હા, ‘દામોદર દીવાનો થયો’ નાટકના અંતિમ શો ચાલતા હતા એ દરમ્યાન પદ્મારાણીની તબિયત વધારે કથળી અને તેમની ટેસ્ટ ચાલુ થઈ. ચાલી રહેલી એ ટેસ્ટ વચ્ચે પણ પદ્માબહેને એક પણ શો કૅન્સલ નહોતો કરાવ્યો. આને કહેવાય રંગભૂમિને સમર્પિત જીવ`

નાટક ‘દામોદર દીવાનો થયો’ દરમ્યાન જ પદ્મારાણીની તબિયત બગડવાની શરૂ થઈ, પણ તેમણે દૂર-દૂર સુધી નાટકના શોને ક્યાંય નુકસાન થવા દીધું નહીં. તેમની એ મહાન કાર્યદક્ષતા ક્યારેય નહીં ભુલાય.
પદ્મારાણી, સનત વ્યાસ, અરવિંદ રાઠોડ, કિંજલ ભટ્ટ, હર્ષ મહેતા અને એકાદ-બે નાના રોલ માટે ઍક્ટર કાસ્ટ કર્યા પછી અમે નવા નાટકનાં રિહર્સલ્સ પર લાગ્યા અને નાટક ઓપન કરવાની તારીખ આવી ગઈ.
૨૦૧૩, ૨૧મી જુલાઈ અને રવિવાર.
તેજપાલ ઑડિટોરિયમ.
બપોરે ચાર વાગ્યે નાટક ‘દામોદર દીવાનો થયો’ ઓપન થયું. જેમ પુત્રનાં લક્ષણ પારણામાં જ ખબર પડી જાય એવું જ નાટકનું હોય. રિહર્સલ્સ દરમ્યાન જ તમને અણસાર આવી જાય કે આ નાટકનું શું થવાનું છે. અમને એટલું સમજાઈ ગયું હતું કે નાટક સેન્ચુરી મારશે અને એવું જ થયું. આ નાટકના અમે એક્ઝૅક્ટ ૧૦૧ શો કર્યા. દામોદરનો જે ટાઇટલ રોલ હતો એ અરવિંદ રાઠોડે કર્યો હતો, ઑડિયન્સને એમાં બહુ મજા આવી, તો પદ્માબહેન તો સદાબહાર હતાં જ. સનત વ્યાસે પણ ઑડિયન્સને મજા કરાવી દીધી. આ નાટક બૉક્સ-ઑફિસ પર ઠીક-ઠીક ચાલ્યું, તો સોલ્ડ આઉટ શોમાં એને મિશ્ર પ્રતિસાદ મળ્યો. આ જ નાટકના છેલ્લા શો ચાલુ હતા એ વખતે પદ્માબહેનની તબિયત વધારે કથળી અને તેમણે કેટલાક જરૂરી રિપોર્ટ્સ કરાવ્યા. એ રિપોર્ટ પછી અને ફાઇનલી ખબર પડી કે પદ્માબહેનને કૅન્સર છે. અમારા સૌ માટે એ શૉકિંગ સમાચાર હતા, પણ મારે કહેવું રહ્યું કે આ રિપોર્ટ્સ ને એ બધું ચાલતું હતું એ દરમ્યાન ક્યાંય પદ્માબહેન કે અરવિંદભાઈએ શો પર અસર થવા નહોતી દીધી.
ગુજરાતના ગાંધીનગરમાં ‘દામોદર દીવાનો થયો’નો શો હતો એ ચાલુ શોએ પદ્માબહેનને જબરદસ્ત દુખાવો ઊપડ્યો અને એ પછી પણ તેમણે આખો શો પૂરો કર્યો. કૅન્સરની બીમારી દરમ્યાન પદ્માબહેનના પડખે અરવિંદભાઈ અડીખમ ઊભા રહ્યા હતા અને એનું સાક્ષી ‘મિડ-ડે’ રહ્યું છે. પદ્માબહેનની સારવાર દરમ્યાન ‘મિડ-ડે’ એકમાત્ર એવું અખબાર હતું જે તેમની તબિયતના સમાચાર નિયમિત પૂછતું અને પેપરમાં પણ પ્રસિદ્ધ કરતું. આ બાબતમાં મારે ચોક્કસપણે કહેવું છે કે ‘મિડ-ડે’ અગાઉ આ બધી બાબતોમાં બહુ ઍક્ટિવ હતું. વિપુલ મહેતાની તબિયત બગડી અને ચેસ્ટ પેઇનને લીધે તેને હૉસ્પિટલાઇઝ્ડ કર્યો ત્યારે પણ સૌથી પહેલાં સમાચાર ‘મિડ-ડે’એ જ લીધા હતા. ઍનીવે, આપણે ફરી આવી જઈએ ‘દામોદર દીવાનો થયો’ નાટકની વાત પર.
અમારા પ્રોડક્શનમાં બનેલા આ ૭૨મા નાટક પહેલાં અમે ૨૮ એપ્રિલે ‘ગરવી ગુજરાતણે રંગ રાખ્યો’ નાટક ઓપન કર્યું હતું અને અઢી મહિનામાં અમે નવું નાટક તૈયાર કરી નાખ્યું. ‘દામોદર દીવાનો થયો’ નાટકનાં ગ્રૅન્ડ રિહર્સલ્સ ચાલતાં હતાં એ દરમ્યાન જ મને નવા નાટકનો સબ્જેક્ટ મળી ગયો.
‘સંજયભાઈ, મારી એક નૉવેલ છે ‘મહારાજ’... હું ઇચ્છું છું કે તમે એના પરથી નાટક બનાવો...’
હું ગ્રૅન્ડ રિહર્લ્સમાં હતો ત્યારે મને લેખક-પત્રકાર સૌરભ શાહનો ફોન આવ્યો અને મેં તેમને પૂછ્યું કે તમે મહારાજ લાયબલ કેસની વાત કરો છો? તેમણે હા પાડી અને સામે મેં પણ હા પાડી કે હા આપણે એ નાટક કરવું છે.
આ મહારાજ લાયબલ કેસની તમને વાત કરું.
જો મારી ભૂલ ન થતી હોય તો ઓગણીસમી સદીના આરંભની એ કથા છે. એ સમયે વૈષ્ણવ સંપ્રદાય ખૂબ પ્રચલિત થઈ રહ્યો હતો. બહોળો વર્ગ વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ માનતો. એ સમયે લોકો ઘરમાં શ્રીનાથજી બાવાનું મંદિર બહુ રાખતા નહીં. તીવ્ર મરજાદી સ્વભાવ એટલે વાતે-વાતે આભડછેટનો ડર લાગ્યા કરે. કારણ કે એ સમયે મોટા ભાગના લોકો ચાલમાં રહેતા, જ્યાં એક જ રૂમ હોય. એ એક રૂમમાં મંદિર રાખવામાં આવે તો એના નીતિ-નિયમો, આભડછેટ અને પવિત્રતાના પ્રશ્નો ઊઠે અને કારણ વિના મનમાં શંકા રહ્યા કરે એટલે મોટા ભાગના લોકો ઘરે મંદિર રાખવાને બદલે ભુલેશ્વરમાં મોટા મંદિર તરીકે પૉપ્યુલર એવા શ્રીજી બાવાના મંદિરે જ દર્શન કરવા જાય. આ એ સમયની વાત છે જે સમયે લગભગ બધા વૈષ્ણવો સવારે પ્રાતઃક્રિયા પતાવી પહેલાં શ્રીજી બાવાનાં દર્શન કરે અને એ પછી જ અન્નનો દાણો મોઢામાં મૂકે. આ હદે મરજાદીપણું હતું એ સમયની વાત હતી. શ્રીજી બાવા પ્રત્યે પૂરા આદર સાથે કહેવું પડે કે એ સમયે સંપ્રદાયમાં અમુક બદીઓ પણ પ્રવેશી ગઈ હતી.
સુરતની બહુ જાણીતી એવી એક હવેલીના જદ્દુનાથ મહારાજ એ બદીઓમાં અટવાયેલા શખ્સ. જદ્દુનાથ મહારાજ પર એક વૈષ્ણવ દીકરીએ બળાત્કારનો આરોપ લગાવ્યો અને એ સમાચાર કરસન મૂળજી નામના કપોળ વૈષ્ણવ પાસે પહોંચ્યા. કરસન પોતે પત્રકાર, ‘સત્યપ્રકાશ’ નામનું એક નાનકડું અખબાર ચલાવે. જદ્દુનાથ મહારાજ બહુ પહોંચવાળા, પણ તેમનાથી ડર્યા વિના કરસન મૂળજીએ ‘સત્યપ્રકાશ’માં આ આખી ઘટના વિશે અને એ પછી જદ્દુનાથ મહારાજ સામે બ્રિટિશ પોલીસ કાર્યવાહી કરે એ માટે લખવાનું શરૂ કર્યું.
આ કરસન મૂળજી અને તેના અખબાર ‘સત્યપ્રકાશ’ને ટેકો હતો ગોકુળદાસ તેજપાલ શેઠનો. આ ગોકુળદાસ તેજપાલ એટલે જેમણે મુંબઈમાં જી. ટી. ચૅરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું એ. ગુજરાતી રંગભૂમિ માટે કાશી કે મથુરા કહેવાય એવું તેજપાલ ઑડિટોરિયમ પણ તેમણે જ બનાવ્યું અને મુંબઈની વિખ્યાત જી. ટી. હાઈ સ્કૂલ પણ ગોકુળદાસ તેજપાલે જ બનાવી. શેઠ ગોકુળદાસે ખૂબ સખાવતો કરી છે. તેજપાલ ઑડિટોરિયમની બાજુમાં જે રાધાકૃષ્ણનું મંદિર છે એ પણ તેમણે જ બનાવ્યું છે. મારે તમને ખાસ કહેવાનું કે દેશમાં રાધાકૃષ્ણનું મંદિર તમને ભાગ્યે જ જોવા મળશે. આ ગોકુળદાસ તેજપાલ અને ખટાઉ મિલના માલિકોથી માંડીને નર્મદ અને ભાઉ દાજી જેવા અનેક સાક્ષરો પણ કરસનદાસ મૂળજીના પડખે હતા. કરસનદાસ મૂળજી પોતે બાહોશ અને નીડર. સત્ય માટે તેઓ કોઈ પણ હદ સુધી જવા તૈયાર રહે એવા. કરસન મૂળજીએ ‘સત્યપ્રકાશ’માં હિંમતપૂર્વક આ ઘટના વિશે લખ્યું. જદ્દુનાથ મહારાજ વિરુદ્ધ પહેલી વાર લખાયું. જદ્દુનાથ મહારાજે નક્કી કર્યું કે આ પ્રકારનો ઊહાપોહ વધે, અન્ય કોઈ પણ હિંમત કરે એ પહેલાં જ કરસનનો અવાજ દબાવી દેવો.
જદ્દુનાથ મહારાજે ‘સત્યપ્રકાશ’ અને કરસન મૂળજી પર બદનક્ષીનો દાવો માંડ્યો અને આ માનહાનિ બદલ ૫૦,૦૦૦ રૂપિયાની માગણી કરી. વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં કે એ સમયના ૫૦,૦૦૦ રૂપિયા એટલે આજના અંદાજે ૫૦૦ કરોડ રૂપિયા થાય! હા, ૫૦૦ કરોડ તો સહેજે થઈ જાય એવડી મોટી આ રકમ હતી. કરસન મૂળજીએ નક્કી કર્યું કે પોતે ઝૂકશે નહીં અને જદ્દુનાથ મહારાજ સામે લડી લેશે. આ જે આખી લડત હતી એ બહુ ઇન્ટરેસ્ટિંગ હતી. લડતના અંતે કરસનદાસ મૂળજી કેસ જીત્યા. આ કેસ જે કોર્ટમાં ચાલતો હતો એ મૅજિસ્ટ્રેટનું નામ લાયબલ હતું, જેને લીધે આ આખો કેસ મહારાજ લાયબલ કેસ તરીકે પૉપ્યુલર થયો.
મહારાજ લાયબલ કેસ અને અમારા નાટક ‘મહારાજ’ની વધારે વાતો સાથે હવે આપણે મળીશું આવતા સોમવારે.
જોક સમ્રાટ
વાઇફ : ઍલેક્સા, હાઉ ટુ મેક ચીઝ કેક?
ઍલેક્સા : તું શાંતિથી બેસને બહેન. છેલ્લા બે મહિનામાં ૨૦૦ રેસિપી મને પૂછ્યા પછી છેલ્લે તો તેં તારા ઘરવાળાને થેપલાં ને ચા જ ખવડાવ્યાં છે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)