Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > કાળી અડદનાં વડાં જ નહીં, આ કાળી ચીજો પણ છે હેલ્ધી

કાળી અડદનાં વડાં જ નહીં, આ કાળી ચીજો પણ છે હેલ્ધી

Published : 30 October, 2024 04:50 PM | Modified : 30 October, 2024 05:37 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

કાળીચૌદશના દિવસે ખાસ કાળી અડદની દાળનાં વડાં બનાવવાનો આપણે ત્યાં રિવાજ છે. આ દિવસે કાળા રંગનું મહત્ત્વ ખૂબ હોય છે. એવું મનાય છે કે કાળો રંગ નકારાત્મક ઊર્જા સામે રક્ષણ આપે છે.

કાળાં તલ, કાળી મુનક્કા

કાળાં તલ, કાળી મુનક્કા


કાળીચૌદશના દિવસે ખાસ કાળી અડદની દાળનાં વડાં બનાવવાનો આપણે ત્યાં રિવાજ છે. આ દિવસે કાળા રંગનું મહત્ત્વ ખૂબ હોય છે. એવું મનાય છે કે કાળો રંગ નકારાત્મક ઊર્જા સામે રક્ષણ આપે છે. આજે આપણે અહીં એવા કેટલાક કાળા રંગના ફૂડ વિશે વાત કરવી છે જેમાં ગુણોનો ભંડાર ભરેલો છે


કાળીચૌદશના દિવસે આપણા બધાના ઘરે ખાસ અડદની દાળનાં વડાં બનાવવાનો રિવાજ છે. માન્યતા મુજબ મહિલાઓ ચાર રસ્તે વડાં મૂકીને ઘરમાંથી કકળાટ કાઢે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આપણે જોઈએ તો અડદની દાળ ખાવાના ઘણા ફાયદા છે. સામાન્ય રીતે બ્લૅક ફૂડમાં ફાઇબર અને પ્રોટીનનો સારો સ્રોત હોય છે. સાથે જ એમાં આવશ્યક વિટામિન્સ અને મિનરલ્સ પણ સારા પ્રમાણમાં હોય છે એટલે એનો ડાયટમાં સમાવેશ કરવાથી શરીરને ઘણા હેલ્થ બેનિફિટ્સ મળે છે.



કાળીચૌદશમાં અડદનું સેવન કેમ સારું?
કાળીચૌદશના દિવસે અડદની દાળનું સેવન કરવું કેમ મહત્ત્વનું બની જાય છે એ વિશે તર્ક આપતાં ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર કહે છે, ‘દિવાળીના દિવસોમાં આપણે ફરસાણ અને મીઠાઈઓ પેટ ભરીને ખાઈએ છીએ છે. એવામાં બૅલૅન્સ્ડ ડાયટનું ધ્યાન રહેતું નથી. દિવાળીના પાંચ દિવસમાંથી એક દિવસ કાળીચૌદશના દિવસે આપણે અડદનાં વડાં બનાવીને ખાઈએ છીએ. વેજિટેરિયન અને વીગન લોકો માટે અડદની દાળ પ્લાન્ટ બેઝ્‍ડ પ્રોટીનનો ખૂબ સારો સોર્સ છે. એ સિવાય દિવાળીના દિવસોમાં માંસાહારી લોકો પણ નૉનવેજ ખાવાનું ટાળતા હોય છે તો એ લોકો માટે પણ અડદ પ્રોટીનનો એક સારો વિકલ્પ છે. એટલે આમ જોવા જઈએ તો આપણે દિવાળીના પાંચ દિવસમાંથી ઍટ લીસ્ટ એક દિવસ અડદની વાનગી ખાઈને શરીરને પ્રોટીન પૂરું પાડીએ છીએ. જોકે અડદની દાળનાં વડાંને ડીપ ફ્રાય કરવાને બદલે અપ્પે પૅનમાં બનાવવામાં આવે તો એ ખાવામાં વધુ હેલ્ધી બને છે. જૂના જમાનામાં ખૂબ મહેનતનું કામ કરવાનું હોય એટલે બધું પચી જતું, પણ આજના બેઠાડુ જીવનને ધ્યાનમાં લેતાં તળેલું જલદી પચતું નથી.’


