Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શંખના શોખીન

શંખના શોખીન

19 February, 2023 11:40 AM IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ઘરમાં બે શંખ ન રખાય એવી માન્યતાને તોડવા માટે થઈને અમદાવાદના દીપેશ પટેલને શંખ એકઠા કરવાની ધૂન લાગી

શંખોનું કલેક્શન કરનાર દીપેશ પટેલ રાજ્યાભિષેક શંખ સાથે

શંખોનું કલેક્શન કરનાર દીપેશ પટેલ રાજ્યાભિષેક શંખ સાથે


ઘરમાં બે શંખ ન રખાય એવી માન્યતાને તોડવા માટે થઈને અમદાવાદના દીપેશ પટેલને શંખ એકઠા કરવાની ધૂન લાગી અને છેલ્લાં દસેક વર્ષ દરમ્યાન દેશભરના ખૂણે-ખૂણે ફરીને ૧૦૦ જેટલા અવનવા અને આંગળીના વેઢાથી માંડીને દોઢ ફુટની લંબાઈ જેટલા શંખો એકઠા કર્યા છે ત્યારે આવો તેમની શંખોની દુનિયામાં ડોકિયું કરીએ

શંખ. શબ્દ સાંભળીને સફેદ કે ઑફ-વાઇટ કલરનો લગભગ ગોળ કે લંબગોળ જેવો એક વિશિષ્ટ આકાર આપણી નજર સમક્ષ તરી આવશે અને એના માટે એક વિશેષ ભાવ પ્રગટ થશે. સામાન્ય રીતે તસવીરોમાં શંખ ભગવાન વિષ્ણુ કે શ્રીકૃષ્ણના હાથમાં હોય છે. આ ઉપરાંત શંખ મંદિરોમાં કે ધાર્મિક સ્થાનો પાસેની બજારોમાં જોવા મળે છે. જોકે અમદાવાદમાં એક ધાર્મિકજન છે જેમના ઘરે પાંચ–દસ કે વીસ-પચ્ચીસ નહીં પરંતુ ૧૦૦ જેટલા શંખ જોવા મળશે! ઘરમાં બે શંખ ન રખાય એવી માન્યતાને તોડવા માટે થઈને અમદાવાદના દીપેશ પટેલને શંખ એકઠા કરવાની ધૂન લાગી અને છેલ્લાં દસેક વર્ષ દરમ્યાન દેશભરના ખૂણે-ખૂણે ફરીને ૧૦૦ જેટલા અવનવા શંખ એકઠા કર્યા છે ત્યારે આવો તેમની શંખોની દુનિયામાં ડોકિયું કરીએ.



અમદાવાદના જય ભોલે ગ્રુપના ફાઉન્ડર દીપેશ પટેલ દેશભરનાં મંદિરો, મસ્જિદ, ચર્ચ સહિતનાં ધાર્મિક સ્થળોએ ફરતા હોય છે ત્યારે તેમને શંખ એકઠા કરવાનો શોખ કેવી રીતે લાગ્યો એની વાત કરતાં વ્યવસાયે મશીનરીના પાર્ટ્સ બનાવવાની ફૅક્ટરી ધરાવતા દીપેશ પટેલ કહે છે, ‘સમય મળે ત્યારે અમે સાઉથ, નૉર્થ સહિત દેશભરમાં ધાર્મિક સ્થળોએ ફરીએ છીએ. ૨૦૧૨માં હું સતોપંથ ગયો હતો. પાંડવો જે જગ્યાએ શિવની શોધમાં ગયા હતા એ સ્વર્ગારોહિણી જે ઉત્તરાખંડમાં બદરીનાથથી આગળ જતાં આવે છે એ અમે સ્થળે ગયા હતા ત્યારે એક બાવાજીએ વિષ્ણુ ભગવાનના હાથમાં હોય છે એવો પદમશંખ મને આપ્યો હતો. આ સ્થળ સુધી અમે છ જણમાંથી માત્ર બે જણ જ પહોંચી શક્યા હતા. ત્યારે તે બાવાજીએ અમને કહ્યું હતું કે તમે કરી રહ્યા છો એ કામ કરતા રહો. એમ કહીને તેમણે શંખ આપ્યો હતો. એ શંખ લઈને હું ઘરે આવ્યો હતો. મારા ઘરે પહેલેથી એક શંખ હતો અને બાવાજીએ આપ્યો એ બીજો શંખ થયો. દરમ્યાન ૨૦૧૩માં મારે ત્યાં એક વાસ્તુશાસ્ત્રી આવ્યા હતા અને તેમણે માન્યતાને લઈને સ્વાભાવિક રીતે એમ કહ્યું કે બે શંખ ઘરમાં ન રખાય. જોકે મને થયું કે શંખ કોઈનું ખોટું ન કરી શકે. મનમાં શ્રદ્ધા હોય તો તમે ઘરમાં ગમે એટલા શંખ રાખી શકો છો. શંખ કુદરતી વસ્તુ છે, એ અહિત ન કરી શકે. જો બે શંખથી ખરાબ થતું હોય તો હું બાવીસ શંખ ભેગા કરીને જોઉં. ખરાબ થશે તો મારું થશે. ઘરવાળાઓએ પણ શંખ એકઠા કરવાની ના પાડી, પણ મારી જીદ કહો કે ગમે એ કહો હું હરિદ્વારથી પાંચ શંખ લઈને આવ્યો અને એ બતાવીને ઘરમાં મૂક્યા. એ દિવસથી મારી શંખ એકઠા કરવાની યાત્રા શરૂ થઈ જે આજે પણ અવિરત ચાલી રહી છે. છેલ્લાં દસેક વર્ષમાં મારી પાસે ૫૦ પ્રકારના આશરે ૧૦૦ જેટલા શંખ એકઠા થયા છે.’


ભારતમાં પરિભ્રમણ કરતાં-કરતાં શંખ મેળવવાની કવાયત અને એના રસપ્રદ કિસ્સા વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું ભારતમાં શક્તિપીઠો અને મહાદેવજીનાં મંદિરો સહિતનાં મંદિરોમાં ફરતો હોઉં છું. એ દરમ્યાન ક્યાંય પણ મને નવા શંખ દેખાય તો એ ખરીદી લઉં છું. શ્રીફળ આકારનો શંખ લેવા માટે પણ મારે બે ટૂર કરવી પડી હતી અને દોઢ મહિનો કવાયત કરી હતી. ઉત્તરાખંડમાં ફરતો હતો ત્યારે મને શ્રીફળ આકારનો શંખ મળ્યો નહીં. એ પછી ઇન્ટરનેટ પર સર્ચ કર્યું ત્યારે કન્યાકુમારીમાં આ શંખ મળશે એવું જણાતાં હું કન્યાકુમારી ગયો અને ત્યાંથી શ્રીફળ શંખ ખરીદીને લાવ્યો હતો.’

શંખોનું પણ એક વિજ્ઞાન છે. શંખમાં પણ મેલ–ફીમેલ શંખ આવે છે એની રોમાંચપૂર્ણ વાત કરતાં દીપેશ પટેલ કહે છે, ‘શંખમાં નર અને માદાની જોડી આવે છે. એની ઓળખ એના અવાજથી ખબર પડે છે. આ શંખ પેરમાં હોય છે. દરિયાઈ પાણીમાં શંખને મૂકો તો શંખની લંબાઈ વધે છે. શંખની અંદર સેલ હોય છે. એનામાં જીવ છે એટલે એ વધે છે. જેમ વૃક્ષ વધે છે એવી રીતે શંખ પણ વધે છે. એનામાં એનર્જી હોય છે. બધા કહે છે કે પાણી પ્રમાણે શંખનો કલર ચેન્જ થાય છે.’


શંખનાદ એ કર્ણપ્રિય હોય છે, પણ ઘણા ઓછા લોકો જાણે છે કે બધા જ શંખને ફૂંકીએ તો બધા જ શંખ વાગે એવું નથી. કેટલાક શંખમાંથી જ ધ્વનિ નીકળે છે એની વાત કરતાં તેઓ કહે છે, ‘મહાભારત સમયે ભગવાન શ્રીકૃષ્ણ પાસે શંખ હતો અને પાંડવોના અલગ-અલગ શંખ હતા. યુદ્ધ વખતે યોદ્ધાઓ શંખ વગાડીને યુદ્ધની શરૂઆત કરતા એ બધા જાણે છે. યુદ્ધના શંખ મોટી સાઇઝના હોય છે અને એ ગર્જના સાથે અવાજ કરતા હોય છે. જાણે કે સિંહ ગર્જતો હોય એવો અવાજ યુદ્ધના શંખોનો હોય છે. નૅચરલ શંખના ધ્વનિની ગતિ અલગ જ હોય છે. આ ધ્વનિ બહુ જ ત્વરાથી બહુ દૂર સુધી જાય છે અને સંભળાય છે.’

જાતભાતના શંખ એકઠા કર્યા પછી એની સંભાળ પણ ચીવટપૂર્વક રાખવી પડતી હોય છે એ મુદ્દે વાત કરતાં તેઓ કહે છે, ‘શંખ ડેલિકેટ હોવાથી એને સાચવીને મખમલના બૉક્સમાં કૉટન મૂકીને રાખું  છું. કેટલાક ડિસ્પ્લેમાં મૂક્યા છે. આંગળીના વેઢાની લંબાઈથી લઈને દોઢેક ફુટની લંબાઈ ધરાવતા શંખ મારી પાસે કલેક્શનમાં છે. એમાં દોઢ ફુટની લંબાઈ ધરાવતો રાજ્યાભિષેક શંખ જેની કિંમત ૨૫,૦૦૦ રૂપિયા હતી એ મને હૈદરાબાદથી મળ્યો હતો.’

જુદા-જુદા શંખની વિશેષતાની વાત કરતાં તેઓ કહે છે, ‘ઓરિજિનલ દક્ષિણામૂર્તિ શંખ ઘરમાં હોય તો લક્ષ્મીનો વાસ થાય. આ શંખ અવાજ નથી કરતો, કેમ કે એમાં લક્ષ્મીજીનો વાસ છે. આ શંખથી ધનની પ્રાપ્તિ થાય એવું કહેવાય છે. શ્રીફળ નામના શંખ ઉપર શ્રીફળની જેમ છોતરાં નીકળે છે. યુદ્ધ વખતે યોદ્ધાઓ શંખ વગાડે એ મોટી સાઇઝના હોય છે. આ શંખ ગર્જના સાથે અવાજ કરે છે. સિંહ ગર્જતો હોય એવો અને દૂર સુધી સંભળાય એવો અવાજ હોય છે.’

રાજ્યાભિષેક શંખ દોઢ ફુટનો હોય છે. રાજવી પરિવારમાં રાજાનો રાજ્યાભિષેક કરવાનો હોય ત્યારે મંત્રોચ્ચાર કરતાં-કરતાં આ શંખથી તેમના પર અભિષેક થતો હતો.

જે શંખને સ્પર્શ કરતાં મોતી જેવો અહેસાસ થાય એવો મોતી શંખ વૈભવ આપનારો ગણાય છે. આ મોતી શંખ પાસે હોય તો શાંતિ મળે છે. એનાથી માણસ ઠરેલ થાય છે.

ગણેશ શંખ ગણેશજીની પ્રતિકૃતિ જેવો હોય છે. ગણપતિજીના આશીર્વાદથી આ શંખમાં ગણપતિદાદાનું મુખ દેખાય છે. આ શંખ ઘરમાં હોય તો વિઘ્નહર્તા ગણેશજીના બ્લેસિંગ તમારા પર રહે છે.

ગૌમુખી શંખથી તમે ઘરે એક ગાય રાખો એટલું પુણ્ય મળતું હોવાનું કહેવાય છે. એક ગાયને ઘરે રાખીને એનું લાલનપાલન કરો એના જેટલું પુણ્ય આ શંખથી મળે છે એટલે એને ગાયતુલ્ય પુણ્ય આપનારો શંખ કહેવાય છે.

જેમાં સાત ઋષિનો વાસ હોવાનું ગણાય છે એવો સપ્તઋષિ શંખ પણ છે. એમાં શંખ પર સાત સ્ટેપ્સ હોય છે. એને સપ્તઋષિ કહેવાય છે. આ શંખ અવાજ નથી કરતો, કેમ કે એને જ્ઞાનનો શંખ કહેવાય છે. જ્ઞાનનો ઢંઢેરો નથી પિટતો એટલે અવાજ નથી કરતો.

ચંદ્રમુખી શંખ 

શ્રીફળ શંખ

પંચજન્ય શંખ

મોતી શંખ

Whatsapp-channel Whatsapp-channel

19 February, 2023 11:40 AM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK