Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બારીમાં આખ્ખું આકાશ! (પ્રકરણ - ૨)

બારીમાં આખ્ખું આકાશ! (પ્રકરણ - ૨)

Published : 18 May, 2025 08:50 AM | IST | Mumbai
Raam Mori | feedbackgmd@mid-day.com

વાંચો આખું પ્રકરણ - ૨ અહીં

ઇલસ્ટ્રેશન

નવલકથા

ઇલસ્ટ્રેશન


સિત્તેર વર્ષના મેજર રણજિત જાતને સંકેલીને જીવે છે.

પહાડોમાં અજવાળું બહુ ટકતું નથી. સવાર એટલી ઝડપથી ઊગે જાણે તડકો ઢોળાઈ ગયો હોય એકસામટો. તળેટીમાંથી ઊઠતા ધુમ્મસને શ્વાસમાં ભરો ન ભરો અને ભીની પગદંડી પર હજી તો અડધે સુધી ચાલો કે અચાનક અજવાળું દઝાડે. ઊંચાં દેવદાર અને ચીડ વૃક્ષોનાં પાંદડાંઓથી પણ તડકો બાંધી નથી શકાતો. આકાશ ક્યારેક સાવ ચોખ્ખું ને ક્યારેક વાદળોથી ઘેરાયેલું. અહીં ઋતુઓ જીવન જેવી છે, કશુંય નક્કી નહીં. પહાડોમાં સાંજને અંધારું લીંપવાની ઉતાવળ વધારે હોય છે.



પણ જીવનના સાતમા દાયકે પહોંચેલા મેજર રણજિતને આ બધું કોઠે પડી ગયું છે.


કોઈ રાહ જોતું નથી ને કોઈની રાહ જોવાની નથી.

lll


હિમાચલ પ્રદેશના અજાણ્યા પહાડોની ટૂક પર બેસીને રણજિત એકીટશે ઊગતા અને આથમતા સૂરજને જોયા કરે છે. આ તેમની રોજિંદી દિનચર્યા છે.

હિમાચલ પ્રદેશમાં ધરમશાલાથી ઉપર પહાડોમાં ત્રીસેક મિનિટનો રસ્તો પાર કરીએ એટલે આવે પહાડોમાં વસેલું ગામ નડ્ડી. પાકી સડક જ્યાં પૂરી થાય એવું હિમાચલનું આ છેલ્લું ગામ. નડ્ડી ગામથી થોડે દૂર પહાડોમાં લાકડાના બનેલા એક નાનકડા વુડન હાઉસને નિવૃત્ત આર્મી ઑફિસર મેજર રણજિતે પોતાનું સરનામું બનાવ્યું છે. અહીં વુડન હાઉસમાં તેમણે ખપ પૂરતી જ વસ્તુઓ વસાવી છે. ગણ્યાં ગાંઠ્યાં રસોઈનાં વાસણો. એક વ્યક્તિ પૂરતાં થાળી-વાટકા અને ચમચી. સિંગલ બેડ. પાણીનો એક ગ્લાસ અને એક વ્યક્તિને પૂરતું થઈ પડે એવું પાણીનું નાનકડું માટલું. થોડાં પુસ્તકો, મેડલ્સ, જૂતાં, એક મોટી ટ્રન્ક, નેતરની ખુરશી, એક ટેબલ જેના પર ફ્લાવર વાઝમાં છેલ્લે ક્યારે ફૂલ મૂક્યાં હતાં એ મેજરને પણ યાદ નથી. રણજિતે પોતાના વુડન હાઉસને ઘર બનાવવાની મથામણ કદાચ કરી જ હશે પણ જોતાં જ સમજાઈ જાય કે અહીં ક્યાંય કોઈ ખૂણાને સ્ત્રીનો સ્પર્શ નથી થયો.

શરૂ-શરૂમાં આ વુડન હાઉસમાં એક ચોક્કસ ગંધ ઊઠતી. રણજિતને લાગ્યું કે વરસાદથી ફૂલેલા લાકડાની ગંધ હશે, પછી થયું ચામડાનાં જૂતાંમાંથી આ ગંધ ઊઠે છે. પછી તેમણે માન્યું કે કદાચ છત માથે કોઈ અજાણી પહાડી વેલ પાંગરી છે, આ એની ગંધ હશે.

 અને એક દિવસ મેજર રણજિતને સમજાઈ ગયું કે આ તો એકલતાની ગંધ છે.

શરીરમાંથી ઊઠતી વૃદ્ધત્વની ગંધ છે.

 મોડી રાતે પહાડોમાંથી તે પાછા ફરે ત્યારે વુડન હાઉસમાં અજવાળું હોય એવી અપેક્ષા તેમણે ક્યારેય રાખી નહોતી. તાળામાં ચાવી ફેરવી તે દરવાજો ખોલતા કે થાકેલું અંધારું રણજિતને જોયા કરતું. રણજિત વયોવૃદ્ધ ધ્રૂજતી આંગળીઓથી સ્વિચ દબાવી લાઇટ ચાલુ કરતા એ પછી પણ વાતાવરણ તેમને વધારે માંદલું લાગતું.

કશું અનુભવાતું નહોતું, ન એકલતા ન અજંપો.

રણજિતને ક્યારેય કોઈએ શીખવ્યું જ નહોતું કે ભીતર જે અનુભવાય છે એને બોલીને કે સ્પર્શીને કેવી રીતે વ્યક્ત થઈ શકાય.

 સિયાચીનના પહાડોમાં આર્મીની ડ્યુટી વખતે પોતાના થીજી ગયેલા હાથ-પગની ચેતના તપાસવા તેમણે હથેળીમાં અને પગની પાનીમાં સોય ભોંકેલી, પણ પીડા નહોતી થઈ. લોહીનો ટશિયો ફૂટ્યો અને ટીપું જામી ગયું તરત. રણજિતને લાગતું તેમની અંદર પણ બધું થીજી ગયું છે. આટલાં વર્ષેય ભીતર કશું પીગળ્યું નથી. જૂનો સમય અને છૂટી ગયેલા સંબંધો સોય બની સ્મૃતિઓને ભોંકે છે પણ આંસુનો ટશિયોય હવે ફૂટતો નથી.

આર્મીના નિયમ પ્રમાણે સિયાચીનમાં મેજર રણજિતને બે વખત ત્રણ-ત્રણ મહિનાનું પોસ્ટિંગ મળ્યું હતું. નિવૃત્તિ સુધી બાકીની ડ્યુટી પણ તેમણે અલગ-અલગ પહાડોમાં નિભાવી. મોટા ભાગે કાશ્મીરની આસપાસની ઘાટીમાં અને પહાડોમાં તેમણે કામ કર્યું. પહાડો સિવાયનાં સપાટ મેદાનોમાં હવે તેમને ગૂંગળામણ થતી એટલે રિટાયર થયા પછી તે ધરમશાલાના પહાડોમાં વસ્યા.

સિયાચીનના પહાડોએ જાત સાથે જીવતાં શિખવાડી દીધું પણ એકાંત અને એકલતાનો ભેદ ભૂંસાઈ ગયો. મોટી વિશાળ મજબૂત પીઠ પર લાદેલો સામાન જીવનમાં અને સંબંધોમાં વેંઢારેલા ભાર કરતાં તો તેમને ઓછો જ લાગતો. ગોઠણ સુધીના બરફમાં ખૂંપી જતા પગમાં બરફ ઘૂસી જતો. ચામડાનાં શૂઝને અવગણી કૂણી આંગળીઓ વચ્ચે જગ્યા કરી લેતા બરફના લીધે ફૂગ વળી જતી. ચામડી ચિરાઈ જતી, નસો જામી જતી અને પગ જાંબલી રંગના થઈ જતા; જાણે ખોટા પડી ગયા હોય. એવા સમયે તાપણું કરી પગને ગરમાટો આપવાનો પ્રયત્ન કરતા. ઘણી વાર તે વિચારતા કે સંબંધોને પણ ગરમાટો આપીને સાચવી શકાયા હોત કે કેમ? પણ આ પ્રશ્નનો જવાબ ધુમાડો બની તેમની આંખોમાં પેસી જતો. હાથમાં મશીનગન રહેતી અને નજર ચારે દિશામાં ફરતી, પણ સફેદ સન્નાટા સિવાય બીજું કશું દેખાતું નહોતું. રણજિતને ઘણી વાર થતું કે આંખો રંગ ભૂલવા લાગી છે. સ્મૃતિઓ ઢંઢોળી તે રંગો શોધવા મથતા. છેલ્લે તો તેમણે કલ્યાણીના કૅન્વસ પર અને નાનકડી દીકરી અનિકાના હાથની આંગળીયુંનાં ટેરવાંઓ પર રંગો જોયા હતા.

પણ અફસોસ, એ સ્મૃતિઓ પર હવે બરફનો વરસાદ વરસી રહ્યો છે એકધારો!

સિયાચીનના બર્ફીલા પહાડો. ચુમોતેર કિલોમીટર લાંબો ગ્લૅસિયર પટ્ટો. કલાકમાં એકસો ને સાઠ કિલોમીટરની ઝડપથી વાતો પવન. માઇનસ પચાસ ડિગ્રી સેલ્શિયસ તાપમાન. વીસ હજાર ફીટની ઊંચાઈએથી પહાડોમાં ઊઠતાં બર્ફીલાં તોફાનોનો એક ચોક્કસ અવાજ આટલાં વર્ષેય મેજર રણજિતના કાનમાંથી વીંઝાતો રહે છે. ડિવૉર્સ પછી જ્યારે તે પહેલી વખત અહીં ડ્યુટી પર આવેલા ત્યારે એક રાતે વ્હિસ્કી પીતાં-પીતાં કલ્યાણીને યાદ કરી રડવાનો પ્રયત્ન કરેલો પણ તેમને ફાવ્યું નહોતું એ તેમને બરાબર યાદ છે. તાપણાની બાજુમાં બરફ પર તેમણે કલ્યાણીનું નામ લખ્યું હતું. વહેલી સવારે તેમણે એ જગ્યા શોધવાનો પ્રયત્ન કરેલો જ્યાં તેમણે કલ્યાણીનું નામ લખ્યું હતું. બરફમાં પાછળ છૂટતાં પગલાંઓનાં નિશાન પવનમાં પુરાઈ જાય એમ એ નામ, સંબંધ અને સ્મૃતિઓના ખરબચડા અનુભવોની છાપ પર બરફે જગ્યા પૂરી દીધી.

પહાડોમાં મેજર રણજિત સાથે આઠથી નવ નૌજવાનોની ટીમ હતી. બે-બે અને ત્રણ-ત્રણની ટુકડીઓમાં અમુક પોસ્ટમાં બધા છૂટા પડેલા. રણજિત સાથે પંજાબથી અમ્રિતસરનો એક જવાન કિરપાલસિંહ હતો. આખો દિવસ ચોકીપહેરો ભરતા અને રાતે બરફનું ઇગ્લૂ બનાવી એમાં હૂંફ શોધી વારાફરતી ઢબૂરાવાનો પ્રયત્ન કરતા. કિરપાલસિંહ મળતાવડો અને વાતોડિયો હતો અને રણજિત પાસે કહેવા જેવું કશું હતું નહીં. બન્ને વચ્ચે સારી મૈત્રી કેળવાઈ હતી. સિયાચીનના પહાડો ચડતી વખતે એકબીજાની કમરે બાંધેલી દોરીથી સૌ જોડાયેલા રહેતા. કિરપાલસિંહ અને રણજિત એટલા ખાસ મિત્રો બની ચૂક્યા હતા કે રણજિતને લાગતું કે આ દોરી સિવાય પણ કોઈ એક ઋણાનુબંધ છે જેનાથી તે કિરપાલસિંહની સાથે જોડાયેલા રહ્યા છે. બાર હજાર ફીટની ઊંચાઈએ પહેલી વખત ત્રણ મહિના ડ્યુટી બન્નેને એકસાથે મળી હતી. એટલું દુર્ગમ સ્થળ હતું કે માત્ર હેલિકૉપ્ટરની મદદથી સૂકો નાસ્તો, ડ્રાયફ્રૂટ્સ, બ્રેડ, દૂધ અને દવા મળતાં. જે જગ્યાએ પોસ્ટિંગ હતું એ જગ્યા હેલિકૉપ્ટરના પાઇલટને દેખાય એ માટે મોટા ચપ્પુથી પાઇનનાં લીલાં પાંદડાંઓ કાપીને એની મદદથી બરફમાં એક ચોક્કસ મોટું નિશાન બનાવતા. સફેદ બરફના પહાડોમાં લીલાં પાંદડાંથી બનેલું એ ચિહ્ન પાઇલટ જોતો અને દોરડાની મદદથી નીચે સામાન ઉતારતો. કિરપાલસિંહ રોજ ડાયરી લખતો. ડાયરી ભરાઈ જતી તો તે પાઇલટને કોરી ડાયરી માટે વિનંતી કરતો. લખાયેલી ડાયરી સંપેતરાના ભાગરૂપ સોંપી દેતો. રણજિત ડાયરી લખવામાં મશગૂલ કિરપાલસિંહને જોયા કરતા અને વિચારતા કે ‘આની પાસે કહેવા માટે કેટલી બધી વાતો છે!’

lll

કિરપાલસિંહે એક વાર કહેલું પણ ખરું કે ‘પાજી, ડાયરી હોગી તાં લિખણ દા જી હોવેગા. હમ ફૌજીયોં કી ઝિંદગી મેં ડાયરી વિચ લિખે યે અખ્ખર સાડ્ડી વસિયત સે કમ નહીં હૈં. કલનુ અગર સાનુ કુછ હો ગયા તાં યે પઢનાસ સાઢે ઘરવાલેયાનુ સાડ્ડી આવાઝ સુનાઈ દેવેગી. વો ક્યા હૈ રણજિતે, બોલણવાલા આપણા હોવે તાં ઉસદી આવાઝ વિચ સાનુ શબદ દિખાઈ દીન્દૈહન. સાડ્ડે બીવી બચ્ચયાદા ઇતના હક દા બનદા  હૈ કિ ઉહનાનુ પતા લગે કિ અસીં એથ્થે બૈઠકે હમ ઉન્ના બારે કિ સોચદે હાં. યે લિખણનાલ યે લગદા હૈ કે સાડ્ડે ઘરવાલે સાનુ સુણ રહે હન્.’

lll

કિરપાલસિંહની આ વાત પર રણજિતે જવાબમાં સ્મિત આપવાનો પ્રયત્ન કરેલો.

લખાયેલા અક્ષરોમાં લખનારનો અવાજ સાંભળી શકાય છે જો એ વ્યક્તિ આપણી પોતીકી હોય તો. 

બોલનારા જણના અવાજમાં ઊઘડતા અક્ષરોને વાંચી શકાય છે જો એ વ્યક્તિ આપણી પોતીકી હોય તો...

આ બન્ને વાતોને રણજિતે ક્યાંય સુધી મનમાં ઘૂંટી રાખી હતી.

lll

એ રાતે તાપણું ધીમું કર્યા પછી બન્ને વાતે વળગ્યા હતા. કિરપાલસિંહે પોતાના કોટમાંથી એક ચિઠ્ઠી કાઢી અને રણજિતના હાથમાં મૂકેલી. રણજિતે ધીમા તાપણાના અજવાસમાં એ ચિઠ્ઠી વાંચવાનો પ્રયત્ન કર્યો પણ કાગળમાં પંજાબી ભાષામાં કશુંક લખેલું હતું. રણજિતે મૂંઝવણભર્યા સ્મિત સાથે કિરપાલસિંહને કહેલું,

‘મને પંજાબી વાંચતાં નથી આવડતું.’

જવાબમાં એક હૂંફાળો ધબ્બો મારી કિરપાલસિંહ બોલેલો,

‘ઓહ યારા. મૈંનું પતા સી. પર મૈં તેનુ દસ રેહા હાં ઇસ ચિઠ્ઠી વિચ તેરી પરજાઈ કા નામ લિખા હૈ, કુલવિન્દર. ઔર તેરી ભાભ્ભી પેટ સે હૈ. અગલી બૈસાખીનુ મૈં પંજાબ જાણા હૈ.’

રણજિત સમજી ન શક્યો એટલે કિરપાલસિંહે પોતાના ગળગળા અવાજને ધક્કો મારી ખોંખારો ખાધો અને પછી બોલેલો,

‘એત્થે સાડ્ડે જવાનાંનું સોણ વિચ બડી દિક્કત ઔંદી હૈં... નીંદ પૂરી ના હોણ કરકે બહુત બિમારીયાં હો જાંદીયાં. ઠંડ વિચ જવાન આપણે યાદદાશ્ત ભૂલ જાંદે હન્. યારા, મૈં મર જાવાં તાં મેરી ઘરવાળીનું ઈન્ના દુખ નહીં હોવેગા જિન્ના ઉસકા નામ ભૂલ જાણે પર હોગા. વાહેગુરુ ના કરે જે મેરી મેમરી લૉસ હો જાવે તબ તૂ મૈનુ યાદ કરવા દેયીં કિ ઓયે કિરપાલ, તેરી જેબ વિચ ચિઠ્ઠી પૈ હૈં.. પંજાબી વિચ. પઢ લે અપણી ઘરવાલી દા નામ. બૈસાખીનુ અપણે ઘર જા તેરા બચ્ચા તેરા ઇન્તઝાર કર રિહા હૈ...!’

lll

કિરપાલસિંહનું ગળું ભરાઈ આવેલું. રણજિત મૂંઝાયેલા. તેમને સમજાતું નહોતું કે કોઈ તમારી સામે ગળગળા થાય તો તેને કેવી રીતે શાંત પાડી શકાય. કદાચ આજ સુધી કોઈ તેમની સામે આ રીતે ઇમોશનલ પણ નહોતું થયું. રણજિતે અંધારામાં પણ નોંધ્યું કે કિરપાલસિંહની આંખ વરસવા લાગી. તે વધારે ગૂંચવાયા. કિરપાલસિંહ તરફ ઊભો થયો. શૂઝના તળિયે બાઝેલા બરફને ખંખેરવાનો વ્યર્થ પ્રયત્ન કરવા લાગ્યો. સીટી વગાડવાનો પ્રયત્ન કર્યો પણ ભીના ગળાને ફાવ્યું નહીં. અંતે હું સૂવા જાઉં છું એવો આછો ઇશારો કરી સાંજે તેણે બનાવેલા ઇગ્લૂમાં જતો રહ્યો.

lll

રણજિત તાપણા પાસે ક્યાંય સુધી બેસી રહ્યા હતા. તે વિચારવા લાગ્યા...

 ‘કલ્યાણી અને અનિકા માટે આજ સુધી તેને કેમ આવી લાગણી નહીં થઈ હોય? હું ઘરે જઈશ અને કોઈ મારી રાહ જોતું હશે એવી ઇચ્છા તેને કેમ ક્યારેય નહીં થઈ હોય? હું પણ પિતા છું, એક પતિ છું. તો પછી મળવું અને છૂટા પડવું મને કેમ અનુભવાતું નથી? કે પછી આ બધી અપેક્ષાઓ અને અનુભૂતિ જ છે બસ, મને ખબર નથી પડતી!’

 વિચારો બર્ફીલાં તોફાનોની જેમ તેના મનમાં વિંઝાતા રહ્યા. ખુલ્લા પડેલા હોઠ પર, આંખની પાંપણો પર અને કપાળમાં ઊપસેલી સળો પર બરફની આછી પરત જામી ગઈ. તાપણામાં પાઇનનાં સુકાયેલાં પાંદડાંમાંથી ઊઠતો ધુમાડો સહેજ મોટો થયો અને રણજિતે ભીની આંખો લૂછી.

વર્ષો વીત્યાં. આજેય પોતાના વુડન હાઉસમાં નેતરની ખુરશી પર બેઠા-બેઠા પોતાના ચહેરા પરની કરચલીઓને રણજિત પંપાળે તો તેમને બરફની જામેલી પરતોનો અનુભવ થાય છે. આંખો બંધ કરે તો તેમને સંભળાય છે હેલિકૉપ્ટરની ઘરઘરાટી અને દેખાય છે ઊંચા પહાડો, પાઇનનાં વૃક્ષોમાંથી લસરતો તડકો, કડક બ્રેડની સ્લાઇસ, બરફના ટુકડા ઓગાળી ટિનની તપેલીમાં પાઇનનાં પાંદડાં ઉકાળી બનાવેલી ચા અને બર્ફીલા પવનોના અવાજો!

મેજર રણજિત વર્ષો પહેલાં બરફ આચ્છાદિત એ પહાડો પર તડકામાં બરફની કોતરમાંથી ટીપે-ટીપે ઓગળતા પાણીને બૉટલમાં ભરતા એમ આ સ્મૃતિઓને ભેગી કરવાનો પ્રયત્ન કરે છે.

પણ આટલાં વર્ષેય કશું લખી નથી શક્યા! ઘરમાં ઘણી ડાયરી એકઠી થઈ છે. હાથમાં પેન પકડીને આ ડાયરીમાં તેમણે કશુંક લખવાનો પ્રયત્ન કરેલો ઘણી વાર, પણ આ કશુંક તેમને ક્યારેય પકડાતું નહોતું.

રાતે સપનામાં તેને ડાયરીનાં સફેદ પાનાં બર્ફીલા સફેદ પહાડો જેવા લાગતા.

પહાડોમાં પથરાયેલા બરફ પર તડકો ઢોળાતો એમ-એમ ડાયરીનાં પાનાં ધીરે-ધીરે પીળાં પડી રહ્યાં હતાં.

પણ મેજર કશું લખી નહોતા શક્યા.

રણજિતને ક્યારેય કોઈએ શીખવ્યું જ નહોતું કે ભીતર જે અનુભવાય છે એને બોલીને કે સ્પર્શીને કેવી રીતે વ્યક્ત થઈ શકાય.

ડિવૉર્સ પછી ડલહાઉઝીનું ઘર છોડ્યું ત્યારે તેમની પાસે ઘણો સામાન હતો. વર્ષો પછી સમજાયું કે આ સામાનનો કોઈ અર્થ નહોતો. પછી ધીરે-ધીરે તેમને લાગતું, સામાન નથી અપેક્ષાઓ છે જેનું વજન અને કદ વધી રહ્યું હતું. પોતાના સામાનમાં રણજિતે ચૂપચાપ કલ્યાણીનાં થોડાં કપડાં, પેઇન્ટિંગ બ્રશ, પોતે ભેટમાં આપેલી ઍન્ટિક જ્વેલરી, કલ્યાણીનાં ચંપલ, કેટલીક ગમતી તસવીરો, સાથે ખરીદેલાં કેટલાંક વાસણો અને કલ્યાણીનું એક વર્ષો પુરાણું ફાટેલું પર્સ લઈ લીધું હતું. 

lll

રણજિતે મનનું તળિયું તપાસેલું કે ક્યાંક તેમને હજી રાહ તો નહોતીને કે કલ્યાણી દિલ્હીથી પાછી ફરશે! ફરીથી ડલહાઉઝીના એ ઘરમાં બત્તી થશે. બારીઓ પર બાઝેલાં જાળાં સાફ થશે. દરવાજા પાસે ઊગેલી બોગનવેલમાં નવાં ગુલાબી ફૂલો પાંગરશે. વરંડામાં ચા પીતા રણજિત વહેલી સવારનો તડકો કૅન્વસ પર ઝીલતી કલ્યાણીને જોયા કરશે. તે ઉપર જોશે તો કાચની મોટી બારી પાસે બેસેલી સાત વર્ષની અનિકા દેખાશે. તે ક્યારની આકાશનાં વાદળોમાં આંગળીનાં ટેરવાંથી કશું બનાવતી હોય એવું દેખાતું હતું. અનિકાની નીલી આંખોમાં તેમણે અઢળક વાતો જોઈ છે બસ, એ વાતોની આંગળી ઝાલી નથી શક્યા. તે ચાનો કપ મૂકીને કલ્યાણી પાસે આવશે. ચિત્રને જોશે અને કલ્યાણી પોતાના બ્રશમાંથી ગુલાબી રંગનો છાંટો રણજિતના ગાલ પર ઉડાડશે. તે કલ્યાણીની પાછળ દોડશે. ડલહાઉઝીના લીલા ઘાસવાળા મેદાનના ઢોળાવ પર તે કલ્યાણીને પકડી લેશે. કલ્યાણી જોર-જોરથી હસતી રહેશે. રણજિત કલ્યાણીના ગાલ પર પોતાના ગાલે ઊડેલો ગુલાબી છાંટો ઘસશે. કલ્યાણી શરમાશે અને ગુલાબી રંગનો દરિયો બન્નેની આંખોમાં છલકાશે.

‘સાહેબ, આ બ્રશ પણ ભંગારમાં આપવાનાં છે?’

ભંગારવાળાએ આ સવાલ કર્યો ત્યારે રણજિતનું સ્વપ્નલોક નંદવાયું. ઇચ્છાઓ છોલાઈ અને અપેક્ષાને લોહીની ટશરો ફૂટી, કારણ કે આમાંનું કશું ક્યારેય થયું જ નથી ને થવાનું નથી. રણજિતે ભંગારવાળાની સામે જોયું. તેની આંખોમાં રણજિતનાં સામાન અને સ્મૃતિઓનું ભંગારથી વિશેષ મહત્ત્વ નહોતું. ભંગારવાળાએ સાથે લાવેલા થેલાનું મોં પહોળું કર્યું અને જવાબમાં રણજિતે જાતે જ પેઇન્ટિંગ બ્રશ, વાસણો, કલ્યાણીનાં કપડાં અને બીજું ઘણું-ઘણું દેખાતું નહીં દેખાતું પધરાવી દીધું.

અને આખરે તેમણે ઘરમાંથી વધારાનો બધો સામાન કાઢી નાખ્યો હતો.

 વધારાનું કશું જ નહોતું રાખ્યું. ડલહાઉઝીવાળા ઘરની સ્મૃતિઓ પણ નહીં!

 હવે ઘર અને ભીતર બધું ખાલી!

lll

વૃદ્ધ રણજિતની સાથે વુડન હાઉસમાં એક પહાડી હસ્કી કૂતરો રહે છે, શેરા. વર્ષો જૂનો એક રેડિયો છે જેને હવે સિગ્નલ પકડવાનો થાક લાગી રહ્યો છે. વહેલી સવારે અને આથમતી સાંજે એ રેડિયોમાં લતા મંગેશકરના અવાજમાં ગીતો સંભળાતાં રહે છે. મેજર રણજિત નેતરની આરામખુરશી પર આંખો બંધ કરી કલાકો સુધી બેસી રહે છે અને રેડિયોનાં ગીતોને સાંભળ્યા કરે. શેરાની પૂંછડીની અડફેટે આવીને રેડિયો ઘણી વાર નીચે પડ્યો છે, લતાના અવાજમાં તિરાડો પડી છે પણ એ તિરાડમાંય મેજર રણજિત શબ્દોના અર્થને સમજવા મથતા રહે છે. મોડી રાત સુધી વ્હિસ્કી પીતા રહે છે, પહાડી ચલમ સળગતી રહે છે. વુડન હાઉસમાં હીટરની વૉર્મ્થમાં ભોંય પર પોતાના આગળના બન્ને પગ પર માથું ઢાળીને સૂતો પહાડી કૂતરો શેરા રણજિતને જોયા કરતો. 

શેરાને નવાઈ લાગતી કે રણજિત જ્યારે પણ મોઢું ખોલે ત્યારે તેના મોઢામાંથી ધુમાડો જ નીકળે છે!

રાત-રાતભર મેજર રણજિત આ ધુમાડાને હવામાં તાક્યા કરતા. એ ધુમાડામાંથી ઊભા થતા આકારોને જોઈ આકારોનાં નામ અને અર્થ ઉકેલવા મથ્યા કરતા. આખી જિંદગી આ ધુમાડાને સમજવામાં જ કાઢી. ન કશું ઉકેલી શક્યા ન કોઈને સમજાવી શક્યા. કશું બોલવાનો પ્રયત્ન કરતા અને ફેફસાંમાંના તળિયેથી ઉધરસ ચડતી, ધુમાડાના આકારો વધુ વિખરાઈ જતા.

રાત-રાતભર ચલમ સળગતી રહેતી અને વ્હિસ્કીમાં બરફ પીગળતો રહેતો.

lll

વહેલી સવારે શેરાને સાથે લઈને મેજર રણજિત ચાલવા નીકળતા. શેરાને તે સાંકળે બાંધતા નહીં. બાંધવું એ રણજિતની પ્રકૃતિ જ નહોતી. શેરા આખા જંગલમાં ને પહાડોમાં દોડતો એકલો-એકલો ભસ્યા કરતો. પહાડોમાં ઊગતા કે આથમતા સૂરજને કલાકો સુધી જોતા રણજિત સાથે લાવેલો રેડિયો બંધ કરતા એટલે જંગલની પગદંડીઓ કે ઝરણા વચ્ચે રમતો શેરા સમજી જતો કે પાછા ફરવાનો સમય થયો છે. બંધ થયેલા અવાજને સિગ્નલ સમજી તે દોડતો રણજિત સુધી પહોંચી જતો.

 એક હાથમાં વર્ષોથી કોરી ડાયરી રહેતી. ડાયરીનાં પાનાં પીળા પડી જતાં, બટકી જતાં અને અંતે નવી ડાયરી આવતી. ડાયરીમાં કશું લખવા લીધેલી પેન ખિસ્સામાં લીક થઈ જતી. રણજિતને લાગતું કે જાણે શાહી નહીં, શબ્દો જ રેળાઈ ગયા છે ખિસ્સામાં જે કાગળ સુધી પહોંચ્યા જ નહીં ક્યારેય.

lll

આજે વુડન હાઉસમાં પાછા ફરતાં ખાસ્સું મોડું થયું હતું. દોઢેક કલાક જંગલના રસ્તે આગળ વધીને નદીના સામા કાંઠે બલ ગામ હતું. રણજિત શેરાને લઈ બલ ગામના નદીકાંઠે વસેલી નાનકડી રુદ્રાક્ષ કૅફેમાં બેસી રહેતા. કૅફેનો માલિક વીસેક વર્ષનો પહાડી ઉત્સાહી છોકરો માણિક શર્મા રણજિતને ભારે હેતથી ચા-પરોઠાં ખવડાવતો. રણજિત વહેતી નદીમાં પગ બોળીને કલાકો સુધી બેસી રહેતા. કૅફેમાં શિઝુકા નામની એક પહાડી કૂતરી. શેરા અને શિઝુકા પહાડોમાં ફરતાં. માણિક એ બન્ને સાથે રમ્યા કરતો. રણજિતની થાકેલી આંખો આ જોઈને થોડો ઉજાસ એકઠો કરતી.

આજે રોજ કરતાં વધારે મોડું થયું ત્યારે રણજિતને સમજાયું કે હવે હાંફ ચડે છે. થાક વધે છે. ધાર્યા કરતાં નક્કી કરેલાં સ્થળોએ મોડું પહોંચાય છે. ચાવી ફેરવી તાળું ખોલ્યું અને શેરા દોડીને ડ્રૉઇંગરૂમમાં પોતાના હૂંફાળા ખૂણામાં ગોઠવાયો. રણજિતે બત્તીની સ્વિચ ઑન કરી. ધીમા પગલે ઓરડામાં ટેબલની બાજુમાં મૂકેલી નેતરની ખુરશી પર બેઠા. થોડી નબળાઈ જેવું લાગ્યું. કૅફેના માલિક માણિકે ખાસ આપેલી ખાટીમીઠી ચૉકલેટ્સ ટેબલ પર પડી હતી. શરીરમાં શુગર ઓછી થઈ હોય એવું લાગ્યું. પરસેવો વળ્યો. તેમણે સ્વેટર ઉતાર્યું અને ચૉકલેટ મોઢામાં મૂકી. ખાટોમીઠો સ્વાદ મોઢામાં છલકાયો. થોડું સારું લાગ્યું. અચાનક તેમનું ધ્યાન ચાર્જિંગમાં મુકાયેલા ફોન તરફ ગયું. ઓહ, આજે તે ફોન ભૂલીને ઘરની બહાર નીકળી ગયા હતા. આખો દિવસ તેમને પોતાનો ફોન કેમ યાદ નહીં આવ્યો હોય? આવું વિચારતાં તેમણે ફોન હાથમાં લીધો. મોબાઇલ સ્ક્રીન પર નજર સ્થિર થઈ. અજવાળાને આંખોમાં સ્થિર થતાં થોડી વાર લાગી. સ્ક્રીન પર નામ વાંચ્યું : અનિકા. ગઈ મોડી રાતે વાંચવાનો બાકી રહી ગયેલો અનિકાનો વૉટ્સઍપ મેસેજ અનસીન હતો.

કલ્યાણીના તેર મિસ્ડ કૉલ્સ હતા!

કલ્યાણીએ એકસામટા કરેલા વૉટ્સઍપ મેસેજિસ અનસીન હતા. પહેલાં શું વાંચવું એ નક્કી કરવા તેમણે મોબાઇલ સ્ક્રીનનું લૉક ખોલ્યું. અનાયાસ અનિકાનો મેસેજ પહેલો દેખાયો.

 તેમણે મેસેજ પર ટેરવું ટચ કર્યું અને અનિકાનો મેસેજ ખૂલ્યો.

વાંચ્યો... ફરી વાર વાંચ્યો.

ફરી એક વખત વાંચ્યો.

‘ડિયર બાબા અને મા, જીવનના ત્રીજા દાયકામાં પ્રવેશી રહી છું. આ મેસેજ સવારે તમે વાંચશો ત્યારે હું ત્રીસ વર્ષની થઈ ચૂકી હોઈશ. મારે એક કન્ફેશન કરવું છે. તમારા માટે નહીં, મારા પોતાના માટે. ખબર નહીં આ સજા આટલાં વર્ષો સુધી હું મને કેમ આપી રહી હતી, પણ હવે નહીં. હું પ્રેમમાં છું પણ હું જેને પ્રેમ કરું છું એ કોઈ છોકરો નહીં, એક છોકરી છે. મને છોકરાઓ નથી ગમતા! તમને ગમે કે ન ગમે, પણ આ હું છું. આ ક્ષણે આપણી વચ્ચેથી શું બદલાઈ ગયું કે બદલાઈ જશે એની મને ખબર નથી. પાછું વળીને જોઉં છું તો સમજાય છે કે આપણા ત્રણ વચ્ચે તૂટવા માટેય હોવો જોઈએ એવો સંબંધ પણ ક્યાં છે?’

રણજિતને લખાયેલી વાત સમજતાં વાર લાગી. ચશ્માંના લેન્સ સાફ કરીને ફરી એક વખત વાંચ્યું પણ જાણે લખાયેલા શબ્દો સાથે તે જાતને રિલેટ નહોતા કરી શકતા.

તેમણે હવે કલ્યાણીના મેસેજિસ વાંચ્યા. ફરી-ફરી વાંચ્યા.

 ને અચાનક કલ્યાણીનો ફોન આવ્યો.

પહેલી રિંગે રણજિતે કૉલ રિસીવ કર્યો અને કલ્યાણી ચોધાર આંસુએ રડી પડી,

‘તું ક્યાં છે રણજિત? તને કેટલા કૉલ કર્યા? કઈ દુનિયામાં જીવે છે? અનિકાનો મેસેજ વાંચ્યો? આપણે બરબાદ થઈ ગયા રણજિત. હું શું કરીશ? સમાજને શું જવાબ આપીશું? આપણે તેનું શું બગાડ્યું હતું? આઇ નીડ યૉર હેલ્પ રણજિત... તું સાંભળે છેને? પ્લીઝ રિપ્લાય આપ.’

હિબકે ચડેલી કલ્યાણી એકધારી બોલી રહી હતી. બારી બહાર અંધારામાં મેજર રણજિત કશું ફંફોસી રહ્યા છે.

અનિકાએ લખેલા મેસેજમાં અનિકાનો અવાજ સંભળાતો નહોતો........અને કલ્યાણીના અવાજમાં અક્ષરો વંચાતા નહોતા!

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

18 May, 2025 08:50 AM IST | Mumbai | Raam Mori

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK