ભલભલા બોલરોને થકવી નાખતો આ બૅટ્સમૅન દુનિયાભરમાં તેની ટેક્નિક અને ટેમ્પરામેન્ટને કારણે વિખ્યાત થયો.
ચેતેશ્વર પુજારા
અંદાજે ત્રણેક દાયકા પૂર્વે રાજકોટમાં રહેતા અરવિંદભાઈના ઘરે તેમના એક મિત્ર મળવા આવ્યા હતા. તેઓ ટેબલ પર પડેલું એક નાનકડું આલબમ હાથમાં લઈને એમ જ જોઈ રહ્યા હતા. અરવિંદભાઈના નાના દીકરાના વિવિધ ફોટોગ્રાફ્સ એમાં હતા. એકાદ-બે ફોટોમાં તે દીકરો હાથમાં બૅટ લઈને કોઈ ઊછળતા બૉલને ફેસ કરતો હતો. બન્ને પગના અંગૂઠા પર ઊભા રહીને બિલકુલ સ્ટ્રેઇટ અને પિચ તરફ ઉપરથી સહેજ ઢાળેલા બૅટ વડે બૉલને ‘ડેબ’ કરતો ફોટો જોઈને તે સ્તબ્ધ બની ગયા.
સોફા પરથી ઊભા થઈને એકદમ બોલ્યા ‘ફૅન્ટૅસ્ટિક’. એ પછીનું વાક્ય હતું, ‘અરવિંદ! તારો દીકરો ભલે ટેણિયો હોય, પણ એક મહાન બૅટ્સમૅનનાં લક્ષણ દેખાય છે. આ તો અમે લિટલ માસ્ટરને વર્ષોથી આ રીતે ઊછળતા બૉલને રમતા જોયા છે. દીકરાને એ દિશામાં રસ હોય તો પ્રોત્સાહિત કરજે.’
ADVERTISEMENT
આ શબ્દો હતા મિત્ર કરસનભાઈના. વીતેલા જમાનાની ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર કરસન ધાવરીના! અને અરવિંદભાઈનો દીકરો સાચે જ ક્રિકેટ ક્ષેત્રે પદાર્પણ કરીને ચેતેશ્વરના નામે પ્રસિદ્ધ થયો. હા, અરવિંદ પુજારાનો તે સુપુત્ર ચેતેશ્વર પુજારા જેણે તાજેતરમાં ક્રિકેટના તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. ભલભલા બોલરોને થકવી નાખતો આ બૅટ્સમૅન દુનિયાભરમાં તેની ટેક્નિક અને ટેમ્પરામેન્ટને કારણે વિખ્યાત થયો.
તેના રિટાયરમેન્ટ પછી તેની ખાસ ઇનિંગ્સ વિશે, ખાસ બૅટિંગ-સ્ટાઇલ વિશે, એક ઇનિંગ્સમાં પૂરા પ૦૦ પ્લસ બૉલ રમી શકવાની ક્ષમતા વિશે ખૂબ લખાયું! આંકડાઓમાં મૂલવીને તેની કરીઅરનાં સ્ટૅટિસ્ટિક્સ રજૂ થયાં; પરંતુ ખાસ જોવા ન મળી તેના જીવનની કેટલીક અદ્ભુત વાતો, જેને આજે રિમાર્કેબલ કહી શકાય.
પ્રસિદ્ધિના ક્ષેત્રે ઘણા આગળ વધવા છતાં આ ખેલાડી પોતાના કુળના, કુટુંબના પાયાના સંસ્કારોથી જરાય વિચલિત થયો નહીં. ડ્રિન્ક્સ જેવી આજે સામાન્ય બની ગયેલી બાબતથી તે જો બચી શક્યો હોય તો ચોક્કસ ‘માનના પડેગા’! IPLમાં ઓછું રમવા છતાં ઇવેન્ટ સાથે સંકળાયેલી નાઇટ પાર્ટીમાં તે હાજરી નહોતો આપતો. મારો દીકરો ક્યારેય પીએ નહીં એવો વિશ્વાસ તેના પિતાએ ક્યાંક વ્યક્ત કરેલો એ જો સાચો હોય તો વિષમ વાતાવરણની તૂટેલી પિચ પર પ્રપોઝલ્સના અનઈવન બાઉન્સ સામે ટકી ગયેલા આ રમતવીર માટે કહેવું પડે. પ્રસિદ્ધિ અને સંસ્કારિતા વચ્ચે જ્યારે ગૅપ જોવા મળે છે ત્યારે આ ઉદાહરણીય છે.
રિટાયરમેન્ટ ડિક્લેર કરતાં પહેલાં તક મળે એની રાહ ચોક્કસ જોવાઈ હશે, પણ તેના રિટાયરમેન્ટ સ્ટેટમેન્ટમાં ક્યાંય અફસોસ કે ડિસસૅટિસ્ફૅક્શનનો સૂર નથી. જેટલી તક મળી એનો આભાર અને ધન્યતા. માત્ર ખેલ નહીં, જીવનના કોઈ પણ ક્ષેત્રે હોદ્દાને છોડતા આ શાલીનતા વર્ગ-શિક્ષક અને મૉનિટરથી લઈને પ્રધાનો સુધી બધાએ શીખવા જેવી છે. ચેતેશ્વરે પુરવાર કર્યું કે સેલિબ્રિટી સ્ટેટસ સાથે સંસ્કારને કોઈ વિરોધ નથી.
