Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બારીમાં આખ્ખું આકાશ! (પ્રકરણ - ૩)

બારીમાં આખ્ખું આકાશ! (પ્રકરણ - ૩)

Published : 25 May, 2025 11:47 AM | IST | Mumbai
Raam Mori | feedbackgmd@mid-day.com

વાંચો આખું પ્રકરણ - ૩ અહીં

ઇલસ્ટ્રેશન

નવલકથા

ઇલસ્ટ્રેશન


નળમાંથી એકધારું પાણી વહી રહ્યું છે.

કલ્યાણીને એ વાતની જાણ ક્યારેય નથી થઈ કે તે એકલી છે.



 અને જો આ જાણ તેને થઈ હશે તો પણ તે કોઈને ખબર સુધ્ધાં લાગવા નહીં દે કે હવે કલ્યાણી બરાબર જાણી ચૂકી છે કે તે એકલી છે.


સતત લોકોથી ઘેરાયલી કલ્યાણી શ્રોફ, તેના વિશે માત્ર એક જ વાત પ્રિડિક્ટ કરી શકાતી કે તે અનપ્રિડિક્ટેબલ છે.

‘ધ ક્વીન ઑફ ઇલ્યુઝન’ તરીકે ઓળખાતી કલ્યાણી શ્રોફ. તેનાં ઍબ્સ્ટ્રૅક્ટ પેઇન્ટિંગમાં એક સંમોહન હતું.


‘કલ્યાણી શ્રોફ સફળ છે!’ એવું તેને સતત બીજા પાસે સાંભળવું ગમતું.

‘કલ્યાણી શ્રોફ પ્રખ્યાત છે!’ આ વાત કોઈ ભૂલે નહીં એની તે સતત નોંધ લેતી. તે મેક શ્યૉર કરતી કે સામેવાળી વ્યક્તિ તરસી જવી જોઈએ કે મારે કલ્યાણીના વર્તુળમાં એન્ટર થવું છે.

પણ કલ્યાણી નક્કી કરતી કે તેના જીવનમાં કોણ કેટલી હદ સુધી પ્રવેશી શકશે.

બાઉન્ડરી દોરવી તેને કાયમ ગમતી, પછી એ કૅન્વસ હોય કે જીવન.

આંગળીથી નખ વેગળા અને પાંપણથી વેગળી આંખ, લોકો સાથે એટલું અંતર રાખવામાં તે કાયમ સફળ રહી છે.

‘હું કલ્યાણીને નખશિખ ઓળખું છું. તેની જરૂરિયાતો, તેની ઇચ્છા, તેનાં સપના, તેનો ડર, તેનો ટ્રૉમા અને તેની નબળાઈની રગ-રગથી વાકેફ છું!’ આવું આજ સુધી કોઈ કહી નથી શક્યું.

કલ્યાણી આ વાતે ખૂબ પોરસાય કે કોઈ તેને કળી નથી શક્યું.

કલ્યાણી પોતાના મનની વાત ઢાંકી રાખવામાં કાયમ સફળ રહી છે.

સામાવાળો માણસ આપણી ભીતર ચાલતી ગડમથલને પામી ન જવો જોઈએ એવું તે સ્પષ્ટપણે માનતી.

તેની આસપાસ કાયમ લોકોનું ટોળું રહેતું. તેનાં ચિત્રો વિશે ક્રિટિક્સ કલાકો સુધી ચર્ચા કરતા. તેનાં પેઇન્ટિંગ્સનાં કંઈકેટલાંય સફળ એક્ઝિબિશન્સ થઈ ચૂક્યાં છે.

કાયમ લોકોથી ઘેરાયેલી અને તો પણ તે એકલી જ રહી.

lll

નળમાંથી પાણી એકધારું વહી રહ્યું છે!

કલ્યાણીનાં કપડાં, વૉશબેઝિનની કિનારી, આખી ફ્લોરશીટ અને કલ્યાણીની છાતી પાણીની એકધારી છાલકોથી ભીની થઈ. તેણે અરીસામાં પોતાનો ચહેરો જોયો. સાઠની ઉંમરને વટાવી ચૂકેલી કલ્યાણી પોતાના ચહેરાને ધારી-ધારીને જોવા લાગી. સ્ટેરૉઇડ્સ અને બોટોક્સનાં ઇન્જેક્શન્સની મદદથી તેણે ચહેરા પરની કરચલીઓ દૂર કરાવી હતી. ઢળી પડતી ચામડી ટાઇટ થઈ, કરચલીઓ પુરાઈ ગઈ અને સરવાળે કલ્યાણીએ ચહેરા પરના હાવભાવ ખોયા.

પણ જે ‘જોઈએ છે’ એ મેળવવા કલ્યાણી કોઈ પણ કિંમત ચૂકવી શકતી.

ચહેરા પર વારંવાર બોટોક્સ ટ્રીટમેન્ટ થઈ એના કારણે કોઈ કલ્યાણીના ચહેરાના ભાવો પકડી ન શકતું.

ન તો કપાળ પર સળ ઊપસે.

ન તો ગાલ પર રતુમડી શરમ લહેરાય.

ન ગભરામણમાં હોઠ ધ્રૂજે.

ન તો સંતોષની ચરમસીમા પર ફેલાઈને બન્ને ગાલ સુખને જગ્યા આપી શકે.

કલ્યાણીએ ફરી ખોબામાં પાણી ભર્યું અને છેલ્લી છાલક પોતાના ચહેરા પર મારી. નીતરતો ચહેરો ફરી અરીસામાં જોયો.

અચાનક તે એકદમ સાવધ થઈ કેમ કે તેની આંખોમાં થાક દેખાતો હતો.

ભીના કૉટનથી આંખોની નીચે રેલાયેલા કાજળને સાફ કર્યું. કૉટન પર ગુલાબજળ લીધું અને આખો ચહેરો ભીનો કર્યો. આંખોની કિનારીઓ પર ઉપર-નીચે જાડું કાજળ લગાડ્યું.

ઘાટ્ટા કાળા વાળને ઢળતા અંબોડામાં બાંધ્યા. હોઠ પર આછી લિપસ્ટિક કરી અને કપાળ પર મોટો ચાંદલો લગાડી ને થોડું પરફ્યુમ લગાડ્યું શરીરે.

પછી ફરી અરીસામાં ધારી-ધારીને પોતાને જોઈને રાજી થવાનો પ્રયત્ન કરવા લાગી.

ઘડિયાળમાં વહેલી સવારના સાડાછ વાગ્યા હતા.

દિલ્હીનું ધુમ્મસ વધુ ઘેરું થયું. સૂરજ ઊગી નહોતો શકતો અને હવા બોઝિલ હતી. દિલ્હીમાં શિયાળો આખો દિવસ રહેતો. અહીં અજવાળાને હૂંફ સાથે સીધો સંબંધ નથી.

હાથમાં બ્લૅક કૉફીનો મોટો મગ લઈને પોતાના બંગલાની ગૅલરીમાં ઊભી-ઊભી કલ્યાણી દીવાલો પર વીંટળાયેલી ગુલાબી અને સફેદ ફૂલોવાળી બોગનવેલને જોઈ રહી છે. ધુમ્મસમાં પાંદડાં અને ફૂલો ભીના લાગતાં. ચંપાની કળીઓ ધુમ્મસથી મૂંઝાઈ રહી હતી. ગૅલરીની પાળીઓ પર કૂંડામાં ઊગેલાં મૅરિગોલ્ડનાં પીળાં ફૂલો આપસમાં એકબીજાની હૂંફ શોધવા હવામાં હાલકડોલક થતાં હતાં.

કલ્યાણીએ ધુમ્મસથી ધૂંધળા થયેલા દિલ્હીના રસ્તાઓ જોયા. આ ધુમ્મસ છે કે પ્રદૂષણનો ધુમાડો એ ભેદ આટલાં વર્ષેય કલ્યાણી પામી નહોતી શકી. તેને ખાંસી ચડી. ઉધરસ વધવા લાગી કે પાછી રૂમમાં આવી અને સ્લાઇડર ગ્લાસથી ગૅલરી બંધ કરી. રૂમમાં હીટરથી હૂંફાળો ગરમાટો હતો. સોફા પર બેઠી. નાઇટ ડ્રેસ સંકોરી માથું સોફા પર ટેકવી ઉપર છત માથે ટિંગાતા ફ્રેન્ચ ઝુમ્મરને જોવા લાગી. થાકેલી આંખોને બંધ કરી સૂવાનો પ્રયત્ન કર્યો પણ તરત ગઈ કાલ સવારે વાંચેલો અનિકાનો મેસેજ યાદ આવ્યો.

ફરી તેની આંખમાંથી ઊંઘ ઊડી ગઈ.

છેલ્લા ચોવીસ કલાકમાં તેણે ખબર નહીં કેટલીયે વાર આ મેસેજ વાંચ્યો હતો.

તેને બરાબરનો ગુસ્સો ચડ્યો હતો.

ગઈ કાલ વહેલી સવારથી તે પોતાના ઘરની બહાર નીકળી નથી.

એક બુક-લૉન્ચ ઇવેન્ટ, બે એક્ઝિબિશન, એક ટીવી-ડિબેટ, એક ડિનર-પાર્ટી, એક ગેટ-ટુગેધર અને એક આર્ટિસ્ટ ટૉક. આટલી ઇવેન્ટ્સ થઈ ગઈ છેલ્લા ચોવીસ કલાકમાં.

 પણ તે ક્યાંય નથી ગઈ, એટલે જઈ નથી શકી!

તેને થતું કે રખેને કોઈ ઇવેન્ટમાં તે પહોંચે, રેડ વાઇનની સિપ લેશે, ખડખડાટ હસી કૅમેરાને પોઝ આપશે, ઍન્ટિક જ્વેલરી પંપાળશે અને લોકોને ઇમ્પ્રેસ કરતી હશે ને અચાનક કોઈ તેની સામે આવીને કહેશે...

‘એક્સક્યુઝ મી, તમે જ એ કલ્યાણી શ્રોફ છોને જેની દીકરી લેસ્બિયન છે?’

કોલાહલ, તાનપુરા, ગૉસિપ્સ અને ખડખડાટ હસવાનું બંધ થઈ જશે અચાનક. બધાની આંખો પહોળી થશે અને કાન થશે સરવા.

‘વૉટ?’

‘કલ્યાણી શ્રોફની ડૉટર, અનિકા?’

‘હાઉ સૅડ!’

‘શૉકિંગ!’

‘તેને ખબર હતી જ કે હમણાં ખબર પડી?’

‘કમ આઉટ થઈ છે દીકરી? કયા સોશ્યલ મીડિયા પર પોસ્ટ લખી છે?’

‘ID શું છે અનિકાનું?’

‘ઓહ નો...પુઅર શ્રોફ!’

આ ઘટનાના વિચારમાત્રથી કલ્યાણી કંપી ઊઠી. તેણે બ્લૅક કૉફીનો મગ સાઇડ-ટેબલ પર મૂક્યો અને મોબાઇલ હાથમાં લીધો.

 સોશ્યલ મીડિયામાં અનિકા નામનાં જેટલાં પણ અકાઉન્ટ્સ હતાં એ બધાં તેણે ફરી-ફરી તપાસ્યાં. પોતાની અનિકા તેને ક્યાંય દેખાઈ નહીં. અમુક અકાઉન્ટમાં DP બ્લૅન્ક હતો તો અમુકમાં ફ્લાવર્સ. એ પ્રાઇવેટ અકાઉન્ટને જોઈને કલ્યાણીને પરસેવો છૂટતો હતો કે આમાંથી જ કોઈક અકાઉન્ટ અનિકાનું હોવું જોઈએ.

‘શું તેણે પોતાની સેક્સસ્યુઅલિટી બાબતે કોઈ પોસ્ટ કરી હશે?’

તેણે ફરી ઘડિયાળમાં સમય જોયો અને મનોમન બબડી,

‘રણજિતની ફ્લાઇટ ડિલે હશે કે શું? અત્યાર સુધીમાં તો તે આવી જવાનો હતો. તે ખરેખર આવશે કે દર વખતની જેમ જવાબદારીથી દૂર ભાગશે?’

તેણે રણજિતને કૉલ કર્યો પણ નંબર સ્વિચ્ડ-ઑફ હતો. તે બરાબરની અકળાઈ. આખા ઘરમાં આંટા મારવા લાગી. તેની નજર ડ્રૉઇંગરૂમની વિશાળ વૉલ પર ગઈ. આ વૉલમાં કલ્યાણી શ્રોફને મળેલા નૅશનલ-ઇન્ટરનૅશનલ મેડલ, ટ્રોફીઝ અને સર્ટિફિકેટ્સ શોભતાં હતાં. કલ્યાણીના અલગ-અલગ સેલિબ્રિટીઝ સાથેના ફોટોઝ. તસવીરોના એ મેળાવડામાં એક નાની જૂની તસવીર હતી. કલ્યાણી એ તસવીરની નજીક ગઈ.

ડલહાઉઝીવાળા ઘરની એ જૂની તસવીર હતી. ત્રણેય સાથે હોય એવી આ પહેલી અને છેલ્લી તસવીર.

કલ્યાણી, રણજિત અને બન્નેનો હાથ પકડી વચ્ચે ઊભી હતી સાત વર્ષની અનિકા.

આ તસવીરની પહેલાંનો પ્રસંગ કલ્યાણી આજે પણ ભૂલી નથી શકી. કોઈ મૅગેઝિનવાળા ઇન્ટરવ્યુ કરવા આવેલા. તેમના મૅગેઝિનના ફ્રન્ટ પેજ પર આ તસવીર આવેલી. આ તસવીર ક્લિક થઈ એ પહેલાં રણજિત અને કલ્યાણી ખૂબ ઝઘડેલાં. નાનકડી અનિકા તેના રૂમમાં હતી. ગુસ્સામાં કલ્યાણીએ રણજિતના ગાલ પર નખ મારેલો અને શર્ટ ફાડી નાખેલું. રણજિતે કલ્યાણીના ગાલ પર એક તમાચો ચોડી દીધો હતો. વ્હિસ્કી પીતો રણજિત ગુસ્સો દબાવવા મૂઠીઓ વાળીને બેઠો હતો. હાથાપાઈમાં કલ્યાણીનો નખ તૂટી ગયેલો અને ગુસ્સામાં તે પેઇન્ટિંગ બનાવતી હતી. બહુ મોટું ફ્લાવરવાઝ તૂટ્યું એના અવાજથી સાત વર્ષની અનિકા પોતાના રૂમની બહાર દોડી આવેલી. કલ્યાણીને યાદ છે કે ગભરાયેલી અનિકાએ બોલવા માટે મોં ખોલેલું પણ કશું જ બોલી નહોતી શકી. એ પછી મૅગેઝિનવાળા આવેલા ત્યારે આખા ઘરે હૅપી ફૅમિલીનો મેકઅપ કર્યો. કલ્યાણી અને રણજિતનો હાથ પકડી અનિકા વચ્ચે ઊભી રહી અને આ ફૅમિલી-ફોટો ક્લિક થયેલો.

