Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > બારીમાં આખ્ખું આકાશ! (પ્રકરણ - ૪)

બારીમાં આખ્ખું આકાશ! (પ્રકરણ - ૪)

Published : 01 June, 2025 02:15 PM | IST | Mumbai
Raam Mori | feedbackgmd@mid-day.com

વાંચો આખું પ્રકરણ - ૪ અહીં

ઇલસ્ટ્રેશન

નવલકથા

ઇલસ્ટ્રેશન


ઓરડામાં ચુપકીદી નહોતી, ગોરંભાયેલા સંવાદનો ઉચાટ હતો.


છેલ્લા અડધા કલાકથી રણજિત અને કલ્યાણી હાથમાં ચાનો કપ પકડીને બેઠાં હતાં. ચા ઠરી ગઈ હતી. બન્ને જણ સોફા પર સામસામે ગોઠવાયેલાં. સોફા વચ્ચે કાચના ટેબલ પર ફ્લાવરવાઝ હતો જેમાં ગઈ કાલનાં કરમાયેલાં ફૂલો મુરઝાઈને સૂતાં હતાં. ટેબલ પર ગ્લાસ બાઉલના પાણીમાં ગઈ કાલથી તરતાં ચંપાનાં ફૂલોની પાંદડીઓ પર કાળાશ બાઝેલી હતી. હીટરના લીધે ઓરડો હૂંફાળો હતો. રણજિતે નજર દોડાવી તો તેની નજર ગ્લાસની સ્લાઇડર વિન્ડો પાસે જઈને અટકી ગઈ. દિલ્હીની ઠંડી અને ભેજ થકી કાચની બારીઓ અને દીવાલો પર ધૂંધળાશ પથરાયેલી હતી.



બહારથી અંદર કશું દેખાતું નહોતું!


અંદરથી બહારનું કશું દેખાતું નહોતું!

ધુમ્મસના લીધે રણજિતની ફ્લાઇટ બે કલાક મોડી હતી. કલ્યાણીના ઘરની સુગંધ કંઈક જુદી હતી. ડલહાઉઝીવાળા ઘરની ગંધ અહીં નહોતી. કલ્યાણી વિચારોમાં ખોવાયેલી હતી. રણજિત આખા ઓરડાને બારીકાઈથી જોતો હતો. કલ્યાણીના સ્વભાવ પ્રમાણે બધું વ્યવસ્થિત અને સુઘડ રીતે ગોઠવાયેલું હતું. ફર્નિચર, પરદા, ફ્લાવર વાઝ, ઍન્ટિક પીસ, કાંસાનાં વાસણો, પુસ્તકો, દીવાલો પર શોભતાં ક્લાસિક પેઇન્ટિંગ્સ.


કલ્યાણી ઊભી થઈ અને દૂર ટેબલ પર તાંબાના એક નાના બાઉલમાં ધૂપ પેટાવ્યો. વાતાવરણમાં જબરદસ્તીથી ધૂપની ગંધ ભળી અને કલ્યાણીને ઉધરસ ચડી.

છેલ્લા એક કલાકથી આ ઘરમાં સામે સોફા પર રણજિત બેઠો છે એ આખા દૃશ્યની કલ્પના કલ્યાણીએ ક્યારેય કરી નહોતી. આ ઘરમાં જૂના ઘરની એક પણ સ્મૃતિ કે વસ્તુ કલ્યાણીએ સાથે નહોતી રાખી. તે ખૂબ આગળ વધી ચૂકી હતી. ઘામાં પરુ ભરાય, સોજો ઊભો થાય અને પીડાનો સબાકો જન્મે એ પહેલાં પીડા પર આંગળી દબાવી મૂળને સાફ કરવામાં તે માનતી.

પણ આજે તેના ઘરમાં ભૂતકાળની સ્મૃતિ નહીં, આખો જીવતોજાગતો ભૂતકાળ બેઠો છે. રણજિત સાથે છેલ્લે ક્યારે વાત થયેલી એ તેને યાદ નથી. રણજિત ધરમશાલામાં છે બસ, આટલી માહિતી તેના માટે પૂરતી હતી.

લિટરેચર ફેસ્ટિવલ્સના સ્ટેજ પર, કૅમેરા સામે ટીવી-ઇન્ટરવ્યુ અને પૉડકાસ્ટમાં કલ્યાણીએ પોતાના જીવન વિશે કહેલી વાતો અત્યારે ફરી-ફરી તેના જ મનમાં પડઘાઈ રહી છે.

lll

‘હું અને રણજિત. અમે એકબીજાની પ્રાઇવસીનો રિસ્પેક્ટ કરીએ છીએ. એકબીજાને પૂરતી સ્પેસ આપી છે. ઘણો પ્રયત્ન કર્યો પણ વર્કઆઉટ નહીં થઈ શક્યો અમારો સંબંધ. અમે શાંતિથી છૂટાં પડ્યાં છીએ અને વધુ સારાં મિત્રો બન્યાં છીએ. તે પહાડનો જીવ છે. મુક્ત ગગનમાં તે ખુશ છે અને હું મારા કૅન્વસની દુનિયામાં મસ્ત છું. હું મારી શરતે મારી લાઇફ જીવી રહી છું. તે મારાં પેઇન્ટિંગ્સને જુએ તો ખાસ કંઈ બોલે નહીં, કેમ કે ઇન્ટ્રોવર્ટ છે રણજિત. પણ તેની આંખોમાં હું વાંચી શકું એક અહોભાવ. અમે છૂટાં પડ્યાં પણ એકબીજા સાથે છેડો નથી ફાડ્યો. હા, અમારી દીકરી છે અનિકા. બ્રાઇટ છે. પેઇન્ટર મમ્મી પાસેથી તેને વારસામાં ધ સેન્સ ઑફ આર્ટની કળા મળી છે ઍન્ડ અફકોર્સ રણજિત તરફથી આર્મીની ડિસિપ્લિન. હા, તે મુંબઈમાં રહે છે. સ્વતંત્ર મિજાજી છે. અમે લોકોએ તેને પણ પૂરતી સ્પેસ આપી છે. યા અફકોર્સ, આયેમ પ્રાઉડ મધર. તેના જીવનના નિર્ણયો તેણે જાતે જ લીધા છે...’

સામે બેસેલું ઑડિયન્સ તાળીઓ પાડતું, પૉડકાસ્ટ કરનારી વ્યક્તિની આંખો ભીની થતી. કૅમેરા સામે બેસેલી કલ્યાણી આકાશ તરફ જોઈ આંસુ પાછાં ધકેલવાનો અભિનય કરતી અને ઑડિયન્સમાંથી લોકો અપ્રિશિએશન મોડમાં ચિલ્લાતા,

‘વી લવ યુ કલ્યાણી શ્રોફ.’

‘બ્રાવો...ગ્રેટ ગોઇંગ...!’

કલ્યાણી પોતાની છાતી પર હાથ મૂકી લાંબા વાંકડિયા વાળને બીજી તરફ ધકેલી પોતે ગ્રેટફુલ છે તે દર્શાવવા કહેતી,

‘થૅન્ક યુ માય ફ્રેન્ડ્સ. મારા ફૅન્સ મારી ફૅમિલી છે. મેં આજ સુધી તમારા લોકોથી એક પણ વાત છુપાવી નથી. મારું જીવન ખુલ્લી કિતાબ છે. યુ નો વૉટ, મારી દીકરી સાથેનું મારું બૉન્ડિંગ સ્ટ્રૉન્ગ છે. મારા એક્સ-હસબન્ડ રણજિત સાથે હું પારદર્શક જીવી શકી છું કારણ કે અમે લોકોએ એકબીજાને ભૂલો કરવાની છૂટ આપી છે. હું એવું સમજી છું કે સૌને ભૂલો કરવાનો અધિકાર છે પણ જૂની ભૂલો રિપીટ કરવાનો હક નથી.’

ફરી તાળીઓનો ગડગડાટ, કૅમેરા ફ્લૅશિસ, ફ્લાઇંગ કિસ, સ્ટૅન્ડિંગ ઓવેશન. ડાર્ક રંગની કૉટન સાડીના પાલવને હથેળીમાં પકડી, ગળામાં શોભતી મોતીની સફેદ માળા ઍડ્જસ્ટ કરતી કલ્યાણી હાથ જોડીને ઊભી રહેતી. સોશ્યલ મીડિયા પર રીલ્સ ખૂબ ચાલતી અને કલ્યાણીના ફૉલોઅર્સ વધતા.

ઇવેન્ટ્સ પતાવી ઘરે આવીને સોફા પર પગ લંબાવીને કલ્યાણી વિચારતી. આજે કઈ વાતે ઓછી તાળીઓ પડી અને કઈ વાતે લોકોનાં આંસુ છલકાયાં એની સરાસરી કરી સાઉથ દિલ્હીની પોતાની બહેનપણીઓને ફોન કરતી.

lll

કલ્યાણીએ માથું ધુણાવી આ બધા વિચારો ખંખેર્યા અને રણજિત તરફ જોયું. તેને રણજિત ક્યાંક પોતાનામાં ખોવાયેલો લાગ્યો.

‘રણજિત, તારા માટે નાસ્તામાં શું બનાવું?’

જવાબમાં રણજિત કલ્યાણીના ચહેરા સામે સ્થિર નજરે જોતા રહ્યા. તેમની નજરમાં એક સન્નાટો હતો. કલ્યાણી એ નજરમાં રહેલા કોરા કૅન્વસને જોઈ સમસમી ઊઠી. રણજિતને એવું લાગ્યું કે આ અવાજ ભૂતકાળનાં કંઈકેટલાંય વંચાઈ ચુકાયેલાં પાનાંઓમાંથી આવ્યો. કલ્યાણીની વાત તેમના કાન સુધી પહોંચતાં જાણે વાર લાગી.

‘શું? નાસ્તો?’

‘હા, સવારે વહેલો જાગ્યો હોઈશને! કંઈક બનાવી દઉં. રસોઈવાળા મહારાજ દસ વાગ્યે આવશે.’

કલ્યાણીને આ કમ્યુનિકેશનનો પણ થાક લાગ્યો. તેણે પોતે અનુભવ્યું કે કન્સર્ન બતાવી રહી છે પણ અંદરથી કશું અનુભવાતું નથી.

‘કંઈ પણ બનાવી નાખને.’

‘ફાઇન. હું શાવર લઈ લઉં છું પછી નાસ્તો બનાવું. તને ગેસ્ટ રૂમ બતાવી દઉં.’

ગેસ્ટ રૂમ શબ્દ સાંભળીને રણજિતે ફરી એક વાર કલ્યાણી સામે જોયું પણ કલ્યાણીએ રણજિતની આંખોમાં જોવાનું ટાળ્યું. રણજિત તરફથી જવાબની અપેક્ષા રાખ્યા વિના ફટાફટ આખી વાતથી ભાગતી હોય એમ કલ્યાણી પોતાના રૂમમાં જતી રહી.

ડ્રૉઇંગ રૂમમાં મેજર રણજિત એકલા હતા. આમ તો આ રીતે એકલા હોવાની સ્થિતિ તેમના માટે નવી નહોતી પણ આ તો પોતાનું ઘર નહોતું. જેમાં ચા પી રહ્યા છે એ કપ પણ ક્યાં પોતાનો હતો? તેમણે આંખો બંધ કરી અને ધીરેથી ખોલી તો તેમનું ધ્યાન કલ્યાણીની સ્પેશ્યલ દીવાલ તરફ ગયું.

અનેક અવૉર્ડ્સ, મેડલ્સ, ફોટોગ્રાફ્સથી દીવાલ છલકાતી હતી. મેજર રણજિત ઊભા થયા અને એ વિશાળ દીવાલ પાસે ઊભા રહ્યા. મનોમન વિચારવા લાગ્યા કે આવડી મોટી દીવાલ તો ડલહાઉઝીવાળા ઘરમાં પણ નહોતી! અહીં તસવીરોમાં અભિવાદન ઝીલતી કલ્યાણી, નૅશનલ-ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સમાં સ્ટેજ પર બેસી વક્તવ્ય આપતી કલ્યાણી, પેઇન્ટિંગ એક્ઝિબિશન્સમાં ક્રિટિક્સ સાથે ચર્ચા કરતી કલ્યાણી, મોટા-મોટા મિનિસ્ટર્સના હાથે અવૉર્ડ લેતી કલ્યાણી, હાથમાં પીંછી લઈ સ્ટુડિયોના ફોટોશૂટમાં જાજરમાન લાગતી કલ્યાણી.

આ કલ્યાણી જુદી હતી. ઘણાબધા અંશે અજાણી હતી.

રજણિતે એ તસવીરમાં દેખાતી કલ્યાણીનાં ચહેરાને એકધારો જોયો અને પછી બહાર ગ્લાસની સ્લાઇડર વૉલ પર બાઝેલી ધૂંધળાશમાં જોયું. એક ક્ષણ પૂરતું રણજિતને લાગ્યું કે સ્લાઇડર વૉલ અને વિન્ડોગ્લાસની આરપારથી નીકળી ધુમ્મસ ડ્રૉઇંગ રૂમમાં પ્રવેશ્યું. જાણે ધુમ્મસ નહીં, પહાડોના ઢોળાવ પરથી ધોધની જેમ ઢોળાતાં સફેદ વાદળોના ગુચ્છાઓ. બધું તરવા લાગ્યું. કલ્યાણીનો ડ્રૉઇંગ રૂમ, સોફા, કલ્યાણીની વૉલ, મેડલ્સ, અવૉર્ડ્સ, તસવીરો, ચાનો કપ અને ખુદ રણજિત.

રણજિતે હવામાં હાથ હલાવ્યા અને ધુમ્મસના ઓળા સહેજ ખસ્યા તો તે ડલહાઉઝીમાં પોતાના લાકડાના બે માળના ઘરના વરંડામાં બેઠા છે. હાથમાં વ્હિસ્કીનો ગ્લાસ છે. સામે લાકડાના સ્ટૂલ પર કૅન્વસ ગોઠવી કલ્યાણી ચિત્ર બનાવી રહી છે. ગ્રામોફોનમાં લતાજીના અવાજમાં ગીતો વાગી રહ્યાં છે. કલ્યાણી એ ગીતોની ધૂન ગણગણી રહી છે. દૂર પહાડી ગાયો ઘાસ ચરી રહી છે અને એની ડોકે બાંધેલ ઘૂઘરીઓ રણઝણી રહી છે. વાતાવરણમાં ભીની લીલી સોડમ છે. કલ્યાણી પાણી ભરેલા ગ્લાસના મોટા બાઉલમાં પીંછી બોળી પીંછી ધુએ છે. એ પાણીના બદલાતા રંગને ભારે રસથી મેજર રણજિત જોઈ રહ્યા છે. ને દૂરથી ‘બાબા...મા...હેલ્પ!’ એવો અવાજ સંભળાય છે. કલ્યાણી ડ્રૉઇંગમાં એટલી મશગૂલ છે કે તેને આ અવાજ સંભળાતો નથી. ગ્રામોફોનની ધૂન, ગાયોના ડોકે બંધાયેલી ઘંટડીઓ, પાણીમાં ધોવાતી પીંછીનો બુડબુડ અવાજ, કલ્યાણી ધૂન ગણગણી રહી છે. રણજિતને દૂરથી જાણે કે પહાડોની પેલે પારથી નાનકડી છોકરીનો અવાજ સંભળાઈ રહ્યો છે, ‘બાબા..મા...હેલ્પ!’

અચાનક રણજિતને ભાન થાય છે આ તો અનિકાનો અવાજ છે. તેના હાથમાંથી વ્હિસ્કીનો ગ્લાસ લસરી જાય છે. ગ્રામોફોનને ઉતાવળમાં લાત વાગે છે અને ગીત ખોરંભાય છે. કલ્યાણીની ધૂન અને ધ્યાન બેઉ તૂટે છે. રણજિત દોડીને ઘર પાસે પહોંચે છે તો સાત વર્ષની અનિકા પોતાની વિન્ડોગ્લાસમાં અડધી ફસાયેલી છે. કાચ ખોલવાનો પ્રયત્ન કરતી અનિકા બારીને આખી ખોલી ન શકી અને તેનું અડધું શરીર વિન્ડોની અંદર ને અડધું શરીર બહાર હતું. દર્દની મારી તે ચિલ્લાઈ રહી હતી. તેનું શરીર બરાબરનું ફસાયું હતું અને મદદ માટે તડપી રહી હતી. અનિકાએ જોયું કે બાબા પહોંચી ગયા છે અને તેણે ચિલ્લાવાનું બંધ કર્યું. રણજિતે નોંધ્યું કે અનિકાની કમરે લોહીના ટશિયા ફૂટી નીકળ્યા છે પણ તેની આંખોમાં જાણે એક દૃઢ વિશ્વાસ હતો કે ‘મારા બાબા આવી ગયા છે, હવે બધું ઠીક થઈ જશે!’

ફરીથી બધું ધૂંધળું દેખાવા લાગ્યું ત્યારે દિલ્હીમાં કલ્યાણીના ડ્રૉઇંગ રૂમમાં ઊભેલા રણજિતને સમજાયું કે તેમની આંખો ભરાઈ આવી હતી. પોતાની ભીની આંખો લૂછતી વખતે મેજરને નવાઈ લાગી કે આજે ઘણા સમયે જૂનું યાદ કરતી વખતે ‘કશુંક’ અનુભવાયું જેનાથી આંખોના ખૂણા ભીના થયા. પણ એ ‘કશુંક’ પકડાતું નહોતું, આટલાં વર્ષેય!

ગળું સુકાયું. પાણી પીવાની ઇચ્છા થઈ પણ તે પાણી માગી ન શક્યા. ટેબલ પર ગ્લાસનો જગ ખાલી હતો. રસોડા સુધી જઈ શકાય તો પાણી મળી રહેશે એવી ખાતરી હોવા છતાં કલ્યાણીના ઘરમાં એટલો અધિકાર જતાવવાની ઇચ્છા રણજિતને ન થઈ.

સોફા પાસે જતાં પહેલાં તેમણે છેલ્લી નજર કલ્યાણીની વિશાળ દીવાલ પર કરી. અચાનક તેમનું ધ્યાન તસવીરોના ઘેરા વચ્ચે મુકાયેલી એક નાનકડી તસવીર તરફ ગયું. રણજિતે આંખ ઝીણી કરી અને તસવીરને નજીકથી જોવા એ આ વૉલની વધુ નજીક આવ્યા.

આ તો ડલહાઉઝીના ઘરમાં ક્લિક થયેલી ફૅમિલી તસવીર છે!

lll

કલ્યાણી, રણજિત અને બન્નેનો હાથ પકડી વચ્ચે ઊભી હતી સાત વર્ષની અનિકા. કલ્યાણીએ ચહેરા પર સ્મિત ટકાવી રાખેલું, એમાં તે સફળ થયેલી કાયમ. રણજિતે ધારી-ધારીને તસવીરમાં પોતાના ચહેરાને જોયો. તેમને યાદ હતું કે આ ફોટો ક્લિક થયો એ દિવસે કલ્યાણી સાથે છેલ્લી વાર બહુ મોટો ઝઘડો થયેલો. તેમને ડ્યુટી પર હાજર થવાનું હતું અને કલ્યાણી રણજિતની અણઆવડતોનું લિસ્ટ ગણાવી રહી હતી.

‘આ ઘર માટે જે કંઈ કર્યું છે એ મેં જ એકલા હાથે...’

‘અનિકા માત્ર મારી એકલીની જવાબદારી કેવી રીતે?’

‘તને તારા સિવાય બીજા કોઈની પડી નથી રણજિત...’

‘તું કેમ ખૂલીને ક્યારેય વાત નથી કરતો...’

‘એકસાથે બે બાળકો ઉછેરતી હોઉં એવું લાગે છે રણજિત. તારામાં અને અનિકામાં બહુ વધારે ફરક નથી.’

‘રણજિત, ડલહાઉઝીમાં કોઈ ઑપોર્ચ્યુનિટીઝ નથી.’

‘ગ્રોથ મોટાં શહેરોમાં છે પણ તને મોટાં શહેરોમાં પ્રૉપર્ટી બાબતે કે ઇન્વેસ્ટમેન્ટ બાબતે કોઈ સમજ ક્યારેય આવી નહીં.’

‘તું મારા કામને અપ્રિશિએટ નથી કરી શક્યો.’

‘તું મારા કામને પ્રમોટ નથી કરતો.’

‘તું રિલેશન મેઇન્ટેન કરવામાં કાયમ નબળો સાબિત થયો છે.’

‘તું આટલો અલગારી કેવી રીતે હોઈ શકે?’

‘તારી પર્સનલ ડિઝાયર કેમ નથી?’

‘આખી જિંદગી આર્મીમૅન તરીકે નથી જીવી શકવાનો તું. લાઇફ પાસેથી તારી શું અપેક્ષા છે?’

ડઘાઈ ગયેલો રણજિત. પહેલી વાર તેણે કલ્યાણી પર હાથ ઉપાડેલો. સામે કલ્યાણીએ રણજિતનું શર્ટ ફાડેલું અને તેના ગાલ પર નખ મારેલા. કલ્યાણીને તમાચો માર્યા પછી રણજિત આઘાતથી બેસી પડેલો અને કલ્યાણીએ તેની છાતીમાં કંઈકેટલાય મુક્કા મારેલા. ફર્શ પર ફ્લાવર-વાઝ ફૂટેલા. બન્ને રડી પડેલાં. બન્નેને અચાનક એ સમજાયું હતું કે આપણે શું કરી રહ્યાં છીએ. આ હકીકતનું ભાન થયા પછી બન્ને એકબીજાની સાથે નજર નહોતાં મેળવી શક્યાં. હીબકાં ભરતી, આક્રોશ ઠાલવતી કલ્યાણી કૅન્વસ પર ચિત્ર બનાવી રહી હતી અને જાત પર ઊભરાતા ગુસ્સાને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરતો રણજિત મુઠ્ઠીઓ વાળીને નીચું જોઈ બેસી રહેલો ક્યાંય સુધી ગુમસુમ.

રણજિતને એ દૃશ્ય પણ બરાબર યાદ છે કે અચાનક ધડામ અવાજ સાથે સાત વર્ષની દીકરી અનિકાના રૂમનો દરવાજો ખૂલ્યો હતો. તે જાણે બહુ ડરી ગઈ હોય એમ પોતાના ઓરડાની બહાર ધસી આવેલી.

રણજિતે અનિકાની આંખોમાં તૂટેલા ફ્લાવર-વાઝની કરચો જોઈ હતી.

lll

રણજિતે જોયું કે અહીં વૉલ પર લાગેલી તસવીરમાં કલ્યાણી અને રણજિતનો હાથ પકડી વચ્ચે ઊભેલી અનિકાએ પોતાની આંખો જોશથી મીંચી રાખેલી હતી. જાણે ફ્લાવર-વાઝની તૂટેલી કરચો તેની આંખોને પીડા આપતી હતી.

તે તસવીરથી થોડાં ડગલાં પાછળ ગયા.

મેજર રણજિત સોફા પર બેસી ગયા. તેમને એકાએક થાક લાગ્યો. બૅગમાંથી ટૅબ્લેટ કાઢી અને બૅગમાં મૂકેલી પાણીની બૉટલ પણ હાથમાં આવી. આખા શરીરે પરસેવો વળી રહ્યો હતો. ગળું સુકાઈ રહ્યું હતું. એકસાથે બેત્રણ ટૅબ્લેટ મોઢામાં મૂકી પાણી ગટગટાવી ગયા. આંખો બંધ કરી સોફા પર આડા પડ્યા. માથું ભારે લાગી રહ્યું હતું. હાથપગમાં ખાલી ચડી રહી હતી. બંધ પોપચામાં મણમણનું વજન અનુભવાતું હતું. ધ્રૂજતા હાથે શર્ટનાં પહેલાં બેત્રણ બટન ખોલી નાખ્યાં તો થોડી ઠંડક અનુભવાઈ. આંખો બંધ રાખી શરીર ઢીલું મૂકી દીધું. ધબકારા શાંત થયા. શરીર પર બાઝેલાં પરસેવાનાં ટીપાં હવે ઠંડક આપી રહ્યાં હતાં. હળવાશ અનુભવાઈ.

મેજર રણજિતના કાનમાં જિવાયેલા સમયના જૂના અવાજો પડઘાઈ રહ્યા હતા. બંધ પોપચાંમાં વીતી ચૂકેલા જીવનનાં દૃશ્યો ઊભરાઈ રહ્યાં હતાં.

દિલ્હીમાં કલ્યાણીના ઘરમાં સોફા પર સૂતેલા મેજર રણિજતની આંખોમાં કાશ્મીરના પહાડો ઊગવા લાગ્યા. પહાડોના ઢોળાવો અને ઢોળાવમાં વસેલાં ગામડાંઓ, ખુલ્લા ઘાસનાં મેદાનોમાં સફેદ કાળી ઊનવાળાં ઘેટાંઓના સમૂહ આકાશી વાદળો જેવા લાગતા હતા.

lll

કલ્યાણી સાથે ડિવૉર્સ થઈ ચૂક્યા હતા. નાનકડી અનિકા દેહરાદૂનની બોર્ડિંગ સ્કૂલમાં હતી. મેજર રણજિતની સિયાચીનના પહાડો પરની બે વખતની ડ્યુટી પૂરી થઈ ચૂકી હતી.

જમ્મુ-કાશ્મીરના પહાડોમાં મેજર રણજિતની ડ્યુટી હતી. કૅમ્પના ટેન્ટમાં બેસી રણજિત અને સાથીઓ પહાડોને, ઢોળાવોને અને ખુલ્લાં મેદાનોને જોયા કરતા. ઢોળાવમાં તાર ફેન્સિંગના સામા છેડે પાકિસ્તાનનાં ગામડાંઓ દેખાતાં. નાનાં-નાનાં ગામડાંઓ અને છૂટાંછવાયાં ઘરોની વસ્તારી. દરેક ઘરની પાસે ખેડાયેલી જમીન. સફરજનના બગીચા. ઘરના ફળિયામાં ગાયો અને બકરી બંધાયેલી રહેતી. ખુલ્લા મેદાનમાં પહાડી કૂતરાઓ બાળકો સાથે ગેલ કરતા. તડકો ઊઘડતો અને સ્ત્રીઓ પનીર બનાવવા દૂધ ભરેલી નાની વાટકીઓ તડકામાં ગોઠવતી. વૃદ્ધો હુક્કો ગગડાવતા. પરંપરાગત કાશ્મીરી વસ્ત્રો પહેરેલી નાની છોકરીઓ સૂકા બળતણ લેવા તાર ફેન્સિંગ સુધી આવતી. રણજિત અને આર્મી ઑફિસર્સ સીમા પારનાં પહાડી બાળકો સાથે વાતો કરતા. ઘરના વડીલોની શીખ યાદ રાખી બાળકો વધારે કંઈ સંવાદ કર્યા વગર પહાડનો ઢોળાવ ઊતરી જતા. તાર ફેન્સિંગની પેલે પાર ઢોળાવના છેડે પાણીનો વોંકળો, ત્યાં લાકડાનું એક નાનકડું ઘર. રણજિતને એ ઘરમાં બહુ રસ પડેલો. આખો દિવસ તે ઘરને જોયા કરતા.

એ નાનકડા ઘરની ચીમનીમાંથી ધુમાડો નીકળતો. એ ધુમાડો આકાશમાં ફેલાતો. રણજિતને એ ઘરની દિનચર્યા જોવી ગમતી. એ ઘરમાં રહેતા વૃદ્ધ ડોસા પોતાના પૌત્રને લઈ ઘરની બહાર તડકામાં બેસી ઊનને વણવાનું કામ કરતા. એ ઘરની સ્ત્રી લાકડાના ખાંડણિયામાં મસાલો કૂટતી ત્યારે લાકડાના સાંબેલોનો ધબ ધબ ધબ અવાજ રણજિતને બહુ ગમતો. એ સાંબેલાની સાથે મસાલો કૂટતી પહાડી સ્ત્રીના હાથમાં પહેરેલી ચાંદીની બંગડીઓ રણઝણતી. પગના ઝાંઝરનો અવાજ રણજિતના મન સુધી પહોંચતો. ઘરની બાજુમાં નાનકડું ખેતર જેમાં સફરજનનાં ઝાડ. ઘરનો પુરુષ વાંસના ટોપલામાં સફરજન ગોઠવતો. એ ઘરમાં સાતેક વર્ષની એક નાનકડી છોકરી હતી. પહેરવેશમાં આ છોકરી જાણે પોતાની માને નકશેકદમ. પરંપરાગત કાશ્મીરી વસ્ત્રો અને આભૂષણમાં તે બહુ રૂપાળી લાગતી. રણજિતે એ નાનકડી કાશ્મીરી છોકરીને અનેકો વાર પોતાની બકરી સાથે પહાડોમાં ફરતાં જોઈ છે. તે કોઈ પરંપરાગત પહાડી ગીત ગણગણતી. એક વાર હિંમત કરીને રણજિતે ખિસ્સામાંથી ચૉકલેટ કાઢી અને એ નાનકડી છોકરીને બૂમ પાડીને પાસે બોલાવી હતી. અચાનક એ નાનકડી કાશ્મીરી છોકરીનું ગીત અટકી ગયું. તેણે રણજિતની સામે જોયું.

એ છોકરીની આંખમાં રણજિતને ડર દેખાણો.

રણજિતે પ્રયત્ન કર્યો કે કોઈ રીતે વિશ્વાસનો અનુભવે કરાવે પણ આજ સુધી બાળકોને અનુકૂળ થવાનો તેને કોઈ વિશેષ અભ્યાસ નહોતો. અહીં ડ્યુટી દરમ્યાન શીખ્યા હતા એના આધારે ભાંગીતૂટી કાશ્મીરીમાં તેમણે વાત કરવાનો પ્રયત્ન કરેલો, ‘એય લડકી, છાની આમીસ સાવ્જી ક્યા છૂ નાવ?’

(એય છોકરી, તારી આ બકરીનું નામ શું છે?)

જવાબમાં પેલી પહાડી છોકરી વધુ ગભરાઈ. તે પોતાની બકરીની ડોકે વળગી પડી, જાણે રણજિત એ બકરી લઈ જવાનો હોય. રણજિતને હસવું આવ્યું. રણજિતને હસતા જોઈને એ પહાડી બાળાનો ડર થોડો ઓછો થયો. અચાનક રણજિતને નીચે પહાડના ઢોળાવ પરથી પેલા મકાનની ધણિયાણી સ્ત્રીનો અવાજ સંભળાયો.

‘હિબાઆઆઆઆઆઆઆઆ!’

પહાડી બાળાના કાન ચમક્યા. તેણે હાથ ઊંચો કરી પોતાની માને ઇશારો કર્યો. રણજિતે જોયું કે મા નેજવું કરીને દીકરી કોની સાથે વાતો કરી રહી છે એ જોઈ રહી છે. રણજિતના ચહેરા પર સ્મિત આવ્યું,

‘અછા, ત્ચ્છે છુની નાવ હિબા?’

(ઓહ, તો તારું નામ હિબા છે?)

જવાબમાં બકરીનો બેંએએએએએ અવાજ આવ્યો અને પહાડી છોકરી હસી પડી. તેણે કાલીઘેલી પહાડી બોલીમાં જવાબ આપ્યો,

‘પાનાઈ ત્ચ્છાન્દ અસી માન્ઝ કામીસ છૂ નાવ હિબા.’

(તમે જ શોધી લો કે અમારા બન્નેમાંથી કોનું નામ હિબા છે.)

અને પછી તે ખડખડાટ હસી. રણજિત કોઈ જવાબ આપે એ પહેલાં એ પહાડી બાળા પોતાની બકરીને લઈ ઘર તરફ ભાગી. ભાગતાં-ભાગતાં અચાનક તેનો બુરખો કોઈ કાંટાળા જાળામાં ભરાયો. બકરી ઊભી રહી ગઈ. એ નાની છોકરીએ મહેનત કરી, પણ તેનો બુરખો કાંટાળા જાળામાંથી નીકળતો નહોતો. તેણે વધારે જોર કર્યું તો બુરખો ફાટવાનો અવાજ આવ્યો. રણજિત તેને સમજાવી રહ્યો હતો કે ઊલટી દિશામાં ખેંચ પણ એ નાની છોકરી રણજિતનો ઇશારો સમજી ન શકી. દૂર પેલા ઘર પાસે ઊભેલી સ્ત્રી કદાચ ગુસ્સે થઈ હતી. તેણે બૂમ પાડી,

‘કરસા જલદી!’

અને પહાડી બાળાની આંખમાં આંસુ છલકાયાં. તેણે રણજિત તરફ મદદ માટે નજર દોડાવી પણ તાર ફેન્સિંગની પેલે પાર ઊભેલા મેજર રણજિત અસહાય હતા. બકરી બેં બેં બેં કરી કૂદકા મારતી હતી. સાંજ ઘેરાઈ રહી હતી અને પહાડી બાળા રડવા લાગી. તેને સમજાયું નહોતું કે માત્ર ગણતરીનાં ડગલાં દૂર હોવા છતાં રણજિત કેમ તેની મદદ કરવા ન આવી શક્યો? તેની આંખોમાં ખારાશ અને આક્રોશ સાથે છલકાયેલો એ સવાલ રણજિતના દિલોદિમાગમાં કાયમ માટે ઘર કરી ગયો.

lll

‘રણજિત, આર યુ ઑલરાઇટ?’

રણજિતે આંખો ખોલી તો સામે કલ્યાણી ઊભી હતી. તે સોફા પર બેઠા થયા. ઊંડા શ્વાસ લીધા. કલ્યાણીએ પાણી ભરેલો ગ્લાસ આપ્યો. મેજર રણજિત એક શ્વાસે પાણી ગટગટાવી ગયા.

‘સૂઈ ગયો હતો?’

‘સહેજ આરામ. ટ્રાવેલિંગ અને વહેલી ફ્લાઇટ.’

રણજિતનું વાક્ય પૂરું થાય એ પહેલાં કલ્યાણી ડાઇનિંગ ટેબલ તરફ ચાલતી થઈ.

‘નાસ્તો તૈયાર છે.’

રણજિતે ઊભા થઈ દીવાલ પર લાગેલી ફૅમિલી તસવીર તરફ ફરી જોયું.

અનિકાની આંખો બંધ હતી આજે પણ!

વૉશ-બેઝિન પાસે જઈ રણજિતે અરીસામાં પોતાનો ચહેરો જોયો. ફ્લાવર-વાઝની કરચો જાણે હવે રણજિતની આંખોમાં હોય એમ આંખો લાલચોળ હતી. પાણીની છાલકો મારી તો થોડું સારું લાગ્યું.

ડાઇનિંગ ટેબલ પર પરોઠાં, પૌંઆ અને ચાના બે કપ.

રણજિત અને કલ્યાણી ચૂપ હતાં.

ચમચી, થાળી, વાટકા, કપ અને રકાબી બોલી રહ્યાં હતાં.

કલ્યાણી માટે આ ચુપકીદી અસહ્ય હતી. કદાચ ગૂંગળાવાનો તેનો અભ્યાસ છૂટી ગયો હતો.

‘રણજિત, કશું નહીં બોલે તું?’

‘શું બોલવાનું છે મારે?’ રણજિતે નજર મેળવ્યા વિના વાત કરી.

‘તારી દીકરી...’ અને રણજિતે કલ્યાણીની આંખમાં જોયું.

કલ્યાણી અટકીને બોલી, ‘હા, એટલે અનિકાએ જે કાંડ કર્યો છે એનું આપણે શું કરવાનું છે?’

‘મને નથી ખબર.’

‘રણજિત, લોકોને ખબર પડશે તો વાટ લાગી જશે.’

‘કોની?’

‘મારી જ તો. તને તો કોઈ કશું કહેનારું નથી. પણ વૉટ અબાઉટ મી? બે મહિનામાં મારી કરીઅરનું સૌથી મોટું એક્ઝિબિશન છે. કલ્ચર ઍકૅડેમી મને લાઇફટાઇમ અચીવમેન્ટનો અવૉર્ડ...’

‘પણ એ વાતને અને અનિકાની વાતને શું સંબંધ?’

‘રણજિત, તને દુનિયાદારીની કોઈ સમજ છે? યુ હૅવ નો આઇડિયા, જો લોકોને ખબર પડશે કે ધ કલ્યાણી શ્રોફની ડૉટર લેસ્બિયન છે; તેને છોકરાઓ નહીં, છોકરીઓ ગમે છે તો તો....’ તે બોલતાં અટકી.

‘હા, મને સમજાવ કે તો શું થશે?’

‘તો લોકોનું ફોકસ બદલાશે. મારા કામ વિશે નહીં, મારી અંગત લાઇફ વિશે વાતો થશે. આખી જિંદગી મેં આ કામ અને આ મુકામ માટે મહેનત કરી છે. હવે અનિકાની ભૂલના કારણે હું આ બધું નહીં ગુમાવું. તને કંઈ સમજાય છે રણજિત?’

મેજર રણજિતે કલ્યાણીની આંખોમાં જોયું અને બોલ્યા,

‘કલ્યાણી, મને તો માત્ર એટલું સમજાય છે કે ત્રીસ વર્ષની આપણી દીકરીએ આપણને ઊંઘમાંથી ઢંઢોળીને જગાડ્યાં છે. આપણી દીકરી  સ્પષ્ટ શબ્દોમાં કહી રહી છે કે તમે મને ઓળખતાં જ નથી. ઇન ફૅક્ટ આજ સુધી તમે લોકો મને ઓળખી જ નથી શક્યાં! બસ, અત્યારે તો મને આટલું જ સમજાય છે!’

કલ્યાણી ડઘાઈ ગઈ.

lll

 કાંટાળા જાળામાં ફસાયેલા બુરખાને ખેંચવા મથતી પહાડી બાળા તાર ફેન્સિંગની પેલે પાર ઊભેલા મેજર રણજિત સામે જોઈ રહી!

ડલહાઉઝીના લાકડાવાળા ઘરના વિન્ડોગ્લાસમાં અડધી ફસાયેલી છે સાત વર્ષની અનિકા. રણજિત સામે આંસુભરી આંખે જોઈ રહી છે!

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

01 June, 2025 02:15 PM IST | Mumbai | Raam Mori

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK