કૅટરિના કૈફના કેક સાથે વાતો કરતા વિડિયોએ આ સન્નારીને વજન ઘટાડવામાં જબરાં મોટિવેટ કરેલાં : બોરીવલીમાં રહેતાં ૫૧ વર્ષનાં અમી દેસાઈએ તેમનાં મજબૂત મનોબળ અને ધીરજના જોરે છેલ્લા ૧૦ મહિનામાં ૩૮ કિલો વજન ઉતાર્યું છે
અમી દેસાઈ
વેઇટલૉસ કરવાનું ઘણા લોકો વિચારતા હોય, પણ એનો અમલ કરી શકતા નથી. એમાં ને એમાં એક પૉઇન્ટ પર વજન એટલું વધી જાય કે એના કારણે બીજી દસ બીમારીઓ શરીરમાં ઘર કરવા લાગે. આવો અનુભવ બોરીવલીમાં રહેતાં ૫૧ વર્ષનાં અમી દેસાઈને થઈ ચૂક્યો છે. વધતા વજન સાથે તેમને થાઇરૉઇડ અને ડાયાબિટીઝની તકલીફમાં પણ ઉમેરો થઈ રહ્યો હતો. પણ એક દિવસ તેમણે ઠાની લીધું કે હવે આ નહીં ચાલે અને મન મક્કમ કરીને દસ મહિનામાં ૩૮ કિલો વજન ઉતાર્યું છે. અમીબહેનનું વજન ૧૨૮ કિલો સુધી પહોંચી ગયું હતું, જે વેઇટલૉસ જર્ની શરૂ કર્યા પછી અત્યારે ઘટીને ૯૦ સુધી પહોંચ્યું છે. અમીબહેનની વેઇટલૉસ જર્ની હજી ચાલુ જ છે. તેમનો ટાર્ગેટ ૮૦ કિલોનો છે.
વેઇટલૉસનો નિર્ણય
ADVERTISEMENT
અમીબહેને વેઇટલૉસનો નિર્ણય લીધો એની પાછળ કયાં કારણો હતાં એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘પહેલેથી જ મારું વજન પ્રમાણમાં થોડું વધુ હતું. કામના ચક્કરમાં હું મારી હેલ્થ પર એટલું ધ્યાન આપતી નહીં. ખાવાપીવામાં પણ એટલો કન્ટ્રોલ હતો નહીં. મને ૨૦૧૮માં થાઇરૉઇડ આવ્યો અને પછી ૨૦૨૨માં ડાયાબિટીઝ પણ થઈ ગયો. એની સાથે વજન વધતું જ ગયું. મારો HBA1C (ત્રણ મહિનાનો ઍવરેજ શુગર લેવલ) કાઉન્ટ ૧૨.૮ સુધી જતો રહેલો. મેં એકબે કેસિસ પણ જોયેલા જેમાં ડાયાબિટીઝને કારણે પગનો અંગૂઠો કાપવો પડ્યો હોય કે આંખોની રોશની જતી રહી હોય. મારે ત્યાં સુધી પહોંચવું નહોતું. મુંબઈમાં કોઈ પાસે એવો સમય નથી હોતો કે તમારું ધ્યાન રાખે. તમારે જ તમારું ધ્યાન રાખવું પડે. મારા ઘરે મારા સસરા, મારાં મમ્મી-પપ્પાની પણ ઉંમર થઈ ગઈ છે. એટલે જો હું સ્વસ્થ હોઈશ તો તેમનું ધ્યાન રાખી શકીશ. મારા ઘરવાળાઓએ પણ મને કહ્યું કે હવે તો હાઈ ટાઇમ આવી ગયો છે. તારે વેઇટલૉસ કરવું જ જોઈએ. અગાઉ હું એમ વિચારતી કે હમણાં નહીં, પછી વજન ઘટાડીશ. એમ કરીને વેઇટલૉસનું કામ પાછળ ધકેલાઈ રહ્યું હતું. વેઇટલૉસ ફુલ ટાઇમ જૉબ જેવું છે. તમે આજે કરો અને કાલે ન કરો તો એમ ન ચાલે. વેઇટલૉસ માટે થઈને તમારે તમારી આખી લાઇફસ્ટાઇલ ચેન્જ કરવી પડે.’
ડાયટ અને એક્સરસાઇઝ
તમને પ્રશ્ન થતો હશે કે વજન ઘટાડવા માટે અમીબહેને શું કર્યું. કઈ ડાયટ અને કેવા પ્રકારની એક્સરસાઇઝ કરી એ વિશે તેઓ કહે છે, ‘મારી વેઇટલૉસ યાત્રાની શરૂઆત એક ડાયટિશ્યન પાસેથી માર્ગદર્શન લઈને જ કરી હતી. અલબત્ત, મેં કોઈ એવી પર્ટિક્યુલર ડાયટ ફૉલો નહોતી કરી. જે ખાઉં એની ક્વૉન્ટિટી ઓછી રાખવાની. તળેલું, સ્વીટ અને બહારનું ખાવાનું એકદમ બંધ હતું. ઘી-તેલ પણ ખૂબ સીમિત માત્રામાં લેતી. ઘી-તેલ મળીને આખા દિવસમાં અઢી-ત્રણ ચમચીથી વધારે નહોતી લેતી. મારા બૉડીમાં ફૅટ પર્સન્ટેજ ૬૪ ટકા હતું, જ્યારે હોવું જોઈએ ૨૫ પર્સન્ટ. હજી પણ એ ૨૫ પર્સન્ટ પર આવ્યું નથી. એ માટે મારે ડાયટમાંથી બૅડ ફૅટ અને કાર્બ્સ ઓછાં કરવાનાં હતાં. પ્રોટીન અને ફાઇબર ઇન્ટેક વધારે કરવાનો હતો એટલે મેં મારી ડાયટમાં પનીર, સીડ્સ, સત્તુનો પાઉડર, ચણાનો લોટ, ઓટ્સ, પ્રોટીન પાઉડર ઍડ કર્યાં. હું અત્યારે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરું છું. સવારે ૧૦ વાગ્યાથી સાંજે છ વાગ્યા વચ્ચે જ ખાવાનું. એ પછી પાણી સિવાય પેટમાં કંઈ ન જવું જોઈએ. શરૂઆતમાં મને તકલીફ થતી હતી, કારણ કે આપણને સાડા નવ-દસ વાગ્યે જમવાની આદત હોય. વહેલા જમી લઈએ તો પછી રાત્રે ભૂખ લાગી જાય.’
ડાયટ સાથે ફિઝિકલ એક્સરસાઇઝ પર પણ ધ્યાન આપવું પડે. એ વિશે અમીબહેન કહે છે, ‘હું દરરોજ આઠથી દસ હજાર સ્ટેપ્સ ચાલું છું. મને જિમમાં જઈને સ્ટ્રેંગ્થ ટ્રેઇનિંગ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. જોકે મેં એ હજી શરૂ કરી નથી. અત્યાર સુધીમાં મેં જે ૩૮ કિલો વજન ઉતાર્યું છે એ ડાયટ અને વૉકિંગથી જ ઘટાડ્યું છે. જોકે હવે સ્ટ્રેંગ્થ ટ્રેઇનિંગ શરૂ કરીશ, કારણ કે મેં અત્યાર સુધીમાં જે વજન ઘટાડ્યું છે એમાં ૮૦ પર્સન્ટ ફેટ લૉસ તો થયો છે પણ સાથે-સાથે ૨૦ પર્સન્ટ મસલ લૉસ પણ થયો છે. મસલ્સ માટે પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ ખાવાની હોય છે. તેમ છતાં મસલ લૉસ તો થશે જ, કારણ કે ફૅટને મસલ્સ જ પકડી રાખે છે. એટલે ફૅટ ઊતરશે તો સ્વાભાવિક છે સાથે મસલ્સ પણ ઊતરશે. મસલ્સને રીટેન કરવા માટે સ્ટ્રેંગ્થ ટ્રેઇનિંગ કરવી જરૂરી છે.’
મમ્મી-પપ્પાને થૅન્ક યુ
અમીબહેનની વેઇટલૉસ જર્નીમાં તેમનો સ્ટ્રૉન્ગ સપોર્ટ તેમનાં મમ્મી છે. તેઓ કહે છે, ‘મમ્મીએ મને મોટિવેટ કરી કે તારે વેઇટલૉસ કરવાનો છે અને તારી આ જર્નીમાં હું તારી સાથે છું. તેણે મારા માટે જમવાનું બનાવવાથી લઈને મને સાથે ચાલવા લઈ જવા સુધીની બધી બાબતોમાં ધ્યાન રાખ્યું છે. મારાં મમ્મી-પપ્પા બન્ને ખૂબ જ હેલ્થ-કૉન્શિયસ છે. મારા પપ્પા વર્ષોથી સવારે સૂર્ય નમસ્કાર કરે, સાંજે બહાર ચાલવા માટે જાય. મારાં મમ્મી પણ સવારે યોગ, એક્સરસાઇઝ કરે. એટલે હંમેશાં મારાં મમ્મી-પપ્પા મને એમ જ કહે છે કે અમને જોઈને તું કંઈક તો શીખ. અમારું સંતાન થઈને તું અમારી પાસેથી ન શીખે તો શું કામનું? અમારે તને પાતળી થતી જોવી છે. આજે મેં ૩૮ કિલો વજન ઉતારી નાખ્યું છે તો મને જોઈને તેઓ પણ ખુશ થાય છે.’
અહીં ઉલ્લેખનીય છે કે વજન ઘટ્યા પછી અમીબહેનની હેલ્થનાં બધાં જ પૅરામીટર્સ મહદ્ અંશે કન્ટ્રોલમાં છે. તેઓ કહે છે, ‘થોડાં ઉપર-નીચે છે પણ એ હજી દસ કિલો જેટલું વજન ઉતારીશ એટલે બરાબર થઈ જશે’.
મોટિવેશન મહત્ત્વનું
વેઇટલૉસ જર્નીમાં પોતાની જાતને મોટિવેટેડ રાખવાનું કામ કઈ રીતે કર્યું એ વિશે વાત કરતાં અમીબહેન કહે છે, ‘હું દરરોજ જાતને પ્રશ્ન કરું કે મારી જીભ સુધી જે વસ્તુ જઈ રહી છે એ વજન ઘટાડવામાં મદદ કરશે કે વધારવામાં? જો જવાબમાં વજન ઘટવાનું ન મળે તો હું એને અવૉઇડ કરી દઉં છું. મને શિલ્પા શેટ્ટી, કૅટરિના કેફની રિલ્સ ઇન્સ્પાયર કરતી હતી. મેં કૅટરિનાનો એક વિડિયો જોયો હતો, એમાં તે કેક સાથે વાત કરી રહી કે તમે બહુ જ સારા છો. મને તમે બહુ જ ભાવો છો, પણ હું તમને ખાઈશ નહીં. સન્ડેના આપણે જરૂર મળીશું, એ દિવસે હું તમને ખાઈશ. મેં હજી એક લેડીના વિડિયોમાં સાંભળેલું કે તે કોઈના લગ્નપ્રસંગમાં ગઈ હશે. અહીં તેને ભાવતી જે પણ વાનગી હતી એનાં નામ તેણે ડાયરીમાં લખી લીધાં. તેણે નક્કી કર્યું કે હું આ બધી વસ્તુઓ એ દિવસે ખાઈશ જે દિવસે મારું વજન ઊતરી જશે.’
પોતાના અનુભવો સાથે વાતને આગળ વધારતાં અમીબહેન કહે છે, ‘મારી સામે અત્યારે ચટાકેદાર ભોજન પડ્યું છે, પણ એને મોઢામાં નાખતાં પહેલાં મારે વિચારવાનું છે કે આને મોઢામાં નાખીશ તો મારું પેટ, કિડની, લિવર, ઇન્ટેસ્ટાઇન કઈ રીતે પ્રભાવિત થશે. અત્યાર સુધી મેં આ બધું શરીરમાં નાખ-નાખ કર્યું છે એને જ કારણે આ હાલત થઈ છે. હું ઘણુંબધું ડાયરીમાં લખું છું. આજે હું ૫૧ વર્ષની છું. આગળ હજીયે ૨૫થી ૩૦ વર્ષ જીવું એમાં મારે એક્સ્ટ્રા ૪૦-૪૫ કિલો વજન સાથે લઈને ફરવું છે કે નહીં એ મારે નક્કી કરવાનું છે. મારા મોઢામાં કોઈ ખાવાનું ઠૂસતું નથી. હું જ મારા ઘરે જમવાનું બનાવું છું અને હું જ એ ખાઉં છું. એટલે મારા જ હાથમાં છે કે મારે કેટલું ખાવું અને કેટલું ન ખાવું. વ્યક્તિએ પોતે જ ડિસાઇડ કરવું પડે કે તેમને કેવી લાઇફ જીવવી છે. તમે ગમેતેટલા મોટિવેશનલ વિડિયો સાંભળશો પણ જ્યાં સુધી તમે તમારા મનથી નક્કી નહીં કરો ત્યાં સુધી તમે એ વસ્તુ કરી શકવાના નથી. વેઇટલૉસ જર્નીમાં પેશન્સ અને વિલપાવર સ્ટ્રૉન્ગ રાખવાં પડે. તમારું વજન કંઈ એક દિવસમાં નથી વધ્યું તો એ એક દિવસમાં ઘટવાનું પણ નથી. એટલે એક મહિનો ડાયટ ફૉલો કરીને પાંચ કિલો ઘટાડો ને પછી એ છોડી દો તો ફરી વજન વધવાનું જ છે. એટલે ઘટેલું વજન ફરી ન વધે એનું ધ્યાન રાખવાનું વધુ મહત્ત્વનું છે.’

