Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આઇવીએફ પછી હાથમાં આવ્યો સરોગસીનો વિષય

આઇવીએફ પછી હાથમાં આવ્યો સરોગસીનો વિષય

08 August, 2022 12:32 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

એક નાનકડા પંદર મિનિટના નાટકનો વિષય અમને એવો તે ગમી ગયો કે અમે એનું ફુલ લેન્ગ્થ નાટક કરવાનું નક્કી કર્યું, પણ વિષય એનો માતૃત્વને જ લગતો હતો અને અમારું નાટક ‘બાને ઘેર બાબો આવ્યો’ સરસ ચાલતું હતું

‘ચીનીમીની’ પુલકિત સોલંકી અને નમ્રતા પાઠક બન્નેનું પહેલું મેઇન સ્ટ્રીમ નાટક બન્યું.

જે જીવ્યું એ લખ્યું

‘ચીનીમીની’ પુલકિત સોલંકી અને નમ્રતા પાઠક બન્નેનું પહેલું મેઇન સ્ટ્રીમ નાટક બન્યું.


આપણે વાત કરીએ છીએ ૨૦૦૯માં આવેલા અમારા પહેલા નાટક ‘ચીનીમીની’ની મેકિંગ પ્રોસેસની. ‘ચીનીમીની’ જેણે જોયું હશે તેને ખબર હશે કે એ નાટકનો એન્ડ સેડ હતો, જે અમારી ઇચ્છા મુજબનો નહોતો. હું અને વિપુલ મહેતા ઇચ્છતા હતા કે નાટકનો એન્ડ હૅપી હોય અને ‘ખાધું, પીધું, રાજ કર્યું’ની ફીલ સાથે ઑડિયન્સ ઘરે જાય, પણ અમારો રાઇટર ભાવેશ માંડલિયા અમારી વાત સાથે સહમત નહોતો. અમે ભાવેશને સમજાવવાની કોશિશ કરી, પણ ભાવેશ માન્યો નહીં અને એક જ રટ તેણે પકડી રાખી. હું એન્ડ ચેન્જ નહીં કરું, નાટકનો એન્ડ સેડ જ હોવો જોઈએ. અમે અમારી બધી વાત સમજાવી, પણ ભાવેશ એકનો બે થાય નહીં. છેલ્લે વાત એ લેવલ પર પહોંચી ગઈ કે ભાવેશે કહી દીધું કે જો તમારે ક્લાઇમૅક્સ ચેન્જ કરવો હોય તો મારું નામ નાટકના રાઇટરમાંથી કાઢી નાખજો.
મૅટર એન્ડ. મારો નિયમ છે કે ગજગ્રાહ થાય તો પછી વાત પડતી મૂકીને રાઇટર-ડિરેક્ટરના વર્ડને જ ફાઇનલ વર્ડ માનવાનો અને મારો એ જ નિયમ મને આ વખતે પણ ફળ્યો. નાટક સુપરહિટ સાબિત થયું. તમને મજાની વાત કહું, અમેરિકામાં પણ એને જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો. ઇન્ડિયામાં નાટકની લીડ ઍક્ટ્રેસ નમ્રતા પાઠક હતી, જે અમેરિકા આવવા તૈયાર નહોતી એટલે અમે નમ્રતાનું રિપ્લેસમેન્ટ કરી તેની જગ્યાએ ચિત્રક શાહની વાઇફને અમેરિકા લઈ ગયા. 
નાટકનો હીરો પુલકિત સોલંકી હતો. આ સિવાયના કાસ્ટિંગની વાત કરું તો અમે અભય હરપળેને ડબલ રોલમાં લીધો, નમ્રતાના ફાધરના રોલમાં અને ડૉક્ટરના રોલમાં પણ. નમ્રતાના ફાધર તરીકે તેની એક જ સીનની એન્ટ્રી હતી એટલે આ બન્ને રોલ તે કરી શક્યો. એ પછી ચાલમાં નમ્રતા અને પુલકિતના પાડોશીની ભૂમિકામાં મારા માનીતા ઍક્ટર ભાસ્કર ભોજકને લીધો તો પડોશીના રોલમાં મારો પરમમિત્ર એવો જગેશ મુકાતી અને મનીષા મહેતાને પણ કાસ્ટ કર્યા. આ ઉપરાંત રચના પકાઈને પણ લીધી. રચના બહુ જ સરસ શેફ પણ છે અને કેક, ચૉકલેટ જેવી આઇટમો બહુ સરસ બનાવે છે. રચના ઉપર ‘મિડ-ડે’એ સ્વતંત્ર આર્ટિકલ પણ કર્યો છે એ સહજ તમારી જાણ ખાતર. રચના અત્યારે ગુજરાતી સિરિયલ ‘જોડે રહેજો રા’જ’માં મહત્ત્વના રોલમાં છે. આ ઉપરાંત અભિષેક ભટ્ટ અને ચિંતન શાહને પણ લીધા. ચિંતન ત્યારે સાવ નવો-નવો, ગુજરાતના બહુ જાણીતા પત્રકારનો દીકરો. ટૂંક સમયમાં તેણે મુંબઈમાં બહુ સારું કાઠું કાઢ્યું અને ‘મું-ભાઈ’, ‘ક્રૅકડાઉન’ જેવી વેબ-સિરીઝ અને ‘ધીઠ પતંગે’ જેવી ફિલ્મો તેણે લખી. ચિંતનનું આ પહેલું નાટક, તેને અમે પુલકિત સોલંકીના દીકરાના રોલમાં લીધો હતો અને આમ અમારું કાસ્ટિંગ પૂરું થયું.
૨૦૦૯ની ૧૮ જાન્યુઆરીએ મારું ૪૮મું નાટક ‘ચીનીમીની’ ઓપન થયું અને નાટક સુપરહિટ ગયું. તમને ગયા સોમવારે કહ્યું એમ, આ નાટકના અમે ૧૨૧ શો કર્યા, પણ હા, આ નાટકને અમે ડિજિટાઇઝ નથી કરી શક્યા એટલે એ નાટકની ડીવીડી કે કોઈ ઓટીટી પ્લૅટફૉર્મ પર અવેલેબલ નથી. આ નાટકની બીજી એક ખાસ વાત એ કહેવાની કે આ નાટકથી મારો કઝિન વિશાલ ગોરડિયા પોતે નિર્માતા બન્યો અને તેણે પોતાની ઇન્ડિયન થિયેટર કંપની શરૂ કરી. વિશાલ પહેલાં અમારા પ્રોડક્શનમાં કાર્યકારી નિર્માતા હતો. આ નાટકનું કામ શરૂ થતું હતું ત્યારે જ અમે નક્કી કર્યું કે ‘ચીનીમીની’ અમે વિશાલના બૅનરમાં જ બનાવીશું. આ નાટકમાં હું અને કૌસ્તુભ ત્રિવેદી પ્રસ્તુતકર્તા રહ્યા.
‘ચીનીમીની’નાં ગ્રૅન્ડ રિહર્સલ્સ ચાલતાં હતાં એ દરમ્યાન મારી અને વિપુલ વચ્ચે નવા નાટકની વાત શરૂ થઈ. એક નાટક હતું ‘રબડી’ અને કાં તો ‘જલેબી’. હા, ટાઇટલ મને એક્ઝૅક્ટ યાદ નથી. એ નાટક એકપાત્રી હતું. જો મારી ભૂલ ન થતી હોય તો આ નાટક લીના શાહે મનહર ગઢિયા માટે ‘સાત તેરી એકવીસ’ની પહેલી સીઝનમાં કર્યું હતું. આ નાટકની વાર્તા અમને ખૂબ અપીલ કરી ગઈ હતી. ઇન્ટરકૉલેજિયેટ ડ્રામા કૉમ્પિટિશનમાં વિપુલે એના પરથી એકાંકી નાટક બનાવ્યું હતું, જેનાં બહુ વખાણ થયાં હતાં. વિપુલે મને એ નાટક સજેસ્ટ કર્યું અને કહ્યું કે ‘સંજયભાઈ, આપણે એને ફુલ લેન્ગ્થ નાટક બનાવીએ, બહુ પૉટેન્શિયલ છે એમાં.
એ મૂળ નાટકના લેખક હતા નૌશિલ મહેતા. નૌશિલભાઈને આ વાર્તા ક્યાંથી મળી એની પણ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. પહેલાં તમને એ વાત કહું.
એક ગાયનેક ડૉક્ટર છે, નામ તેમનું નૈના પટેલ. આણંદમાં તેમની હૉસ્પિટલ છે, જ્યાં સરોગસી પર એટલે કે સરોગેટ બાળક પર કામ થાય છે. નૈનાબહેનની હૉસ્પિટલ એ ઇન્ડિયાની પહેલી હૉસ્પિટલ હતી જ્યાં આ પ્રકારે માતૃત્વ આપવા પર કામ થતું. અગાઉ મેં તમને કહ્યું હતું એમ, અમારું નાટક ‘બાને ઘેર બાબો આવ્યો’ એ પણ માતૃત્વ પર આધારિત હતું, પણ એમાં આઇવીએફથી બાળક પેદા કરવાની વાત હતી, જ્યારે અહીં વાત સરોગસીની હતી. આઇવીએફ અને સરોગસી વચ્ચે બહુ મોટો ફરક છે.
આઇવીએફમાં પુરુષના શુક્રાણુ અને સ્ત્રીના બીજને ફલિત કરી સ્ત્રીના ગર્ભમાં રોપવામાં આવે અને એ રીતે માતૃત્વ મેળવવામાં આવે, પણ સરોગસીમાં કૂખ ભાડે લેવામાં આવે. જે સ્ત્રીનું ગર્ભાશય કામ ન કરતું હોય તેના ગર્ભાશયમાં બાળક ઊછરે નહીં એટલે બાળક માટે તમારે કોઈનું ગર્ભાશય ભાડે લેવું પડે. ગર્ભાશય ભાડે લઈ એમાં જે બાળક રોપવામાં આવે છે એ આખી પ્રોસેસને સરોગસી કહેવામાં આવે છે અને જે સ્ત્રી પોતાની કૂખ ભાડે આપે તેને સરોગેટ મધર કહેવામાં આવે છે.
આ વાત છે ૨૦૦૯ની અને અત્યારે ચાલે છે ૨૦૨૨. વચ્ચેના આ સમયગાળામાં આપણે ત્યાં સરોગસી માટે ઘણા નવા કાયદા બન્યા અને હવે તો ઘણાં નવાં ક્લિનિક પણ થઈ ગયાં, પણ એ સમયે એટલે કે આજથી ૧૩ વર્ષ પહેલાં ડૉક્ટર નૈના પટેલનું એકમાત્ર ક્લિનિક હતું જે આ સરોગેટ મધર દ્વારા બાળકને જન્મ આપવાનું કામ કરતું.
આણંદના આ ક્લિનિકમાં મોટા ભાગે અમેરિકા અને યુરોપથી લોકો સરોગસી માટે આવતા અને અહીં તેમને કૂખ ભાડે આપનારી મહિલા મળી જતી. ઍક્ચ્યુઅલી આણંદની આજુબાજુનાં ગામડાંઓમાં આ પ્રકારે કૂખ આપવાની તૈયારી દેખાડતી ઘણી મહિલાઓ હતી, પણ ગર્ભાશય ભાડે આપવાની બાબતમાં પણ એક નિયમ છે. 
એક વાર કૂખ ભાડે આપી હોય તો ડિલિવરી પછી આવતાં બે વર્ષ સુધી એ ગર્ભાશય ફરીથી ભાડે આપી શકાય નહીં. આ નિયમનું મેઇન કારણ એ છે કે જો વારંવાર ડિલિવરી આવે તો પ્રેગ્નન્સીમાં પ્રૉબ્લેમ થઈ શકે અને એને લીધે બાળકના ગર્ભ પર જોખમ આવી શકે. 
ગર્ભાશય ભાડે આપવા માટે જે ગામડાની સ્ત્રીઓ આવતી તેને કૂખ ભાડે આપવા માટે બેથી ત્રણ લાખ રૂપિયા ચૂકવવામાં આવતા. ૨૦૦૯માં આ બહુ મોટી રકમ હતી. આ રકમને લીધે એ લોકોની આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો થતો અને સામા પક્ષે સાધનસંપન્ન અને પૈસાપાત્ર કપલને સંતાન મળી જતું. સરોગસીના વિષયને ટ્વિસ્ટ કરીને એક ફિલ્મ પણ આવી હતી ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’. જે પચીસ વર્ષ પહેલાં આવેલા કાન્તિ મડિયાના નાટક ‘મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ’ પર આધારિત હતું. આ ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’માં સલમાન ખાન અને રાની મુખરજી બન્ને હસબન્ડ-વાઇફ છે અને પ્રોસ્ટિટ્યુશન સાથે જોડાયેલી પ્રીતિ ઝિન્ટા સરોગેટ મધર બનવા તૈયાર થાય છે. એ ફિલ્મ સાથે બીજા પણ ઘણા વિવાદ જોડાયેલા હતા. એ ફિલ્મની વાર્તા અમારા સબ્જેક્ટથી કઈ રીતે જુદી પડતી હતી એની વાત અને નાટકની મેકિંગ પ્રોસેસની વાત હવે આપણે કરીશું આવતા સોમવારે. યુ સી સ્થળસંકોચ.

ગર્ભાશય ભાડે આપવા માટે જે ગામડાની સ્ત્રીઓ આવતી તેમને કૂખ ભાડે આપવા માટે બેથી ત્રણ લાખ રૂપિયા ચૂકવવામાં આવતા. ૨૦૦૯માં આ બહુ મોટી રકમ હતી. આ રકમને લીધે એ લોકોની આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો થતો અને સામા પક્ષે સાધનસંપન્ન અને પૈસાપાત્ર કપલને સંતાન મળી જતું. 


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2022 12:32 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK