હવે છેતરે છે ઘણી ક્રૂરતાથી, અરીસામાં સ્હેજે દયા ક્યાં રહી છે?
પ્રતીકાત્મક તસવીર
આપણી વિરાસતમાં એવી અનેક વસ્તુ-બાબત છે જે ભુલાઈ જવાની પ્રક્રિયામાં છે. શિક્ષણની બાબત લઈએ તો આંકડો શીખવા માટે પલાખા વપરાતા. રમતોમાં આપણે બુદ્ધિ કસવા ચોપાટની રમત રમતા. આંગણમાં, વગડામાં કે ખુલ્લા મેદાનમાં રમાતી બાળપણની અનેક રમતો હવે ક્યાં રહી છે. ઘણી વાર એમ લાગે કે ક્રિકેટ સિવાય જાણે કોઈ રમત છે જ નહીં. પરિવર્તનનો સ્વીકાર આવકાર્ય છે, પણ અતીતનું સૌંદર્ય ભૂંસીને આવકારીએ એ નુકસાનકારક છે. બધો વારસો મ્યુઝિયમમાં મૂકી શકાતો નથી. ડૉ. મનોજ જોશી મન કબૂલાત કરે છે...
વાંચ્યું’તું ખૂબ તક વિશે, પણ ના કળી શક્યા
પહેલી હતી તે આખરી થઈને ઊભી રહી
ADVERTISEMENT
છે ભૂલ એનું નામ! એ ભૂલ્યા’તાં આપણે
એની હતી એ આપણી થઈને ઊભી રહી
હાથથી સરી ગયેલી તક પાછી મળે એવાં ભાગ્ય બધાનાં નથી હોતાં. નિર્ણયો એ ઉંમરે લેવા પડે જ્યારે અનુભવ ઓછો હોય અને અનુમાન વધારે હોય. આવા સમયે લીધેલો નિર્ણય લાંબા ગાળાની અસર પાડે છે. ખોટા નિર્ણયને કારણે વર્ષો વેડફાઈ જાય અને સંબંધો અળપાઈ જાય. ભરત વિંઝુડા અફસોસ વ્યક્ત કરે છે...
હતી ખુશીઓ, હવે એની કામના જ રહી
રહી રહીને વધારામાં વેદના જ રહી
છબી દીવાલ ઉપર મૂકવા સિવાય નથી
કશુંય ઘરમાં ને એથી ઉપાસના જ રહી
પરાણે કરેલી પ્રીતમાં વ્યવહાર વ્યાપક હોય છે અને વહાલ વિલંબિત અવસ્થામાં ધકેલાઈ જાય છે. કેટલીક સમસ્યાઓ હાથમાં ન હોય એવા સંજોગોને કારણે ઉદ્ભવે, તો કેટલીક આપણા સ્વભાવને કારણે નિર્માણ થાય. માત્ર વ્યક્તિગત નહીં, સામાજિક સમસ્યાઓ પણ કોયડો બનીને દાયકાઓ સુધી હેરાન કરતી રહે. રઈશ મનીઆર વાસ્તવિકતા રજૂ કરે છે...
રસ્તા ઉપર, મકાનોમાં, હત્યા થતી રહી
મંદિરમાં, દેવળોમાં તપસ્યા થતી રહી
જૂની સમસ્યા લોકો ઉકેલ્યા વિના ભૂલ્યા
વરસોવરસ નવી જ સમસ્યા થતી રહી
પાડોશી દેશ સાથેની આપણી સમસ્યાઓ દાયકાઓથી ચાલે છે. પાકિસ્તાનને ઑપરેશન સિંદૂર દ્વારા ઠમઠોર્યું પણ વાંકી પૂંછડી કેટલો સમય સીધી રહેશે એ શંકાનો વિષય છે. આપણે સેમિ-કન્ડક્ટરની ફૅક્ટરીઓ નાખવા સુધી આગળ વધી ગયા, જ્યારે પાકિસ્તાન આતંકની ફૅક્ટરીઓ નાખવામાં પ્રગતિ માને છે. બીજી તરફ જોઈએ તો હમાસ અને ઇઝરાયલના યુદ્ધને કારણે ગાઝામાં લાખો લોકો ભયંકર ભૂખમરો વેઠી રહ્યા છે. ધર્મને કારણે થતી લડાઈ આખરે દર્દમાં પરિણમે છે. રાજેન્દ્ર શુક્લની પંક્તિઓમાં ઘેરું દર્દ સંભળાશે...
આ જિંદગીની ચાર ક્ષણનું ગીત તો પૂરું થયું
મુજ શૂન્યતા ગાતી રહી તુજ મૌન સાંભળતું રહ્યું
ઊગ્યા કર્યું સ્વપ્નોનું લીલું ઘાસ કબરો પર અને
આકાશની આંખો થકી મુજ દર્દ ઓગળતું રહ્યું
આકાશની આંખો બધું જોઈ રહી છે. પ્રાણીઓ ઉપર થતા અત્યાચારો તો હવે અત્યાચાર ગણાતા જ નથી. સરકાર ગમે એટલી ચોકસાઈ રાખે પણ વાઘ જેવાં પ્રાણીઓનો શિકાર અટકતો નથી. માનવ તસ્કરીની ટોળકીઓ વિવિધ દેશોમાં કાર્યરત છે. ઘરેલુ હિંસાના કિસ્સાઓમાં માત્ર નામો બદલાય છે, ડામ એના એ જ રહે છે. બાળકો સાથે થતું ગેરવર્તન અને શોષણ સમાજની નાલેશી છે. સુખનું સરનામું સ્વાર્થનું સરનામું બની ગયું છે અને પ્રેમ ગણતરીઓમાં ફેરવાઈ ગયો છે. ટેરેન્સ જાની સાહેબ લખે છે...
સુખની ક્ષણને જો મળી કેવી સજા
કૅમેરામાં કેદ થઈને રહી ગઈ
જો મહોબ્બતની થઈ કેવી દશા
કોક અભણની સ્લેટ થઈને રહી ગઈ
એક તરફ પ્રગતિ અને વિકાસ દેખાઈ રહ્યાં છે છતાં માનવીય મૂલ્યોમાં આપણે અધૂરા છીએ એ હકીકત સ્વીકારવી રહી. માધવ આસ્તિક એને કુમાશથી આલેખે છે...
તું સ્પર્શે એ પહેલાં, તું સ્પર્શે પછી પણ
સતત હોય હાજર ત્વચામાં અધૂરપ
બધાં પાત્ર શોધે છે સર્જકનાં એને
રહી શું ગઈ કલ્પનામાં અધૂરપ!
લાસ્ટ લાઇન
હતી એટલી પણ જગા ક્યાં રહી છે?
સજા એ જ છે કે સજા ક્યાં રહી છે?
ઇશારાથી ચાલે છે વહેવાર સૌના
કશું બોલવાની પ્રથા ક્યાં રહી છે?
હવે કોણ માને કે પૂજા થતી’તી
કરી જે હતી સ્થાપના ક્યાં રહી છે?
સમય સાથે ઘડપણને આવ્યું છે ઘડપણ
ન શબ્દો રહ્યા, વારતા ક્યાં રહી છે?
ગમા-અણગમા બેઉના છે અનુભવ
એ ફુગ્ગો છું જેમાં હવા ક્યાં રહી છે?
ત્વચા ભોગવે છે નરી પાયમાલી
કોઈ સ્પર્શની ધારણા ક્યાં રહી છે?
હવે છેતરે છે ઘણી ક્રૂરતાથી
અરીસામાં સ્હેજે દયા ક્યાં રહી છે?
અકારણ નથી સાવ ખચકાટ મારો
હવે એની ‘હા’માંય ‘હા’ ક્યાં રહી છે?
- ભાવિન ગોપાણી
ગઝલસંગ્રહઃ ઓસરી


