કૅમ્પસમાં સાતેક દાયકાથી ચંદ્રમૌલેશ્વર શંકર ભગવાનનું મંદિર છે એની બહુ ઓછા લોકોને જાણકારી છે : કનૈયાલાલ મુનશી દ્વારા ગુજરાતથી લાવવામાં આવેલા સ્વયંભૂ શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કાંચીપુરમના શંકરાચાર્યએ કરી હતી
કૅમ્પસમાં સાતેક દાયકાથી ચંદ્રમૌલેશ્વર શંકર ભગવાનનું મંદિર છે એની બહુ ઓછા લોકોને જાણકારી છે
મહાન વાર્તાકાર, ઇતિહાસકાર, રાજનેતા, આઝાદીના લડવૈયા અને બંધારણના ઘડવૈયા કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ૧૯૩૭માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી. દેશ-વિદેશમાં ભારતીય વિદ્યા ભવનની ૩૨૦ શાખા છે અને એમાંથી સૌથી મુખ્ય અને મોટી છે અંધેરીની શાખા. અંધેરીના આ ભારતીય વિદ્યા ભવનમાં એસ. પી. જૈન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ ઍન્ડ રિસર્ચ, સરદાર પટેલ કૉલેજ ઑફ એન્જિનિયરિંગ, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી, ભવન્સ આર્ટસ, સાયન્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, એ. એચ. વાડિયા હાઈ સ્કૂલ આવેલાં છે. આ ઉપરાંત અહીંના કૅમ્પસમાં છે ચંદ્ર મૌલેશ્વર શંકર ભગવાનનું મંદિર, જેની ઘણા લોકોને ખબર નથી. કહેવાય છે કે આ મંદિરની અંદર મૂકવામાં આવેલું શિવલિંગ સ્વયંભૂ છે. આ સ્વયંભૂ શિવલિંગને કનૈયાલાલ મુનશી પોતે ભરૂચની નજીકથી મુંબઈ લઈ આવ્યા અને વિક્રમ સંવત ૨૦૧૨માં મંદિરનો શિલાન્યાસ એ સમયના મુંબાપુરીના રાજ્યપાલના હસ્તે કરવામાં આવ્યો હતો, જે વાતને આજે દાયકાઓ વીતી ગયા છે.
ADVERTISEMENT
કૅમ્પસમાં મંદિર કેમ?
પૂજારી આચાર્ય રામવિશ્વાસ દ્વિવેદી
અહીંનું કૅમ્પસ ખાસ્સુંએવું મોટું છે, ૬૦ એકરમાં પથરાયેલું છે. જે લોકો અહીં ભણ્યા છે તેમને અહીંના કૅમ્પસના વિસ્તાર વિશે જાણકારી હશે જ, પણ જેઓ આ કૅમ્પસમાં આવ્યા નથી તેમને જણાવી દઈએ કે અહીં વિભિન્ન કૉલેજો ઉપરાંત કલ્ચરલ સેન્ટર, નેચર ઍડ્વેન્ચર ઍક્ટિવિટી સેન્ટર, યોગ સેન્ટર, હૉસ્ટેલ, તળાવ અને સેંકડો વર્ષ જૂનું વડનું વિશાળ વૃક્ષ પણ છે. કૅમ્પસમાં ત્રણ બાજુ કૉલેજો છે અને એની વચ્ચે શિવમંદિર છે. એવું પણ કહેવામાં આવે છે કે કનૈયાલાલ મુનશી સનાતન ધર્મ ભવિષ્યમાં પણ જીવંત રહે એ માટે કાર્યશીલ રહ્યા હતા અને એટલે જ તેમને વિદ્યાના સંકુલની વચ્ચે શિવમંદિરની સ્થાપના કરવાનો વિચાર આવ્યો હતો જેથી તમામ બાળકો અભ્યાસ શરૂ કરવા પૂર્વે મંદિરમાં માથું નમાવીને જાય. કૅમ્પસમાં આવેલા શિવમંદિરમાં છેલ્લાં ૨૦ વર્ષથી પૂજારી તરીકે સેવા આપી રહેલા આચાર્ય રામવિશ્વાસ દ્વિવેદી ‘મિડ-ડે’ને કહે છે, ‘મંદિરમાં જે શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે એ ચંદ્રમૌલેશ્વર શિવલિંગ છે. અર્થાત્ આ શિવલિંગની ઉપર ચંદ્રમાના ૧૧ આકાર છે. જ્યારે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવામાં આવે છે ત્યારે આ ૧૧ આકાર સ્પષ્ટપણે જોવા મળે છે. કહેવાય છે કે આ મુનશીજીના કુળદેવ નર્મદેશ્વર શિવલિંગ છે. કનૈયાલાલ મુનશીને જ્યારે અહીંની જમીન મળી હતી ત્યારે તેમણે મંદિર બાંધવા માટે બ્રહ્મસ્થાન પસંદ કર્યું હતું. કહેવામાં આવે છે કે પીપળો, બીલીપત્ર, વડ એવાં પાંચ મુખ્ય વૃક્ષ આસપાસમાં છે. આ પંચજન્ય વૃક્ષની વચ્ચે જે મધ્ય બિંદુ હોય છે ત્યાં આ મંદિર બનાવવામાં આવેલું છે. આ વૃક્ષો નારાયણ, શિવ અને બ્રહ્માનાં માનવામાં આવે છે. જો એ એકબીજાની નજીક ચોક્કસ સ્થાને અને ચોક્કસ દિશામાં રોપાયેલાં હોય તો એમાંથી અદ્ભુત ઊર્જા બહાર નીકળે છે અને એક દિવ્ય પુંજ રચાય છે અને તેથી એ જગ્યાએ કરવામાં આવતી પૂજા ફળદાયી સાબિત થાય છે એટલે કનૈયાલાલ મુનશીએ ચંદ્રમૌલેશ્વર શિવલિંગનો આ બ્રહ્મસ્થળે સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. મંદિરનો શિલાયાન્સ એ સમયના મુંબાપુરીના રાજ્યપાલે કર્યો હતો તો શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કાંચીપુરમના શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. આટલાં વર્ષોમાં મંદિરના વિશે કૅમ્પસની બહાર વધુ લોકોને જાણકારી નથી. મંદિરમાં રોજ સવારે અને સાંજે ૭.૧૫ વાગ્યે આરતી થાય છે. શિવલિંગના દરરોજ બે વખત શણગાર કરવામાં આવે છે. શ્રાવણ મહિનાની અને સોમવારની આરતીનું અહીં વિશેષ મહત્ત્વ હોય છે. સાંજના સમયે ઢોલનગારા સાથે આરતી કરવામાં આવે છે અને ઘીના ૧૦૮ દીવાની આરતી કરવામાં આવે છે. આ શિવલિંગ પૂર્વમુખી છે અને એની પ્રતિષ્ઠા એવી રીતે કરવામાં આવી છે કે મહાશિવરાત્રિ દરમિયાન સૂર્યનાં કિરણો સીધાં શિવલિંગ પર પડે છે. જાણે સૂર્યનાં કિરણોનો શિવલિંગ પર અભિષેક થતો હોય એવું દૃશ્ય સર્જાય છે એટલું જ નહીં, અહીં પૂજારીની નિમણૂક પણ ખૂબ જ અભ્યાસ કરીને કરવામાં આવે છે. મારી અગાઉ અહીં નેપાલના પૂજારીની નિયુક્તિ કરવામાં આવી હતી. તેઓ આ મંદિરના પ્રથમ પૂજારી હતા, જેમનાં જ્ઞાન અને સંસ્કૃત ભાષા પરના પ્રભુત્વને જોઈને કનૈયાલાલ મુનશીએ પોતે તેમને પૂજારી તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યાર બાદ મને પૂજારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. મેં પણ ભારતીય વિદ્યા ભવનમાંથી આચાર્યની ડિગ્રી મેળવી છે.’
આધ્યાત્મિક વાતાવરણ
અંધેરીના ભારતીય વિદ્યા ભવનમાં ચાલતા ભવન્સ કલ્ચરલ સેન્ટરના વ્યવસ્થાપક લલિત શાહ કહે છે, ‘મંદિરની એક બાજુ કુદરતી તળાવ છે તો બીજી બાજુ લગભગ ૧૦૦ વર્ષ કરતાં પણ જૂનો વડલો છે જેને લીધે અહીંનું જ નહીં, સમગ્ર કૅમ્પસનું વાતાવરણ આધ્યાત્મિક બની ગયું છે. ભાગ્યે જ કોઈ એજ્યુકેશનલ કૅમ્પસ હશે જ્યાં મંદિર, કુદરતી તળાવ અને વિશાળ વડ હશે. ૧૯૩૯ની આસપાસના સમયમાં કનૈયાલાલ મુનશીએ આ જગ્યા લીધી હતી, પણ ત્યાર બાદ બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું જેને લીધે મંદિરનું નિર્માણકાર્ય પાછળ ધકેલાઈ ગયું હતું. સ્થિતિ થાળે પડતાંની સાથે તેમણે આ મંદિરનું બાંધકામ શરૂ કરાવી દીધું હતું. આજે આ મંદિર બનીને સાતેક દાયકા થઈ ગયા છે. આ મંદિર બંધાયું ત્યારે ભવન્સ કૅમ્પસ નજીક દરિયો ટચ થતો હતો. આજનું ડી. એન. નગર તો ત્યારે અડધું પાણીમાં જ હતું એમ કહીએ તો ચાલે. લાઇટ બધે નહોતી. વાહનવ્યવહારની પણ કોઈ ખાસ વ્યવસ્થા નહોતી એ સમયની આ વાત છે. દર સોમવારે કૅમ્પસના મંદિરમાં ખૂબ જ ભીડ થાય છે. તહેવારોમાં તો લાઇન ક્યાંની ક્યાં જાય. બહારના લોકો પણ દર્શન કરવા આવે છે. આસપાસ રહેતા હજારો ભક્તો ભેગા થાય. એટલી ગિરદી થઈ જાય કે પોલીસ બોલાવવી પડે. કૉલેજમાં ભણતાં બાળકો પણ અહીં માથું ટેકવીને જ ભણવા જાય. આરતી, ભજન, પૂજાપાઠ વગેરે બધું વર્ષોથી નિયમિત રીતે થતું રહ્યું છે. વડની નીચે શિવમંદિર હોય એનો મહિમા વધુ હોય છે એટલે વટસાવિત્રીમાં તો અહીં મોટી માત્રામાં સુહાગણ સ્ત્રીઓ પૂજા કરવા આવે છે. વિદ્યાર્થીઓ કહે છે કે અમને મંદિરના લીધે ખૂબ જ પૉઝિટિવ વાઇબ્સ આવે છે.`
સકારાત્મક ઊર્જા
ભવન્સના કલ્ચરલ સેન્ટરનાં સભ્ય પલ્લવી ભટ્ટ પાસે પણ અહીંના મંદિર વિશેની ઘણી વાતો છે. તેઓ કહે છે, ‘હું કલ્ચરલ સેન્ટરની સાથે વર્ષોથી સંકળાયેલી છું અને અઠવાડિયામાં એકબે વખત તો હું આ મંદિરની મુલાકાત લઉં જ છું. ખૂબ જ અદ્ભુત શાંતિ અને અલગ ચેતના તમને અહીં મળશે. આખા દિવસ દરમિયાન આટલી અવરજવર થતી હોવા છતાં મંદિર એકદમ સ્વચ્છ અને સુઘડ છે. અહીંના પૂજારી અને હેલ્પર પણ એટલું જ ધ્યાન રાખે છે. મંદિરની નજીક જાતજાતના છોડવા રોપીને મૅનમેડ ગાર્ડન બનાવવામાં આવેલું છે. ભવન્સના કૅમ્પસમાં વ્યવસ્થિત વૉકિંગ ટ્રૅક પણ બનાવેલા છે જ્યાં ચાલીને મંદિર ઉપરાંત આખા કૅમ્પસની સફર કરવા મળી જશે. આ મંદિર માટે કનૈયાલાલ મુનશીને ખૂબ જ લગાવ હતો. એ સમયે કનૈયાલાલ મુનશીએ કુલપતિના પત્રોમાં એક વખત લખ્યું હતું કે તેઓ જ્યારે કેદારનાથની યાત્રા કરવા ગયા હતા ત્યારે આ યાત્રા તેમના માટે ખૂબ જ કઠિન રહી હતી. એ સમયે તેમનો ચમત્કારિક બચાવ થયો હતો અને જો તેઓ ન બચ્યા હોત તો ભવન્સ એક સ્વપ્ન જ બની રહ્યું હોત. બસ, ત્યાર બાદ તેમણે અહીં શિવલિંગની સ્થાપના કરવાની મનોકામના કરી હતી. કનૈયાલાલ મુનશી દ્વારા સ્થાપિત ભારતીય વિદ્યા ભવનનાં અન્ય કૅમ્પસ અને કૉલેજ પણ છે, પણ જે માનસિક શાંતિ અને સકારાત્મક ઊર્જા અંધેરીના આ કૅમ્પસમાં મળે છે એ બીજે મળતી નથી.’

