તમે પણ તમારા લેખનને પુસ્તક સ્વરૂપ આપવા માગતા હો તો શું એની પણ ચર્ચા કરીએ
એક સીએની લેખક અને સેલ્ફ-પબ્લિશર સુધીની સફર
દહિસરના સુનીલ ગાંધી સીએની પ્રૅક્ટિસ સાથે બ્લૉગ, પુસ્તકો અને ફિલ્મની સ્ક્રિપ્ટનું લેખનકાર્ય કરે છે. તેમનાં દસ પુસ્તકોમાંથી છેલ્લું પુસ્તક ‘મારી પ્રાર્થના સભા’ સહિત કુલ ૮ પુસ્તકો જાતે વિવિધ ઑનલાઇન પ્લૅટફૉર્મના માધ્યમે પબ્લિશ કર્યાં છે. તમે પણ તમારા લેખનને પુસ્તક સ્વરૂપ આપવા માગતા હો તો શું એની પણ ચર્ચા કરીએ
લખવું દરેકના બસની વાત નથી. જોકે પોતાના લખાણને બીજા પણ વાંચી શકે એ પર્પઝથી એને પુસ્તકનું સ્વરૂપ આપવું એ એનાથી પણ દુષ્કર છે. જોકે સતત વિકસી રહેલી ટેક્નૉલૉજી વચ્ચે એ શક્ય બન્યું છે હવે. દહિસરમાં રહેતા સુનીલ ગાંધીએ પોતાનાં છ પુસ્તકો સેલ્ફ-પબ્લિશ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને પ્રકાશિત કર્યાં છે. સુનીલભાઈ આમ તો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અને લખવાના ગજબ શોખીન છે. ૨૦૦૮ સુધી તેમણે ઘણાં અખબારોમાં ફાઇનૅન્સને લગતી કૉલમો પણ લખી છે. જોકે એ પછી ફરી એક વાર સીએની પ્રૅક્ટિસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. યોગમાં પણ તેમને રસ છે. ઘણા સંબંધોને લગતા લેખો પણ તેમણે લખ્યા છે તો સાથે જ ફિલ્મની સ્ક્રિપ્ટ પર પણ તેમનું કામ ચાલે છે. સુનીલભાઈએ તેમના લેખનને પુસ્તકનું સ્વરૂપ આપવાના વિચારને સેલ્ફ-પબ્લિશિંગ સાથે કેવી રીતે સાકાર કર્યો એ વિષય પર વાત કરીએ.
પહેલું પુસ્તક | ગમતું હોય એ કરી જ લેવાનું હોય એમ જણાવીને સુનીલભાઈ કહે છે, ‘મારે હકીકતમાં પત્રકાર બનવું હતું. મને સીએની ડિગ્રી મળી પછી મેં એ માટેના પ્રયાસો પણ કર્યા હતા પરંતુ પછી તેમના પે સ્કેલની ખબર પડતાં નક્કી કર્યું કે નહીં, લેખન શોખ છે તો શોખ જ રહેવા દઈએ; એને આમદનીનું માધ્યમ નથી બનાવવું. ચાર્ટર્ડ અકાઉન્ટન્સીની પ્રૅક્ટિસમાં સ્ટેબિલિટી વધતી ગઈ પછી થયું કે હવે લખવાના શોખને ડેવલપ કરીએ. પહેલાં તો તમારી પાસે કહેવા માટે કંઈક સત્ત્વશીલ હોવું જોઈએ તો જ તમને લોકો વાંચે. મને ફાઇનૅન્શિયલ મૅટરની સારીએવી ખબર પડતી હતી. મેં એના વિશેની માહિતી આપતા લેખોની કૉલમ અખબારમાં શરૂ કરી. રિસ્પૉન્સ સારો મળ્યો. જોકે ફરી પાછું સીએની પ્રૅક્ટિસ પર વધુ ધ્યાન આપવું પડે એવો સમય આવતાં ૨૦૦૮માં કૉલમોનો સિલસિલો બંધ થયો. એ છપાયેલી કૉલમોનાં પ્રકાશક દ્વારા બે પુસ્તકો છપાયાં છે. ૨૦૧૪માં મેં ફરી એક વાર મારી વાઇફ સાથે બ્લૉગ્સ લખવાનું શરૂ કર્યું. સાથે લખતાં હતાં એટલે જ બ્લૉગનું નામ અને wethecouple.com રાખ્યું. અત્યાર સુધીમાં જુદી-જુદી ૨૫૦ જેટલી પોસ્ટ બ્લૉગ પર પબ્લિશ કરી છે.’
૩૦ વર્ષની ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, બિઝનેસ ઍડ્વાઇઝર અને ફાઇનૅન્શિયલ એક્સપર્ટની કારકિર્દી ધરાવતા સુનીલભાઈએ લગભગ ૧૪ વર્ષ અખબારોમાં લેખો લખ્યા છે.
સેલ્ફ-પબ્લિશર | સુનીલભાઈનાં બે પુસ્તકો ગુજરાતીના જાણીતા પ્રકાશકે પબ્લિશ કર્યાં છે પરંતુ એ પછી લગભગ ૮ પુસ્તકો સુનીલભાઈએ સેલ્ફ-પબ્લિશ ટેક્નૉલૉજી અંતર્ગત પબ્લિશ કર્યાં છે. તેઓ કહે છે, ‘હવે એવી ટેક્નૉલૉજી ઉપ્લબ્ધ છે જેમાં તમે તમારું પુસ્તક જાતે ઑનલાઇન સૉફ્ટ કૉપી રૂપે અથવા હાર્ડ કૉપી રૂપે પણ પબ્લિશ કરી શકો છો અને એ પણ બહુ જ સરળતાથી. ઘણા લોકો સેલ્ફ-પબ્લિશિંગ તરફ હવે વળ્યા છે અને એના ઘણા ફાયદા પણ છે, પરંતુ હજી પણ જોઈએ એ પ્રમાણમાં આપણા ગુજરાતીઓમાં આ દિશામાં એટલી જાગૃતિ નથી આવી.’
ADVERTISEMENT
સેલ્ફ-પબ્લિશિંગનો ફાયદો એ કે તમારે પબ્લિશરની પરવાનગીની રાહ નથી જોવાની. ગેરફાયદો એ કે તમારા પુસ્તકને પબ્લિશર પ્રકાશિત કરવાની સાથે પ્રસાર માધ્યમોથી માંડીને બુકફેર, બુકસ્ટોરમાં એને પ્રમોટ કરે જેથી એનું વધુમાં વધુ વેચાણ થાય.
તમારે પોતાનું પુસ્તક છપાવવું છે?
લખવાના શોખીન હોય અને પોતાનું લેખન વધુ લોકો સુધી પહોંચાડવા પુસ્તક સ્વરૂપ આપવા માગતા લોકોને સુનીલ ગાંધી કેટલીક ટિપ્સ આપે છે.
kdp.amazon.com નામની આ વેબસાઇટ પર તમે તમારું અકાઉન્ટ બનાવીને તમારી ઈ-બુક પબ્લિશ કરી શકો છો. અહીં માત્ર તમારે વર્ડ ડૉક્યુમેન્ટમાં તમારી ફાઇનલ ફાઇલ અપલોડ કરવાની. કવર પેજ બનાવવા માટે પણ અહીં જ તમને ઑપ્શન મળી જશે. દરેક ભાષામાં હવે અહીં ઈ-બુકના પર્યાયો છે. બીજું, ગ્રામર અને ભાષાની શુદ્ધિને લગતાં કરેક્શન પણ એના સૉફ્ટવેર દ્વારા આપણને દેખાડવામાં આવે. આ બુક પબ્લિશ કર્યા પછી તમે વિવિધ રેવન્યુ પ્લાન અંતર્ગત એની પ્રાઇસ પણ નક્કી કરી શકો.
- જો તમે હાર્ડ કૉપીમાં પુસ્તક પબ્લિશ કરવા માગો છો તો notionpress.in પર જઈને બીજી બધી જ પ્રોસેસ ઈ-બુકમાં હોય એવી જ હોય પણ અહીં તમારા પુસ્તકની હાર્ડ કૉપી કોઈ પણ ઑર્ડર કરી શકે. બીજું એ કે તમારા પુસ્તકની કિંમતની પ્રિન્ટિંગ કૉસ્ટ તમને પહેલાંથી જ કહી દેવાય અને એને ધ્યાનમાં રાખીને જ તમે તમારા પુસ્તકની પ્રાઇસ નક્કી કરી શકો.

તેમનું છેલ્લું પુસ્તક મારી પ્રાર્થના સભા
માણસ મૃત્યુ પામે પછી તેની પ્રાર્થનાસભામાં હંમેશાં તેનાં ગુણગાન જ ગવાય. ભલે એમાં કેટલીક વાતો ખોટી હોય તો પણ. વ્યક્તિ જીવતેજીવ પોતાની પ્રાર્થનાસભામાં શું બોલશે એનો વિચાર કરતો નથી. આ વિચાર એક પ્રાર્થનાસભા અટેન્ડ કર્યા પછી સુનીલભાઈને આવ્યો અને તેમણે લખી નાખ્યું ‘મારી પ્રાર્થનાસભા’ નામે પુસ્તક.
તેઓ કહે છે, ‘ગુજરાતી અને અંગ્રેજી બન્નેમાં લખ્યું છે આ પુસ્તક. Amazone.in અને notionpress.in પર એ સૉફ્ટ અને હાર્ડ એમ બન્ને ફૉર્મેટમાં મળી શકે છે. પુસ્તકમાં એક વ્યક્તિ પોતાની પ્રાર્થનાસભામાં સારું અને એ પણ સાચી રીતે સારું બોલાય એ રીતે જીવવાનું શરૂ કરે છે અને એમાં જે ધમાચકડી થાય છે એને હલકા ફુલકા ફૉર્મેટમાં રજૂ કર્યું છે.’


