Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કેસર, આફૂસ, રાજાપુરી, તોતાપુરી, દશહરી, મલગુબો, પાયરી બધી કેરી એક જ ઝાડ પર

કેસર, આફૂસ, રાજાપુરી, તોતાપુરી, દશહરી, મલગુબો, પાયરી બધી કેરી એક જ ઝાડ પર

11 April, 2021 02:49 PM IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના લખનઉ પાસેના મલિહાબાદના એક આમઆદમીએ કલમપ્રયોગ દ્વારા ૧૦૦ વર્ષ જૂના આંબાના વૃક્ષ પર દરેક ડાળીએ નવી જાતની કેરી ઉગાડી છે. લગભગ ૩૧૭ જાતની કેરીઓ એક જ વૃક્ષનાં મૂળિયાં પર ઉગાડનારા ૮૦ વર્ષના આ કલીમુલ્લાહ ખાનમૅન્ગોમૅન તરીકે દુનિયાભરમાં પ્રખ્યાત

કલીમુલ્લાહ ખાન

કલીમુલ્લાહ ખાન


ઉનાળો એટલે ગરમીથી કંટાળવાની અને પરસેવે રેબઝેબ થવાની મોસમ ખરી, પણ સાથે જ આ કાળઝાળ ગરમી એક એવા ફળની પણ મોસમ લઈને આવે છે જે ફળોના રાજા તરીકે વર્ષોથી આપણા બધાનાં હૃદય પર રાજ કરી રહ્યું છે. જી હા; કેરી, આમ, આંબો... કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાને વહાલથી અનેક નામ આપે એ જ રીતે આપણે પણ આ ફળને અનેક નામ આપ્યાં છે, ખરુંને? જોકે નામ ભલે અનેક હોય અને જાત પણ ભલે અનેકાનેક, પણ જીભનો ટેસડો આમ ખટ્ટમધુરો કરી મૂકવાથી શરૂઆત કરતી કેરી મીઠીમધ જેવી થવા સુધી આપણી આ નખરાળી જીભને લાડ લડાવ્યા કરતી હોય છે. એટલે જ તો રાજા-રજવાડાંઓથી લઈને અંગ્રેજો અને ગામડાથી લઈને વિદેશીઓ સુધીના બધાની જીભનું લાડકું ફળ બની બેઠી છે આ કેરી. કેરીના ઘણા રસિયાઓની તો વળી એવી હાલત હોય છે કે કેરીનું નામ પડતાં જ મોઢામાં પાણી આવવા માંડે. તો વળી આપણામાંના કેટલાક રસિયા એવાય ખરા જે બજારમાં પહેલી કેરી દેખાઈ નથી કે તરત ઘરમાં આવી નથી.

તો ચાલો આજે એક એવી અનોખી વ્યક્તિ અને તેમના કેરીના બગીચાની મુલાકાત લઈએ જેમણે આપણા આ લાડકા ફળને આપણાથીય વધુ પ્રેમ કર્યો છે. ધારો કે તમને કોઈ એમ કહે કે આપણા ભારતમાં જ એક એવા બંદા છે જેમણે કેરીની લગભગ ૧૬૦૦ જેટલી જાતો વિકસાવી છે તો? જો તમને કોઈ એમ કહે કે દેશની અનેક સેલિબ્રિટીઓનાં નામની પણ કેરી છે તો? અચ્છા, જો તમને કોઈ એમ કહે કે આવો ગજબનો જાદુ કરનારા સાતમું ધોરણ પાસ પણ નથી તો? અને ત્યાં વળી એવી વાત જાણવા મળે કે છઠ્ઠું ધોરણ પાસ આ વ્યક્તિને ભારત સરકાર દ્વારા અપાતો ચોથો સૌથી મહત્ત્વનો પદ્મશ્રીનો ખિતાબ મળેલો છે તો? નહીં માનો ખરુંને? આ અનોખી સિદ્ધિઓ છે ૮૦ વર્ષના હાજી કલીમુલ્લાહ ખાનની. કેરી ઉગાડવાનું નહીં, નવી-નવી કેરીઓનો ઇજાદ કરવાનું ઝનૂન સવાર છે આ ભાઈના માથે એમ કહીએ તો ચાલે. કલીમુલ્લાહની આંબાવાડીમાં આંટો મારવા માટે આપણે ઉત્તર પ્રદેશના એક જાણીતા ગામ મલિહાબાદની લટાર મારવી પડશે.



મૅન્ગો વિલેજ મલિહાબાદ


હવે તો આ ગામ પોતાના નામથી ઓળખાવાની જગ્યાએ ‘આમ કા ગાંવ’ તરીકે જ ઓળખાવા માંડ્યું છે. મલિહાબાદ એક એવું ગામ છે જ્યાં રહેતા દરેક પરિવારની કમસે કમ એક વ્યક્તિ મૅન્ગો ફાર્મિંગના કામ સાથે સંકળાયેલી છે, પણ એ વિશે વાત કરતાં પહેલાં મલિહાબાદનો થોડો ઇતિહાસ જાણી લઈએ.

લગભગ ૫૦૦ વર્ષ પહેલાં મલિહા સિંહ નામના રાજવીનું રાજ હતું. તેમના રાજકાળ દરમ્યાન અફઘાનિસ્તાનથી કેટલાક આફ્રિદી પઠાણો અહીં આવીને વસ્યા હતા. આ જ સમય દરમ્યાન ગૌતમ રાજમાંથી બે નરાધમ ભાઈઓને છૂટા કરવામાં આવ્યા હતા, દેવરાય અને ન્યાયરાણા. આ બન્ને ભાઈઓ મલિહા સિંહના રાજ્યમાં આવીને વસ્યા અને રાજાનો વિશ્વાસ જીતીને તેમણે તેમની જ પીઠમાં છરો ભોંકવાનું કાવતરું ઘડી નાખ્યું. બન્ને ભાઈઓની મંશા જાણી ચૂકેલા પઠાણોએ તેમને રાજ્યની બહાર ખદેડી મૂક્યા અને રાજ્યને પગભર કરવાના આશય સાથે તેમણે મલિહાબાદમાં એક કેરીની વાડી વિકસાવવાનું નક્કી કર્યું. એ દિવસથી મલિહાબાદ અને ત્યાં ઊગતી કેરીઓ જગમશહૂર છે, પરંતુ મલિહાબાદ આજના સમયમાં આટલું જાણીતું થવા માટે ત્યાં રહેતી એક વ્યક્તિ જવાબદાર છે, ‘મૅન્ગોમૅન !’ જી હા, આ જ નામથી તેઓ ઉત્તર પ્રદેશમાં જ નહીં, આખા દેશમાં જાણીતા છે. તેમનું મૂળ નામ ‘હાજી કલીમુલ્લાહ ખાન.’


કેરીની ખેતી કલીમુલ્લાહ ખાનને વારસામાં મળેલી દેણ છે. પેઢીઓથી જેમના પરિવારમાં આંબાની ખેતી જ થતી આવી છે અને બચપણ પણ આંબાવાડીમાં જ વીત્યું છે એવો ૮૦ વર્ષનો યુવાન ડોસલો પોતાનો ભૂતકાળ યાદ કરતાં કહે છે, ‘અમારા પરિવાર પાસે લગભગ ૩૦૦ વર્ષથી કેરીના બગીચા છે અને ત્યારથી અમારા પરિવારમાં કેરીની ખેતી જ થતી આવી છે. હું ભૂલતો નહીં હોઉં તો મારા પરિવારની હું ૧૩મી પેઢી છું જે આ કામ કરી રહ્યો છું. હું નાનો હતો ત્યારથી જ મારા વાલિદ (પિતા) સાથે અમારા કેરીના બગીચામાં આવતો. મારા વાલિદ કેરીની જરૂરી સંભાળ લેતા અને હું તેમની પાછળ-પાછળ આખા બગીચામાં ફરતો રહેતો. શાળાએ જતો ખરો, પણ ભણવામાં ખાસ મન લાગે નહીં. છઠ્ઠા ધોરણ સુધી તો જેમ-તેમ પહોંચ્યો, પણ સાતમા ધોરણમાં નાપાસ થયો. હું ૧૪ વર્ષનો હતો ત્યારે મેં મારી જિંદગીનું પહેલું વૃક્ષ વાવ્યું હતું. એ દશેરી આમનું ઝાડ હતું.’

૧૭ વર્ષની ઉંમરે ૭ કેરી ૧ ઝાડ પર

બાળપણમાં આઉટ ઑફ બૉક્સ થિન્કિંગ એ સહજ પ્રક્રિયા હોય છે અને જો એને સહજતાથી વહેવા દેવામાં આવે તો અવનવા આવિષ્કારને મોકળું મેદાન મળી શકે છે. આનું ઉત્તમ ઉદાહરણ છે આ મૅન્ગોમૅન. ૧૫ વર્ષના કલીમુલ્લાહે એક દિવસ પોતાના મિત્રનાં ફૂલોના બગીચામાં એક જ છોડ પર અલગ-અલગ જાતનાં ગુલાબ ખીલેલાં જોયાં. કુતૂહલવશ મિત્રને પૂછ્યું ત્યારે ખબર પડી કે એક છોડ પર અલગ-અલગ કલમ ઉગાડી છે. બસ, બંદાને પ્રેરણા મળી ગઈ. તેમણે એ જ કરતબ કેરીઓ સાથે અજમાવવાનું વિચાર્યું. બે વર્ષની મહેનત અને જાગતી આંખે જોયેલું સપનું. ૧૯૫૭ની એ સાલ જ્યારે માત્ર ૧૭ વર્ષની ઉંમરના કલીમુલ્લાહે કરી દેખાડ્યું જે બીજાઓએ એ સમયગાળામાં હજી વિચાર્યું સુધ્ધાં નહીં હોય. એક જ કેરીના ઝાડ પર તેમણે સાત અલગ-અલગ પ્રકારની કેરીઓ ઉગાડી. તમને ખબર છે આ મૅન્ગોમૅનની એક અનોખી સિદ્ધિ શું છે? તેમણે એક જ કેરીના ઝાડ પર લગભગ ૩૧૭ પ્રકારની અલગ-અલગ કેરી ઉગાડી છે. મતલબ સાદી ભાષામાં કહીએ તો કેસર, આફૂસ, રાજાપુરી, તોતાપુરી, દશેરી, મલગુબો, પાયરી આવી અનેક પ્રકારની કેરીઓ એક જ ઝાડ પર.

પણ કહેવાય છેને કે જે ઈશ્વર વરદાન આપે છે એ જ પરીક્ષા પણ લે છે. ૧૯૫૭માં ૧૭ વર્ષના કલીમુલ્લાહે એક જ ઝાડ પર ૭ અલગ-અલગ પ્રકારની કેરી વિકસાવવામાં હજી તો સફળતા મળી જ હતી ત્યાં ૧૯૬૦માં મલિહાબાદમાં અતિવૃષ્ટિને કારણે પૂર આવ્યાં અને કલીમુલ્લાહની કેરીની આખી વાડી બરબાદ થઈ ગઈ. પેલું ૭ કેરીની કલમવાળું ઝાડ પણ... પરંતુ હાર માને એ બીજા, કલીમુલ્લાહ ખાન નહીં. કેરી અને કેરીની ખેતીને અલ્લાતાલાની બંદગી સમાન ગણતા કલીમુલ્લાહ ખાને નવેસરથી આંબાવાડીને જતનથી ઉછેરવાનું શરૂ કર્યું અને વર્ષોની મહેનત બાદ આજે તો કેરીની લગભગ ૧૬૦૦ જેટલી અલગ-અલગ વરાઇટી કલ્ટિવેટ કરી ચૂક્યા છે.

નમો આમ

૨૦૦૮માં મલિહાબાદના આ મૅન્ગોમૅનને ‘ફળોના રાજા’ એવા કેરીની વિવિધ જાતો વિકસાવવા બદલ અને એને પ્રિઝર્વ કરવામાં પોતાના યોગદાન બદલ દેશના અતિપ્રતિષ્ઠિત અવૉર્ડ પદ્‍મશ્રીથી નવાજવામાં આવ્યા. કેરીઓના જતનમાં પોતાની આખી જિંદગી ખર્ચી નાખનારા કલીમુલ્લાહ ખાન ૨૦૧૭ની એક સવારે અચાનક આખા દેશમાં ચર્ચાનો વિષય બની જાય છે, એક જ દિવસમાં આખા દેશમાં જાણીતા થઈ જાય છે. અખબારોથી લઈને ટીવી ન્યુઝ ચૅનલ્સ સુધીના બધા તેમના વિશે વાતો કરવા માંડે છે, કારણ શું? કારણ કલીમુલ્લાહ ખાને કલકત્તાની હુસ્ન-એ-આરા અને લખનઉની દશેરી ભેગી કરીને એક નવી હાઇબ્રીડ કેરી તૈયાર કરી, જેને નામ આપ્યું ‘નમો આમ’. દેશના વડા પ્રધાનના નામની કેરી! વાત જોતજોતામાં વાઇરલ થઈ ગઈ અને કલીમુલ્લાહ ખાન નામનો આ આલા દરજ્જાનો કેરીનો ખેડૂત આખા દેશમાં જાણીતો થઈ ગયો.

કેમ નમો આમ? કલીમુલ્લાહજીને કોઈકે પૂછ્યું ત્યારે તેમણે કહેલું કે આવતી કાલે આપણે આ દુનિયામાં નહીં હોઈએ, પણ આ કેરી હશે. વર્ષોનાં વર્ષો સુધી હશે. નાજુક લાલ રંગની અને ખૂબ જ મીઠી આ ‘નમો’ કેરી માટે કલીમુહલ્લાનું કહેવું છે કે ‘આપણા દેશમાં એક આટલા સફળ વડા પ્રધાન હતા એ દુનિયાને વર્ષો સુધી ધ્યાનમાં રહેવું જોઈએ. આથી જ્યારે પણ લોકો આ કેરી જોશે, ખાશે ત્યારે તેમને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી યાદ આવશે. મારી ઇચ્છા છે કે આ ‘નમો આમ’ કેરીના ઝાડની કેટલીક કલમ હું ગુજરાત અને નરેન્દ્ર મોદીના હોમટાઉન પણ મોકલું.’

કલીમુલ્લાહ ખાનની વાડીમાં આવી સેલિબ્રિટી કેરી માત્ર એક જ નથી. કેરીઓને નામ આપવાનું તેમણે ઘણાં વર્ષ પહેલાંથી શરૂ કરી દીધું છે. કેરીને નવું નામ આપવાનો વિચાર પણ તેમને પોતાની વાડીમાં ઉગાડેલાં જિનેટિકલી મૉડિફાઇડ ગ્વાવા જોઈને આવેલો. બહારથી પણ લાલ રંગના અમરુદ સાથે તેમણે તસવીર પડાવેલી. આ તસવીરની પાછળ ઐશ્વર્યા રાયની તસવીર હતી. આ ગ્વાવા દેખાવમાં સુંદર અને સ્વાદમાં અતિશય મીઠાં હતાં એટલે ખાનસાહેબે ગ્વાવાને ઐશ્વર્યા નામ આપી દીધું. એ પછી તો તેમણે પોતે વિકસાવેલી અલગ-અલગ હાઇબ્રીડ્સ કેરીઓમાં પણ ઐશ્વર્યા, મધુબાલા નામની સુંદર દેખાતી કેરીની જાત વિકસાવી છે. તો વળી બીજી એક બ્યુટિફુલ કેરીનું નામ નર્ગિસ પણ છે. વળી એ જ વાડીમાં કોઈ એક ઝાડ પર ઊગતી કેરીનું નામ તેન્ડુલકર પણ છે તો બીજા ઝાડ પર તમને બચ્ચન કેરી પણ મળી જશે. ‘મોગલ-એ-આઝમ’ની અનારકલી કેરી પણ આ મૅન્ગોમૅનના ફાર્મમાં ટેસડો જમાવે છે તો વળી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કલામસાહેબના નામની ‘કલામ’ કેરી પણ છે અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નામે પણ ‘યોગી’ કેરી બનાવી દીધી છે તેમણે. હજી આ વર્ષે પણ તેમણે ચારેક નવી હાઇબ્રીડ કેરીઓ વિકસાવી છે. એના ગુણ કેવા છે એ જોઈને એનું નામકરણ પણ કરશે.

સેંકડો જાતની કેરીઓ ઉગાડતા અને કેરીઓનું પ્રેમથી જતન કરનારા કલીમુલ્લાહ ખાન પોતે કઈ કેરીના દીવાના છે? આ પ્રશ્ન સામે મૅન્ગોમૅન કહે છે, ‘મને દશહરી ખૂબ પસંદ છે. એની મીઠાશ એક અલગ જ પ્રકારની છે. દશહરી કેરીનો સ્વાદ મને આખું વર્ષ મારી જીભ પર વર્તાતો રહે છે.’

 ઉનાળાની ગરમી જેટલી કાળઝાળ છે, દઝાડનારી છે એટલી જ આ ઊકળતા મોસમમાં મહોરતા ફળની મીઠાશ છે. આવી મીઠાશની ખેતી કરનારા ભારતના મૅન્ગોમૅન કલીમુલ્લાહ ખાન કહે છે, ‘હું નાનો હતો ત્યારથી જ મને સમજાઈ ગયું હતું કે અલ્લાહની મારા પર રહેમ વરસી છે અને હું આ મીઠાશ ફેલાવવા માટે જ જન્મ્યો છું. વર્ષોથી મારો બસ માત્ર એક જ આશય રહ્યો છે કે જેટલી બને એટલી વધુ મીઠાશ આ દુનિયામાં ફેલાવું, વહેંચું...’

ચહેરા પર ગર્વનો ભાવ લાવતાં કલીમુલ્લાહ કહે છે ‘તમારે માટે આ કેરી એ માત્ર એક ફળ હશે, પણ મારા માટે તો એ મારો એક સોનેરી ભૂતકાળ છે, આવનારા ભવિષ્યનું પ્રૉમિસ છે. મારે મન આ મને વારસાઈમાં મળેલું એક એવું મીઠું વરદાન છે જે લીલી ચામડી સાથે જન્મે છે, સૂર્યનાં કિરણો સાથે એમાં મીઠાશ ઊતરે છે અને એ પીળી મધુરી ચામડી થવા સુધીની સફર મારા સંગાથે કરે છે.’

છેલ્લાં બે વર્ષથી તેમના અબ્દુલ નર્સરી ફાર્મમાંથી આશરે ૭૦૦ ટન જેટલી કેરીનું ઉત્પાદન થાય છે એ ભારતીય માર્કેટ ઉપરાંત વિદેશોમાં પણ એક્સપોર્ટ થાય છે. જોકે જે એક ઘેઘુર વૃક્ષ પર ૩૦૦થી વધુ જાતની કેરીઓ ઊગે છે એ તો આસપાસના લોકો અને ફાર્મ જોવા આવનારાઓમાં જ વહેંચાઈ જાય છે.

કેરીનો ઇતિહાસ થોડો જાણવાનો પ્રયત્ન કરીએ તો એમાં અનેક મતમતાંતર છે. કોઈ કહે છે આ ફળ પઠાણો અફઘાનિસ્તાનથી લઈને આવ્યા હતા, તો કોઈ કહે છે કે કેરી મૂળ આફ્રિકાનું ફળ છે. કોઈ વળી એને ઇઝરાયલનું પણ ગણાવે છે તો કોઈ કહે છે કે ભારત જ એનું જન્મસ્થાન છે.

છોડો, ઇતિહાસ ગમે એ હોય અને આ ફળ નામે કેરી ગમે ત્યાંથી આવી હોય, પણ એક વાત સાથે જરૂર બધા એકમત થશે કે આ ફળને ફળોનો રાજા આપણે બનાવ્યો છે. કેરીને આપણે, ભારતે જેટલો પ્રેમ કર્યો છે એટલો કદાચ કોઈ દેશે કર્યો નથી. વાત સાચી કે નહીં?

અને હા, આ કોરોનાકાળમાં એ કેમ ભુલાય કે કેરી જબરદસ્ત ઇમ્યુનિટી વધારનારું ફળ છે હં... એ ભૂલશો નહીં.

દુબઈ અને ઈરાન જઈને શીખવી આવ્યા

જાતજાતની કેરીઓની શોધ કરવામાં માહેર કલીમુલ્લાહ ખાનને પદ્‍મશ્રી ઉપરાંત સેંકડો સન્માનોથી નવાજવામાં આવ્યા છે. તેમની આ કલમ-કારીગરી શીખવવા માટે તેઓ દુબઈ અને ઈરાન પણ જઈ આવ્યા છે. ૧૯૯૯માં તેમણે રાષ્ટ્રપતિભવનના મુગલ ગાર્ડનમાં એક આંબા પર ૫૪ જાતની કેરીઓ આવે એવી કલમ તૈયાર કરી છે. આજે પણ હજી એ વૃક્ષ ત્યાં છે અને એ મુગલ ગાર્ડનની શાન છે.

મૂળ કેરી ક્યાંની?

કેરીનો ઇતિહાસ થોડો જાણવાનો પ્રયત્ન કરીએ તો એમાં અનેક મતમતાંતર છે. કોઈ કહે છે આ ફળ પઠાણો અફઘાનિસ્તાનથી લઈને આવ્યા હતા તો કોઈ કહે છે કે કેરી મૂળ આફ્રિકાનું ફળ છે. કોઈ વળી એને ઇઝરાયલનું પણ ગણાવે છે તો કોઈ કહે છે કે ભારત જ એનું જન્મસ્થાન છે.

 

દશહરી કેરીનું ૨૦૦ વર્ષ જૂનું પહેલું વૃક્ષ હજીયે છે એ જાણો છો?

મલિહાબાદ નજીક દશહરી પ્રજાતિનું પહેલું વૃક્ષ આવેલું છે જેની જાળવણી લખનઉના નવાબ અન્સારી અલીના વંશજો દ્વારા હજીયે કરવામાં આવે છે

કેરીની સીઝનની શરૂઆત થાય એટલે સૌથી પહેલાં માર્કેટમાં જે કેરીના ઢગલા થાય એ છે દશહરી. આફૂસ તો પછીથી આવે, પણ સૌથી પહેલાં દશહરીના આંબા પર થોકબંધ ફળો બેસી જાય. સૌથી છેલ્લે આપણી કેસર કેરી આવે. અત્યારે કેરીની સીઝનની શરૂઆત છે ત્યારે દશહરીની બોલબાલા ઘણી છે. એ બજેટ-ફ્રેન્ડ્લી પણ ખરી. દશહરીનું મૂળ પણ લખનઉના મલિહાબાદ પાસે આવેલા કાકોરી ગામે છે.

કહેવાય છે કે લખનઉના નવાબના બગીચામાં પહેલી વાર દશહરીનું ફળ બેઠું હતું. અતિશય મીઠાં ફળ આપતું ઝાડ એટલે કે દશહરીની જનની ગણાતું વૃક્ષ આજે પણ દશહરી ગામ નજીકના કાકોરી ગામ પાસે આવેલું છે. આ વૃક્ષમાંથી પહેલી દશહરી કેરી આવેલી. લગભગ ૨૦૦ વર્ષ જૂનું આ વૃક્ષ હજીયે ફળદ્રુપ છે. અહીં દર બે વર્ષે ફળ બેસે છે. આ મધર દશહરીના ઝાડની ફરતે ફૅન્સ કરીને એની રખેવાળી કરવા માટે માણસો પણ તહેનાત કરવામાં આવ્યા છે. નવાબ અન્સારી અલીએ આ ઝાડ વાવ્યું હતું અને આજે પણ એ વૃક્ષની જાળવણીનું કામ નવાબના વંશજો દ્વારા સરસ રીતે થાય છે. એક સમય હતો કે આ વૃક્ષનાં ફળ આમઆદમી માટે નહોતાં. આ ઝાડ પરથી ઉતારેલું પહેલું ફળ નવાબ માટે જ રહેતું. નવાબ અસફ-ઉદ-દૌલાના કાળમાં તો ફળ ઉગાડનાર ખેડૂત પણ એ ફળ ખાવાનો હકદાર ગણાતો નહોતો. દશહરીનો ક્રેઝ એ જમાનામાં અને એ વિસ્તારમાં એટલો હતો કે અહીંથી ચુનંદાં ફળો માત્ર શાહી પરિવારો અને શ્રીમંતોને જ વેચાતાં. અલબત્ત, આજેય કહેવાય છે કે મધર દશહરી વૃક્ષની આસપાસનાં તમામ વૃક્ષોનાં ફળ માર્કેટમાં વેચાતાં મળે છે, પણ મધર દશહરીનાં ફળ માત્ર અને માત્ર નવાબ અન્સારી અલીના વંશજો માટે જ છે. ક્યારેક કોઈ જતા-આવતા પ્રવાસીને નીચે પડેલું ફળ ચાખવા મળી જાય છે, પણ જો તમે ઝાડ પરથી તોડવાની ગુસ્તાખી કરો તો ચોકીદારો લાકડી લઈને તમારું સ્વાગત કરવા તૈયાર જ હોય છે. આ દુર્લભ વૃક્ષનું ફળ ચાખનારા લોકોનું કહેવું છે કે ફર્સ્ટ દશહરી પેદા કરતા આ વૃક્ષનાં ફળો એનાં પછી ઊછરેલાં વૃક્ષોનાં ફળ કરતાં કદમાં નાનાં છે, પણ એની મીઠાશ એટલીબધી છે કે ન પૂછો વાત.

હવે તો કાકોરી ગામને બદલે મલિહાબાદ એ દશહરીની રાજધાની કહેવાય છે. અહીં એપ્રિલ મહિનાની શરૂઆત થતાં જ ટનબંધ દશહરીનો પાક ઊતરે છે.

મલિહાબાદ અને કાકોરી કઈ રીતે દશહરીનું કૅપિટલ બન્યું એ વિશે પણ અનેક લોકવાયકાઓ પ્રચલિત છે. કહેવાય છે કે ૧૯મી સદીની શરૂઆતના સમયમાં દશહરી ગામ પાસેના ખેડૂતો આ ગામ ક્રૉસ કરીને બહાર જાય ત્યારે તેમણે ટૅક્સ તરીકે પાંચ કેરી આપવી પડતી હતી. ત્યાં સુધી આ ફળને દશહરી ગામની બહાર ઉગાડવાની પણ પરવાનગી નહોતી. ટૅક્સ રૂપે જે ફળ બહાર જતું એ જ બહારના લોકોમાં ખવાતું. જોકે એક વાર ટૅક્સ વસૂલનારાઓ અને ખેડૂતો વચ્ચે જબરો ઝઘડો થયો. લડાઈ એટલી મોટી ચાલી કે લડનારા જબરા ઘાયલ થઈ ગયા અને કેરીઓનો મોટો ઢગલો એમ જ ત્યાં પડ્યો રહ્યો. એમાંથી એક કેરીનો ગોટલો જમીનમાં દટાયો અને એમાંથી વૃક્ષ ઊગી નીકળ્યું. આ વૃક્ષમાંથી ઘણા લોકોએ કલમ કાપી-કાપીને એમાંથી નવાં વૃક્ષો ઉગાડ્યાં અને એમ કરતાં દશહરીનાં વૃક્ષ એ ગામમાંથી નીકળીને મલિહાબાદનાં ખેતરોમાં ફેલાયાં. અવધ વિસ્તારમાં મુગલ સામ્રાજ્યના અંતના સમય દરમ્યાન આફ્રિકી પઠાણોએ દશહરી, કાકોરી અને મલિહાબાદના આખા વિસ્તારમાં દશહરી વૃક્ષની વાડીઓ ઊભી કરી દીધી.

આજે મલિહાબાદ એ દશહરી કેરીનું કૅપિટલ ગણાય છે. અહીંના દશહરીનાં ફળ જેટલી મીઠાશ બીજે ક્યાંય નહીં મળે. અહીં ૩૦,૦૦૦ હેક્ટરમાં કેરીની ખેતી થાય છે અને એ જ કારણસર ભારતમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરનારાં રાજ્યોમાં ઉત્તર પ્રદેશનો નંબર બીજો છે. દશહરીનું ઉત્પાદન હવે તો આંધ્ર પ્રદેશમાં પણ સારીએવી માત્રામાં થાય છે. એ ઉપરાંત પાકિસ્તાન અને નેપાલ જેવા દેશો પણ દશહરીની ખેતી કરે છે. મલિહાબાદની દશહરીની મલેશિયા, ફિલિપીન્સ, હૉન્ગકૉન્ગ, સિંગાપોર જેવા દેશોમાં બહુ મોટી ડિમાન્ડ છે.

અવધની બીજી કેરીઓ વિશે જાણો છો?

અવધ વિસ્તારમાં એક સમયે ૧૩૦૦ પ્રકારની કેરીની જાત પ્રચલિત હતી, પણ હાલમાં લગભગ ૭૦૦ જાતની કેરીની ખેતી થાય છે.

 દશહરીની જેમ અવધની બીજી જાણીતી કેરીઓમાં ખાસ નામ ધરાવે છે જોહરી સફેદા નામની કેરી. અહીંની દરેક કેરીના નામ પાછળ એક ખાસ ઇતિહાસ અને લોકવાયકાઓ પ્રચલિત છે. ફકીર મોહમ્મદ ખાન ગોયા નામના ખેડૂતે પોતાની વાડીની એક ખાસ કેરી એ વખતના અવધના નવાબને ભેટ ધરી હતી. આ કેરીની મીઠાશ અને સ્વાદથી નવાબ એટલા પ્રસન્ન થઈ ગયા કે તેમણે ફકીરને ખુશ થઈને સાચાં સફેદ મોતીનો દાગીનો ભેટ આપી દીધો હતો. નવાબનું કહેવું હતું કે અસલી મોતીની પરખ જેમ ઝવેરી જ ઓળખી શકે એમ આ કેરીની કિંમત પણ ખાસ છે. આ જ કારણસર એ વૃક્ષ પરની કેરીની જાતનું નામ પડ્યું જોહરી સફેદા.

 આવી જ બીજી જાત છે ચૌસા. આ કેરીનાં મૂળ સન્ડિલા ગામના ચીન્સા ગામમાં છે. કહેવાય છે કે જમીનદારો અને અમીરજાદાઓ સન્ડિલા ગામની એક વિધવાની વાડીના એક ચોક્કસ વૃક્ષનાં ફળોના શોખીન હતા. એ માટે તેઓ વિધવાને મોંમાગ્યા દામ આપતા હતા અને એ ઝાડનાં ફળ બીજા કોઈને નહીં વેચવાની શરત કરેલી. આ કેરી વર્ષો સુધી અમુક અમીરજાદાઓની થાળીમાં જ પહોંચતી હતી, પણ બીજા ખેડૂતોને પણ આ કેરીનો સ્વાદ ચાખવા મળ્યો ત્યારે તેમણે પણ એ ઝાડની કલમ કરીને એનાં વૃક્ષો વાવ્યાં.

 મલિહાબાદી દશહરી પહેલી એવી કેરી છે જેને રજિસ્ટ્રી ઑફ ઇન્ડિયા દ્વારા જ્યૉગ્રાફિકલ ઇન્ડિકેશન ટૅગ આપવામાં આવ્યો છે. મલિહાબાદમાં ઊગેલી કેરી એ સ્થાનિક GI ટૅગ ધરાવે છે.

કેરીની માર્કેટમાં ભારત છે રાજા

ફળોના રાજા આમની ખેતીની વાત થતી હોય તો ભારતનો આખા વિશ્વમાં ડંકો વાગે છે. વિશ્વના કેરીના કુલ ઉત્પાદનમાંથી ૪૦ ટકા જેટલો હિસ્સો માત્ર એકલા ભારતમાં પેદા થાય છે. કેરીનું એક્સપોર્ટ માર્કેટ ભારતને કરોડો રૂપિયા કમાવી આપે છે. અલબત્ત, છેલ્લાં પાંચ વર્ષમાં કેરીના ઉત્પાદનમાં ધીમે-ધીમે ઓટ આવી રહી છે અને એની અસર એક્સપોર્ટ પર પણ પડી છે. કેરીના નિર્યાતના આંકડા જોઈએ તો ૨૦૧૫-’૧૬માં ૧,૬૯,૨૮૯ મેટ્રિક ટન, ૨૦૧૬-’૧૭માં ૧,૮૪,૦૨૩ મેટ્રિક ટન, ૨૦૧૭-’૧૮માં ૧,૬૧,૧૬૪ મેટ્રિક ટન અને ૨૦૧૮-’૧૯માં ૧,૧૬,૨૮૭ મેટ્રિક ટન મૅન્ગો એક્સપોર્ટ થઈ હતી.

ભારતીય મૅન્ગોની ડિમાન્ડ યુએઈ, બ્રિટન, અમેરિકા, ઓમાન અને કતાર દેશોમાં સૌથી વધુ છે.

ખબર છે તમને?

મિર્ઝા ગાલિબ જ્યારે પણ કલકત્તાથી દિલ્હી તેમનું પેન્શન લેવા માટે આવતા ત્યારે અવધ વિસ્તારનો આંટો જરૂર મારતા. પેન્શનની સાથે-સાથે તેઓ ઢગલાબંધ દશહરી કેરીઓ પોતાની સાથે લઈ જતા.

સૌથી વધુ કેરીનું ઉત્પાદન ક્યાં?

૧. આંધ્ર પ્રદેશ

૨. ઉત્તર પ્રદેશ

૩. બિહાર

૪. ગુજરાત

૫. કર્ણાટક

Whatsapp-channel Whatsapp-channel

11 April, 2021 02:49 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK