Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જ્યારે મુંબઈનાં એક હજાર મકાન બળીને ખાખ થઈ ગયાં

જ્યારે મુંબઈનાં એક હજાર મકાન બળીને ખાખ થઈ ગયાં

25 September, 2021 03:55 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

૧૮૦૩માં મુંબઈના કોટ વિસ્તારમાં તાપણાના તિખારામાંથી તબેલામાં રાખેલી ઘાસની ગંજીઓમાં આગ લાગી અને જબરી હોનારાત સર્જાઈ. જોકે આ આગ પછી બૉમ્બે ફાયરબ્રિગેડની સ્થાપના થઈ

જ્યાં જુઓ ત્યાં ધુમાડાના ગોટેગોટા

જ્યાં જુઓ ત્યાં ધુમાડાના ગોટેગોટા


‘ભાગો, ભાગો. આગ લાગી છે, આગ.’ વહેલી સવારે મુંબઈના કોટ વિસ્તારમાં આવી બૂમાબૂમ મચી ગઈ. એ દિવસ હતો ગુરુવાર, મહિનો હતો ફેબ્રુઆરી, તારીખ હતી ૧૭. અને વરસ? વરસ હતું ઈ. સ. ૧૮૦૩. પહેલવહેલી બૂમ સંભળાઈ એ ઘોડાના એક તબેલાની બહારથી. કારણ કે આગ શરૂ થઈ હતી એ તબેલામાંથી. એ તબેલો તો આજે ક્યાંથી હોય, પણ એ જગ્યાએ આજે ઊભી છે ૧૮૪૯માં બંધાયેલી સર જમશેદજી જીજીભાઈ પારસી બેનેવોલન્ટ ઇન્સ્ટિટ્યુશનની મોટી ઇમારત. આગ લાગી ત્યારે એ જગ્યા અરદેશર દાદીભાઈની માલિકીની હતી, પણ ઓળખાતી હતી હરજીવન લાલાની વાડી તરીકે. એ વખતે મુંબઈમાં હજી શિયાળા જેવી ઋતુ પણ હતી. એટલે બનવાજોગ છે કે વહેલી સવારે ઘોડાના સાઈસો તાપણું કરીને બેઠા હોય. હુક્કો ગગડાવતા હોય. એ દિવસે સવારથી પવન જોરથી ફૂંકાઈ રહ્યો હતો એવું તો નોંધાયું છે. એટલે બનવાજોગ છે કે એકાદો તિખારો ઊડીને પડ્યો હોય તબેલામાં સંઘરેલા સૂકા ઘાસની ગંજી પર અને શરૂ થઈ ગઈ હોય આગ. તબેલામાં બાંધેલા ઊંચી ઓલાદના બધા જ ઘોડા એ આગમાં હોમાઈ ગયા હતા.

કોટનું મુંબઈ અગ્નિમાં...



કમનસીબે જોરદાર પવનને કારણે આગ આજુબાજુની ઇમારતોમાં જોતજોતામાં ફેલાઈ. બપોર થઈ. સાંજ પડી, પણ અગન દેવતા ખમૈયા કરતા નહોતા. ફોર્ટ કહેતાં કોટ કહેતાં કિલ્લાની અંદરનું આખું મુંબઈ અગ્નિમાં સ્વાહા થઈ જશે કે શું એવી દહેશત ફેલાઈ હતી. એટલે લોકો બપોરથી જ પોતાનાં ઘર રેઢાં મૂકી બહારકોટના વિસ્તારમાં જતા રહ્યા હતા. કોઈ સગાંવહાલાંને ત્યાં, કોઈ ધરમશાળામાં. તો કેટલાકે રસ્તાની ધારે કામચલાઉ ‘ઘર’ બનાવી દીધું હતું. સરકારી સેક્રેટરિયેટમાંથી બધાં મહત્ત્વનાં કાગળિયાં, દસ્તાવેજ કાઢીને સલામત જગ્યાએ મૂકી દેવાયાં હતાં. બધા વેપારીઓએ પોતપોતાની દુકાનો ખાલી કરીને માલ સલામત જગ્યાએ ખસેડી દીધો હતો. યાદ રહે, એ વખતે મુંબઈમાં નહોતા પાણીના નળ કે નહોતી મોટર—ગાડી. પાણી માટે શહેરમાં આવેલાં નાનાં-મોટાં તળાવો અને કૂવા પર બધો આધાર રાખવો પડતો અને મોટાં તળાવો બધાં કોટની બહાર. એટલે જેટલાં બળદગાડાં મળ્યાં, જેટલી ઘોડાગાડી મળી એ બધાંનો ઉપયોગ સરકારે આગ ઠારવા માટે પાણી લાવવા કર્યો. પણ ના, સરકારે વેઠની મજૂરી કરાવી નહોતી. બધું થાળે પડ્યું એ પછી ગાડા-ગાડીદીઠ એક દિવસના ચાર રૂપિયા લેખે સરકારે મહેનતાણું ચૂકવી દીધું હતું.


મલબાર હિલ પરથી દેખાતી આગ


દારૂગોળો દરિયામાં નાખ્યો

બપોર પછી પવને દિશા બદલી. કિલ્લાની અંદર કંપની સરકારના લશ્કરની આર્મરી કહેતાં શસ્ત્રાગાર. એમાં ભરેલો દારૂગોળો. બદલાયેલા પવનને ખભે ચડીને આગ એ આર્મરી તરફ આગળ વધવા લાગી. એક તો આગની તારાજગી. એમાં જો દારૂગોળો સળગે તો-તો આખા કોટ વિસ્તારનું આવી બને. અફવાઓનું બજાર ગરમ થયું. કોઈ કહે કે સરકારે બધો દારૂગોળો દરિયામાં વામી દીધો. કોઈ કહે સૈનિકોને નાનાં-મોટાં વહાણોમાં દરિયે મોકલી દેવાના છે. પણ હકીકતમાં ગવર્નર સર જોનાથન ડંકન જાતે આખો દિવસ કોટમાં ફરીને બચાવકાર્ય પર સતત ધ્યાન રાખી રહ્યા હતા. થોડે દૂર દરિયામાં કંપની સરકારનાં વહાણો ઊભાં હતાં. નૌકાસૈન્યના વડા વાઇસ ઍડ્મિરલ રેનિયરને તાબડતોબ વહાણ પરથી બોલાવીને તેમની સલાહ અને મદદ લેવામાં આવી. પાયદળના વડા જનરલ નિકોલ પણ સાથે જ હતા. બન્નેએ મદદ માટે સૈનિકોને બોલાવી લીધા, પણ રાતે ત્રણેક વાગ્યે આગનું જોર ઘણું નરમ પડી ગયું.

નુકસાન પારાવાર

આર્મરીની ચિંતા ટળી હતી. જોકે પછીના ત્રણ દિવસ સુધી કોટ વિસ્તારમાં નાની-મોટી આગ જોવા મળતી હતી. આ આગમાં કોટની લગભગ પોણી બજાર અને એક હજાર જેટલાં મકાનો નાશ પામ્યાં એવો અંદાજ હતો. લશ્કરની પાંચ બરાકો પણ ભસ્મીભૂત થઈ હતી.

આ આગમાં આટલી તારાજી થઈ એનાં કેટલાંક કારણો હતાં. પહેલું એ કે આખો વિસ્તાર ખૂબ જ ગીચ. ઘણાં મકાન લાકડાનાં. તો ઘણાનું છાપરું વાંસ કે ઘાસનું. વળી અહીં માત્ર સરકારી ઑફિસો જ હતી એવું નહોતું. વેપારીઓનાં ગોદામોમાં જ નહીં, ખુલ્લામાં પણ જાતજાતનો સામાન ભર્યો હતો. આજનું હૉર્નિમન સર્કલ ત્યારે કપાસનું મોટું બજાર હતું અને બૉમ્બે ગ્રીન તરીકે ઓળખાતું. કપાસની ગાંસડીઓ વહાણમાં ચડે એ પહેલાં મેદાનમાં પડી રહેતી – ચોમાસા સિવાય.

દહેશત અને ભયનો માહોલ

એ વખતે કોટની અંદરની મોટા ભાગની વસ્તી અંગ્રેજોની. તેમનાં રહેઠાણો આગમાં તારાજ થવાથી હવે રહેવું ક્યાં એ મોટો સવાલ. નવરોજી સોરાબજી શેઠનું કુટુંબ અંગ્રેજોની વહારે ધાયું. કોટ વિસ્તારમાંની તેમની હવેલી આગથી બચી ગઈ હતી. કુટુંબ બીજે રહેવા ગયું અને આખી હવેલી સરકારને સોંપી દીધી – અંગ્રેજોને રહેવા માટે. તો બેઘર બનેલા પારસીઓને રહેવાની વ્યવસ્થા શેઠ પેસ્તનજી બમનજી વાડિયાએ પરેલમાં આવેલા પોતાના બંગલા લાલબાગમાં અને એના કમ્પાઉન્ડમાં તંબુઓ તાણીને કરી હતી. ૧૯મી ફેબ્રુઆરી, ૧૮૦૩ના અંકમાં બૉમ્બે કુરિયર અખબાર લખે છે : ‘આ બનાવથી મુંબઈના લોકોમાં જે ગભરાટ, દહેશત અને ભય ફેલાયાં

છે એનું ખરેખરું વર્ણન કરવાનું અમારું ગજું નથી. હજારો ‘દેશીઓ’નાં ટોળેટોળાં પોતાની બચેલી ઘરવખરી માથે લઈને બહારકોટના વિસ્તારોમાં અહીંથી તહીં ભટકતા જોવા મળતા હતા. એમની આંખોમાં એક બાજુ ભય હતો તો બીજી બાજુ આંસુ. જેમના માથા પર છાપરું રહ્યું નહોતું એવા સેંકડો લોકોએ કાં રસ્તાની ધારે કે પછી ખુલ્લાં ખેતરોમાં રહેવાનું ઠરાવ્યું હતું.’ (હા, એ વખતે મુંબઈમાં ખેતરો પણ હતાં! યાદ કરો ખેતવાડી વિસ્તાર.)  

જ્યારે ઘોડા ખેંચતા આગનો બંબો

આગનું કારણ શું હતું?

પણ આ આગ લાગવાનું કારણ શું? લોકોમાં એ વિશે જાતજાતની અફવા ફેલાઈ હતી. પણ આગ પછી તરત જ, ૨૨મી ફેબ્રુઆરીએ બૉમ્બે ગવર્નમેન્ટે લંડનમાં બેઠેલા કંપની સરકારના ડિરેક્ટરોને જે અહેવાલ મોકલ્યો એમાં લખ્યું હતું કે આ એક ગંભીર અકસ્માત જ હતો. એની પાછળ બીજું કોઈ કારણ હતું એમ માની શકાય એમ નથી. અલબત્ત, એક વખતે એવી બીક લાગતી હતી કે આગ આપણા લશ્કરના શસ્ત્રાગાર સુધી પહોંચશે તો ત્યાં સંઘરેલા દારૂગોળાનો ભયંકર વિસ્ફોટ થશે અને તો આખો કોટ વિસ્તાર હતો-નહોતો થઈ જશે. પણ સારે નસીબે પવનની દિશા બદલાઈ અને એ ભય ટળી ગયો. આગ શાંત થયા પછી પણ બે-ત્રણ દિવસ બળતો કાટમાળ દૂર કરવામાં ગયા. આ કામમાં આપણા સૈનિકોએ ઘણી બહાદુરી અને સમજદારીથી કામ કર્યું હતું. આ આગમાં સ્થાવર-જંગમ મિલકતને, સરકારી તેમ જ ખાનગી મિલકતને પુષ્કળ નુકસાન થયું છે. એની સરખામણીમાં જાનની ખુવારી ઘણી ઓછી થઈ છે. જોકે એનો ચોક્કસ આંકડો મેળવવાનો સરકારને હજી સમય મળ્યો નથી, કારણ કે એનું બધું ધ્યાન પરિસ્થિતિને થાળે પાડવા તરફ રોકાયું છે. જોકે પછી પણ આ આંકડા સરકારે ક્યારેય જાહેર કર્યા નહીં.

અહેવાલમાં કહેવામાં આવેલું કે આ બનાવે બીજી એક ભયાનક શક્યતા તરફ પણ ધ્યાન દોર્યું છે. આપણા લશ્કરનું શસ્ત્રાગાર કિલ્લાની અંદર, પણ દરિયાકાંઠાથી ઘણું નજીક છે. દુશ્મનનું કોઈ વહાણ દરિયામાંથી જ એ ભાગ પર તોપના બે-ચાર ગોળા ફેંકે તો પણ બધાં શસ્ત્રો અને દારૂગોળો ભયંકર વિસ્ફોટથી નાશ તો પામે જ પણ પારાવાર તારાજી પણ ફેલાવે. અને એ તારાજી પછી શસ્ત્રાગાર પૂરતી મર્યાદિત ન રહે, આખા ફોર્ટ વિસ્તારને પણ ઝપેટમાં લઈ લે.

પ્રિવેન્શનનાં પગલાં..

અને ગવર્નમેન્ટ ઑફ બૉમ્બે માત્ર આ અહેવાલ મોકલીને એના જવાબની રાહ જોતી બેસી ન રહી. થોડા જ વખતમાં એણે ‘ટાઉન કમિટી’ની નિમણૂક કરી અને ભવિષ્યમાં આવો બનાવ ટાળવા માટે શું-શું કરી શકાય એ વિશે સૂચનો આપવા એને જણાવ્યું. આ કમિટીએ એક સૂચન કર્યું કે ફોર્ટ વિસ્તારનાં મકાનોની ઊંચાઈ પર મર્યાદા મૂકવી. બીજું, બે મકાનો વચ્ચે ચોક્કસ અંતર રાખવું. ત્રીજું, રહેણા‍કનાં મકાનોમાં માલ-સામાન માટેના ગોદામને પરવાનગી ન આપવી. એ વખતે કોટ વિસ્તારની કુલ વસ્તી ૧૦,૮૦૦ હતી એ ઘટાડવી. આ સૂચનને પરિણામે સરકારે બહારકોટનાં ગિરગામ, માંડવી, અને ભિંડી બજાર જેવા વિસ્તારોનો ઝડપી વિકાસ કરવાનું કામ હાથ ધર્યું. પણ સૌથી મોટું અને મહત્ત્વનું કામ સરકારે કર્યું એ બૉમ્બે ફાયર બ્રિગેડની એ જ વરસે સ્થાપના કરવાનું. જોકે વરસો સુધી એ પોલીસના વડાના હાથ નીચેનું એક ખાતું હતું. એ વખતે એની પાસે માત્ર ઘોડાથી ખેંચાતા આગ-બંબા હતા. છેક ૧૮૮૭ના એપ્રિલની પહેલી તારીખે બૉમ્બે ફાયર બ્રિગેડ એક અલગ એકમ બનીને બૉમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશનનો ભાગ બન્યું.

આગ જ્યાંથી શરૂ થયેલી એ જગ્યાએ આજે ઊભેલી ઇમારત

આ આગ વિશે ભાગ્યે જ લખાયું છે...

એ વખતે મુંબઈમાં રોકડા ત્રણ છાપાં, ત્રણે અંગ્રેજી. અને એમાંથી એકે છાપાના આ અરસાના અંકો મળવા અતિ દુર્લભ. બીજું, ૧૮૫૫ સુધી હિન્દુસ્તાનમાં કૅમેરા અને ફોટોગ્રાફી અજાણ્યાં. એટલે એ આગના ફોટો તો ક્યાંથી મળે? હા, ચિત્રકારોએ દોરેલાં બે-પાંચ ચિત્રો મળે છે. ૧૯મી સદીની ઘણી બ્રિટિશ નવલકથામાં આગની ઘટનાનું નિરૂપણ જોવા મળે છે અને ઘણી વાર એ પાત્રો અને પ્રસંગોને અણધાર્યો વળાંક આપે છે. આપણી ભાષામાં સુરતની આગ વિશે ઠીક-ઠીક લખાયું છે. પણ મુંબઈની આ આગ વિશે ભાગ્યે જ કોઈએ લખ્યું છે. અને આજે તો આ આખી ઘટના આપણી સામૂહિક સ્મૃતિમાંથી પણ લોપ થઈ ગઈ છે. પણ ૧૮૦૩ના ફેબ્રુઆરીની ૧૭મીએ જે બન્યું એણે મુંબઈનો નકશો તો થોડો બદલ્યો જ પણ લોકોના જીવનને પણ કેટલેક અંશે બદલી નાખ્યું. ઓમ, અગ્નયે સ્વાહા! આ આગ ન લાગી હોત તો? કદાચ સરકારની અને લોકોની આંખ ઊઘડી ન હોત.

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2021 03:55 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK