બૉમ્બે પ્રેસિડન્સી, મદ્રાસ પ્રેસિડન્સી અને છેલ્લે બંગાળ પ્રેસિડન્સીમાં પોતાનું આગવું ચલણ બ્રિટિશ વેપારી કંપનીએ બહાર પાડ્યું અને પછી વેપારના અંચળા હેઠળ કઈ રીતે રાજ હસ્તગત કરી લીધું એની રસપ્રદ દાસ્તાન જાણીએ
બૉમ્બે પ્રેસિડન્સીની ૧૭૬૫માં છાપેલી અલભ્ય મહોર. ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો હુંકાર. અંદાજિત બજારમૂલ્ય એક કરોડ રૂપિયા.
ગયા અઠવાડિયે આપણે ભારતના ઈશાન ખૂણાના રાજ્ય આસામ અને આ રાજ્યના અતિ મહત્ત્વના રાજવંશ અહોમ અને આસામના આકર્ષક અષ્ટકોણીય સિક્કાઓ વિશે જાણ્યું. આ વખતે ચાલો બદલાતા સમયના સાક્ષી અને ખાસ દરજ્જો ધરાવતાં ત્રણ અતિ મહત્ત્વનાં સંસ્થાનોની તથા એના સિક્કાઓની વાત માંડીએ. સમૃદ્ધ ભારતનાં લગભગ અઢીસો વર્ષના કાળખંડના જેઓ સાક્ષી રહ્યા છે, જેઓએ સમય અને જરૂરિયાત પ્રમાણે તેમનાં કલેવર બદલ્યાં છે, અવનવી ભૂમિકાઓ ભજવી છે એની વાત કરીએ.
મિત્રો, પગપેસારો શબ્દ તો લગભગ બધાને જ ખબર હશે, પરંતુ આ શબ્દના આત્યંતિક સ્વરૂપ વિશે વિચાર્યું છે ક્યારેય? પગપેસારો શબ્દની હજી વધુ નિમ્ન વ્યાખ્યા કરીએ. પેટમાં પેસીને પગ પહોળા કરવા અને પછી પેટ જ ચીરી નાખવું એ વાક્યનો અધમ દાખલો એટલે આ અઢીસો વર્ષનો સમયગાળો એમ કહી શકાય. વાતની શરૂઆત જ એક કુટિલ નીતિથી થાય છે. એક કારસો રચાય છે. એકદમ જ ઝીણવટપૂર્વકના આયોજનનો શિસ્તબદ્ધ રીતે અમલ કરી, કેવી રીતે એક આખેઆખા સમૃદ્ધ અને જીવંત દેશને ખતમ કરી નાખવો, નિષ્પ્રાણ કરી નાખવો, ગુલામ બનાવી નાખવો એની આ કરુણ કથની છે.
ADVERTISEMENT
એક કલંકિત ઇતિહાસની વાત છે, જેની શરૂઆત થાય છે ૩૧ ડિસેમ્બર ૧૬૦૦ના દિવસે. ઈસવી સન ૧૬૦૦ના વર્ષના આખરી દિવસે ઇંગ્લૅન્ડમાં સ્થાપના થાય છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. એક ખાસ રાજકીય વટહુકમ દ્વારા આ કંપનીને બ્રિટિશ સરકાર આફ્રિકા અને એશિયાના દેશોમાં વેપાર કરવાની, નવી-નવી તકો ઝડપવાની પરવાનગી આપે છે. ખાસ ધ્યાન દોરવાનું કે આ એક પૂરેપૂરી વેપારી કંપની હતી, જેને દૂર દેશાવરોમાં વેપાર કરવા માટે ક્વીન એલિઝાબેથ-પહેલીની સરકારે પરવાનગી આપી, પરંતુ આ કંપનીએ એનો પૂરેપૂરો ગેરલાભ લીધો. આફ્રિકાની વાત તો છોડી દઈએ. ભોળિયા, અભણ લોકોને તો પૂરેપૂરા ઊઠાં ભણાવ્યાં અને શોષણની દરેક હદ પાર કરી નાખી. સમગ્ર આફ્રિકાને સદીઓ સુધી ગુલામ બનાવી રાખ્યું, બધું લૂંટી લીધું અને આ સમગ્ર ખંડને ચૂસી નાખ્યો. પણ આજે વાત કરવી છે કેવી રીતે આ કંપની અહીં આપણા ભારતમાં પ્રવેશી અને તમામ નીતિમત્તા નેવે મૂકીને આપણા સતનો, સત્ત્વનો અને સરળતાનો કેટલો ફાયદો લીધો એની. અધમતાની, કૃતઘ્નતાની ચરમસીમા કોને કહેવાય એ સમજવું રહ્યું.
રાજકીય વટહુકમ લઈને આ કંપની ઈસવી સન ૧૬૦૮માં ભારતમાં પ્રવેશે છે અને ઊતરે છે તત્કાલીન આપણા ગુજરાતના પ્રખ્યાત બંદર સુરતમાં. સુરત ત્યારે અનેક વ્યાપારી પ્રવૃત્તિઓથી ધમધમતું હતું અને આખા પશ્ચિમ ભારતમાં સુરતનો જબરદસ્ત દબદબો હતો. અહીં તો કંપનીએ એવો દેખાડો કર્યો અને ભ્રમણા ઊભી કરી કે અંગ્રેજ સરકારનું સત્તાવાર ઉદ્યોગ-ગ્રુપ તમારે આંગણે આવ્યું છે. લોકો દોરવાઈ ગયા અને સુરતના નવાબને આ બધી માયાજાળમાં લપેટીને ઈસવી સન ૧૬૧૨માં કંપનીએ કાયમી થાણું સ્થાપીને સુરતમાં પોતાના ડેરાતંબુ તાણી લીધા. એક નાની વસાહત સ્થાપી દીધી. અંગ્રેજો પહેલાં અહીં પોર્ટુગીઝ ડચ ફ્રેન્ચ વેપારીઓ આવી ગયા હતા અને અહીંના વેપારમાં, વ્યવસાયમાં સક્રિય હતા. અંગ્રેજોએ આવતાંવેંત પોત પ્રકાશ્યું અને પોર્ટુગીઝોને એકાદ લડાઈમાં હરાવીને નવાબનું અને મોગલનું માન મેળવ્યું. સાથે-સાથે તેઓએ અનેક પ્રવૃત્તિઓ પણ આદરી દીધી.
ભારતની ભૂગોળ બરાબર સમજીને તેઓએ દક્ષિણ ભારતમાં અનેક જગ્યાએ કારખાનાં સ્થાપ્યાં. ઈસવી સન ૧૬૧૨માં મછલીપટ્ટનમમાં કારખાનું નાખ્યું. સાથે-સાથે સમગ્ર ભારતમાં વ્યાપારી પ્રવૃત્તિઓ પણ સારી એવી વિસ્તાર્યે રાખી. થોડાં વર્ષો ગયાં, પગ મજબૂત થયા એટલે ૧૬૩૯ની ૨૨ ઑગસ્ટે તેઓએ મછલીપટ્ટનમની વસાહત છોડીને ત્યારના ચંદ્રગિરિ રાજના સ્થાનિક સૂબા એટલે કે નાયક પાસેથી બાજુમાં આવેલા મદ્રાસપટ્ટનમ ખરીદી લીધું અને એક વર્ષમાં તો સુરક્ષાનું બહાનું દેખાડી આજુબાજુ કિલ્લો પણ બાંધી દીધો. નામ આપ્યું ફોર્ટ સેન્ટ જ્યૉર્જ.
એ પછી વારો હતો પૂર્વનો, બંગાળનો. અહીં ઈસવી સન ૧૬૪૦માં હુગલીમાં ઉદ્યોગ સ્થાપ્યો, ૧૬૫૦માં કસીના બજારમાં, બંગાળમાં પ્રભાવ વધ્યો ત્યાં તો ઈસવી સન ૧૬૬૮માં તત્કાલીન બૉમ્બેઇમ એટલે કે બૉમ્બે અનાયાસ જ હાથમાં આવી પડ્યું. વાત એમ બની કે ઈસવી સન ૧૬૬૧માં ઇંગ્લૅન્ડના કુંવર પોર્ટુગલની રાજકુમારીને પરણ્યા અને બૉમ્બેઇમના ટાપુઓ તેમને દહેજમાં મળ્યા. સુરતમાં નવાબનાં બંધનોથી કંટાળેલી કંપનીને આમાં અમૂલ્ય તક દેખાઈ અને એણે આ તક ઝડપી લીધી. યેનકેન પ્રકારેણ તત્કાલીન રાજા ચાર્લ્સ બીજાને મનાવીને કંપનીએ આ ટાપુઓ વાર્ષિક ફક્ત ૧૦ પાઉન્ડના ભાડા પર રાખી લીધા. ભાડું પણ પાછું સોનાના સ્વરૂપે આપવાનું ઠરાવ્યું. મારા અંગત અભિપ્રાય પ્રમાણે તો આ એક રાજકીય ગણતરીનો જ ભાગ હતો. કંપની દક્ષિણમાં, પૂર્વમાં અને પશ્ચિમમાં વર્ચસ્વ સ્થાપી ચૂકી હતી. હવે સમય હતો મોભો વધારવાનો. ત્રણેય વસાહતોને નામ આપી દીધાં અને નામનું વજન પડે એ હેતુથી દરેક વસાહતની પાછળ ‘પ્રેસિડન્સી’ શબ્દ પણ જોડી દીધો. નામ હતાં મદ્રાસ પ્રેસિડન્સી (૧૬૩૯), બૉમ્બે પ્રેસિડન્સી (૧૬૬૮) અને બંગાળ પ્રેસિડન્સી (૧૭૧૫). બધાને એમ ઠસાવવામાં આવ્યું કે ત્રણેય પ્રદેશોની પ્રવૃત્તિઓ બરાબર ચાલે એ માટે આ ત્રણ થાણાં સ્થપાયાં છે અને હતું પણ એમ જ. જે-તે પ્રદેશના બધા જ વ્યાપાર, કારખાનાના વહીવટ, કારોબાર ત્યાંની પ્રેસિડન્સી સંભાળતી. દસેક વર્ષમાં બૉમ્બેના પોર્ટુગીઝ દ્વારા બાંધવામાં આવેલા કિલ્લાનું વિસ્તરણ કરી નાખ્યું. નામ આપ્યું બૉમ્બે કૅસલ. કલકત્તામાં કિલ્લો બાંધ્યો ૧૭૧૨માં. નામ આપ્યું ફોર્ટ વિલિયમ.
આ રાજદ્વારી કુનેહની એક અનેરી સિદ્ધિ હતી. રાજાઓને, રજવાડાંઓને, સામ્રાજ્યોને જરાસરખીય શંકા ન થઈ કે આ વ્યાપારી કંપની શાંતિથી લશ્કરી ગતિવિધિઓ વધારી રહી છે, પોતાનું રાજકીય શાસન સ્થાપી રહી છે. ત્રણેય પ્રેસિડન્સી પૂર્ણપણે સ્વતંત્ર હતી. સ્વતંત્ર વ્યવહાર. સ્વતંત્ર અખત્યાર. એકબીજાથી અલગ પરંતુ રાજકીય ગણતરી, લક્ષ્ય એક જ.
હવે આગમન થયું આપણા વિષયનું એટલે કે સ્વતંત્ર ચલણનું. પોતાની અલગ મુદ્રાઓનું. શરૂઆત કરી બૉમ્બે પ્રેસિડન્સીથી ઈસવી સન ૧૬૭૦માં. મુખ્ય કારણ મુંબઈ અલગ હતું અને સંપૂર્ણપણે અંગ્રેજોના કબજામાં હતું, પરંતુ આ પ્રયોગ નિષ્ફળ ગયો. ઈસવી સન ૧૬૮૯માં મોગલોએ જંજીરાના સિદ્દી યાકુબ સાથે મળી આક્રમણ કરીને સિક્કાની છપાઈ બંધ કરાવી. અંગ્રેજો પણ મુત્સદ્દી હતા. છપાઈ બંધ કરી, પરંતુ સતત પ્રયત્નોથી ૧૭૧૭માં સમ્રાટ ફારુકસિયાર પાસેથી ખાસ પરવાનગી લઈ મુદ્રણ શરૂ કર્યું અને છેક સુધી ચલાવ્યું પણ ખરું.
મદ્રાસ પ્રેસિડન્સીમાં શરૂઆત ૧૬૯૧માં થઈ, પરંતુ ધીમે-ધીમે પગપેસારો કર્યો. સોએક વર્ષોમાં તત્કાલીન ચલણ પેગોડા કૉઇન્સ અને ફાનમ નબળા પડતાં કંપનીના સિક્કાઓનું ચલણ ચાલી નીકળ્યું. સોના-ચાંદીના સિક્કા અહીં જ છપાતા, પરંતુ ઈસવી સન ૧૮૦૨ પછી તાંબાના સિક્કાઓ સોહો મીન્ટ, બર્મિંગહૅમ દ્વારા છાપવામાં આવતા. આ મશીન સ્ટ્રક સિક્કાઓ ખરેખર ખૂબ જ સુંદર દેખાય છે. તાંબાના આ સિક્કાઓ કાસુ અથવા કૅશ કહેવાતા. આ સિક્કાઓ ૨૦, ૧૦, ૫ અને ૧ કૅશના ડિનૉમિનેશન્સમાં મળતા.
બંગાળ પ્રેસિડન્સી આમાં પણ છેલ્લે રહી. છેક ઈ. સ. ૧૭૫૭માં પ્લાસીનું યુદ્ધ જીત્યા પછી કંપનીએ નવાબ સિરાજ ઉદ દૌલા પાસેથી મુદ્રણના હક મેળવ્યા અને સોના-ચાંદીના સિક્કા છાપવાનું શરૂ કર્યું. તાંબાના સિક્કા આવ્યા, પરંતુ છેક ૧૭૮૩માં, કારણ કે નાના-નાના વ્યવહારો કોડીઓથી જ ચાલતા. છેને નવાઈની વાત?
આમ જુઓ તો ત્રણેય પ્રેસિડન્સીના સિક્કાઓ તમને અલગ-અલગ ઘણી ભાષાઓમાં, રંગરૂપમાં મળી આવે છે. પર્શિયન, લેટિન, અંગ્રેજીમાં પણ મળે છે. તામિલમાં, બંગાળીમાં, દેવનાગરીમાં પણ. લગભગ ત્યારે પ્રચલિત દરેક ભાષામાં આ સિક્કાઓ મળે છે. ૧૮૩૫માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ત્રણેય પ્રેસિડન્સીને એક છત્ર હેઠળ લાવવાનું નક્કી કર્યું. પછીનાં વર્ષોમાં આખા ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એક જ ચલણ ચલાવ્યું. એક વેપારી કંપની રાજા બની બેઠી. પ્રેસિડન્સી સિક્કાઓનો સુવર્ણકાળ આથમી ગયો. હજી પણ આ સિક્કાઓ, ઈસ્ટ ઇન્ડિયા કંપની અને એના દ્વારા અપનાવાયેલી અધમ અને ધૂર્ત નીતિઓમાંની એકનું જીવતુંજાગતું ઉદાહરણ છે એમ કહી શકાય.

