Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > 1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ ૮)

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ ૮)

25 September, 2022 09:06 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ભારતીય સેના પર થતા અત્યાચારોની વાતો સાંભળીને અને વાંચીને હવે ઇન્દિરા ગાંધી પણ ઊકળવા માંડ્યાં હતાં. પાકિસ્તાની સેનાની નાપાક હરકત વિશે તેમણે ઇન્ક્વાયરી શરૂ કરી અને એ પછી જે વાતો સાંભળવા મળી એનાથી રીતસર તેમના શરીરમાં આગ લાગતી...

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા


‘ટેન્શન મત કરો સર...’ 

જે ઘરમાંથી અવાજ આવતો હતો એ ઘર પર નજર રાખીને હિંમતસિંહ રાઠવા આગળ વધ્યો. આમ તો સાથી પણ પદની દૃષ્ટિએ ટુકડીની જવાબદારી જેમને સોંપવામાં આવી હતી એ બંકિમસિંહની ઇચ્છા નહોતી કે રાઠવા જાય, પણ જે ધર્મ નિભાવવા આવ્યા હતા એ જગ્યાએ આવી આનાકાનીનો કોઈ અર્થ સરતો નથી.



‘આપ જાઓ, બિરયાની કી તૈયારી કરો... અભી ગયા...’ 


દીવાલની ઓથ લેતાં-લેતાં આગળ વધતા રાઠવાએ આગળ શું કહ્યું એ બંકિમસિંહને સંભળાયું નહોતું, કારણ કે જે ઘરમાંથી બાળકના રડવાનો અવાજ આવતો હતો એ ઘરમાં આ જ સમયે જોરથી હૅન્ડગ્રેનેડ ફૂટવાનો અવાજ પણ આવ્યો હતો.

હૅન્ડગ્રેનેડના અવાજની સાથે જ ઘરની પાછળના ભાગમાંથી ધુમાડો નીકળવાનો પણ શરૂ થયો. બંકિમસિંહની ટુકડીમાં એ સમયે આઠ સૈનિકો હતા. હિંમતસિંહ રવાના થયો એટલે તરત જ બંકિમેસિંહે નિર્ણય કર્યો કે આખેઆખી ટોળી ફરી પોતાની જગ્યાએ પહોંચે એને બદલે પોતે અને અન્ય ત્રણ સૈનિકો અહીં જ રહે અને હિંમતસિંહને લઈને પાછા જાય. બંકિમસિંહે સૌને આદેશ આપ્યો...


‘બૅકઅપ કે લિએ હમ યહીં રુકેંગે... આપ લોગ પહોંચો...’

‘યસ સર...’ 

બૅન્ડ વળેલી સિચુએશનમાં આગળ વધતી ટોળકીના બાકીના ચાર સભ્યો એ અવસ્થામાં પણ પોતાના સિનિયરને સલામી આપવાનો પ્રોટોકૉલ ભૂલ્યા નહીં.

એ ચાર જેવા રવાના થયા કે તરત જ હિંમતસિંહે એ બંધ ગલી દેખાતી રહે એવી જગ્યાની આડશ લઈ લીધી.

lll

આગળ વધતા હિંમતસિંહની નજર હવે તેની જમણી બાજુએ હતી. જમણી બાજુએ ગલી આગળ વધતી હતી. એ ગલીમાં વીસેક જેટલાં મકાનો હતાં. એ મકાનો આમ તો ખંડેર થઈ ગયાં હતાં અને કોઈ મકાનમાંથી હલનચલનનો અણસાર દેખાતો નહોતો.

હિંમતે સહેજ નજર ઊંચી કરીને એ મકાન તરફ જોયું જ્યાંથી બાળકનો રડવાનો અવાજ આવતો હતો.

મકાનની છત પર મુક્તિવાહિની સેનાનો ફ્લૅગ લહેરાતો હતો.

હિંમતે અનુમાન બાંધ્યું કે આ ફ્લૅગને કારણે જ પાકિસ્તાની સેનાનો ઘરમાં અત્યાચાર ચાલુ છે.

દબાયેલા પગલે આગળ વધતા હિંમતના પગમાં જોર ત્યારે આવ્યું જ્યારે ત્રીજી વખત તેણે બાળકની ચીસ સાંભળી. દીવાલને પીઠસરસી રાખીને આગળ વધતા હિંમતથી હવે એ ઘર માત્ર પાંચેક ડગલાં દૂર હતું. હિંમતે હાથમાં રહેલી રાઇફલ અને છાતી પર બંધાયેલા કારતૂસ બેલ્ટ પર નજર કરી.

બેલ્ટમાં બાવીસ કારતૂસ હતી. 

બાવીસ તો બસ છે...

હિંમતે ઊંડો શ્વાસ લીધો અને મા ભવાનીને યાદ કરીને બેઠા ઘાટના એ ઘરની ડેલીને ધક્કો માર્યો. ડેલી જેવી અંદરની બાજુએ ધકેલાઈ કે તરત જ હિંમતસિંહે ફરીથી આડશ લઈને અંદરની હિલચાલને પારખવાની કોશિશ કરી. 

‘નહીં...’ બાળકનો અવાજ આવ્યો, ‘છોડ દો...’

તોતડી ભાષામાં બાળકની કાકલૂદી સંભળાઈ. અવાજની દિશા અને તીવ્રતાના આધારે હિંમતસિંહને અંદાજ આવ્યો કે બાળક ઉપરના માળે એટલે કે અગાસીમાં છે. કાકલૂદી પછી આવેલાં ખિખિયાટાને પણ હિંમતસિંહે પારખવાની કોશિશ કરી. 

- ત્રણ... હા, ત્રણ પ્રકારના હસવાના અવાજ છે. મતલબ કે ઉપર નાપાક સેનાના ત્રણ સૈનિક તો છે જ.

હિંમતસિંહે પોતાનો ચહેરો બહાર કાઢ્યો અને ઘરમાં અંદર નજર કરી. ડેલીમાંથી ઘરની ઓસરી સીધી દેખાતી હતી, જ્યાં લોહીના ડાઘ સ્પષ્ટ દેખાતા હતા. જોકે એ પછી પણ ઘરમાં કોઈ જાતની હિલચાલ જોવા મળતી નહોતી.

હિંમતે ચિત્તા જેવી ચપળતા સાથે દિશા બદલી અને ડેલીની બીજી તરફ આવી ગયો. અહીંથી તેને હવે અંદરની બાજુએ આવેલાં પગથિયાં દેખાતાં હતાં, જે ઉપરની તરફ જતાં હતાં. તેનું મન કૅલ્ક્યુલેશન પર લાગ્યું, જેનો સરળ જવાબ તેને એ જ મળ્યો કે પહેલાં ઉપર જવું હિતાવહ છે.

જો ઉપર કશું ન હોય તો ઉપરથી નીચે આવવું અને એ પણ ટેરેસમાંથી...

હિંમતે કમર પર નજર કરી લીધી. કમર પર રોપ અકબંધ હતો.

હં... ઉપરથી નીચે આવી શકાશે.

હિંમતે ફરીથી ઊંડો શ્વાસ લીધો અને ઘડીના છઠ્ઠા ભાગમાં તે એ મકાનમાં દાખલ થઈને સીધો પગથિયાં ચડી ગયો. ટેરેસ પર લઈ જતાં એ પગથિયાંમાં ત્રણ અનુબંધ હતા. છ પગથિયાં સીધાં ચડવાનાં હતાં. એ પછી મોટું પગથિયું આવતું હતું અને ત્યાંથી ટર્ન પણ આવતો હતો. એ ટર્ન પછી બીજાં છ પગથિયાં અને સાતમા પગથિયાની જગ્યાએ અનુબંધ. અહીંથી ફરીથી ટર્ન હતો અને ફરી છ પગથિયાં ચડીને ઉપર જવાનું હતું, જ્યાંથી સીધું ટેરેસમાં દાખલ થવાતું હતું.

અંગ્રેજીના C આકારની આ પગથિયાંની રચના હિંમતસિંહને ખબર નહોતી અને તેને એની આવશ્યકતા પણ નહોતી. પાંચ ડગલાં ચાલીને અચાનક જ વ્યૂહરચના ચેન્જ કરવાની આવે તો એ માટેની ચપળતા તેને સેનાએ શીખવી હતી અને અત્યારે એનો જ લાભ હિંમતે થવાનો હતો.

ચિત્તાની ઝડપે ઘરમાં દાખલ થયેલા હિંમતસિંહની નજર છ ફુટ આગળ હતી અને એટલે જ જ્યારે તેણે પહેલું પગથિયું ચડ્યું ત્યારે જ તેને પહેલા અનુબંધની ખબર પડી ગઈ હતી. છ પગથિયાં ચડ્યા પછી પહેલો ટર્ન લઈને હિંમત ફરી આગળ તરફ દોડ્યો. તેની ઝડપમાં કોઈ ફરક નહોતો પડ્યો. નજર છ ફુટ આગળ હોવાને લીધે બીજો અનુબંધ પણ તે પાર કરી ગયો અને ટેરેસમાં જવાના પગથિયા પર આવી ગયો અને છેલ્લા પગથિયા પાસે આવીને તે બેસી ગયો. અહીંથી હવે ટેરેસ શરૂ થતી હતી. ટેરેસમાં દાખલ થતાં પહેલાં તેણે ડાબી અને જમણી બન્ને દિશાઓ ચેક કરવાની હતી. 

બે-ચાર સેકન્ડ એમ જ બેસીને હિંમતે નવા અવાજની રાહ જોઈ, પણ કોઈ અવાજ કે પગરવ તેના ધ્યાન પર આવ્યો નહીં એટલે તેણે રાઇફલ પર પકડ મજબૂત કરીને બહાર નીકળવાની તૈયારી કરી. અનુમાન હજી પણ તેણે કામે લગાવીને રાખ્યું હતું. 

હિંમતની ડાબી બાજુએ ટેરેસ નાની હતી, જે ઘરના ફળિયામાં પડતી હતી. એ સાઇડ પર કોઈ જાતની અવરજવર જોવા મળી નહોતી એટલે હિંમતે ધારી લીધું કે ઉપર જે કોઈ હશે એ જમણી બાજુએ હશે. જમણી બાજુની ટેરેસ છેક ઘરના પાછળના ભાગ સુધી લંબાયેલી હશે એવું પણ સહજ અનુમાન તેણે બાંધ્યું હતું.

પોતાની પીઠ ડાબી બાજુ કરીને હિંમત ઝડપભેર ટેરેસમાં દાખલ થયો, પણ આ શું?

ટેરેસ સાવ ખાલીખમ હતી. ત્યાં કોઈ નહોતું.

આવું કેવી રીતે બને? હજી હમણાં તો અહીંથી બાળકના રડવાનો અવાજ...

હિંમત આગળ વધ્યો. ટેરેસની બરાબર વચ્ચે હજી તે માંડ પહોંચ્યો હતો ત્યાં જ આજુબાજુનાં ઊંચાં મકાનોની ટેરેસ પરથી અટ્ટહાસ્ય સંભળાવું શરૂ થયું.

હાહાહા...

સહેજ પણ શૉકનો અનુભવ કર્યા વિના હિંમતસિંહને વાતનો અણસાર આવી ગયો.

તેણે ઉપરની તરફ નજર કરી. બે મજલાની બે ઇમારતની વચ્ચે આ નાનકડી બંગલી હતી. આજુબાજુના બન્ને બંગલાઓની છત પર ધીમે-ધીમે ગ્રીન પઠાણીમાં દાઢીધારીઓ બહાર આવવા માંડ્યા. બધાના હાથમાં હથિયાર હતાં તો છાતી પર કારતૂસના બેલ્ટ વીંટળાયેલા હતા. ડાબી બાજુનો માહોલ જોઈને હિંમતસિંહે ગરદન જમણી તરફ ફેરવી. ત્યાં પણ એ જ અવસ્થા હતી. સિવિલ ડ્રેસમાં વીસથી ત્રીસ સૈનિકો એ ટેરેસ પણ પથરાયેલા હતા. હવે શું થશે એ સમજાવવું પડે એવું હતું નહીં એટલે હિંમતસિંહે ખુલ્લી આંખે જ હોઠ ફફડાવ્યા.

‘જય હિન્દ...’

ક્ષત્રિય પરંપરા મુજબ મોત આંખ સામે હોય તો માતાજીનું નામ હોઠ પર હોવું જોઈએ, પણ હિંમતસિંહ નહોતા ઇચ્છતા કે ફાની દુનિયામાંથી વિદાય થાય અને તેને મોક્ષ મળે. તે તો ઇચ્છતા હતા કે ફરી વાર માનવદેહ મળે અને ફરી વાર આ જ હિન્દુસ્તાન અને આ જ હિન્દુસ્તાનની સેના થકી તેને દેશસેવા કરવા મળે.

‘જય હિન્દ...’

પહેલો નારો મનમાં બોલાયો હતો, પણ બીજા નારાએ પૂર્વ પાકિસ્તાનનું આકાશ ભરી દીધું અને એ પછી વાયુવેગે હિંમતસિંહે હાથમાં રહેલી રાઇફલ સાથે પોતાની ડાબી તરફ ઊંચાઈ પર આવેલી ટેરેસ પર ઊભેલા નાપાક પાકિસ્તાની સૈનિકોની છાતીમાં કારતૂસ ઉતારવાનું આરંભી દીધું, પણ ટાંચાં સાધનોએ હિંમતસિંહની હિંમતને તોડી નાખી.

હિંમતે છ ફાયરિંગ કરીને અડધી મિનિટમાં છ પાકિસ્તાની સૈનિકોને ઉડાવ્યા, પણ એટલા જ સમયમાં તેની પીઠ પર વીસથી વધુ ગોળી ઊતરી ગઈ. આકાશ ફાયરિંગના અવાજથી ગુંજી ઊઠ્યું.
ધાંય... ધાંય... ધાંય...

lll

ગલીના નાકા પર આડશ લઈને બેઠેલા બંકિમસિંહના અને તેમના સાથીઓના કાન સરવા થઈ ગયા. વીસ મિનિટથી તેમણે કાન સરવા કરીને ગલી તરફ માંડી રાખ્યા હતા. એક પણ ફાયરિંગનો અવાજ નહોતો આવ્યો એટલે બંકિમસિંહની ધડકન વધવા માંડી હતી. શાંત દેખાતા પાણીનો ભરોસો કરવો નહીં એ વાત તેમણે નાનપણમાં સાંભળી હતી અને ટ્રેઇનિંગ દરમ્યાન સૅમ માણેકશૉ પાસેથી પણ સાંભળી હતી.

આજે એવું જ થયું હતું. 

જે ઘરમાંથી બાળકના રડવાનો અવાજ આવતો હતો એ ઘરમાં લાંબા સમય સુધી ચુપકીદી રહી અને એ પછી છ ફાયરિંગ ઇન્ડિયન રાઇફલના સંભળાયા અને એ ફાયરિંગની સાથે અમેરિકન પિસ્ટલ પણ તરત જ ગાજવા માંડી. મતલબ સીધો હતો કે છકટું હતું અને એમાં તેમનો સાથી ફસાયો હતો.

‘મૂવ...’

અલબત્ત, આ આદેશનું પણ પાલન તરત થઈ ન શક્યું.

બંકિમસિંહ અને તેના સાથીઓ આડશની બહાર નીકળીને આગળ વધી પેલી ગલીમાં દાખલ થાય એ પહેલાં પાકિસ્તાની આર્મીની બે ટ્રક આવીને ગલીના નાકા પર ઊભી રહી ગઈ. ભાવાવેશ અને આયોજન વચ્ચે બહુ મોટો ફરક છે અને એ જવાબદાર એ જ છે જે એ ફરકને માન આપીને પગલાં લે છે.

બંકિમસિંહનું લોહી ઊકળતું હતું; પણ ઊકળતા લોહી વચ્ચે તે જો આગળ વધે તો માત્ર તેમનો જ નહીં, પોતાના સાથીઓનો જીવ પણ જોખમમાં મૂકી દે.

‘સ્ટૉપ...’ બહાર નીકળવા જતા બંકિમે તરત જ આદેશ આપ્યો, ‘વેઇટ...’

lll

બન્ને ટ્રકમાંથી ઊતરેલા સૈનિકો પેલા ઘરથી પાછા ફર્યા ત્યારે વીસ મિનિટ પસાર થઈ ગઈ હતી. પાછા આવ્યા ત્યારે એ સૈનિકોના હાથમાં લાંબો વાંસ હતો અને એ વાંસ પર હાથ-પગ બાંધીને જાણે કે જંગલી જાનવરના મૃતદેહને લઈ જવામાં આવતો હોય એ રીતે હિંમતસિંહના પાર્થિવ દેહને બાંધીને લઈ આવવામાં આવતો હતો.

બંકિમસિંહના રૂંવાડાં તો ત્યારે ઊભાં થઈ ગયાં જ્યારે તેણે જોયું કે પાકિસ્તાની સૈનિકોએ ત્રિભેટ પર પથરાતા એ રસ્તાની બરાબર વચ્ચે ચૂલો બનાવી એ ચૂલા પર ભારતીય સેનાના જવાનની લાશ બાંધી.

lll

‘તૈયાર...’ બંકિમસિંહે સાથીઓની સામે જોઈને ઈશારાથી જ પૂછ્યું, ‘યા હોમ...’

‘કરો ફતેહ...’

સાથીઓએ દબાયેલા અવાજે શહીદીનું આહવાન કર્યું અને બંકિમસિંહે ક્ષણવાર માટે આંખો મીંચી. તેની આંખ સામે છેલ્લે જોઈ હતી એ ચાર વર્ષની દીકરી રાજ્જો આવી, જે હવે પાંચ વર્ષની થઈ ગઈ હતી. મોતિયાનું ઑપરેશન દીકરો આવે પછી જ કરાવવું એવું જીદ લઈને બેઠેલી મા પણ આવી ગઈ અને ગર્વ સાથે ખમીરવંતી છાતી ચૌડી કરીને ફરતા બાબુજી આવી ગયા.

અમૃતસરની બાજુમાં આવેલા કોરિયાડ ગામની એ ગલીઓ પણ આવી ગઈ જે ગલીઓમાં દોડાદોડી કરીને નાનપણ પસાર કર્યું હતું.

આંખોમાં સહેજ ભીનાશ આવી, પણ એ ભીનાશને અવગણીને બંકિમસિંહે શ્વાસ છાતીમાં ભરી આહવાન કર્યું...

‘જય હિન્દ...’

હવામાં ગોળીઓનો અવાજ ભરાઈ ગયો અને થોડી ક્ષણોમાં અગિયાર પાકિસ્તાની સૈનિકોની લાશની સામે ચાર ભારતીય શહીદ સૈનિકોના પાર્થિવ દેહ પડ્યા હતા. જોયેલી બહાદુરીને લીધે પાર્થિવ દેહ પાસે જવાની પણ હિંમત પાકિસ્તાન સૈનિકોમાં ચાલી નહોતી. લગભગ ચાલીસ મિનિટ સુધી એમ જ એ પાર્થિવ દેહને પડ્યા રહેવામાં આવ્યા અને આ ચાલીસ મિનિટ દરમ્યાન ભારતીય સેનાની બીજી ટુકડી ત્યાં પહોંચી જતાં પોતાના સૈનિકોનાં શબ પણ પડતાં મૂકીને પાકિસ્તાની સેના ભાગી ગઈ.

પાકિસ્તાની સૈનિકોના મૃતદેહની અંતિમવિધિ પણ ભારતીય સેનાએ કરી હતી, જેની યાદમાં આજે પણ ઢાકાના સર અબદુલ્લા મેદાનમાં આ સૈનિકોની મઝાર ઊભી છે, જેના પર ભારતીય સેનાનો સ્પષ્ટ આભાર પણ માનવામાં આવ્યો છે.

lll

આ અને આ પ્રકારની ઘટનાઓ વિશે ત્યારે છેક વાત બહાર આવતી હતી જ્યારે ભારતીય સેનાના સૈનિકોને પાછા લાવવામાં આવતા હતા. 

પૂર્વ પાકિસ્તાનમાં ડ્યુટી બજાવવા ગયેલા સૈનિકો ક્યારે પાછા ફરશે એનો કોઈ સમયગાળો નક્કી નહોતો, પણ મોટી ઈજા કે લાંબા સમયની સારવારની જેમને જરૂર પડતી એ સૈનિકોને ભારત પાછા મોકલવામાં આવતા હતા. પાછા આવેલા એ સૈનિકો સુધી પહોંચવાનું કામ પત્રકારો ન કરે એની પણ તકેદારી રાખવામાં આવતી હતી, પણ કૉન્ગ્રેસ સરકારની પહેલેથી જ વિરુદ્ધ રહેલું એક અંગ્રેજી અખબાર એ ઈજાગ્રસ્ત સૈનિકો સુધી પહોંચવાનું કામ કરી લેતું અને પૂર્વ પાકિસ્તાનમાં ભારતીય સેના કેવી હાલાકી ભોગવે છે એના રિપોર્ટ કરતું.

ન્યુઝપેપરના એ રિપોર્ટના આધારે જ કેટલીક માહિતી પ્રાઇમ મિનિસ્ટર સુધી પહોંચતી હતી. તેમને પણ સાચો રિપોર્ટ સેના દ્વારા અપાતો નહોતો. જોકે એમાં કોઈ રાજનીતિ નહોતી, પણ એમાં બહાદુરીની ચરમસીમા ઝળકતી હતી.

સેના નહોતી ઇચ્છતી કે તેમની તકલીફોને જોઈને સરકાર કોઈ એવો નિર્ણય લે જેનો અફસોસ સેનાએ આજીવન કરવો પડે.

ફીલ્ડ માર્શલ સૅમ માણેકશૉએ આ જ વાતને પોતાના એક ઇન્ટરવ્યુમાં જરા જુદી રીતે વર્ણવી છે. સૅમ માણેકશૉએ કહ્યું હતું કે ‘પૂર્વ પાકિસ્તાનનો માહોલ જોયા પછી ભારતીય સેનાના જવાનો એ હદે અંદરથી ધ્રૂજી ગયા હતા કે આ તે કેવી દાનવીય માનસિકતા. એ માહોલ જોયા પછી આપણો એક પણ સૈનિક અહીં પાછો આવવા માગતો નહોતો. એ ઇચ્છતો હતો કે તે પૂર્વ પાકિસ્તાનમાં સુખ પાથરીને આવે. જેમને આપણી સેના એ નર્કમાંથી છોડાવતી એ લોકો આપણી સેનાના જવાનોના પગમાં પડી જતા. અનેક માબાપ એવાં હતાં જે આપણા જવાનોને ભેટીને રડતા તો અનેક એવી દીકરીઓ પણ હતી કે પોતાને છોડાવવા બદલ તે ભારતીય સેનાને પોતાનું સઘળું આપી દેવા તૈયાર હતી; પણ સૅલ્યુટ છે મારી સેનાને, જેણે દુપટ્ટો કાઢીને સામે ઊભી રહી ગયેલી દીકરીઓના શરીર પર શાલ પાથરીને કહ્યું છે કે તું તો મારી બહેન છો...’

lll

ભારતીય સેના પર થતા અત્યાચારોની વાતો સાંભળીને અને વાંચીને હવે ઇન્દિરા ગાંધી પણ ઊકળવા માંડ્યાં હતાં. પાકિસ્તાની સેનાની નાપાક હરકત વિશે તેમણે ઇન્ક્વાયરી શરૂ કરી અને એ પછી જે વાતો સાંભળવા મળી એનાથી રીતસર તેમના શરીરમાં આગ લાગતી તો ભારતીય સેનાની હિંમત અને શૌર્યને જોઈને તેમને ખરેખર સેના પર ગર્વ પણ થતું.

શેખ મુજીબુર રહમાન પણ ભારતીય સેના જે કામગીરી કરી રહી હતી એનાથી ભારોભાર પ્રભાવિત હતા. તેણે અનેક વખત આ બાબતમાં ફોન કરીને ઇન્દિરા ગાંધી પાસે પણ સત્તાવાર તારીફ કરી હતી તો રશિયામાં પણ અપાયેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે ભારતીય સેનાને કારણે પૂર્વ પાકિસ્તાનમાં અમારી પ્રજા થોડી સેફ છે.

અલબત્ત, એ પણ એટલું જ સાચું કે તમામ પ્રકારની હાડમારી વચ્ચે પણ પાકિસ્તાની સેના પૂર્વ પાકિસ્તાન છોડવા રાજી નહોતી.

lll

‘આપ કે ઝહન મેં અબ ક્યા હૈ?’ 

એક દિવસ શેખ મુજીબુર રહમાને પ્રાઇમ મિનિસ્ટરને પૂછ્યું. તેમણે જે પૃચ્છા કરી હતી એમાં પૂર્વ પાકિસ્તાન મુખ્ય ભાવ હતો અને ઇન્દિરા ગાંધીએ જે જવાબ આપ્યો એમાં ભારત પ્રથમ હરોળમાં હતું.

‘યુદ્ધ...’ પ્રાઇમ મિનિસ્ટરે જવાબ આપ્યો હતો, ‘અબ મેરા એક હી મકસદ હૈ, પાકિસ્તાન સે યુદ્ધ... સેના કે સાથ કિયે બૂરે વર્તાવ કા જવાબ ઉસે મિલના ચાહિએ...’

વધુ આવતા રવિવારે

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2022 09:06 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK