બધા એવું માને કે વાંઢો એક જ પ્રકારનો હોય, પણ ના, એવું નથી. વાંઢા ચાર પ્રકારના હોય. જુઓ, તમારી આજુબાજુમાં કેવા પ્રકારનો વાંઢો આંટા મારે છે
પ્રતીકાત્મક તસવીર
આ ધરતી પર ત્રણ જ વસ્તુ અમર છે.
એક સૂરજ, બીજો ચાંદો અને ત્રીજો વાંઢો. લોકસાહિત્યનો હળવોફૂલ દુહો છે.
ADVERTISEMENT
પાળે નાચે પારવડાં, વનમાં નાચે મોર,
પરણ્યા એટલા માનવી, ઓલ્યા વાંઢા હરાયાં ઢોર!
આપણે ત્યાં પતિ-પત્ની રોડ પર સાથે ચાલ્યાં જતાં હોય તો લોકો એમ કહે છે કે બે માણસ હાલ્યા જાય છે અથવા તો બે’ય માણા ઘરે બેસવા આવો એમ નિમંત્રણ અપાય છે. હવે તમે જ ક્યો, આ શબ્દોમાં મતલબ શું કાઢવાનો?
શું એકલી છોકરી કે છોકરો શું ડાયનોસૉર છે? પણ ના, આપણી સમાજવ્યવસ્થા પ્રમાણે લગ્ન કરે પછી જ એની માણસમાં ગણતરી થાય છે.
વાંઢા ઉર્ફે કુંવારા ઉર્ફે અપરિણીત ઉર્ફે લડધાની શું વાત કરવી? વાંઢા રાજાની જેમ જીવે ને કૂતરાની જેમ મરે, જ્યારે પરણેલા કૂતરાની જેમ જીવે ને રાજાની જેમ મરે. મારું અંગત તો એવું માનવું છે કે પત્નીઓને કેવી રીતે સાચવવી અને કન્ટ્રોલ કરવી એ એકમાત્ર પરણેલાઓને જ ખબર હોય છે. કુંવારાઓ જાગ્યા પછી પલંગની બન્ને સાઇડથી ઊતરી શકે, જ્યારે પરણેલાઓ એવું નથી કરી શકતા; કારણ કે એક બાજુ તેણે હરખભેર આયાત કરેલું બુલડોઝર પડ્યું હોય છે. કુંવારા એમ કહે કે તાજમહલ બનાવવો છે પણ મુમતાઝ મળતી નથી; જ્યારે પરણેલા એમ કહે કે તાજમહલ માટે આગરામાં પ્લૉટ લઈ લીધો છે, પણ આ મારી બેટી મુમતાઝ મરતી નથી.
પરણેલાના શર્ટ ૫૨ બટન નથી હોતાં ને બિચાકડા કુંવારાના શરીર પર તો શર્ટ જ નથી હોતાં. કુંવારા બિન્દાસ મોજથી રખડે-ભટકે છે. તેને કોઈની સાડીબાર નથી હોતી ને પરણેલાઓ ક્યારેક સાળી સાથે બહાર હોય છે! કુંવારા હોવાનો વૈભવ નિરાળો છે. વાંઢા પાસે મીઠાં-મીઠાં સપનાંની દુનિયા હોય છે, જ્યારે ૫૨ણેલા પાસે દુનિયાભરનાં સપનાં! કુંવારો આઝાદ છે. પરણેલા પાસે ફરિયાદ છે. કુંવારાને જે-જે નથી મળ્યું એની સતત પ્યાસ હોય છે ને પરણેલાને જે-જે મળી જાય છે એનો ત્રાસ અનુભવાય છે. કુંવારો ઇસ્ત્રીવાળાં કપડાં પહેરવા માટે સ્ત્રી મેળવે છે અને પરણેલો લગ્ન પછી ઇસ્ત્રી જેવો ગરમ જ રહે છે.
મિત્ર ગુણવંત ચુડાસમાએ વાંઢાઓના પ્રકાર પાડ્યા’તા એ અત્યારે યાદ આવે છે. આ વાંઢાઓ જાણીને તમારા જ્ઞાનમાં પણ વૃદ્ધિ થાશે. ભાઈ ગુણવંતના કહેવા મુજબ જગતમાં ચાર પ્રકારના વાંઢા હોય છે. સધ્ધર વાંઢો, વેવલો વાંઢો, ખોંચરો વાંઢો અને અદેખો વાંઢો. આમ તો વાંઢાપણું એ એક અવ્યાખ્યાયિત પદ છે છતાંય આ ચારેયની લાક્ષણિકતાઓ સહેજ સમજી લઈએ તો શું, જીવનમાં શાંતિ થઈ જાય...
પહેલાં વાત કરીએ સધ્ધર વાંઢાની.
આ જે વાંઢાનો પ્રકાર છે એમાં અંદાજે ૪પથી ૪૮ વર્ષ સુધીના લોકોનો સમાવેશ થાય છે. ગામેગામની કન્યાઓ જોયા બાદ આ પ્રકારના વાંઢાઓ સ્વેચ્છાએ અને સ્વમુખે પોતાની હાર સ્વીકારી લ્યે કે ‘હવે આપણું નહીં થાય..!’ આ પ્રકારના વાંઢાઓ સાત્ત્વિક વાંઢાઓ હોય છે જે સમાજમાં નડતા નથી અને પ્રભુભક્તિ કે સમાજસેવા કે નોકરીમાં ગૂંચવાઈ જાય છે. વળી અજાણ્યા કોઈ પૂછે તો પણ એવો જ ઉત્તર આપે છે કે ‘આપણે તો લગ્ન કરવાં જ નહોતાં. કોણ માથાકૂટમાં પડે?’
આ સધ્ધર વાંઢાઓની વસ્તી અંદાજે સોએ દસ ટકા જેવી હોય છે.
એ પછી વારો આવે છે વેવલા વાંઢાનો.
વાંઢાઓની આ પ્રજાતિ પોતાના દરેક પરિવારજન, મિત્રવર્તુળ કે અજાણ્યા લોકો પાસે પણ ‘સગાઈ’ માટે રીતસર લબડતી જોવા મળે છે. ‘આપણું ક્યાંક ધ્યાન રાખજો’, ‘આમ તો માગાં ઘણાં આવે છે, પણ તમે બતાવો ન્યાં જ લગ્ન કરવાં છે.’ આ અને આવાં વાક્યો આ વેવલા વાંઢાઓ સતત દી’માં દસ વાર અનેક લોકોને કહેતા હોય છે. પોતાના વેવલાપણાને લીધે જ આ લોકો વાંઢા મરી જાય છે.
વેવલા વાંઢાઓની વસ્તી અંદાજે સોએ ત્રીસ ટકા જેટલી હોય છે.
હવે આવે છે ખોંચરા વાંઢાનો વારો...
વાંઢાપણાની આ અઘરી કોમ છે જે શ્રેષ્ઠ કન્યાઓમાં પણ ખોંચરાઈ એટલે કે ભૂલ જ કાઢતી હોય છે. કન્યા પક્ષે સાવ નાક કાપીને રિજેક્ટ કર્યા હોય તો પણ આ ખોંચરા પ્રકારના વાંઢા કન્યાનો જ વાંક બતાવતા હોય છે. તો વળી ક્યારેક કન્યાનાં મા-બાપ કે ભાઈનો વાંક બતાવી સતત પોતાનો ડિફેન્સ રમતા હોય છે.
ખોંચરા વાંઢા સમાજમાં સૌએ ચાલીસ ટકા જેટલા હોય છે.
હવે આવે છે ચોથા અને અંતિમ પ્રકારના વાંઢાની વાત, જે છે અદેખો વાંઢો.
આ વાંઢો કોઈનાં પણ લગ્નનો ઢોલ સાંભળી શકતો નથી. ગામ કે શહેરનાં લગ્નની વાડી પાસેથી સ્કૂટર લઈને નીકળવામાં પણ તેને પીડા થાય. ફુલેકું રોડ પર સામું મળે તો આવા વાંઢાઓ શેરી બદલાવી લ્યે છે. કોઈ પણ કપલને બગીચામાં બેઠેલું જોઈ આ લોકોને રોમ-રોમ અગ્નિ પ્રગટે છે. કલર્સ અને સ્ટાર પ્લસ ચૅનલની પારિવારિક સિરિયલો પણ આ લોકો જોતા નથી. કલર ગ્રુપ ચલાવતી તમામ સંસ્થાઓ આ અદેખા વાંઢાઓના અંગત દુશ્મનો જેવી લાગે છે.
આ પ્રકારના વાંઢાઓની સંખ્યા સોએ વીસ ટકા જેટલી છે પણ હવે તમારા માટેની અગત્યની વાત.
જો તમે પરણેલા હો તો આ લેખ તમને સહેજેય લાગુ પડતો નથી પણ મારા બાપલિયા, જો તમે કુંવારા હો તો ઉપર કીધા એ ચારમાંથી કયા પ્રકારના વાંઢામાં તમે આવો છે એ પર્સનલી જ નક્કી કરી લેજો ને જો તમે આ ચારમાંથી એકેય પ્રકારના વાંઢામાં જાતને ન ગણતા હો તો તમે કેવા પ્રકારમાં આવો છે એની જાણ કરજો.
બાકી તમારી મરજી...