કાળાં તલ
કાળાં તલ શરીરને કઈ રીતે ફાયદો પહોંચાડે એ વિશે જણાવતાં અપેક્ષા ઠક્કર કહે છે, ‘કાળાં તલમાં કૅલ્શિયમ ભરપૂર હોય છે, શરીરનાં હાડકાંઓને મજબૂત રાખવા માટે ખૂબ જરૂરી છે. તલમાં બીજાં મિનરલ્સ જેમ કે મૅગ્નેશિયમ, ઝિન્ક, ફૉસ્ફરસ, કૉપર વગેરે હોય છે જે હાડકાંઓના સ્વાસ્થ્ય માટે સારાં છે. કાળાં તલ ડાયેટરી ફાઇબરનો પણ એક સારો સ્રોત છે, જે પાચનતંત્રને સુધારીને કબજિયાતની સમસ્યામાંથી રાહત અપાવે છે. કાળાં તલમાં લિગનન્સ કરીને એક કમ્પાઉન્ડ હોય છે જે કૉલેસ્ટરોલ-લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. એ સિવાય તલમાં સારા પ્રમાણમાં મૅગ્નેશિયમ હોય છે, જે હાઈ બ્લડપ્રેશરને નિયંત્રણમાં લાવે છે. કાળાં તલ ઍન્ટિઑક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, જે ઑક્સિડેટિવ સ્ટ્રેસથી સેલ્સને પ્રોટેક્ટ કરે છે અને ફ્રી રેડિકલ્સથી સેલ્સને ડૅમેજ થતા અટકાવે છે. એ સિવાય તલમાં રહેલી ઍન્ટિ ઇન્ફ્લેમેટરી પ્રૉપર્ટીઝને કારણે શરીરમાં ઇન્ફ્લેમેશન હોય તો એને ઓછું કરવામાં પણ તલ ખાવાથી ફાયદો થાય છે. કાળાં તલ એક હિટ ઇન્ડ્યુસિંગ ફૂડ છે એટલ કે એનું સેવન કરવાથી શરીરમાં ગરમાટો આવે છે. શિયાળાની સીઝનમાં ખાસ તલનાં ચિક્કી-લાડુ બનાવીને આપણે એનું સેવન કરીએ છીએ. આપણે આમ જોવા જઈએ તો દિવાળી પણ એવા સમયે આવે છે જ્યારે ધીમે-ધીમે તાપમાનમાં ઘટાડો થાય અને ઠંડી વધવાની શરૂઆત થાય. મેનોપૉઝ દરમ્યાન હૉર્મોન-લેવલ બૅલૅન્સ કરવામાં પણ કાળાં તેલનું સેવન કરવાથી મહિલાઓને ફાયદો થાય છે.’

ડાયટમાં કાળાં તલનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ વિશે અપેક્ષા ઠક્કર કહે છે, ‘ઑર્ગેનિક ગોળનો ઉપયોગ કરીને તમે તલની ચિક્કી બનાવીને ખાઈ શકો. કાળાં તલની ચટણી પણ બને, જેને તમે પરાઠા સાથે ખાઈ શકો. એ સિવાય કાળાં તલને તમે શેકીને એને રોટલી-પરાઠા, ગ્રેવી-કરી, સૅલડ, સ્મૂધી બનાવતા હોય તો એની ઉપર ભભરાવીને પણ ખાઈ શકો.’


કાળી અડદ
કાળી અડદ ખાવાથી શરીરને કયા ફાયદા થાય છે એ વિશે વાત કરતાં ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર કહે છે, ‘કાળી અડદ પ્રોટીનથી ભરપૂર હોય છે. આપણા શરીરનો દરેક સેલ્સ પ્રોટીનનો બનેલો હોય છે. ડૅમેજ સેલ્સને રિપેર કરવામાં અને નવા સેલ્સ બનાવવામાં આપણી બૉડીને મદદ કરવાનું કામ પ્રોટીન કરે છે. શરીરમાં પ્રોટીનની ઊણપ હોય તો સતત થાક લાગે, વાળ ખરવા માંડે, ત્વચા નિસ્તેજ થઈ જાય, હાડકાં અને સ્નાયુઓ નબળાં પડે વગેરે સમસ્યા ઊભી થાય એટલે આપણા ડાયટમાં પ્રોટીન હોવું ખૂબ જરૂરી છે. એ સિવાય કાળી અડદમાં ફાઇબર પણ સારા પ્રમાણમાં હોય છે, જે ડાયજેશન સુધારે છે. આમાં રહેલી લેક્સેટિવ પ્રૉપર્ટી બોવેલ મૂવમેન્ટને પ્રમોટ કરવાનું કામ કરે છે અને પરિણામે કબજિયાતની સમસ્યામાંથી રાહત આપવામાં મદદ કરે છે. અડદમાં પ્રોટીન અને ફાઇબર બન્ને સારી માત્રામાં હોવાથી એ વેઇટલૉસમાં પણ મદદ કરે છે. એમાં રહેલા ફાઇબરને કારણે અડદની દાળનું સેવન કર્યા બાદ લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે, પરિણામે ભૂખ નિયંત્રણમાં રહે છે અને કૅલરી-ઇન્ટેક પણ ઓછો થાય છે. કાળી અડદની દાળમાં કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ બન્ને સારા પ્રમાણમાં હોય છે, જે તમારાં હાડકાંઓને મજબૂત રાખવાનું કામ કરે છે તેમ જ ઑસ્ટિઓપોરોસિસ જેવી હાડકાં સંબંધિત બીમારી થવાનું જોખમ ઘટાડે છે. અડદની દાળમાં મૅગ્નેશિયમનું પ્રમાણ પણ સારું હોય છે, જે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. એનિમિયાની સમસ્યામાં અડદની દાળનું સેવન કરવાથી ફાયદો મળી શકે છે, કારણ કે એ લોહીમાં હીમોગ્લોબિનનું સ્તર વધારે છે. હીમોગ્લોબિનના બે પાર્ટ હોય છે. એક હેમ એટલે આયર્ન અને ગ્લોબિન એટલે પ્રોટીન. અડદ આ બન્નેનું પર્ફેક્ટ કૉમ્બિનેશન છે. કાળી અડદની દાળમાં રહેલા ઍન્ટિઑક્સિડન્ટ્સ અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવાનું અને ઇન્ફેક્શનથી બચાવવાનું કામ કરે છે.’ 

કાળી અડદનો ડાયટમાં કઈ રીતે સમાવેશ કરી શકીએ એ વિશે વાત કરતાં અપેક્ષા ઠક્કર કહે છે, ‘આપણા બધાના ઘરે અડદની દાળનું શાક તેમ જ અડદ-ચોખાના બેટરના ઢોસા કે ઇડલી તો બનતાં જ હોય છે. એ સિવાય તમે અડદની દાળની ચટણી પણ બનાવી શકો છો. તમે ઇચ્છો તો અડદની દાળનાં પરાઠાં પણ બનાવીને ખાઈ શકો.’

કાળી મુનક્કા
કાળી કિસમિસમાં રહેલા ગુણો વિશે વાત કરતાં ડાયટ ક્ષેત્રે છેલ્લાં ૧૮ વર્ષનો અનુભવ ધરાવતાં ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર કહે છે, ‘બ્લૅક મુનક્કામાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે, જે લોહીમાં હીમોગ્લોબિનનું સ્તર વધારે છે અને એનીમિયાનું જોખમ ઘટાડે છે. લોહીમાં હીમોગ્લોબિનનું સ્તર ઘટી જાય ત્યારે એનીમિયા થાય છે, પરિણામે શરીરમાં સ્ટૅમિના ઘટી જાય, વાળ ખરવાની સમસ્યા શરૂ થઈ જાય, થાક લાગવા માંડે, ત્વચા નિસ્તેજ થઈ જાય એટલે શરીરમાં આયર્નની ઊણપ ન થાય એટલે કાળી દ્રાક્ષનો ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. કાળી દ્રાક્ષમાં સારા પ્રમાણમાં ફાઇબર હોય છે, જે પાચન સંબંધિત સમસ્યામાં મદદ કરે છે. કાળી દ્રાક્ષ ખાવાથી કબજિયાતની સમસ્યામાંથી રાહત મળે છે. કાળી દ્રાક્ષમાં કૅલ્શિયમ તો સારા પ્રમાણમાં હોય જ છે પણ એની સાથે બોરોન પણ હોય છે, જે બન્ને આપણાં હાડકાં અને સાંધાઓને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. કાળી દ્રાક્ષ આપણી હાર્ટ-હેલ્થ માટે પણ સારી છે. એમાં રહેલું પોટૅશિયમ બ્લડપ્રેશરને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે અને હૃદય સંબંધિત બીમારીનું જોખમ ઘટાડે છે. કાળી દ્રાક્ષ ઍન્ટિઑક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, જે ઑક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડવામાં મદદ કરે છે. ઑક્સિડેટિવ સ્ટ્રેસને કારણે વાળ સફેદ થવા, ચહેરા પર કરચલીઓ પડવી જેવા પ્રીમૅચ્યોર એજિંગનાં લક્ષણો દેખાય છે એટલે ગ્લૉઇંગ સ્કિન, મજબૂત વાળ જોઈતા હોય તો દ્રાક્ષનું સેવન કરવાથી ફાયદો થાય છે.’

કાળી દ્રાક્ષનો ડાયટમાં સમાવેશ કરવા વિશે વાત કરતાં અપેક્ષા ઠક્કર કહે છે, ‘કબજિયાતની સમસ્યા હોય તો રાતે કાળી દ્રાક્ષને પલાળીને સવારે ખાલી પેટે એનું સેવન કરવું જોઈએ. દૂધમાં સાકર નાખીને પીવા કરતાં તમે કાળી દ્રાક્ષ નાખીને પી શકો. કાળી દ્રાક્ષની પેસ્ટ બનાવીને તમે એનો જામ તરીકે ઉપયોગ કરી શકો. કાળી દ્રાક્ષને તમે નટ્સ અને સીડ્સ સાથે મિક્સ કરીને એક હેલ્ધી સ્નૅક્સ તરીકે ખાઈ શકો.’ 

કાળું લસણ: આ ચીજ પણ કાળી કરીને ખાવાથી બહુ હેલ્ધી બને છે
આમ તો લસણ સફેદ રંગનું જ તમે જોયું હશે, પણ જો લસણની અંદર ફર્મેન્ટેશન થઈ જાય તો એમાં રહેલી સોજો ઓછો કરવાની પ્રૉપર્ટી ખૂબ જ વધી જાય છે. આ લસણ કાળું પડી ગયેલું હોય છે. સાદું લસણ ખૂબ જ ઊંચા તાપમાને અઠવાડિયાંઓ સુધી રાખી મૂકવામાં આવે તો એ કાળું પડી જાય છે. આવું કાળું પડી ગયેલું લસણ મેમરી બૂસ્ટ કરી શકતું હોવાનું નિષ્ણાતો માને છે. ઑલ્ઝાઇમર્સના દરદીઓને કઈ રીતે બ્લૅક લસણ આપવાથી તેમની શૉર્ટ ટર્મ મેમરી સુધરે છે એના પર પશ્ચિમના દેશોમાં અનેક પ્રયોગો પણ થયા છે. લસણમાં ફર્મેન્ટેશનને કારણે શરીરના કોષોમાં ઑક્સિડેશનની પ્રક્રિયા ધીમી પાડતી ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને ઍન્ટિ-કૅન્સર પ્રૉપર્ટી ખૂબ વધી જાય છે.

કેટલીક ચીજો મૂળે અલગ રંગની હોય, પણ એનો કાળો ઑપ્શન વધુ હેલ્ધી હોય
સામાન્ય રીતે આપણે ઘઉં અને ચોખા જેવાં ધાન્ય બ્રાઉન કે સફેદ જ જોયાં છે, પણ છેલ્લાં ત્રણ દાયકાથી આ ધાન્યમાં પણ કાળું વર્ઝન આવવા લાગ્યું છે. કાળા ચોખા અને કાળા ઘઉં એમાં સૌથી મોખરે છે. ધાન્યને કાળો રંગ આપતું ઍન્થોસાયનિન નામનું કેમિકલ આંખો માટે બહુ જ ગુણકારી મનાય છે. કાળા ચોખા ચીનમાં લાંબા સમયથી ખવાતા આવ્યા છે, પણ હવે ભારતમાંય એનું ઉત્પાદન અને વપરાશ બન્ને વધ્યાં છે. કાળા ચોખા અને ઘઉં બન્નેમાં લ્યુટેન અને ઝીઍક્સૅન્થિન નામનું કેમિકલ રહેલું છે જે રૅટિનાને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે.ધાન્ય ઉપરાંત કાળાં ગાજર, કાળી મકાઈ અને કાળાં ટમેટાં પણ હવે ઊગે છે. આ વેજિટેબલ્સને કાળો રંગ આપતું કાળું રંજકદ્રવ્ય શરીરને વિવિધ પ્રકારનાં ઇન્ફ્લમેશન અને ઇન્ફેક્શન સામે રક્ષણ આપવા સક્ષમ છે.

Whatsapp-channel Whatsapp-channel

30 October, 2024 05:37 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK