Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અરે ના રે, દીકરીના પૈસાને હાથ થોડો લગાડાય?

અરે ના રે, દીકરીના પૈસાને હાથ થોડો લગાડાય?

21 June, 2022 12:50 PM IST | Mumbai
Sarita Joshi | sarita.joshi@mid-day.com

દરેક દીકરીની ફરજ છે કે લગ્ન પછી પણ તે પોતાનાં માબાપની તમામ જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક નિભાવે અને દીકરી જ શું કામ? જમાઈ પણ આ કામ હોંશે-હોંશે કરશે તો જ ઇક્વાલિટીની સ્ત્રીઓની માગણી પૂરી થશે

અરે ના રે, દીકરીના પૈસાને હાથ થોડો લગાડાય?

એક માત્ર સરિતા

અરે ના રે, દીકરીના પૈસાને હાથ થોડો લગાડાય?


આ જે માનસિકતા છે એ માનસિકતા આજે પણ અકબંધ છે, પણ મેં એને ૭૦ વર્ષ પહેલાં તોડી જેનો મને ગર્વ છે. દરેક દીકરીની ફરજ છે કે લગ્ન પછી પણ તે પોતાનાં માબાપની તમામ જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક નિભાવે અને દીકરી જ શું કામ? જમાઈ પણ આ કામ હોંશે-હોંશે કરશે તો જ ઇક્વાલિટીની સ્ત્રીઓની માગણી પૂરી થશે

આપણે વાત કરતા હતા દીકરીઓની અને હું કહેતી હતી કે દીકરીઓ જવાબદારીઓ ક્યારેય ચૂકતી નથી અને ચૂકવી પણ ન જોઈએ. તમે મૅરેજ કરીને બીજા ઘરે ગયા એનો અર્થ એવો નથી કે તમારી એ ઘર પ્રત્યેની જવાબદારીઓ પૂરી થઈ ગઈ. ના, જરા પણ એવું નથી. માણસ જન્મે ત્યારથી લઈને છેક તેના છેલ્લા શ્વાસ લે ત્યાં સુધી તે જવાબદારીથી ઘેરાયેલો રહે છે અને એ જવાબદારીઓ પ્રત્યેની તેની સભાનતા જ તેને સામાજિક પ્રાણી બનાવે છે. આજે તો મારી દીકરીઓની ઘરે બાળકો આવી ગયાં છે અને એ બધાં પણ મોટાં થઈ ગયાં છે. એમ છતાં તેઓ ઘરે આવે, મને મળવા આવે એમાં તેમની પણ જવાબદારી છે અને વારતહેવારે હું તેમના માટે કંઈ લઈને તેમના ઘરે જઉં તો એ મારી તેમના પ્રત્યેની જવાબદારી છે. આપણે ત્યાં દર દિવાળીએ બોણી લેવાની પ્રથા છે, યાદ છે તમને?
એ પ્રથા આજે પણ મેં મારા ઘરે અકબંધ રાખી છે. બોણી એ આમ તો શુભ હેતુથી કરેલું લક્ષ્મીનું આદાન-પ્રદાન છે, પણ એમાંય એક જવાબદારી તો છે જ. વડીલો હોવાની જવાબદારી અને બોણી લેવી અને એ પણ પ્રેમથી લેવી એ બાળકની પોતાની જવાબદારી છે. માણસ જવાબદારી વિનાનો ક્યારેય હોય જ નહીં અને એ જ કારણે આપણે સામાજિક પ્રાણીઓ કહેવાયા છીએ. માણસે પોતાની તમામ જવાબદારી નિભાવવી જોઈએ - પછી તે દીકરો હોય કે દીકરી, તેણે તમામ જવાબદારી નિભાવવી જોઈએ. દીકરીઓએ જેમ સાસરા પક્ષની જવાબદારીઓની સાથોસાથ પોતાનાં માબાપ પ્રત્યેની જવાબદારી નિભાવવાની હોય એવી જ રીતે દરેક પતિએ પણ સમજવાની જરૂર છે કે જે જવાબદારી તેની પોતાનાં માબાપ પ્રત્યે છે એ જ જવાબદારી તેની પોતાની પત્નીનાં માબાપ પ્રત્યે પણ છે અને એ જવાબદારીનું વહન થતું મેં જોયું છે.
ગયા મંગળવારે મેં તમને કહ્યું એમ જ્યારે મારાં મૅરેજની વાત આવી ત્યારે મેં સૌથી પહેલાં કહ્યું હતું...
‘હું નાટક ચાલુ રાખીશ...’
જેવી મને હા પાડવામાં આવી કે તરત મારી બીજી વાત હતી...
‘એ જે આવક થશે એ હું મારી આઈને આપીશ... મારાં લગ્ન થઈ જાય એનો અર્થ એ નથી કે મારી તેમના પ્રત્યેની જવાબદારી પૂરી થઈ ગઈ...’
દીકરીઓ તો આ વાત યાદ રાખે છે, પણ જે જમાઈ ભૂલતા હોય તેમને કહેવાનું કે અમારી એ ઘર માટે આજે પણ જવાબદારી એટલી જ છે જેટલી તમે અમારા જીવનમાં નહોતા આવ્યા ત્યારે હતી અને તમારી પણ એ ઘર પ્રત્યે જવાબદારીઓ ઉમેરાય છે. પૂછજો તમારી જાતને કે તમે એ ઘર પ્રત્યે તમારી જવાબદારી કેટલી નિષ્ઠા સાથે નિભાવો છો? પૂછજો તમારી જાતને કે તમે એ ઘરના જમ બનીને રહો છો કે પછી સાચા અર્થમાં દીકરા બનીને તમારી જવાબદારીઓ સમજો છો?
આ સવાલના જવાબ બહુ જરૂરી છે અને આજના સમયે તો એનું મહત્ત્વ અનેકગણું વધારે છે, કારણ કે હવે તો પરિવાર નાના થયા છે. પહેલાં તો બે-ચાર કે છ બાળકો પરિવારમાં હતાં, પણ આજે તો એક અને બે તો બહુ થઈ ગયાં. આવા સમયે જો કોઈને ફક્ત દીકરી હોય તો એવાં માબાપ તો સ્વાભાવિક રીતે પોતાની દીકરી અને એ પછી તેમના થનારા જમાઈ પાસે જ અપેક્ષા રાખે. બોલે નહીં કે બોલી ન શકે એવી અવસ્થા ઊભી થાય એના કરતાં જમાઈ અને દીકરી જ જવાબદાર બનીને પોતાનું કામ સંભાળી લે એ બહુ જરૂરી છે. આજની આ વાતની સાથે જ મારે બીજી પણ એક વાત કહેવી છે જે બહુ અગત્યની છે.
lll
દીકરીના ઘરના પૈસા...
એક સમયે આ વાત બહુ બોલાતી. દીકરીના પૈસા ન લેવાય કે પછી દીકરીના ઘરના પૈસાને હાથ ન લગાડાય. એક સમયે આવું માનવામાં આવતું અને આજે પણ અનેક લોકો એવા છે જેઓ આ વાત માને છે. માને પણ છે અને દૃઢતા સાથે એને પાળે પણ છે. પહેલી વાત. જે સમયે આ વાતને બ્રહ્મવાક્ય માનવામાં આવતું હતું એ સમયે મેં મારા પરિવારનું, મારા ઘરનું પોષણ કર્યું છે અને એ વાતનો ગર્વ મને જ નહીં, મારા પરિવારના દરેકેદરેક સદસ્યને છે. જ્યારે માનસિકતા પછાત હતી ત્યારે પણ મેં આ જવાબદારી નિભાવી છે અને આજે પણ જ્યારે જરૂર પડે, જેને જરૂર પડે એના માટે હું આ જવાબદારી નિભાવવા તૈયાર હોઉં છું. ઈશ્વરની મહેરબાનીથી આજે મારી બન્ને દીકરીઓ ખૂબ સુખી છે. એમ છતાં પણ એવી કેટલીક જવાબદારીઓ છે જે આ ઉંમરે પણ હું નિભાવું છું અને એ પણ ખુશી-ખુશી.
દીકરીના પૈસાને હાથ ન લગાડાય, તેની પાસેથી મદદ ન લેવાય, દીકરીના પૈસા તો ગાય-માટી બરાબર કહેવાય. આ બધું સાચું હોય તો પણ શાસ્ત્રોની આ વાત ક્યાંય આજની સ્ત્રીઓની જે માગણી છે કે તેમને અને પુરુષોને ઇક્વલ ગણવામાં આવે એ વાત સાથે મેળ ખાતી નથી અને એટલે જ આપણે નક્કી કરવાનું છે કે કઈ વાતને અકબંધ રહેવા દેવી છે? ઇક્વાલિટીની કે પછી દીકરીના પૈસાને હાથ ન લગાડાય એની?
દીકરી પર તેનાં માબાપનો પણ એટલો જ હક છે જેટલો પતિનો હોય છે, દીકરી પર તેનાં માબાપનો એટલો જ હક છે જેટલો તેના સાસરાવાળાઓનો હોય છે, દીકરી પર તેનાં માબાપનો એટલો જ હક છે જેટલો તેનાં સંતાનોનો છે અને આ ક્યારેય ભૂલતા નહીં. દીકરીનાં માબાપને કરેલી મદદને ક્યારેય એવી રીતે દેખાડતા નહીં કે તમે જાણે ઉપકાર કરો છો. ના, ક્યારેય નહીં. એ તમારી ફરજ છે, જવાબદારી છે અને તમારે એ નિભાવવાની છે. એવી જ રીતે જેવી રીતે તમારાં માબાપની જવાબદારી તમે હસતા મોઢે નિભાવો છો. જો એવું થશે તો અને તો જ ઇક્વાલિટીની વાત બધા દૃષ્ટિકોણથી બૅલૅન્સ થશે અને જો એ બૅલૅન્સ કરવી હશે તો દરેકેદરેક પુરુષે પોતાનાં સાસુ-સસરાને પણ એ જ સ્થાન પર બેસાડવા પડશે જે સ્થાન પર તેમણે પોતાનાં માબાપને બેસાડ્યાં છે. આ કામ પણ તેમણે દિલથી કરવું પડશે, માત્ર દેખાડા ખાતર નહીં.
lll
‘મારે તારી સાથે મૅરેજ કરવાં છે, જો તને વાંધો ન હોય તો...’
હું આખેઆખી ધ્રૂજી ગઈ આ વાત સાંભળીને. હા, આ શબ્દો મને તેણે જ કહ્યા હતા જેને મેં બાર-તેર વર્ષની ઉંમરે કલકત્તામાં જોયો હતો અને એ પછી જેને મેં મારા ઘરમાં જોયો હતો. ઈરાની શેઠનો ભાણેજ, જે પદ્માના દીકરાને જોવા માટે અમારા ઘરે આવ્યો હતો અને એ પછી મને અવારનવાર અમારા નાટકની ટૂર દરમ્યાન મળતો હતો.
‘મને તું નાનપણથી જ ગમતી, પણ ત્યારે મૅરેજનું પૂછવું વાજબી નહોતું અને એ પછી આપણે ક્યારેય મળ્યા જ નહીં.’
લગ્નનો પ્રસ્તાવ મૂકવાની સાથોસાથ તેણે મને ધીમેકથી મનની વાત પણ કહી દીધી. સાચું કહું તો હું ગભરાઈ ગઈ હતી. મેં તેને તરત જ કોઈ જવાબ આપ્યો નહીં, પણ બીજી વખત જ્યારે આ જ વાત નીકળી ત્યારે મેં તેને કહ્યું કે અમારે ત્યાં બધું આઈ નક્કી કરે, તમે આઈ સાથે વાત કરી લો. ઈરાની શેઠની હાજરીમાં તેણે આઈ સાથે વાત કરી અને આઈ પણ દરેક માની જેમ જ રાજી થઈ ગઈ.
મારી માને પણ એવું કે નાટક કંપનીમાં જ છોકરો મળી જાય અને તે પોતે પણ નાટક સાથે જોડાયેલો હોય તો મને મારું ગમતું કામ કરવા મળે. મને લગ્નનો પ્રસ્તાવ આવ્યો એ સમય સુધીમાં હું નાટકોમાં બહુ સારું કામ કરવા માંડી હતી અને મારી ઉંમર પણ લગ્ન લાયક થઈ ગઈ હતી. સોળ વર્ષ થઈ ગયાં હતાં મને. માને પણ પોતાની જવાબદારીઓમાં નિવૃત્તિ લેવી હતી - એવી જ રીતે જેવી રીતે દરેક માને પણ લેવી હોય છે.



દીકરી પર તેનાં માબાપનો એટલો જ હક છે જેટલો પતિનો છે, દીકરી પર તેનાં માબાપનો એટલો જ હક છે જેટલો તેના સાસરાવાળાઓનો છે અને દીકરી પર તેનાં માબાપનો એટલો જ હક છે જેટલો તેનાં સંતાનોનો છે અને હા, દીકરીનાં માબાપને કરેલી મદદને ક્યારેય એવી રીતે દેખાડતા નહીં કે તમે ઉપકાર કરો છો.


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2022 12:50 PM IST | Mumbai | Sarita Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK