જે ફન્ડે તાજેતરમાં વધુ વળતર આપ્યું હોય એમાં રોકાણ કરવાની લાલચ સહજ રીતે બધાને જ થતી હોય છે, પરંતુ માત્ર ભૂતકાળના વળતર પર આધારિત નિર્ણય લાંબા ગાળે ખોટો પુરવાર થઈ શકે છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
દરેક મુસાફરી એક પગલાથી શરૂ થાય છે. રોકાણની દુનિયામાં પણ એવું જ છે. ઘણા નવા રોકાણકારો મ્યુચ્યુઅલ ફન્ડની પોતાની પ્રથમ સ્કીમ પસંદ કરતી વખતે સૌથી વધુ વળતર આપનારી અથવા રૅન્કિંગમાં ઉપર દેખાતી સ્કીમ શોધવામાં ઘણો સમય અને મહેનત ખર્ચતા હોય છે. જોકે કાગળ પર સૌથી સારી દેખાતી સ્કીમ તમારા લાંબા ગાળાના રોકાણ માટે સૌથી ઓછી યોગ્ય સાબિત થાય એવું પણ બની શકે છે.
જે ફન્ડે તાજેતરમાં વધુ વળતર આપ્યું હોય એમાં રોકાણ કરવાની લાલચ સહજ રીતે બધાને જ થતી હોય છે, પરંતુ માત્ર ભૂતકાળના વળતર પર આધારિત નિર્ણય લાંબા ગાળે ખોટો પુરવાર થઈ શકે છે. વાસ્તવમાં નવા રોકાણકાર માટે સૌથી મહત્ત્વની બાબત છે રોકાણને લાંબા ગાળા સુધી રહેવા દેવાની તૈયારી, અર્થાત્ માર્કેટના ઉતાર–ચડાવની ચિંતા કર્યા વગર રોકાણ ચાલુ રાખવાની ક્ષમતા. ક્યારેક જે ફન્ડ શરૂઆતમાં ‘સાધારણ’ લાગે એ જ લાંબા ગાળે સંપત્તિસર્જનનો સૌથી મજબૂત પાયો રચતું હોય છે.
ADVERTISEMENT
રોકાણ માત્ર આંકડાઓનો ખેલ નથી, એ માનસિક સમતાનો પણ વિષય છે. જેમાં મોટા ઉતાર-ચડાવ આવતા ન હોય અને જે રોકાણકારને શાંતિથી લાંબા સમય સુધી રોકાણ રાખી મૂકવાની તક આપે એ વધુ મૂલ્યવાન હોય છે. બીજી તરફ સૌથી ‘આકર્ષક’ ફન્ડના મૂલ્યમાં જો વધારે ઉતાર–ચડાવ આવતા હોય તો એને લીધે રોકાણકાર માનસિક તનાવમાં આવી શકે છે. પરિણામે તે રોકાણ રાખી મૂકવાને બદલે ઉપાડી લેવાની ઉતાવળ કરી બેસતો હોય છે. આવું થાય એના કરતાં મધ્યમ ગતિથી આગળ વધતી સ્કીમમાં રોકાણ કર્યું હોય તો રોકાણકાર આત્મવિશ્વાસ અને ધીરજ રાખીને લાંબા સમય સુધી એને રાખી મૂકવાની સ્થિતિમાં આવે છે. આમ લાંબા ગાળે તેના રોકાણનું મૂલ્ય વધી જતું હોય છે.
આજકાલ લોકોને બધી રીતે પરિપૂર્ણ મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમની શોધ હોય છે, પરંતુ એ ઘણી વાર ખોટી સાબિત થાય છે. દાખલા તરીકે નવો રોકાણકાર માત્ર તાજેતરનું ઊંચું વળતર જોઈને સ્મૉલ કૅપ ફન્ડમાં રોકાણ કરે અને પછી બજાર નીચે જાય ત્યારે રોકાણ ઉપાડી લે તો લાંબા ગાળે એમાં મળનારા લાભથી વંચિત રહી જાય છે. આમ સારામાં સારું વળતર આપનારી છે એવું માનીને જે સ્કીમ લીધી હોય એ સ્કીમ સારી હોય તો પણ રોકાણ ઉપાડી લીધું હોવાને કારણે સંબંધિત રોકાણકારને અપેક્ષિત લાભ આપી શકતી નથી.
નવા રોકાણકાર માટે યોગ્ય ફન્ડ એ છે જે સ્થિર ગતિથી આગળ વધતું હોય, અતિશય ચિંતા ઊપજાવતું ન હોય અને રોકાણ રાખી મૂકવાની ટેવ વિકસાવનારું હોય.
મ્યુચ્યુઅલ ફન્ડમાં સફળતાનું રહસ્ય ‘અપૂર્ણતાને સ્વીકારવામાં’ છે. ‘પર્ફેક્ટ’ શરૂઆત એ છે જે તમને લાંબા સમય સુધી રોકાણ રાખી મૂકવા માટે પ્રેરિત કરે.
યાદ રહે, રોકાણકારની જીત ટૂંકા ગાળા માટેના નફામાં નહીં, પણ નિયમિતતા અને ધીરજને કારણે લાંબા ગાળે મળતા વધુ વળતરમાં રહેલી છે.


