રાવણ લક્ષ્મણને કહે છે, ‘જ્યારે યોગ્ય સમય હોય ત્યારે વિલંબ કરવો નહીં અને જ્યારે ધીરજની જરૂર હોય ત્યારે ઉતાવળ કરવી નહીં.! રાવણ એ વખતે કબૂલે છે, ‘મારામાં શક્તિ ન હોવાને કારણે પરાજય થયો હોય એવું નથી. વાસ્તવમાં મારા અહંકારને લીધે મારું પતન થયું છે.’
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે
આપણે બૂરાઈ પર સચ્ચાઈના વિજયનો વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર હાલમાં ઊજવ્યો. આ નિમિત્તે મને હાલમાં ભજવાઈ રહેલું ‘હમારે રામ’ નામનું નાટક યાદ આવે છે. એમાં રાવણ પરાજય બાદ મૃત્યુશય્યા પર પડ્યો છે એવું દૃશ્ય આવે છે. એ વખતે રાવણે લક્ષ્મણ સાથેના સંવાદમાં પોતાના જ્ઞાનનો પરિચય આપ્યો હતો. એ ઘડી સુધી રાવણ અહંકારનું બીજું નામ હતો, પરંતુ છેલ્લી ઘડીએ તે ગુરુ જણાય છે.
રાવણ લક્ષ્મણને કહે છે, ‘જ્યારે યોગ્ય સમય હોય ત્યારે વિલંબ કરવો નહીં અને જ્યારે ધીરજની જરૂર હોય ત્યારે ઉતાવળ કરવી નહીં.!
રાવણ એ વખતે કબૂલે છે, ‘મારામાં શક્તિ ન હોવાને કારણે પરાજય થયો હોય એવું નથી. વાસ્તવમાં મારા અહંકારને લીધે મારું પતન થયું છે.’
આ જ દૃષ્ટાંત આપણા નાણાકીય જીવનને લાગુ પડે એવું છે. બચત કરવાની જરૂર હોય ત્યારે આપણે વિલંબ કરીએ છીએ, વીમો લેવામાં વિલંબ કરીએ છીએ અને રોકાણ કરવામાં પણ મોડા પડીએ છીએ. પરિણામે ઘણું નુકસાન થાય છે. એ જ રીતે જ્યારે કોઈ વસ્તુ ખરીદવામાં ઉતાવળ કરવાની ન હોય ત્યારે જલદી-જલદી ખરીદી કરવા દોડી જઈએ છીએ. બીજા બધા લઈ ગયા, અમે રહી ગયા (ફિયર ઑફ મિસિંગ આઉટ - FOMO)ને લીધે રોકાણ બાબતે બીજાઓનું અનુકરણ કરવામાં પણ ઉતાવળા થઈ જઈએ છીએ. એનું પરિણામ હંમેશાં એક જ આવે છે : પસ્તાવો.
મારી દૃષ્ટિએ નાટકમાં બે વાક્યો ઘણો મોટો સંદેશ આપે છે : ૧. નમ્રતા વગરની સત્તા (શક્તિ) વિનાશ વેરે છે અને સમજણ વગરની સંપત્તિ અભિશાપ બની જાય છે. ૨. આપણા ગજા બહારની વાત હોય ત્યારે ક્રોધ કરવો નકામો છે.
નાણાંની બાબતે કહીએ તો એને કારણે મળેલી શક્તિ આશીર્વાદ પણ બની શકે છે અને અભિશાપ પણ. આજના વ્યસ્ત જીવનમાં નાણાકીય વિષયને સમજવાનું અને એના આધારે નાણાંનો વહીવટ કરવાનું મુશ્કેલ અને દુશ્મન જેવું ભલે લાગતું હોય, પણ આખરે તો આપણા લાભમાં જ હોય છે.
આપણા બધામાં રાવણ અને તેની સાથે સંવાદ કરનાર લક્ષ્મણ બન્નેના ગુણ હોય છે. આપણામાંનો રાવણ અહંકારપૂર્વક ખર્ચ કરે છે, દેખાદેખી કરે છે અને સંગ્રહ પર વધારે ભાર મૂકે છે. બીજી બાજુ આપણામાંનો લક્ષ્મણ નાણાકીય વિષયને બરાબર સમજીને તથા સતર્ક રહીને કાળજીપૂર્વક નિર્ણયો લે છે. આપણે એ બન્નેમાંથી કોનું સાંભળીએ છીએ એના આધારે આપણી પ્રગતિ કે અધોગતિ નક્કી થાય છે.
ખરી નાણાકીય સફળતા લોભ કે અહંકારથી નહીં પરંતુ સાચી સમજણથી પ્રાપ્ત થાય છે. ખર્ચ કરતાં પહેલાં બચત કરવી, ઉતાવળે નિર્ણયો લેવાને બદલે આયોજનબદ્ધ કામ કરવું, સમજ્યા વગર કૂદી પડવું નહીં એ બાબતો ધ્યાનમાં લેવા જેવી છે. રાવણે જે કહ્યું હતું એના પરથી આપણને શીખવા મળે છે કે નમ્રતા અને શિસ્ત રાખવાથી જ ખરી સંપત્તિ પ્રાપ્ત કરી શકાય છે.
‘હમારે રામ’ ફક્ત નાટક નથી, પરંતુ આપણામાં રહેલા દુર્ગુણોનો નાશ કરવાનો બોધ આપતો પ્રયત્ન છે.


