° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


શું ખરેખર ટીચર્સ સ્ટુડન્ટ્સથી ડરે છે?

15 October, 2021 06:42 PM IST | Mumbai | Bhavini Lodaya

એક સમયે એવું કહેવાતું કે સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ. જોકે હવે વાત અવળી થઈ ગઈ છે. સાચી વાત માટે પણ વિદ્યાર્થીને ટોકવાનું હોય તો ટીચરે બે વાર વિચારવું પડે. સહેજ મોટા અવાજે કહેવાઈ જાય તો તરત પેરન્ટ્સના કાન ઊંચા થઈ જાય છે. શું આ વલણ સાચું છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

સ્કૂલો શરૂ થઈ ચૂકી છે. વૅક્સિનના શીલ્ડ વિના સ્કૂલો ચાલુ થઈ છે ત્યારે બીજી અનેક ચૅલેન્જિસ મોં ફાડીને ઊભી છે. એવામાં સ્ટુડન્ટ-ટીચરના અત્યંત વિચિત્ર સમાચારો આવી રહ્યા છે. માસ્કના મામલે વિદ્યાર્થીને ટોકનારા એક ટીચરને સ્ટુડન્ટના પેરન્ટે બધાની વચ્ચે ખખડાવી નાખ્યા. બીજી તરફ પખવાડિયા પહેલાં દિલ્હીની ગવર્નમેન્ટ બૉય્ઝ સિનિયર સેકન્ડરી સ્કૂલના અગિયારમા ધોરણના સ્ટુડન્ટે ટીચરને લોખંડના સળિયાથી એટલું માર્યા કે ટીચરને હૉસ્પિટલાઇઝ કરવા પડ્યા. આવા સમાચારો કંઈ પહેલી વાર સાંભળવા નથી મળ્યા. શિક્ષક માટે જે માનસન્માન પહેલાં હતું એમાં હવે બદલાવ આવી રહ્યો છે. પહેલાંની જેમ શિક્ષક-વિદ્યાર્થીની વચ્ચે હવે ગુરુ-શિષ્ય જેવા સંબંધો નથી રહ્યા. વાલીઓ બાળકોને ભણવા મોકલે છે, પણ શિક્ષકો તેમને સાચું કહેતાં સંકોચાય છે. ‘સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ધમધમ...’ આજથી બે દાયકા પહેલાં ઘરે-ઘરે પેરન્ટ્સ અને ટીચરોના મોઢેથી આ વાત ખૂબ સાંભળવા મળતી.

વિદ્યાર્થીઓ પણ માસ્તરને એટલા રિસ્પેક્ટથી જોતા કે તેમના તરફથી મળેલી આકરી સજાને પણ પૉઝિટિવિટી સાથે અપનાવી લેતા. જેમ-જેમ સમય બદલાતો ગયો મૉડર્ન સમાજમાં સ્કૂલોમાં કૉન્વેન્ટ અને ઇન્ટરનૅશનલ ભણતર આવ્યું ત્યાર પછી પેરન્ટ્સ-ટીચરો પ્રત્યેનો તેમનો અભિગમ બદલાતો ગયો, જેના કારણે બાળકોનો ટીચરો પ્રત્યેનો ડર ધીરે-ધીરે નાબૂદ થવા લાગ્યો છે અને નીડર બનતાં બાળકો સામે ટીચર્સ ડરવા લાગ્યા છે. કૅનેડાની રાયસેન યુનિવર્સિટી દ્વારા પબ્લિશ થયેલા સ્ટડીમાં તો એ હદે કહેવાયું છે કે હાલના શિક્ષકો વિદ્યાર્થીઓને શીખવાડતી વખતે ક્લાસરૂમમાં માનસિક રીતે ભયભીત હોય છે. આ વાતમાં કેટલું તથ્ય છે? ક્યાંક આ કારણોને લીધે બાળકોના ઘડતર પર અવળી અસર તો નહીં થાયને? આ સવાલોના જવાબ આજે આપણે ઇન્ટરનૅશનલ સ્કૂલના ટીચરો પાસેથી તેમના અભિપ્રાયો દ્વારા જાણીશું.

ભણતર એટલે પ્રોડક્ટ

ભણતર હવે શિક્ષા નહીં પણ પ્રોડક્ટ બની ગયું છે એમ કહેનારા સાંતાક્રુઝ ઇન્ટરનૅશનલ સ્કૂલનાં ટીચર ઉષ્મા ફડિયા કહે છે, ‘સ્કૂલમાં ભણવા માટે મોકલાવનાર પેરન્ટ્સને એમ લાગતું હોય છે કે આટલી બધી ફીઝ ભરીએ છીએ એટલે અમને બેસ્ટ સર્વિસ મળવી જોઈએ. પેરન્ટ્સ અને ટીચરનો સંબંધ હવે કસ્ટમર અને બિઝનેસ જેવો થઈ ગયો છે. તેમને લાગે છે કે અમે બાળકોને મોકલાવીએ છીએ મતલબ તમે અમારા માટે કામ કરો છો. આજે ઠેકઠેકાણે વધતી સ્કૂલોને કારણે પણ ઘણાબધા ઑપ્શન્સ ખુલ્લા છે. આ ઍટિટ્યુડ સાથે જ્યારે પેરન્ટ્સ બાળકને સ્કૂલમાં મોકલાવે છે તો ઑટોમૅટિકલી બાળકોનો ટીચર પ્રત્યે રિસ્પેક્ટ ઓછો જ હોય છે. સરકાર તરફથી બાળકોને ન મારવાનો નિયમ ખૂબ સમજીને લેવાયો છે. એનો અર્થ એ છે કે છોકરાઓ સાથે સમજણથી વધુ કામ લેવાનું છે, પરંતુ જો તેને તેની ભૂલોને સુધારવા ક્યારેક ઠપકો આપવો પડે તો એને સારા અર્થમાં લેવું જોઈએ. પણ વધુપડતાં લાડવાળા ઉછેરને કારણે ઘણાં બાળકોને નાનકડો ઠપકો પણ  ખૂબ મોટો લાગે છે અને તે ઘરે જઈને જ્યારે ફરિયાદ કરે છે ત્યારે ઘણા વાલીઓ પણ તેની ફરિયાદને સાંભળીને તરત જ શિક્ષકો સામે નેગેટિવ પ્રતિક્રિયા બતાવે છે. બાળકોને પેરન્ટ્સ તરફથી સપોર્ટ મળે છે અને તેઓ મેઇલ કરીને ટીચરોની ફરિયાદ કરે અથવા ઘણી વાર બાળકની સામે જ ટીચરને ઠપકો આપતા હોય છે.

બાળકોનું ઘડતર

પેરન્ટ્સનું ટીચર પ્રત્યેનું નેગેટિવ વલણ બાળકના ઈગોને વધુ પ્રોત્સાહિત કરે છે એવું કહેનાર ઉષ્મા ફડિયા કહે છે, ‘ટેમ્પરરી ઇગો જળવાતાં બાળકોનું ઘડતર થવું જોઈએ એવું નથી થતું અને આગળ જઈને તેનો અહમ્ મોટો થતો જાય છે અને એ વ્યવહારિક જગતમાં જ્યારે કામકાજના ક્ષેત્રમાં આગળ વધે ત્યારે ડીલ કરવું ખૂબ જ અઘરું થઈ જતું હોય છે અને કદાચ એ બહારના લોકો સાથે પોતાને ઍડ્જસ્ટ કરી પણ લે પરંતુ પોતાનો ઈગો સંતોષવા તે ઘરના લોકો સાથે ગેરવર્તન કરતું જ હોય છે. એટલે હું તમામ પેરન્ટ્સને કહીશ કે જેટલો વિશ્વાસ તમે ટીચરોને આપશો એટલું જ પૉઝિટિવ વલણ તમારાં બાળકોની માનસિકતામાં આવશે. ખોટાં વખાણ કર્યા વગર ટીચરો તમારા બાળક વિશે સાચો અભિપ્રાય આપી શકશે જેનાથી બચપણથી જ ફેલ અને પાસ બન્નેને પચાવવાની ક્ષમતા તેનામાં આવશે.’

ઑનલાઇન ક્લાસમાં કૅરફુલ

ઑનલાઇન ક્લાસિસમાં પણ ખૂબ જ કૅરફુલ રહેવું પડે છે એમ કહેનાર મુંબઈ ઇન્ટરનૅશનલ સ્કૂલના ટીચર ચંદન ગાલા કહે છે, ‘અમારી બૉડી લૅન્ગ્વેજ, આઇ-કૉન્ટૅક્ટ અને  સ્ટાઇલ એ બધું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અમે તેમની સાથે ચાલી રહ્યા છીએ. બાળકો અને ટીચર અમે બધા હવે એક જ ફેઝ પર છીએ. અમે ભણાવીએ છીએ સાથે-સાથે બાળકોએ ગૂગલ, યુટ્યુબ અને સોશ્યલ મીડિયામાં જોયેલી વાતોના આધારે તેમનો પોતાનો ‍અભિપ્રાય હોય છે. પરંતુ બાળકોની મેળવેલી એક માહિતીના અનેક વાસ્તવિક દૃષ્ટિકોણ હોય છે એ સમજાવવા માટે જીવતું અનુભવી ગૂગલ એટલે કે ટીચરની જવાબદારી બમણી હોય છે.’

રિજેક્શનનું પરિણામ

વર્ચ્યુઅલ પ્લૅટફૉર્મ પર જ્યારે પર્સનલ ટચ નથી રહ્યો ત્યારે સ્ટુડન્ટ્સ સાથે ડીલ કરવાનું અઘરું થઈ ગયું હતું એની વાત કરતાં ચંદન ગાલા કહે છે, ‘હમણાંના વર્ચ્યુઅલ પ્લૅટફૉર્મ પર ઑનલાઇન ક્લાસિસમાં તો બોર્ડિંગ મિસિંગને કારણે પણ બાળકો પહેલેથી જ શું વિચારે છે એ જાણવા મળતું નથી. તેની સાથે વાત કરતાં પહેલાં વિચારવું પડે છે કે ક્યાંક એ નારાજ તો નહીં થાયને! આજનાં બાળકોને ‘ના’ શબ્દ સાંભળવો બિલકુલ પસંદ નથી. પેરન્ટ્સ પાસેથી ‘હા’ સાંભળવાની આદતને કારણે ‘ના’ સાંભળવાથી તેમનો ઈગો હર્ટ થાય છે. ટીચરે તેમની માનસિકતા સમજી તેમને ખૂબ જ ઠંડા મગજે શીખવાડવું પડે છે. બાળપણ સુધી ‘હા’ સાંભળવાની આદત તેમને ખુશ કરશે પણ એ જ બાળક જ્યારે મોટો થશે ત્યારે તેને પ્રૅક્ટિકલ વર્લ્ડમાં ઘણીબધી ચૅલેન્જનો સામનો કરવો પડશે અને ત્યારે સાંભળવામાં આવનારી ‘ના’ તેમના માટે નિરાશાનું કારણ બનશે. એનાથી તેને ડિપ્રેશન અને સ્ટ્રેસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે અને રિજેક્શનના ડરથી ઘણા લોકોને સુસાઇડ કરતા પણ  આપણે સાંભળતા જ હોઈએ છીએ. મારે દરેક પેરન્ટને કહેવું છે કે નાનપણમાં જ તેમને નાની-નાની વાતોમાં ‘હા’ સાથે ક્યારેક ‘ના’  સાંભળવાની આદત પણ કેળવો. દરેક વખતે ખોટું વેરી ગુડ કહેવું પણ તેના માટે હાનિકારક છે. એટલે એપ્રિશિએશન સાથે ક્યારેક રિજેક્શનથી શીખવા મળતા ભૂલો સુધારવાના મહત્ત્વને પણ પ્રૅક્ટિકલી બતાડો જેથી ટીચરો પણ બાળકોના ભવિષ્યમાં બેસ્ટ યોગદાન આપી શકે.’

કૅનેડાની રાયસેન યુનિવર્સિટી દ્વારા પબ્લિશ થયેલા સ્ટડીમાં તો એ હદે કહેવાયું છે કે હાલના શિક્ષકો વિદ્યાર્થીઓને શીખવાડતી વખતે ક્લાસરૂમમાં માનસિક રીતે ભયભીત હોય છે. આ વાતમાં કેટલું તથ્ય છે?

15 October, 2021 06:42 PM IST | Mumbai | Bhavini Lodaya

અન્ય લેખો

માંગ ભરો સજની

લગ્નવિધિ સાથે જોડાયેલા રીતરિવાજોમાં પરિવર્તનનો જે પવન ફૂંકાયો છે એ બાબતે મૅરિડ, અનમૅરિડ અને એન્ગેજ્ડ પુરુષો સાથે વાત કરી ત્યારે શું જવાબ મળ્યો જોઈ લો

29 November, 2021 04:54 IST | Mumbai | Varsha Chitaliya

ક્લાઇમેટ અને ક્લાઇમૅક્સ:સમય આવી ગયો છે નેચરના રસ્તે ચાલવાનો,કુદરતનો સંગાથ લેવાનો

રિયલિટી એ છે કે આસામમાં આવું જ બન્યું હતું. હાથીની અવરજવરની જગ્યામાં જે ખેતર હતાં એ ખેતરના પાકને નુકસાન થતું હોવાથી લોકોએ હાથીની અવરજવર બંધ કરી દીધી, જેને લીધે બન્યું એવું કે હાથીઓનું ઝુંડ ગામમાં નુકસાન કરવા માંડ્યું.

29 November, 2021 11:25 IST | Mumbai | Manoj Joshi

માઇન્ડને કાબૂમાં રાખવા માટે પણ વર્કઆઉટ બહુ મહત્ત્વનું છે

‘રાધાક્રિષ્ન’, ‘હીરો - ગાયબ મોડ ઑન’થી લઈને અત્યારે એન્ડ ટીવીની સિરિયલ ‘બાલ શિવ’માં જોવા મળતો ક્રિપ સૂરિ વર્કઆઉટ ઉપરાંત દરરોજ પચ્ચીસ કિલોમીટરનું સાઇક્લિંગ કરે છે. ક્રિપ માને છે કે જો માઇન્ડ તમારા કન્ટ્રોલમાં હોય તો તમને ક્યારેય થાક સુધ્ધાં ન લાગે

29 November, 2021 09:19 IST | Mumbai | Rashmin Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK