Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પાકિસ્તાનમાં ફરી એક વાર જિધર દેખો ફૌજન હી ફૌજન

પાકિસ્તાનમાં ફરી એક વાર જિધર દેખો ફૌજન હી ફૌજન

21 May, 2023 01:20 PM IST | Mumbai
Raj Goswami

પાકિસ્તાનમાં એ પણ પહેલી વાર થયું કે સેના કોઈની સામે ઝૂકી હોય. ઇમરાન ખાનને છોડવા પડ્યા એ સાબિતી છે કે શાહબાઝ શરીફની સરકાર અને સેનાની તાત્પૂરતી હાર થઈ છે. જોકે આ મામલો અટકવાનો નથી.

પ્રતીકાત્મક તસવીર

ક્રૉસલાઇન

પ્રતીકાત્મક તસવીર


પાકિસ્તાનમાં એ પણ પહેલી વાર થયું કે સેના કોઈની સામે ઝૂકી હોય. ઇમરાન ખાનને છોડવા પડ્યા એ સાબિતી છે કે શાહબાઝ શરીફની સરકાર અને સેનાની તાત્પૂરતી હાર થઈ છે. જોકે આ મામલો અટકવાનો નથી. સેનાએ એક બયાનમાં ધમકી આપી છે કે સેનાને નિશાન બનાવતા લોકો સામે સંયમ રાખવામાં નહીં આવે

પાકિસ્તાન ભારત માટે કાયમ સારા કે ખોટા સમાચારનો વિષય રહ્યું છે. મોસ્ટલી ખોટા. એને તમે માથાનો દુખાવો પણ કહી શકો. સિયામીઝ ટ‍્‌િવન્સને ઑપરેશન કરીને અલગ કરેલાં હોય એટલે તેમની નરમ-ગરમ તબિયત એકબીજાને અસર કરતી રહે. સામાન્ય રીતે પાકિસ્તાનને નુકસાન કરે એવા સમાચારો આપણે ત્યાં ખુશી પેદા કરતા હોય છે, પરંતુ લાગણીઓની સંકુચિતતામાંથી બહાર નીકળીને જોઈએ તો પાકિસ્તાન અસ્થિર થાય એ કોઈ રીતે ભારત માટે ખુશીના સમાચાર નથી. એ પણ એવા સમયે જ્યારે એની આર્થિક સ્થિતિ સારી નથી, બેરોજગારી ચરમસીમાએ છે અને પાડોશી અફઘાનિસ્તાનની સરહદ સળગેલી છે.



ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ૧૯૯૦માં તેમની લાહોર બસયાત્રા વખતે ત્યાંની વિઝિટર્સ બુકમાં લખ્યું હતું, ‘એક સ્થિર, સુરક્ષિત અને સમૃદ્ધ પાકિસ્તાન ભારતના હિતમાં છે. પાકિસ્તાનમાં કોઈને પણ શંકા ન હોવી જોઈએ. ભારત ઈમાનદારીપૂર્વક પાકિસ્તાનનું ભલું ચાહે છે.’ ગુજરાતીમાં કહેવત છે કે ઘરનો બળ્યો ગામ બાળે. પાકિસ્તાન તાકાતવર ન બનવું જોઈએ, પણ એની અસ્થિરતા ભારત માટે ઇચ્છનીય નથી, કારણ કે એની સેના જે રીતે જમ્મુ-કાશ્મીરમાં પોતાની ટાંગ અડાવે છે એ જોતાં ઘરઆંગણે કોઈ મુસીબત ઊભી થાય તો સહજ રીતે જ સરહદ પર સળી થાય. ત્યાં આશરો લઈ રહેલું આતંકી નેટવર્ક પણ ઘરની અસ્થિરતાનો લાભ લઈને ભારત તરફ વધુ સક્રિય થઈ જાય.


એ દૃષ્ટિએ પાકિસ્તાનમાંથી હમણાં જે સમાચાર આવી રહ્યા છે એ ઘણા ગંભીર છે. પાકિસ્તાનમાં પહેલી વાર દેશનો એક મોટો વર્ગ સેનાની વિરુદ્ધ થઈ ગયો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ભ્રષ્ટાચારના મામલે થયેલી ધરપકડના પગલે સરકાર, ન્યાયતંત્ર અને સેનામાં ઊભી તિરાડો પડી છે. ધરપકડને પગલે ઉશ્કેરાયેલા ઇમરાન ખાનના સમર્થકોએ રાવલપિંડીસ્થિત સેનાના વડા મથક પર હુમલો બોલાવી દીધો હતો. કોર કમાન્ડર નિવાસમાં તોડફોડ કરવામાં આવી હતી. યુદ્ધ-સ્મારકોને પણ તોડવામાં આવ્યાં હતાં.

પાકિસ્તાનમાં એ પણ પહેલી વાર થયું કે સેના કોઈની સામે ઝૂકી હોય. ઇમરાન ખાનને છોડવા પડ્યા એ સાબિતી છે કે શાહબાઝ શરીફની સરકાર અને સેનાની તાત્પૂરતી હાર થઈ છે. જોકે આ મામલો અટકવાનો નથી. સેનાએ એક બયાનમાં ધમકી આપી છે કે સેનાને નિશાન બનાવતા લોકો સામે સંયમ રાખવામાં નહીં આવે.


પાકિસ્તાનની સંસદે સોમવારે એક પ્રસ્તાવ કરીને પાંચ સભ્યોની એક કમિટી બનવાનું નક્કી કર્યું છે. આ કમિટી ઇમરાન ખાનને જમીન આપનારા ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયલ સામે સુપ્રીમ જુડિશ્યલ કાઉન્સિલમાં ફરિયાદ નોંધાવશે. ઇમરાન ખાને સુપ્રીમ કોર્ટ અને બંધારણની પવિત્રતાની રક્ષા કરવા માટે નાગરિકોને આગળ આવવા આહવાન કર્યું છે. બીજી બાજુ સરકારતરફી પાર્ટીઓના સમર્થકો ઇમરાન ખાનને જામીન આપવાના વિરોધમાં મંગળવારે સડકો પર ઊતર્યા હતા.

ઇમરાન ખાનની પત્ની બુશરા બીબી જેમાં સંચાલક છે એ અલ-કાદિર યુનિવર્સિટી ટ્રસ્ટમાં ભ્રષ્ટાચારના આરોપમાં ઇમરાન ખાન અને તેમનાં પત્નીની નૅશનલ અકાઉન્ટિબિલિટી બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જેના પગલે તેમના સમર્થકોએ તોફાન કરીને સેનાને નિશાન બનાવી હતી.

પાકિસ્તાનમાં કોઈ ભૂતપૂર્વ વડા પ્રધાનની ધરપકડ થઈ હોય એવો આ પહેલો કિસ્સો નથી. અગાઉ ચાર વડા પ્રધાનોમાં નવાઝ શરીફ, બેનઝીર ભુટ્ટો, યુસુફ રઝા ગિલાની અને શાહિદ ખાકાન અબ્બાસીનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં રાજકીય ધરપકડો વિવાદાસ્પદ રહી છે અને એવો આરોપ લાગતો રહ્યો છે કે જે-તે સમયની સરકાર અને એમાં બેઠેલા માણસો તેમના રાજકીય હરીફોના વિરોધ અને અસહમતીનો અવાજ બંધ કરવા માટે ધરપકડ અને જેલવાસનું શસ્ત્ર વાપરે છે. વર્ષો જૂની આ ‘પરંપરા’માં આમ લોકો મૌન જ રહ્યા છે, પરંતુ ઇમરાન ખાનના કિસ્સામાં પહેલી વાર લોકોએ સેનાના જનરલ હેડ ક્વૉર્ટર તેમ જ સ્થાનિક કમાન્ડરનાં ઠેકાણાં પર હુમલો કર્યો છે.

આ અસાધારણ બાબત છે. પાકિસ્તાનમાં સેનાનો તગડો રુઆબ છે. લોકોમાં પણ એના પ્રત્યે ઘણો આદર છે. પાકિસ્તાનમાં સામાન્ય લોકોમાં એવી માન્યતા છે કે તેમના દેશના રાજકારણીઓ ભ્રષ્ટ અને નાલાયક છે અને માત્ર સેના જ એની નિષ્ઠાથી દેશને સંભાળી રહી છે.

કંઈક અંશે સેના પણ એવું જ માને છે. પાકિસ્તાનનો જન્મ અત્યંત અસ્થિર રાજકારણ વચ્ચે થયો હતો અને નવો-નવો દેશ ઊભા થતાં પહેલાં જ ફસડાઈ ન પડે એ માટે સેનાએ દેશના વહીવટમાં રસ લેવાનું શરૂ કર્યું હતું. હવે તો સ્થિતિ એવી છે કે પાકિસ્તાનમાં સેનાની સંમતિ વગર પાંદડું પણ હાલતું નથી. એવા સમયમાં લોકો સેના પર તેમનો ગુસ્સો ઉતારે એ ચિંતાનો વિષય કહેવાય. એના પરથી એ પણ સાબિત થાય છે કે લોકોમાં પહેલી વાર એ ભાન આવી રહ્યું છે કે તેમના દેશની હાલત માટે રાજકારણીઓની સાથે સેના પર એટલી જ જવાબદાર છે.

ભલે એ ઇમરાન ખાનની પાર્ટીના કાર્યકરો હોય, સેનાની જગ્યાઓ ક્યારેય નિશાન બની નથી. એનું બીજું કારણ એ પણ છે કે ઇમરાન ખાન પાકિસ્તાનની રાજનીતિમાં સેનાની દખલઅંદાજી સામે ખુલ્લેઆમ બોલતા રહ્યા છે. જોવા જેવું એ છે કે સેનાએ જ તેમને વડા પ્રધાન બનાવ્યા હતા. તેમની પાર્ટીને બહુમતી મળી નહોતી, પરંતુ સેનાએ એવી ગોઠવણ કરી હતી કે નાના-નાના પક્ષોનો તેમને ટેકો મળે. પાછળથી જોકે સેના સાથે તેમના મતભેદ વધી ગયા હતા અને એમાં જ સત્તામાંથી જવું પડ્યું હતું.

લોકોને સેના સામે ભડકાવીને ઇમરાને એક રીતે સેના સામે પડકાર જ ફેંક્યો છે. આગામી દિવસોમાં સેના કેવું વલણ અખત્યાર કરે છે એના પર આ અસ્થિરતા કઈ દિશામાં જાય છે એનો આધાર છે. અમુક લોકો તો એવી આગાહી કરી રહ્યા છે કે આ ગરબડ લાંબી ચાલી તો સેના પોતે જ દેશનો વહીવટ હાથમાં લઈ લેશે. એવું કરવા માટે એણે ઇમરાન ખાનને નિષ્ક્રિય કરવા પડે. ઇમરાનનો આરોપ છે સેના તેમને દસ વર્ષ સુધી જેલમાં રાખવાનું અને તેમની પાર્ટી ‘પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ’ને પ્રતિબંધિત કરવાનું ષડયંત્ર બનાવી રહી છે.

ભારતના વરિષ્ઠ સુરક્ષા નિષ્ણાત પ્રવીણ સ્વામી કહે છે, ‘૧૯૫૮માં પહેલી વાર બળવો કરીને સત્તાનું લોહી ચાખી ગયેલી પાકિસ્તાની સેનાએ પચાસ વર્ષમાં રાજકારણ, બિઝનેસ અને વૈશ્વિક બાબતોમાં પોતાનું વર્ચસ સ્થાપ્યું છે. ઇમરાન ખાન અને તેમની પાર્ટીએ પહેલી વાર એને પડકાર કર્યો છે. વર્તમાન સેના-અધ્યક્ષ અસિમ મુનિર અને ભૂતપૂર્વ વડા પ્રધાન વચ્ચેનો આ સંઘર્ષ જલદીથી ઠંડો પડે એમ નથી.’

પ્રવીણ સ્વામીનું માનવું છે કે (ઇમરાનની પાર્ટીના) પંજાબીઓ સામે સેનાના પશ્તુન સૈનિકોની લડાઈનો વિચાર સારો નથી. પાકિસ્તાની સેનાના ત્રણ પ્રમુખ કમાન્ડર્સ લેફ્ટનન્ટ જનરલ આસિફ ગફૂર, લેફ્ટનન્ટ જનરલ સાકિબ મેહમૂદ અને જૉઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ કમિટીના જનરલ સાહિર શમશાદે જનરલ આસિફ સમક્ષ આ ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકા પરના હુમલા પછી સેના એની અમુક રૅન્કમાં જેહાદી ભાવનાને રોકવા મથી રહી છે. એમાં જો રાજકીય કાર્યકરો સાથે ટકરાવ થાય તો જેહાદી તત્ત્વોને ઉત્તેજન મળે એમ છે.

ભારતમાં લોકો એવો સંતોષ લઈ શકે કે એની રાજકીય ઊથલપાથલ અને આર્થિક સંકટને કારણે પાકિસ્તાન પોતાનામાં જ એટલું ગૂંચવાયેલું રહેશે કે એની પાસે સીમા પાર જોવાનો ન તો સમય હશે કે ન તો તાકાત. સાવ એવું પણ નથી. એની સેના તગડી અને અનુભવી છે. સેનાની પાસે આંતરિક અને સીમાઓ પારનાં સંકટોનો સામનો કરવાનો અનુભવ છે. એ અફઘાનિસ્તાન અને કાશ્મીરના આતંકવાદીઓને આટલાં વર્ષોથી તમામ પ્રકારની મદદ કરતી આવી છે અને એના બળે જ એ ખુદનું અસ્તિત્વ ટકાવતી રહી છે. આતંકી જૂથો અને સેના એકબીજાની સંકટ સમયની સાંકળ છે. જરૂર પડે તેઓ એકબીજાને ખેંચતા રહે છે.

૧૯૫૮માં પાકિસ્તાનના તત્કાલીન સેના-અધ્યક્ષ જનરલ અયુબ ખાને તખ્તાપલટ કરીને પહેલી વાર સેનાને સત્તાની ખુરશીમાં બેસાડી હતી. ત્યારે ઉસ્તાદ દમન નામના એક પંજાબી કવિએ એની મજાક ઉડાવતાં લખ્યું હતું, ‘મેરે મુલ્ક દિયા મૌજન હી મૌજન, જિધર દેખો ફૌજન હી ફૌજન (મારો દેશ મજામાં છે, જ્યાં જુઓ ત્યાં ફૌજ છે).’ કવિની આ મશ્કરી સમય-સમય પર પાકિસ્તાનમાં સાચી પડતી આવી છે. પાકિસ્તાની સેના દેશના આંતરિક કીચડમાં એટલી લબદાયેલી છે કે એ જેટલી વાર બહાર નીકળવાનો પ્રયાસ કરે છે એટલી વાર વધુ ને વધુ અંદર ઊતરતી જાય છે.

ઇમરાન ખાનને લઈને સેના સામે ફરી એક વાર કોયડો ઊભો થયો છે : બાકીના લોકતાંત્રિક દેશોની પ્રોફેશનલ સેનાઓની જેમ ખાલી સરહદના વહીવટ પર જ ધ્યાન આપવું કે પછી દેશના વહીવટીને હાથમાં લઈ લેવો?

લાસ્ટ લાઇન

લોકશાહી એક એવી વ્યવસ્થા છે જેમાં લોકોનું વજન કરવામાં નથી આવતું, તેમની સંખ્યા ગણવામાં આવે છે. : ડૉ. અલામા મોહમ્મદ ઇકબાલ

Whatsapp-channel Whatsapp-channel

21 May, 2023 01:20 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK