વાંચો આખું પ્રકરણ - ૫ અહીં
ઇલસ્ટ્રેશન
અનિકા માટે આજની સવાર વધારે પડતી વજનદાર હતી.
ગઈ કાલે મોડી સાંજે તેના બાબા મેજર રણજિતનો મેસેજ આવેલો.
ADVERTISEMENT
‘હેલ્લો અનિકા, તારા ઘરનું સરનામું આપજે. કાલે સવારે મુંબઈ આવી રહ્યો છું. થોડા દિવસ તારી સાથે રહેવાનો છું.
- તારા બાબા’
અનિકા એક ધબકારો ચૂકી ગઈ હતી. તેણે આ મેસેજ ફરી-ફરી વાંચ્યો હતો. તે પોતાના મનને ઢંઢોળી રહી હતી કે અંદર શું અનુભવાઈ રહ્યું છે? પણ કોઈ ચોક્કસ જવાબ મળ્યો નહીં. આટલાં વર્ષોથી એ વાતની ટેવ જ છૂટી ગઈ હતી કે તેને મળવા તેના બાબા આવી રહ્યા છે!
વરંડામાં બેસીને બે મગ ભરીને બ્લૅક કૉફી પી ગઈ તો પણ જાણે કશીક તરસ હતી તેના ગળામાં. ત્રણેક વાર પાણી પીધું. ફ્રિજમાંથી ચૉકલેટ કાઢી અને હીંચકે બેસીને ક્યાંય સુધી ઝૂલતી રહી.
સાંજ કરેણનાં પાંદડાંઓમાંથી ચળાઈને ગુલાબી સુગંધ સાથે વાતાવરણમાં ઊતરી આવી હતી. ભીની લૉન પર બન્ને પગ ગોઠવી તેણે ફરી મોબાઇલ હાથમાં લીધો અને બાબાનો મેસેજ વાંચ્યો. તે મનોમન બબડવા લાગી,
‘તો બાબા આવી રહ્યા છે.’
‘અનિકાના બાબા અનિકાને મળવા આવી રહ્યા છે.’
‘ફાઇનલી, બાબાને અનિકાની યાદ આવી રહી છે.’
આવું બોલતી વખતે તેનું ગળું ભરાઈ આવ્યું. આંખોના ભીના ખૂણા તેણે સાફ કર્યા. યુનિવર્સિટીથી આવીને તેણે સાડી નહોતી બદલી. એ ઇન્ડિગો બ્લુ સાડીના પાલવને માથા પર ઓઢી તેણે ઝૂલા પર માથું ટેકવી દીધું.
અનિકા બંધ આંખે એ દિવસોને યાદ કરવા લાગી જ્યારે તેને ખરેખર કોઈના આવવાની રાહ રહેતી.
lll
સાત વર્ષની અનિકા દેહરાદૂનની બોર્ડિંગમાં ભણવા આવી એ વાતને છ મહિના થઈ ચૂક્યા હતા. તે દિવસો સુધી રડ્યા કરતી. રાતે તેને ઊંઘ નહોતી આવતી. ડલહાઉઝીવાળું ઘર તેની સ્મૃતિઓમાંથી હજી છૂટ્યું નહોતું. સ્મરણો ત્યાં સુધી અકબંધ હોય છે જ્યાં સુધી એના રંગ અને સુગંધ આપણા ચિત્તમાં સ્થિર હોય છે.
ડલહાઉઝીના એ લાકડાવાળા ઘરની ગંધ અનિકાની સ્મૃતિમાં આજેય અકબંધ છે. દેહરાદૂન હૉસ્ટેલમાં પોતાના રૂમની વિન્ડો પાસે દિવસો સુધી અનિકા ગુમસુમ બેસી રહેતી. ગ્લાસ વિન્ડોમાંથી દેખાતા આકાશને એકીટશે જોયા કરતી. એવું લાગતું જાણે તે દેહરાદૂનમાં બેસીને ડલહાઉઝીવાળા ઘરની બારીમાંથી દેખાતા આકાશને શોધી રહી છે. એ આકાશ અનિકાને વધુ અંગત લાગતું.
દેહરાદૂન હૉસ્ટેલની વૉર્ડન મિસ નૅન્સી બહુ ભલી બાઈ હતી. વર્ષોથી હૉસ્ટેલમાં બાળકો સાથે રહેતી નૅન્સી બાળકોની આંખો જોઈને સન્નાટો અને સમદર માપી લેતી. બાળકો તેના રોજિંદા અભ્યાસનો વિષય હતાં. વૉર્ડન નૅન્સી નાનકડી અનિકાને જોતી ત્યારે વિચારતી કે પચાસ વર્ષની મારી જિંદગીમાં મેં આટલું એકલુંઅટૂલું બાળક ક્યારેય જોયું નથી. પહેલી વાર તેણે અનિકાને હૉસ્ટેલના પગથિયે બેસેલી જોઈ હતી. બન્ને હાથ દાઢીએ ટેકવી તે સામેના પહાડમાંથી ઊઠતા ધુમ્મસને જોતી હતી. નૅન્સીએ તેની પાસે જઈને વહાલથી પૂછેલું,
‘અનિકા નામ છેને તારું? તું તો પેઇન્ટિંગ બનાવે છે એવું તારા ફૉર્મમાં તારા પેરન્ટ્સ લોકોએ લખાવ્યું હતું. તને કલર્સ અને કાગળ આપું? ધુમ્મસ અને પહાડ દોરીશ?’
સાતેક વર્ષની અનિકાએ આધેડ વૉર્ડન નૅન્સી સામે જે મૂંગી નજરે જોયેલું એ જોઈને ખુદ નૅન્સી ડઘાઈ ગયેલી. આવી ચૂપ આંખો તેણે આજ સુધી ક્યારેય જોઈ નહોતી. નૅન્સીને આગળના સંવાદ માટે શબ્દો શોધવામાં તકલીફ પડી.
વૉર્ડન નૅન્સી જ્યારે-જ્યારે અનિકા સાથે વાતો કરવાનો પ્રયત્ન કરતી ત્યારે અનિકા ધ્રુસકે-ધ્રુસકે રડી પડતી. અનિકાની ઉંમરની બીજી છોકરીઓને પણ અનિકાનું રાતદિવસ રડવાનું સમજાતું નહોતું કેમ કે શરૂઆતમાં હૉસ્ટેલમાં આવતું દરેક બાળક ઘરને યાદ કરીને રડ્યા કરે; પણ એક સમય પછી હૉસ્ટેલનું જીવન, નવું વાતાવરણ અને નવા મિત્રો કોઠે પડી જાય.
પરંતુ અનિકાની વાત જુદી હતી.
તે જાતને સંકોરી રહી હતી.
એકલતાના સૂકાભઠ્ઠ રણમાં ઉઘાડા પગે એકલી ચાલી રહી હતી.
આખી-આખી રાત છતને જોયા કરતી. ક્લાસમાં બ્લૅક બોર્ડને કલાકો સુધી તાક્યા કરતી.
દેહરાદૂન બોર્ડિંગના એ વિશાળ ગ્રાઉન્ડમાં પર્વતીય ઢોળાવ પર વિશાળ ચર્ચ હતું. સાંજે હૉસ્ટેલની બધી છોકરીઓ એ મોટા ચર્ચમાં પ્રાર્થના કરવા જતી. સો-દોઢસો વર્ષ પુરાણું એ દેવળ. રંગબેરંગી કાચની ઊંચી બારીઓ. લાકડાનું ફર્નિચર. મલમલની લાલ રેશમી જાજમ પથરાયેલી. કળાત્મક કોતરણીવાળી લાકડાની બેન્ચિસ. ઊંચી છત પર બ્રિટિશ કાળનાં ત્રણ મોટાં ઝુમ્મરો લટકતાં જેના ગ્લાસ લૅમ્પમાં સિનિયર સ્ટુડન્ટ્સ દરરોજની સોથી દોઢસો મીણબત્તીઓ સળગાવીને ગોઠવતા. દરવાજા અને મોટી બારીઓના કાચ પર વર્ષોથી ગ્લાસ પેઇન્ટિંગ થતું જેના કારણે ચર્ચ વધારે રૂપાળું લાગતું. ચર્ચમાં પ્રવેશ કરતાંની સાથે દૂર સામે ક્રૉસ પર ચડેલા ઈસુની વિશાળ પ્રતિમા દેખાય. જમણી બાજુ મધર મૅરીનું પૂતળું અને ફાધર જોસેફનું એક પ્રેમાળ વિશાળ ઑઇલ પેઇન્ટિંગ હતું. ક્રૉસ પર ચડેલા પોતાના પુત્ર ઈસુની પીડા જોઈ નહોતી શકાતી એટલે મધર મૅરી અને ફાધર જોસેફની આંખો જાણે બંધ હતી. બંધ આંખમાંથી છલકાતી એ કરુણા અનિકાને બહુ અનુભવાતી. ઈસુની વિશાળ પ્રતિમાની ચારે બાજુ મીણબત્તીઓ પ્રજ્વલિત રહેતી. પહાડી ફૂલોની સુગંધ આખા ચર્ચમાં અનુભવાતી. વચ્ચે વિશાળ સાઇઝનો બાઇબલ ગ્રંથ મૂકવામાં આવેલો. એના પીળા પડી ગયેલાં પાનાંઓ જોઈને સમજાતું કે વર્ષોથી કંઈકેટલાય જિજ્ઞાસા ભરેલાં ટેરવાંઓએ પોતાના જીવનમાં મૂંઝવતા પ્રશ્નોના જવાબ આ પાનાંઓમાં શોધ્યા હશે. ઈસુની વિશાળ પ્રતિમાની ડાબી બાજુએ એક જૂનુંપુરાણું કળાત્મક પોડિયમ. એ પોડિયમ પાસે ઊભા રહી આસમાની પોશાક પહેરેલાં વૃદ્ધ નન ઉપદેશ આપતાં. ઈસુના જન્મદાતા મધર મૅરી અને ફાધર જોસેફની બંધ આંખો તરફ એકીટશે જોતી અનિકાને ચર્ચની એ વૃદ્ધ નનનો અવાજ બહુ હૂંફાળો લાગતો.
‘મારાં વહાલાં બાળકો. પરમાત્મા તમને ખૂબ પ્રેમ કરે છે. કરુણા અને પ્રેમ ઈશ્વરની સૌથી મોટી પૂજા છે. યાદ રાખજો તમે જીવનમાં ક્યારેય એકલાં નથી. પરમ પિતા પરમાત્મા સતત તમારી સંભાળ રાખે છે. જુદા-જુદા રૂપે અલગ-અલગ લોકોને મોકલી તમારી જીવનયાત્રાના પથ પર તમને માર્ગદર્શન આપે છે. પ્યારાં બાળકો, સમસ્યાઓ અંધારું છે પણ ઈશ્વર પ્રકાશ બની તમારી સંગાથે ઊભા છે.’
નાનકડી અનિકા આ શબ્દોને મનમાં સતત મમળાવ્યા કરતી. એક અલગ પ્રકારની હૂંફ તેને અનુભવાતી.
હૉસ્ટેલની બાળાઓ ઊંચા અવાજે ચર્ચમાં પ્રાર્થના ગાતી. તેમના સુરીલા શબ્દો ઊંચા દેવળની છતમાં ગુંજતા. ચર્ચમાં વિશાળ ઘંટનો ઘંટારવ થતો ત્યારે વાતાવરણ વધારે દિવ્ય લાગતું. પ્રાર્થના ગાતી હૉસ્ટેલની છોકરીઓને અનિકા ચૂપચાપ જોયા કરતી. તેણે ક્યારેય હોઠ ફફડાવીને પ્રાર્થના ગાવાની હિમ્મત નહોતી કરી. દેવળની વૃદ્ધ નને અનિકાના ગાલે હાથ મૂકીને કહેલું, ‘માય ડિયર ચાઇલ્ડ, યુ કૅન સિંગ. યુ હૅવ સચ એ બ્યુટિફુલ વૉઇસ. ઈશ્વરને તારો અવાજ સાંભળવો ગમશે!’
અને અનિકાની આંખો ભરાઈ આવેલી. તેણે પ્રાર્થના ગાવા હોઠ ફફડાવ્યા પણ તેનાથી રડી પડાયું હતું. વૃદ્ધ નન અને વૉર્ડન નૅન્સીને હવે આ બાળકીની ખરેખર ચિંતા થવા લાગી હતી.
અનિકા દેહરાદૂન હૉસ્ટેલમાં ભણવા આવી એ વાતને છ મહિનાથી વધારે સમય થઈ ચૂક્યો હતો. દર મહિનાના અંતિમ રવિવારે બોર્ડિંગ સ્કૂલનાં બાળકોને મળવા તેનાં માબાપ આવતાં. અનિકા એ રવિવારે વહેલી સવારથી મોડી રાત સુધી ચર્ચમાં બેસી રહેતી. બેસીને થાકતી ત્યારે બેન્ચ પર સૂઈ જતી. વૉર્ડન નૅન્સી તેને શોધતી-શોધતી ચર્ચમાં આવતી ત્યારે ચર્ચની વૃદ્ધ નન તેને રોકીને કહેતી,
‘ડોન્ટ ડિસ્ટર્બ હર નૅન્સી, રાઇટ નાઓ શી ઇઝ વિથ હર પેરન્ટ્સ. પરમાત્માથી મોટાં માબાપ તો બીજું કોણ હોવાનું?’
એક દિવસ નાનકડી અનિકા બીમાર પડી. તેના ખાવાપીવાનાં અને સૂવાનાં ઠેકાણાં નહોતાં. ઉજાગરો, એકલતા અને વિચારોના વંટોળથી તે બરાબરની થાકી હતી. વૉર્ડન નૅન્સી રાત-દિવસ અનિકાના બેડ પાસે બેસી રહી હતી. તાવ ઊતરવાનું નામ નહોતો લેતો. વિન્ડોની બહાર વરસતા બરફને એકીટશે જોતી અનિકાની આંખોમાં આંસુ થીજી રહ્યાં હતાં. દેહરાદૂનના પહાડો સફેદ ચાદર ઓઢી ગુમસુમ હતા. એ રાતે ચર્ચની વૃદ્ધ નન અનિકાની ખબર પૂછવા આવી. તેણે પ્રેમથી અનિકાના માથે હાથ ફેરવ્યો અને મમતામયી અવાજે બોલી,
‘ઓહ માય પુઅર ચાઇલ્ડ. ગૉડ લવ્સ યુ બેબી. રેસ્ટ વેલ સ્વીટ હાર્ટ.’
અનિકા એકીટશે એ વૃદ્ધ નનના ગળામાં લાંબી ચેઇન સાથે લટકતા ક્રૉસના પેન્ડન્ટને જોઈ રહી હતી. તેણે શાંતિથી આંખો મીંચી. વૃદ્ધ નનનો કૃશકાય હાથ અનિકાના માથા પર ભારે હેતથી ફરતો રહ્યો. એ રાતે અનિકા સૂઈ ગઈ છે એવું જાણી નૅન્સી અને નન વાતોએ વળગ્યાં હતાં.
‘ઓહ ડિયર ગૉડ. લોકો બચ્ચા માટે તરસી જાય છે અને ઈસુએ જેને બચ્ચું આપ્યું છે એ લોકો બાળકની કદર નથી કરી શકતા. ફુલિશ લોકોને કોણ સમજાવે બાળક તો સ્વર્ગનું પુષ્પ છે. ગૉડ્સ મેસેજ ટુ અસ ઇઝ બી કાઇન્ડ ઍન્ડ સ્પ્રેડ લવ.’
‘સિસ્ટર, આ ક્રિસમસ આવશે ત્યારે આ અનિકા અહીં ભણવા આવી એ વાતને વર્ષ થઈ જશે. હજી સુધી તેના પેરન્ટ્સમાંથી કોઈ તેને મળવા નથી આવ્યું.’
‘તમે તેના પેરન્ટ્સને ખબર પહોંચાડ્યા કે તમારું બાળક બીમાર છે?’
‘હા સિસ્ટર, તેના પપ્પા આર્મીમાં મેજર છે. ત્યાં બેઝ કૅમ્પમાં મેં કૉલ કર્યો પણ એ પહાડોની પેલે પાર ડ્યુટી પર છે. બેઝ કૅમ્પમાં પરત ફરશે ત્યારે તેમને મેસેજ મળી જશે.’
‘અને તેની મમ્મી?’
‘તે આર્ટિસ્ટ છે.’
‘તેથી શું? મા તો મટી નથી જવાની. તેને ખબર પહોંચાડી કે તમારી દીકરીને તમારી જરૂર છે?’
‘તેણે જવાબ આપ્યો કે છ મહિના માટે યુરોપની કોઈ આર્ટ ટૂર પર જઈ રહી છું. જો માત્ર તાવ જ હોય તો દેહરાદૂન ધક્કો ખાવાની જરૂર મને નથી લાગતી, કેમ કે આગામી ચોવીસ કલાકમાં મારી ફ્લાઇટ છે.’
એ પછી નૅન્સી અને નન બન્ને ચૂપ થઈ ગયાં.
વિન્ડોની બહાર દેહરાદૂનનું આકાશ થીજેલા આંસુ જેવો બરફ વરસાવતું રહ્યું.
પહાડી ઠંડો પવન કાચની બારી સાથે અથડાઈ રહ્યો હતો.
બારીના પરદા અને પરંપરાગત પહાડી તોરણમાં કંપન અનુભવાતું.
અનિકાએ બધું સાંભળ્યું હતું.
બીજા દિવસનું આકાશ નાનકડી અનિકાને વધારે ચોખ્ખું લાગેલું. સૂરજ ઊગ્યો હતો. આ તડકો હૂંફાળો હતો. દેહરાદૂનના પહાડો આળસ મરડી રહ્યા હતા. માળી હૉસ્ટેલના ફળિયામાં ઊગેલા દેવદાર અને ચીડની ડાળીઓ પરથી બરફ ખેરવતો હતો. આજની અનિકા સહેજ જુદી હતી. આકાશની જેમ તેનું મન ઘણુંબધું સાફ થયું હતું. અપેક્ષાના ધુમ્મસ તડકામાં નીતરી ગયા હતા. અમુક પ્રકારની ઇન્તેજારી ઝાકળના ટીપાની જેમ સુકાઈ ગઈ કાયમને માટે.
હવે નાનકડી અનિકાને કોઈની રાહ નહોતી.
એ હવે ખાતી-પીતી, ભણતી, પ્રાર્થના ગાતી, સમયસર સૂઈ જતી અને જાગતી. સારા માર્ક્સ લાવતી.
બસ, વ્યક્ત ન થતી!
ન કોઈ મિત્રો બનાવતી.
નવા સંબંધો બનાવતાં ડરતી. કદાચ સંબંધો પરથી તેનો વિશ્વાસ ઊડી ગયો હતો.
નૅન્સી અને નન બન્ને નિઃસાસા નાખતાં કે અનિકા રાતોરાત મોટી થઈ ગઈ.
અનિકા ચર્ચમાં જતી તો નન તેને ગુલાબ આપીને કહેતાં,
‘અનિકા, તું બાળક છે બચ્ચા. તારી આંખોમાં જે મૅચ્યોરિટી છે એ મને ડરાવે છે. સૌ કોઈ ઇચ્છે કે બાળકો સમજદાર હોય પણ તું જેટલી સમજદાર થઈ છે એ સમજની કિંમત તેં બહુ મોટી ચૂકવી છે. તારી જાત પ્રત્યે થોડી ઉદાર રહે. સ્વીટહાર્ટ, તું એ કેમ નથી સ્વીકારી શકતી કે કોઈ તને પણ પ્રેમ કરી શકે! તું પ્રેમાળ છે, પ્રેમને લાયક છે. બારીઓ ખુલ્લી રાખ. આ રીતે બંધ ઓરડામાં બેસી રહીશ તો તું પરમાત્માનું અપમાન કરીશ. પોતાની જાતને આટલી મોટી સજા નહીં આપ, માય ચાઇલ્ડ.’
વૃદ્ધ નનની સ્નેહાળ આંખોમાં અનિકા ક્યાંય સુધી જોયા કરતી. ચર્ચમાં ઘંટ વાગતો. બારીમાંથી પવન આવતો. દેહરાદૂનના પહાડી રસ્તાઓ પર સૂકાં પાંદડાંઓ ખર્યા કરતાં. બાઇબલનાં પાનાંઓ ફફડતાં. દેવળની છત પર ટિંગાતાં બ્રિટિશ કાળનાં ઝુમ્મરો ધીમું-ધીમું ઝૂલતાં. ગ્લાસ લૅમ્પની અંદર મીણબત્તીની જ્યોત વધારે મોટી થતી.
અનિકા વધુ ને વધુ પોતાની અંદર ઊતરતી.
વધુપડતી સમજણનાં પડ બહુ અઘરાં હોય છે.
ને લગભગ વર્ષ પછી એક દિવસ અનિકા પોતાની હૉસ્ટેલ રૂમમાં હોમવર્ક કરી રહી હતી. વૉર્ડન નૅન્સી હરખમાં દોડતી અનિકા પાસે આવી હતી.
‘અનિકા, બેબી... તારી મા કલ્યાણી શ્રોફ તને મળવા આવી છે.’
અનિકાએ નૅન્સીની સામે એવી રીતે જોયું જાણે આ નામ અને સંબંધ તેનાથી બહુ દૂર હોય.
અનિકા તરફથી કોઈ રીઍક્શન નહીં મળ્યું એટલે નૅન્સીએ વધારે ઉત્સાહમાં આવીને કહ્યું,
‘અરે, આખી હૉસ્ટેલ માટે ગિફ્ટ લાવી છે તારી મા. તને યાદ કરે છે, ચાલ. તું જ તેને હાથ પકડી... તારી રૂમમાં લાવ. બધું બતાવ...’
ઉંમરના કારણે નૅન્સીને બોલતી વખતે શ્વાસ ચડતો. હવે તે આખું વાક્ય પૂરું ન બોલી શકતી. અનિકાએ પાણીનો ગ્લાસ ભરીને નૅન્સીને આપ્યો. નૅન્સીએ પાણી અડધુંપડધું પીધું. અનિકા પોતાની બારીની બહાર દેહરાદૂનના પહાડમાંથી વહેતા નાના ઝરણાને જોઈ રહી. સૂર્યપ્રકાશમાં એ ઝરણાનું પાણી તબકી રહ્યું હતું. આવાં ઘણાંબધાં ઝરણાંઓ ભેગાં મળીને નદી બને છે. ઝરણાંઓનું અસ્તિત્વ ખોવાઈ જશે અને નદી ઊછળશે. નદીઓ પોતાના અસ્તિત્વને લઈ વધારે ઊછળકૂદ કરશે ત્યાં દરિયો એને શાંત કરી દેશે.
જીવનમાં ઉત્સાહ કેમ ક્ષણભંગુર હોય છે?
તે યંત્રવત્ ઊભી થઈ. નૅન્સી એકધારું બોલી રહી હતી કે ‘કલ્યાણીએ શિફૉનની લીલી સાડી પહેરી છે. એટલી અદ્ભુત દેખાઈ રહી છે. કહેતી હતી કે તારા માટે યુરોપથી કપડાં અને...’
અને બોલતાં-બોલતાં અનિકાની રૂમની બહાર નીકળ્યા પછી વૉર્ડન નૅન્સીને રિયલાઇઝ થયું કે અનિકા તો રૂમની બહાર આવી જ નહોતી. તેણે પોતાના રૂમનું બારણું અંદરથી લૉક કરી દીધું હતું.
નૅન્સીને આખું દૃશ્ય સમજતાં બહુ વાર ન લાગી. તેણે અનિકાને દરવાજો ખોલવા બાબતે ખૂબ સમજાવી પણ અનિકાએ દરવાજો ખોલ્યો નહીં. વૉર્ડન નૅન્સીએ વૃદ્ધ નનની મદદ લીધી. બન્ને સ્ત્રીઓ પ્રેમથી, ગુસ્સાથી અને અકળામણથી અનિકાને સમજાવતી હતી કે ‘તું દરવાજો ખોલ. નીચે આવ. તારી મા સાથે વાત કર.’
પણ અનિકાએ દરવાજા અંદરથી કસકાવીને બંધ કરી દીધા.
બધી બારીઓ સજ્જડ બંધ.
સ્ટૉપર માર્યા પછી એક ખૂણામાં જઈ કાન બંધ કરીને તે બેસી ગઈ. જાણે અજવાળું કે અવાજ કશું જોઈતું નહોતું.
કલ્યાણીને એ સમજતાં વાર નહોતી લાગી કે અનિકા તેને મળવા નથી ઇચ્છતી.
કલ્યાણીએ હસીને વાતને હળવી બનાવવાનો પ્રયત્ન કર્યો પણ વૉર્ડન નૅન્સી અને વૃદ્ધ નનની આંખોમાં ઊભરાયેલી એકસામટી ફરિયાદો કલ્યાણીએ વાંચી લીધી.
તેણે તરત પોતાની આંખો પર ગૉગલ્સ ચડાવી દીધાં અને ચહેરા પર ઓઢી લીધું કૅમેરા સ્માઇલ.
‘ફરી આવીશ નિરાંતે!’ એવું કહી કારમાં બેસીને કલ્યાણી જતી રહી. નૅન્સી અને નન બન્ને પહાડોના ધુમ્મસમાં ઓગળતી કલ્યાણીની કાર જોઈ રહ્યાં હતાં.
‘સિસ્ટર, તમને શું લાગે છે? હવે કલ્યાણી ક્યારેય અનિકા પાસે આવશે?’
‘નૅન્સી, એ હતી જ નહીં તો પાછી આવે ક્યાંથી?’
ને એ પછી આ ઘટના વિશે અનિકા, વૉર્ડન નૅન્સી કે વૃદ્ધ નન કોઈએ આપસમાં ક્યારેય વાત નહોતી કરી. દેહરાદૂનના પહાડી રસ્તાઓ પર સૂકાં પાંદડાં ખરતાં રહ્યાં. ચર્ચમાં મીણ પીગળતું રહ્યું અને ઘંટારવના નાદ સાથે ચર્ચની છતમાં કબૂતર ઊડતાં રહ્યાં!
અને એક દિવસ સાંજે ચર્ચમાંથી હૉસ્ટેલ તરફ જતી અનિકાના પગ સ્થિર થઈ ગયા. તેની સામે ઘાસની પગદંડી પર તેના બાબા ઊભા હતા, મેજર રણજિત.
અનિકાએ આંખો બંધ કરી અને ફરી ખોલી પણ નજર સામેનું દૃશ્ય બદલાયું નહોતું. તે બાબાની નજીક આવી. મેજર રણજિત પણ સહજતા કેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવું દૂર ઊભેલી વૉર્ડન નૅન્સીને સમજાઈ ગયું. હૉસ્ટેલની બહાર ચંપાના એક મોટા ઝાડ નીચે લાકડાની બેન્ચ પર બાપ-દીકરી ક્યાંય સુધી ગુમસુમ બેસી રહ્યાં.
બાબાએ ધીરેથી પૂછ્યું,
‘ભણવાનું કેવું ચાલે છે?’
નીચે ખરી પડેલાં ચંપાનાં મુરઝાયેલાં ફૂલોને જોઈ અનિકાએ જવાબ આપેલો,
‘સારું.’
વાતાવરણમાં અકળામણ થાય એવી શાંતિ હતી. પહાડોની પેલે પારથી આગળ વધતા અંધારાને જોઈ રણજિતે ખોંખારો ખાધો અને બીજો સવાલ કર્યો,
‘તારી તબિયત કેમ છે?’
પોતાના નખને લાકડાની બેન્ચની તિરાડમાં ભરાવી અનિકાએ જવાબ આપ્યો,
‘સારી.’
હવે અંધારું ચારે બાજુ ઘેરાઈ ચૂક્યું હતું. ચર્ચમાંથી ઘંટ સંભળાયો. રણજિતે હિંમત કરી અંધારામાં અનિકા સામે જોવાનો પ્રયત્ન કર્યો,
‘તને કશું જોઈએ છે અનિકા?’
‘ના.’
અનિકા ઊભી થઈ ગઈ અને લાંબાં ડગલાં ભરતી પોતાના રૂમ તરફ જતી રહી. મેજર રણજિતે જોયું કે નવેક વર્ષની અનિકા ધીરે-ધીરે અંધારામાં ઓગળી રહી છે.
એ પછી દિવસો ગયા. અનિકા પોતાની હૉસ્ટેલ રૂમની બારીમાંથી પહાડોની પેલે પાર કશુંક ફંફોસ્યા કરતી. મહિનાના છેલ્લા રવિવારે બધાના પેરન્ટ્સ આવતા ત્યારે તે ચંપાના ઝાડ નીચે લાકડાની બેન્ચ પર કલાકો સુધી બેસી રહેતી. બેન્ચની તિરાડોમાં નખ પરોવી હથેળીમાં ચંપાનાં ફૂલોને પંપાળતી.
એકાદ વર્ષના અંતરાલમાં બાબા ફરી આવેલા.
એ જ અનુભવી સન્નાટો.
બેન્ચના બે છેડે બન્ને બેઠાં હતાં. અનિકાએ ડાબા હાથથી પોતાના જમણા હાથની હથેળીને ઢાંકી રાખી હતી.
સંબંધો પર ચડેલી ધૂળને ફૂંક મારવાનો પ્રયત્ન કરતાં બાબા અને દીકરી બન્ને હાંફી રહ્યાં હતાં.
‘તારું ભણવાનું કેવું ચાલે છે?’
‘સારું.’
‘તારી તબિયત કેમ છે?’
‘સારી.’
‘તને કશું જોઈએ છે અનિકા?’
‘ના.’
અનિકાએ પોતાની જમણા હાથની હથેળી ખુલ્લી કરી. એ હથેળીમાં બૉલપેનથી આ ત્રણ સવાલો તે લખીને લાવી હતી. બાબા એક-એક સવાલ પૂછતા ગયા અને તે હથેળી ખુલ્લી કરતી ગઈ.
તે ઊભી થઈને જતી રહી.
રણજિતે પરસેવો લૂછ્યો.
ચંપાના ઝાડની કળીઓને વધુપડતી ઠંડી લાગી હતી. ઠંડીનું પ્રમાણ વધારે હતું. અનિકા આવી અને ગઈ બે સમય વચ્ચે ધુમ્મસ છવાઈ ગયું.
એ પછી લગભગ પાંચેક વર્ષના ગાળે મેજર રણજિત ફરી મળવા આવેલા.
આ વખતે બન્ને બેન્ચ પર નહોતાં બેઠાં.
ચંપાનું ઝાડ કપાઈ ચૂક્યું હતું.
બેન્ચ પર તડકો તોળાઈ રહ્યો હતો.
સૂરજના તાપથી મેદાનો, પર્વતો, ઢોળાવો, આકાશ અને સ્થિતિ પરિસ્થિતિ બધું સાફ દેખાતું હતું.
૧૪ વર્ષની અનિકા અને આર્મીની નોકરીના છેલ્લાં વર્ષોની કગાર પર ઊભેલા મેજર રણજિત.
અનિકાને આગલી સાંજે પહેલી વાર પેટમાં વિચિત્ર પ્રકારનો દુખાવો થયો હતો. ચર્ચમાં પ્રાર્થના ગવાતી હતી અને તે દેવળની બહાર પેડુનો ભાગ દબાવીને ભાગી. પોતાના રૂમ સુધી પહોંચી ત્યાં સુધીમાં કુરતાની ચોયણી લોહીથી ભીની થઈ ગઈ હતી.
મનમાં ડર પેસી ગયો હતો.
શાવર નીચે કલાકો સુધી તે રડી હતી. બે પગ વચ્ચે લોહીને વહેતું જોવાનો આ પહેલો અનુભવ અને અપરાધભાવ હતો.
તેને એ વખતે સમજાવનાર કોઈ નહોતું કે ‘અનિકા, આ બહુ નૉર્મલ છે અને હવેથી દર મહિને આ દુખાવો અને મૂંઝારો નિયમિત આવશે. ટેવ પાડવાની છે તારે!’
અને આ બીજા જ દિવસે રણજિત મળવા આવેલા.
રણજિત કશું કહે એ પહેલાં રડમસ અવાજે અનિકા એકી શ્વાસે બોલી ગઈ,
‘બાબા, ભણવાનું સારું ચાલે છે. મારી તબિયત સારી છે અને ના, મારે કશું જોઈતું નથી.’
તે ભીની આંખે નવા પ્રશ્નની અપેક્ષાએ રણજિત સામે જોઈ રહી.
રણજિતને અનિકાના આ મૂડ-સ્વિંગ કે ઇમોશનલ ઇમ્બૅલૅન્સની ટેવ જ નહોતી. આજ સુધી તેમણે માનેલું કે માત્ર આ ત્રણ સવાલમાં તેમના સંબંધોની દેખરેખ સચવાઈ જાય છે.
ચોથો પ્રશ્ન પૂછવો પડશે એવી તૈયારી તો ક્યારેય રાખી નહોતી.
અને અચાનક અનિકા સાત વર્ષની બાળકી બની રડી પડી.
રણજિત વધારે મૂંઝાયો. સાંત્વન તેમના અનુભવવિશ્વની બહારનો વિષય હતો. તેમણે નજરો નીચી કરી અને ધીમા પગલે તડકાની કેડી પકડી વિદાય લીધી.
એ પછી મેજર રણજિત અહીં ક્યારેય ન આવ્યા.
ન કોઈ આવતું, ન અનિકાને ક્યારેય કોઈની રાહ રહેતી.
lll
...અને આજે આટલાં વર્ષો પછી બાબાનો મેસેજ,
‘હેલ્લો અનિકા, તારા ઘરનું સરનામું આપજે. કાલે સવારે મુંબઈ આવી રહ્યો છું. થોડા દિવસ તારી સાથે રહેવાનો છું. - તારા બાબા’
આજની સવાર અનિકા માટે વજનદાર હતી.
અનિકાએ નક્કી કર્યું કે આજે કૉલેજમાંથી રજા લઈ લઉં.
‘પણ કેમ?’ તેની ભીતરથી સવાલ આવ્યો.
‘કારણ કે બાબા આવે છે.’ પછી તે જ મનોમન બબડી, ‘એ ખરેખર આવી શકશે? આટલાં વર્ષોથી તે આવી જ રહ્યા છે પણ પ્રશ્ન એ છે કે અહીં આવીને પણ તે કેટલું આવી શકશે?’
તેણે બાબાને ફોનમાં મેસેજ કર્યો, ‘બાબા, મારે યુનિવર્સિટી જવું પડે એમ છે. હું ડિપાર્ટમેન્ટથી જલદી પાછી આવી જઈશ. ચાવી મેં નીચે ચંપાના કૂંડા પાસે મૂકી રાખી છે!’
મેસેજ સેન્ડ કર્યા પછી અનિકાને નિરાંત થઈ. હાશ, બારણું ખોલીને બાબાને ફેસ કરી વેલકમ કરવાના ભારથી હું છૂટી જઈશ. તેને ફરી-ફરી ગઈ કાલ સાંજનો બાબાનો મેસેજ યાદ આવતો હતો, ‘થોડા દિવસ તારી સાથે રહેવાનો છું!’
આ પસંદગી હશે કે ફરજ? તે વિચારવા લાગી કે મુંબઈના ઘરમાં ક્યાંય ચંપાના ઝાડ નીચે લાકડાની એ બેન્ચ નથી જેના બે છેડા પકડી બેસી રહેવાથી આ વખતે અમે એકબીજાના સવાલ કે જવાબથી બચી શકીશું!
અનિકાને લાગ્યું કે ઘરમાં અંધારું વધી રહ્યું છે. તે ઊભી થઈ. તેણે ક્વૉર્ટરની બધી બારીઓ અને બારણાં ખોલી નાખ્યાં. એકસામટું અજવાળું પ્રવેશ્યું અને બાબાનો મેસેજ આવ્યો,
‘ફ્લાઇટ સમયસર હતી. ટૅક્સીમાં બેસી ગયો છું. અડધા કલાકમાં તારા ઘરે પહોંચી જઈશ.’
અનિકા બાબાનો મેસેજ વાંચીને મનોમન હસી. બાબાએ લખેલું કે ‘તારા ઘરે પહોંચી જઈશ.’ અનિકા વિચારવા લાગી કે આટલાં વર્ષો થયાં અમે કોઈ એકબીજાના ઘર કે મન સુધી પહોંચી નથી શક્યાં. માણસ તો સમજ્યા પણ ઘરના ભાગ્યમાં પણ માત્ર પ્રતીક્ષા લખાયેલી હોય છે એવું હવે સમજાય છે. ઘરનો ઉંબરો માત્ર જગ્યા નહીં, અવસ્થા છે. ન ઘરમાં, ન ઘરની બહાર!
બાબા આવી રહ્યા છે.
ચોથો સવાલ લઈને, ના... કદાચ ચોથો સવાલ બનીને!
(ક્રમશ:)

