રાખવામાં આવે છે અને ગંદકી ન થાય એને માટે સજાગ પણ રહેવામાં આવે છે. મારે પૂછવું છે મારા એ બધા મિત્રોને કે એ દેશોમાં જઈને જો ત્યાંની સફાઈની કદર થઈ શકે તો પછી આપણા દેશમાં પાછા આવ્યા પછી કેવી રીતે નવેસરથી ગંદકી શરૂ કરી દેવામાં આવે છે. એવું તે શું ભૂત વળગે કે તમે ન્યુ ઝીલૅન્ડમાં ફરતા હો ત્યારે એક વખત પણ કચરાને રસ્તા પર ફેંકો નહીં અને પછી, ઇન્ડિયા આવી ગયા પછી એ જ કામ ઍરપોર્ટથી શરૂ થઈ જાય. આ જે માનસિકતા છે એ માનસિકતા જ દેખાડે છે કે આપણને કડક હાથે નિયમો પળાવવામાં આવે તો જ એ કામ કરીએ છીએ અને તો જ આપણને આ કામ ફાવે છે. જો પ્રેમથી કહેવામાં આવે, માનપૂર્વક વિનંતી કરવામાં આવે કે પછી પ્રેમપૂર્વક કહેવામાં આવે તો આપણે વાતને ગણકારતા નથી અને આપણે એવી જ રીતે વર્તી લઈએ છીએ જાણે આપણા બાપનું રાજ હોય.
બાપનું રાજ તો પહેલાં પણ નહોતું અને અત્યારે પણ નથી. પહેલાં બ્રિટિશરો હતા અને હવે લોકશાહીનું રાજ છે, પણ આ લોકશાહીને આપણે વધારે પડતી સરળતા સાથે લઈ લીધી છે. અંગત રીતે ઘણી વાર થાય કે આપણા દેશમાં સરમુખત્યારશાહી આવી જાય તો ખરેખર આપણા લોકો સુધરી જાય. આ સુધારા પૂરતી પણ લોકશાહી હટાવવી જોઈએ અને આપણા પર સરમુખત્યારશાહી લાદી દેવી જોઈએ.