lll

પાછું ફરીને કલ્યાણી વીતેલા એ સમય વિશે વિચારે છે ત્યારે તેને લાગે છે જાણે આ તો ગયા ભવની વાત.

આર્મીમાં નોકરી કરતા રણજિત સાથે પ્રેમ થઈ ગયો. પોતાની પ્રકૃતિથી સાવ જુદો જણ. શું ગમ્યું હતું તેને રણજિતમાં? કદાચ એ જ વાત કે એ કલ્યાણી કરતાં સાવ જુદી પ્રકૃતિનો માણસ હતો. કલ્યાણી કલાકો સુધી બોલી શકતી અને રણજિત કલાકો સુધી તેને સાંભળી શકતો. ડલહાઉઝીમાં ઘર ખરીદેલું. રણજિતના ટ્રેઇનિંગ સેન્ટરની નજીક હતું ડલહાઉઝી. વડોદરા ફાઇન આર્ટ્સ કૉલેજની બહુ સારી ઑફર કલ્યાણીએ જતી કરેલી. મૈસૂરની એક બહુ મોટી ઇન્ટરનૅશનલ કંપનીએ આર્ટ કલેક્ટરની જૉબ ઑફર કરેલી. કલકત્તા યુનિવર્સિટી કલ્યાણીને પેઇન્ટિંગ માટે નવો પ્રાઇવેટ કોર્સ અને ડિપાર્ટમેન્ટ ઑફર કરી રહી હતી. કલ્યાણીએ આમાંનું કશું સ્વીકાર્યું નહીં.

ના પાડી શકવાનો નશો તે ભોગવી રહી હતી. દિવસો સુધી ટેલિફોનના જવાબો ન આપતી. યુનિવર્સિટીઝ અને આર્ટ કંપનીઓના કાગળો મહિનાઓ સુધી ટેબલ પર પડ્યા રહેતા.

કલ્યાણી દામ્પત્યજીવનના રંગોમાં તરબોળ હતી.

 તે રણજિત સાથે ભરપૂર જીવી રહી હતી. ઇચ્છા થાય ત્યારે પેઇન્ટિંગ્સ બનાવતી. રણજિત તેને કામ કરતી જોયા કરતો. બન્ને જણ પહાડો પર સાથે ફરતાં. ઘરમાં ઝીણી-ઝીણી વસ્તુઓ ખરીદતાં અને ઘર શણગારતાં. જાણે દરરોજ એક-એક ઈંટ ગોઠવાતી હતી અને ઘર બનતું જતું હતું. ટેકરી પર ડલહાઉઝીના લાકડાના ઘરમાં લતાનાં ગીતો ગ્રામોફોનમાંથી સંભળાતાં. સાંજ વધુ રંગીન બનતી. વ્હિસ્કીના ગ્લાસની કિનારીઓ પર આંગળી રમાડતા રણજિતના ચહેરા પર સ્મિત રહેતું. તેની ખુલ્લી પીઠ પર પેઇન્ટિંગ બ્રશથી અલગ-અલગ રંગો લઈ કલ્યાણી ચિત્રો બનાવતી. રણજિતને એ રંગોની ઠંડક છેક ભીતર સુધી અનુભવાતી. બારીમાંથી ઠંડા પવનની લહેરખી આવતી. કલ્યાણી રણજિતની રંગોનો પહાડ બનેલી સશક્ત પીઠને ચૂમતી. રણજિત કલ્યાણીના હોઠને ચૂમતો. બન્નેના હોઠ, ગાલ, શરીર અને કમરાની ફર્શ પર રંગોનું પૂર ઊમટતું. ગરમ શ્વાસ અને રંગોના ઊભરા શાંત થતા ત્યારે એકબીજાનો હાથ પકડી માત્ર રંગોના વાઘા પહેરેલા બન્ને જણ છતને ક્યાંય સુધી તાક્યા કરતાં. પવનમાં હાલકડોલક થતાં દેવદાર અને ચીડનાં વૃક્ષો બારીમાંથી ઘરમાં ડોકાતાં. પવનની મોટી લહેરખી આવતી અને ચીડ વૃક્ષનાં શંકુ આકારનાં સુકાયેલાં બીજ ઓરડામાં ઢોળાતાં. કલ્યાણી રંગોનાં સુખમાં તરતી!

ધીરે-ધીરે ટેલિફોનની ઘંટડીઓ શાંત થઈ.

 જૉબની ઑફર્સના કાગળો આવતા બંધ થયા.

એક્ઝિબિશન્સ માટે કંપનીઓએ સંપર્ક કરવાનું છોડી દીધું.

 નૅશનલ કે ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સમાં કલ્યાણીના બદલે બીજા પેઇન્ટર્સને જગ્યા મળવા લાગી.

કલ્યાણી શ્રોફ હવે ભૂતકાળ બનવા લાગી.

અને તે બેઠી થઈ એકાએક. જાણે ઊંઘમાંથી જાગી.

પહેલી વાર કલ્યાણીને સમજાણું કે અત્યારે જે જીવી રહી છે માત્ર એ જ લાઇફ તેને નથી જોઈતી. તેને તો આ લગ્નજીવનની સાથોસાથ જોઈએ છે પોતાના સપનાને મળતું મોટું કૅન્વસ, આગળ વધવાની અનેક તકો, મીડિયા અને ક્રિટિક્સ બન્નેનું અટેન્શન, લાઇમલાઇટ, કરીઅર પર ફોકસ કરતી આર્ટિસ્ટનો ટૅગ, પૅશનને પ્રોફેશન બનાવી સફળ થયેલી પેઇન્ટરમાં સૌથી મોખરે શોભે એવા નામનો મોભો.

તેણે વિચાર્યું મને આ જોઈએ છે એ મારી ડિઝાયર છે અને હું આ બધું કોના માટે અને કઈ કિંમતે છોડી રહી છું? તેણે રણજિત સાથે આ બાબતે ખૂલીને ચર્ચા કરી. રણજિત તેને હંમેશાંની જેમ સાંભળી રહ્યો હતો. હા, માત્ર સાંભળી જ રહ્યો હતો. તેની પાસે ન તો કોઈ પક્ષ હતો ન તો કોઈ ઓપિનિયન. બસ, આ વાત કલ્યાણીને ખટકી.

અત્યાર સુધી ‘રણજિત એક્સપ્રેસિવ નથી, તેનો પોતાનો અવાજ નથી. હું કહું એટલું જ તે કરે’ એ બધું કલ્યાણીને વહાલું લાગતું એ જ બાબતો હવે વેરી લાગવા માંડી. ક્યુટ લાગતી ઘટનાઓમાંથી કંકાસની કરચો ખરવા લાગી. બમણા ઝનૂનથી કૅન્વસ પર બ્રશ ઘસાઈ રહ્યું હતું. રંગોના છાંટા આખા ઘરમાં ઊડી રહ્યા હતા અને એમાં ચિત્રો બનતાં, પણ ઘરનું શાંત વાતાવરણ ટીપે-ટીપે નીતરીને અંધારામાં ઓગળી રહ્યું હતું.

કલ્યાણીએ એકડે એકથી સંબંધો રોપ્યા. ફોનની ઘંટડીઓ વાગવા લાગી. કાગળો પોસ્ટ થવા લાગ્યા. ઇવેન્ટ્સ અને એક્ઝિબિશન્સમાં હાજરીઓ વધવા લાગી. ટ્રાવેલિંગનો સામાન દરરોજ બંધાતો ને દરરોજ મેલો થતો થાકેલો સામાન છૂટતો. આખી-આખી રાત ઘરમાં લાઇટ બળતી જેના અજવાળે પ્રેઝન્ટેશનની સ્પીચ લખી કલ્યાણી મોટે-મોટેથી બોલતી. પથારીમાં સૂતેલો રણજિત પોતાનું શર્ટ ઉતારી ખુલ્લી પીઠને અરીસામાં જોતો. બહાર ડ્રૉઇંગરૂમમાં સ્પીચ બોલતી કલ્યાણીનો અવાજ પડઘાતો અને રણજિત પોતાની પીઠ પર ઊપસેલી અળાઈની સંખ્યાબંધ ફોલ્લીઓને જોયા કરતો.

રણજિત એ વાત બિલકુલ સમજી શકતો કે પોતે પોતાની નોકરીમાં પૅશનેટલી કામ કરી રહ્યો છે તો કલ્યાણીને પણ તેનું સપનું જીવવાનો પૂરો અધિકાર છે. હવે બન્ને એકબીજાના કામમાં ઓળઘોળ. પથારીના ઓછાડમાં રંગોના દરિયાના બદલે લીસી ગડોના ડુંગર મોટા થવા લાગ્યા. એકબીજા સુધી પહોંચવામાં હાંફી જતાં બન્ને. દિવસો સુધી રણજિત હવે ટ્રેઇનિંગમાં અને ડ્યુટીમાં વ્યસ્ત રહેતો. ઘરે આવતો ત્યારે પણ તેને એવું લાગતું કે તે અહીં સાથે જીવવાની ડ્યુટી કરી રહ્યો છે પૂરી શિદ્દતથી.

આ બાજુ કલ્યાણી પણ પોતાની સાથે, પોતાના કામ સાથે, કોરા કૅન્વસ સાથે જીવવાની એવી તો ટેવ પાળી ચૂકી હતી કે રણજિત સામાન સાથે ઘર આવતો ત્યારે તેને લાગતું કે તેનું શેડ્યુલ ડિસ્ટર્બ થઈ રહ્યું છે.

કલ્યાણીને અચાનક ઘર નાનું લાગવા માંડ્યું છે. રણજિતને લાગે છે કે આ ઘરના પડદા, કુશન, ફર્નિચર જે રીતે બદલાઈ રહ્યાં છે એ જોતાં આ જગ્યા અજાણ્યા ગેસ્ટહાઉસ જેવી લાગે છે.

કલ્યાણીના અવૉર્ડ્‍સ વધી રહ્યા છે. રણજિતના મેડલ્સને જગ્યા સાંકડી લાગે છે.

આર્મીનું ફૅમિલી ડિનર હોય કે ગણતંત્ર દિવસની પરેડ હોય, જવાનોના પરિવારો એકઠા થતા ત્યારે રણજિતે ચહેરા પર સ્મિત ટકાવી કલ્યાણીની ગેરહાજરીનાં કારણો ગણાવવા પડતાં.

 પેઇન્ટિંગ એક્ઝિબિશન્સ હોય કે પછી ઇન્ટરનૅશનલ અવૉર્ડ સેરેમની હોય એમાં તાળીઓના ગડગડાટ વચ્ચે રણજિત કયા મિશનમાં વ્યસ્ત છે એની રસપ્રદ કોરી સૈનિકકથાઓ કલ્યાણી ટોળાને કહ્યા કરતી.

 રંગોનું બ્રશ કડક થવા લાગ્યું. આર્મીનાં શૂઝ પગની ચામડીને કરડી રહ્યાં છે. બારીની બહાર ઊગેલાં મૅરિગોલ્ડનાં ફૂલો કરમાઈ રહ્યાં છે.

કલ્યાણી નથી ભૂલી શકી કલકત્તાની એ ટ્રિપ જ્યારે તેને પહેલી વાર ખબર પડી હતી કે તે પ્રેગ્નન્ટ છે. દિવસો સુધી કામમાં વ્યસ્ત રહી હતી. કલકત્તામાં નૅશનલ લેવલનો મોટો ફેસ્ટિવલ ગોઠવાયો હતો. કલ્યાણી માટે આ બહુ મોટો બ્રેક હતો. ખાસ આ ફેસ્ટિવલ માટે દસેક જેટલાં પેઇન્ટિંગ્સ તે છેલ્લા છ મહિનાથી તૈયાર કરતી હતી. વચ્ચે રણજિત થોડો સમય આવેલો. બન્નેએ યંત્રવત સાથે જીવવાની ડ્યુટી નિભાવી લીધેલી.

 કલકત્તાના એ આર્ટ ફેસ્ટિવલમાં કલ્યાણીના કામની ખૂબ પ્રશંસા થયેલી. મીડિયાને સંબોધતી વખતે તે અચાનક બેહોશ થયેલી. કોઈ સિનિયર આર્ટિસ્ટે નાડી તપાસીને જાહેરમાં વધામણી ખાધેલી કે કલ્યાણી ગર્ભવતી છે.

કલ્યાણી ધ્રૂજી ગયેલી.

બાળક? તેની જરૂર તો ક્યારેય વર્તાઈ નહોતી! ન રણજિતે ઇચ્છા વ્યક્ત કરેલી, ન કલ્યાણીએ ક્યારેય કલ્પના કરેલી.

નવી જવાબદારીઓ. કરીઅરમાં બહુ મોટો બ્રેક આવી જશે. બાળકનું ભવિષ્ય વિચારતાં અને વર્તમાન સંભાળતાં પોતાનાં સપનાંઓ અને ઇચ્છાઓને સંકોરી રાખવી પડશે કાયમ માટે? આટઆટલી મહેનત કરીને અંતે પોતાની ટૅલન્ટ તે એક બાળકને ઉછેરવામાં ખર્ચી નાખશે? શું તેણે પણ જગતના બીજા બધા દંપતીઓની જેમ માત્ર બાળક માટે લગ્ન કરેલાં? સંતાન જીવનનું અંતિમ લક્ષ્ય કે ધ્યેય હોય એવાં માબાપ કલ્યાણીને કાયમ બહુ સ્ટુપિડ લાગેલાં તો શું પોતે હવે એ સ્ટુપિડ કમ્યુનિટીનો હિસ્સો બનીને રહેશે? રણજિતનું જીવન ખાસ નહીં બદલાય પણ તેના પક્ષે કૉમ્પ્રોમાઇઝ કરવાનું લિસ્ટ બહુ લાંબું આવશે. તો શું આ બાળકને આવતાં પહેલાં અટકાવી દઉં? રણજિતને જાણ પણ ન કરું અને અબૉર્શન કરાવી લઉં? રણજિતને શું કામ દુ:ખ થવું જોઈએ કેમ કે બન્ને જણે સાથે મળીને આ બાળક કંઈ પ્લાન નહોતું કરેલું. કલકત્તાની એ રાત કલ્યાણી ક્યારેય ભૂલી નહીં શકે. તેને ઊંઘ નહોતી આવી આખી રાત.

પણ બીજો દિવસ નવી વાત લઈને ઊગ્યો કલ્યાણીના જીવનમાં.

બીજા દિવસે કલકત્તા અને દેશનાં અખબારોમાં પેઇન્ટિંગ ફેસ્ટિવલની વાતો છપાઈ એમાં કલ્યાણીને સૌથી વધારે ફુટેજ મળેલું. ટીવી અને રેડિયોવાળાએ ઇન્ટરવ્યુ કરવા પડાપડી કરી હતી. મૅગેઝિન્સને ફોટો-સ્ટોરીઝ કરવી હતી. મીડિયાનું મુખ્ય ફોકસ એ રહ્યું હતું કે ‘ગર્ભધારણ કર્યાના શરૂઆતના નાજુક સમયમાં લોકો ટ્રાવેલિંગ કરવાનું ટાળે ત્યારે રાતદિવસ પેઇન્ટિંગ તૈયાર કરીને કલ્યાણી શ્રોફ ફેસ્ટિવલની ડેડલાઇનને વળગી રહ્યાં. કમિટેડ આર્ટિસ્ટ.’

‘પેટમાં ઈશ્વરનું સર્જન પાંગરી રહ્યું છે અને કૅન્વસ પર કલ્યાણી શ્રોફનું સર્જન પાંગરી રહ્યું છે જોડાજોડ.’

આર્ટ-ક્રિટિક્સે કલ્યાણીનાં ઍબ્સ્ટ્રૅક્ટ પેઇન્ટિંગ્સમાં પણ ગર્ભના અનેક અર્થો શોધેલા જેની સુધ તો કલ્યાણીનેય નહોતી.

આર્ટ કલેક્ટ કરતી એક મોટી પ્રોફેશનલ કંપનીએ કલ્યાણીનો સંપર્ક કરીને એવી ઑફર આપી હતી કે ‘પ્રેગ્નન્સીના દરેક મહિનામાં તમે જે અનુભવો છો એ અનુભૂતિનું પેઇન્ટિંગ બનાવો, અમે આ વિષયને ઇન્ટરનૅશનલ માર્કેટમાં પ્રેઝન્ટ કરીશું.’

કલ્યાણીને થયું આજ સુધી જે જોઈતું હતું એ બધું માત્ર આ એક પ્રેગ્નન્સીથી ઊભું થઈ ગયું એકાએક?

કલકત્તાથી તે ડલહાઉઝી પાછી આવી ત્યારે તે એક નવી કલ્યાણી હતી. રણજિતને આજ સુધી ઘર અજાણ્યું લાગતું, પહેલી વાર તેને આ કલ્યાણી પણ અજાણી લાગેલી.

ગર્ભવતી થઈ ત્યારથી લઈને અનિકા જન્મીને મોટી થઈ ત્યાં સુધીની અવસ્થાનાં કલ્યાણી શ્રોફનાં થીમ-પેઇન્ટિંગ્સ ખૂબ પ્રચલિત થયાં હતાં.

ડલહાઉઝીના ઘરમાં ઊધઈ લાગી હતી. પહેલી વાર ઘર પોલું થયું હોય એવું કલ્યાણી અને રણજિતે અનુભવેલું. ત્યાં સુધીમાં સંબંધો પેઇન્ટિંગ્સના સબ્જેક્ટ બની ચૂક્યા હતા. તસવીરોમાં અને કૅમેરા સામે રોજિંદી ઘરેડમાં સ્મિત અકબંધ રહેતું. કૅન્વસ પર મૌન ઘોળાતું. અનિકા માબાપના મૌનમાં પોતાના અસ્તિત્વના આકારો અને રંગો ફંફોસવા લાગી એની જાણ ન તો કલ્યાણી ને થઈ કે ન તો ક્યારેય રણજિતને થઈ.

બારીઓ બંધ થઈ. ઊધઈના લીધે ચીડ અને દેવદારનાં વૃક્ષોનું કટિંગ થયેલું એટલે શંકુ આકારનાં બીજ ઢોળાતાં બંધ થયાં. ઘરમાં અવૉર્ડ્‍સ અને ટ્રોફીઓ વધવા લાગ્યાં. કલ્યાણીનો એક સૂર જમવાના ટેબલ પર વધુ ને વધુ મોટો થતો કે ‘આ ઘર હવે નાનું પડે છે!’

રણજિત નીચી નજર રાખીને રાજમા-ચાવલ ખાતો. નાનકડી અનિકા છતને જોતી, જેમાંથી આકાશ ઘરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરતું.

 ‘મારી વાતને કોઈ સાંભળતું નથી ને આ ઘરમાં કોઈ મારા ઓપિનિયનનો રિસ્પેક્ટ નથી કરતું.’ એવો ગુસ્સો કરી કલ્યાણી જમવાના ટેબલ પરથી ઊભી થઈ જતી. તે ગુસ્સામાં પાછળ વરંડામાં જતી રહેતી જ્યાં કૅન્વસ પર તે અકળામણ ઠાલવતી. અહીં જે આકારો ઊભા થશે, જે રંગો ઘોળાશે એના વિશે આર્ટ-ક્રિટિક્સ કલ્યાણી શ્રોફની મન:સ્થિતિ વિશે આર્ટિકલ્સ લખવાના છે.

રણજિત રાજમા-ચાવલની થાળી લઈને પોતાના રૂમમાં જતો રહેતો. ગ્રામોફોનનો અવાજ મોટો થતો, જાણે બહારથી આવતા કોઈ અવાજની જગ્યા રણજિતના જીવનમાં નથી.

ડાઇનિંગ ટેબલ પર બેસેલી સાત વર્ષની અનિકા વિચારતી કે તેણે વરંડામાં જવાનું છે કે બાબા પાસે રૂમમાં.

અંતે તે બારી પાસે જઈને ગોઠવાતી અને આકાશ તરફ જોયા કરતી આખી રાત!

મોડી રાતે પેઇન્ટિંગ પૂરું કરીને રૂમમાં પાછી આવતી કલ્યાણી બારી પાસે સૂઈ ગયેલી અનિકાને જોતી. અનિકાને ઊંચકીને તેના રૂમમાં સુવડાવી દેતી. જ્યારે તે અનિકાને સુવડાવીને ઊભી થતી ત્યારે અનિકા એનો હાથ પકડી લેતી અને કહેતી, ‘મા, મારી સાથે સૂઈ જાને. મને બહુ ડર લાગે છે. મને એવું લાગે છે ઘરની છત મારી માથે પડી રહી છે.’

કલ્યાણીએ એક વાર અનિકાના રૂમની છત તરફ જોયું અને પછી સાંત્વના આપવાનો પ્રયત્ન કરીને તે બોલી હતી, ‘બેબી, આંખોને મીંચી રાખવાની.’

‘એનાથી શું થાય?’

‘આપણે જો આંખો મીંચી રાખીએને તો આપણી આસપાસ ન ગમતું હોય એ બધું અટકી જાય. બધું સારું થઈ જાય!’

જવાબમાં અનિકાએ એ જ વખતે જોશથી આંખો મીંચી દીધી હતી.

અને પછી કલ્યાણીએ નોંધેલું કે તે જ્યારે પણ અનિકાને ખિજાતી ત્યારે અનિકા પોતાની આંખો સજ્જડ મીંચી દેતી.

રણજિત જ્યારે પણ ગુસ્સો કરતો ત્યારે દૂર ટેબલ પાસે ઊભેલી અનિકા પોતાની આંખો ભીંસી રાખતી.

કલ્યાણીને ડલહાઉઝીના ઘરનો પોતાનો છેલ્લો દિવસ યાદ આવી ગયો. ડલહાઉઝીનું ઘર ખાલી થઈ રહ્યું હતું, કલ્યાણી અને રણજિત કાયમ માટે છૂટાં પડી રહ્યાં હતાં. અનિકાને બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દેવાની હતી. રણજિત સિયાચીન જવાનો હતો અને કલ્યાણીએ દિલ્હીની ટિકિટ કન્ફર્મ કરી લીધી હતી. અનિકાનો સામાન પૅક કરવા તે અનિકાને શોધતી ડ્રૉઇંગરૂમમાં આવી ત્યારે તેણે જોયેલું રણજિત-કલ્યાણીના બંધાયેલા સામાનની વચ્ચે બેસેલી સાત વર્ષની અનિકાએ પોતાની આંખો સજ્જડ મીંચી રાખી હતી.

ખરેખર, આ બધું હવે ગયા ભવની વાત લાગે છે!

દિલ્હીવાળા ઘરમાં આ બધું યાદ કરતી કલ્યાણીએ એક વાર ફરી પોતાની તસવીરોવાળી વૉલ તરફ જોયું. ટ્રોફીઝ, અવૉર્ડ્‍સ, સર્ટિફિકેટ્સ અને ઢગલો તસવીરોની વચ્ચે કલ્યાણીએ આંખ ઝીણી કરીને પોતાની ફૅમિલી-તસવીર પર ફોકસ કર્યું. આટલાં વર્ષે કલ્યાણીએ નોંધ્યું કે વર્ષો જૂની એ ફૅમિલી-તસવીરમાં રણજિત અને કલ્યાણી વચ્ચે ઊભેલી નાનકડી અનિકાએ પોતાની બન્ને આંખો સજ્જડ બંધ રાખી હતી!

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

25 May, 2025 11:47 AM IST | Mumbai | Raam Mori

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK