એકનો એક દીકરો હોવાને કારણે પિતાજી સાથે જે બન્યું એ પછી બાની ઇચ્છા નહોતી કે હું બદરીનાથ જઉં એટલે પછી અમે એ કામ લીધું નહીં. જો ત્યારે કામ હાથમાં લેવાયું હોત તો આજે કદાચ વાત જુદી હોત
અરાઉન્ડ ધી આર્ક
બળવંતરાય પ્રભાશંકર સોમપુરા.
આપણે વાત કરીએ છીએ બદરીનાથની. ઇસવી સન ૧૯૬૯ની વાત છે. મંદિરના સ્થાપત્યમાં સૌથી પહેલાં મારા દાદાશ્રી પ્રભાશંકર સોમપુરા આવ્યા અને એ પછી મારા પિતાશ્રી બળવંતરાય સોમપુરા આવ્યા. બદરીનાથ મંદિરના જીર્ણોદ્ધારની વાત મારા પિતાશ્રી પાસે આવી. બિરલા ગ્રુપે જીર્ણોદ્ધારની તૈયારી દર્શાવી અને તેમણે કામ સોંપ્યું મારા પિતાશ્રીને. મારા પિતાશ્રી એક વખત બદરીનાથ જઈ આવ્યા. આવીને તેમણે અમુક ડિઝાઇન તૈયાર કરી અને એ પછી તે ફરી વાર બદરીનાથ ગયા. એ વખતે તેમની સાથે બિરલા ગ્રુપના બીજા બે ઑફિસર પણ ગયા.
એ સમયે આજ જેટલી ટેક્નૉલૉજી નહોતી કે તમે તમામ પ્રકારનાં માપ-સાઇઝ લઈને પાછા આવી જાઓ અને પછી એ ડેટાનો જ્યાં પણ જેમ જરૂર પડે એમ વપરાશ કરતા રહો. આજે તો એવું છે કે અમે મંદિર માટે વધીને બે કે ત્રણ વાર સ્થળ પર જઈએ અને પછી અમારું કામ કરી શકીએ, પણ એ સમયે વધારે જવું પડતું. જોકે મારા પિતાશ્રીની કામમાં હથરોટી એવી કે ચાર-પાંચ વખત જઈને જે બધું એકઠું કરવાનું હોય એ બધું તેમણે પહેલી જ વારમાં મેળવી લીધું અને પછી તે ડ્રૉઇન્ગ અને એ બધાં પર કામે લાગી ગયા. બીજી વખત જવાનું બન્યું અને તમને કહ્યું એમ, બીજા બે ઑફિસર સાથે તે બદરીનાથ ગયા. બધું કામ તેમણે પૂરું કર્યું અને ત્યાર પછી તેઓ બધા ત્યાંથી પસાર થતી અલકનંદા નદીના છીછરા વહેણમાં પગ બોળીને ઊભા હતા. એ દરમ્યાન ભેખડ ઘસી પડતાં ઉપરવાસમાંથી એટલું પાણી આવ્યું કે પિતાજી અને પેલા બન્ને અધિકારી પાણી સાથે તણાયા, પણ નસીબજોગે એક અધિકારીને પથ્થરની આડશ મળી ગઈ, પણ મારા પિતાશ્રી અને બીજા અધિકારીને એવી કોઈ આડશ મળી નહીં અને તેઓ અલકનંદામાં તણાઈ ગયા.
ADVERTISEMENT
સરકારે, રાજ્ય સરકારે અને બિરલા ગ્રુપે ખૂબ શોધખોળ કરી, પણ તેમનો ક્યારેય દેહ મળ્યો નહીં અને આમ અમારા-મારા પિતાશ્રી સાથેનાં અન્નજળ પૂરાં થયાં. હું તો હજી જસ્ટ યુવાનીમાં પગ મૂકતો હતો. કામે લાગી ગયો હતો, પણ મારું ઘડતર હજી બાકી હતું. આ વરવી વાસ્તવિકતા પચાવતાં ખાસ્સો સમય લાગ્યો, પણ થૅન્ક્સ ટુ દાદાશ્રી કે તેઓ નિવૃત્તિ જતી કરીને પાલિતાણાથી ફરી અમદાવાદ આવી ગયા. તેમનો હેતુ મારા ઘડતરનો જ હતો અને એ પછી હું દાદાશ્રી પાસેથી ઘણું શીખ્યો, પણ બદરીનાથની વાત આવે કે તરત મારું મન પાછું પડે.
આ ઘટના પછી બદરીનાથ મંદિરના જીર્ણોદ્ધારની આખી પ્રક્રિયા અમુક મહિનાઓ માટે પોસ્ટપોન થઈ ગઈ. તમને જાણીને નવાઈ લાગશે કે પિતાશ્રીએ તૈયારી કરેલી ડિઝાઇન પરથી ફરી અમને જ સંપર્ક કરવામાં આવ્યો, પણ મારાં બાની ના હતી કે હવે હું તને બદરીનાથ નહીં જવા દઉં. એકનું એક સંતાન હોવાને કારણે તેમના મનમાં આવી વાત હોય એ સમજી શકાય. ખરું કહું તો એ સમયે જો જીર્ણોદ્ધાર માટે હું ગયો હોત તો કદાચ બદરીનાથ ભગવાન પ્રત્યેની મારી નારાજગી ઓસરી ગઈ હોત, પણ ઘરેથી ના આવી અને હું ગયો નહીં. એ પછી મને ક્યારેય મન થયું નહીં કે હું બદરીનાથ જઉં.