° °

આજનું ઇ-પેપર
Friday, 27 January, 2023


મનથી ખુશ રહેવું એ સફળતાની પહેલી નિશાની છે

21 January, 2023 12:28 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આટલી સરળ અને સહજ કહેવાય એવી આ વાત ક્યારેય કોઈ શીખવતું જ નથી. સખત પરિશ્રમ કરવા છતાં સફળતા દૂર-દૂર સુધી જોવા ન મળતી હોય એવા સમયે પણ તમારા મનની પ્રસન્નતા જળવાયેલી રહે તો માનજો કે તમને જીવન જીવતાં આવડી ગયું

સાનંદ વર્મા સેટરડે સરપ્રાઇઝ

સાનંદ વર્મા

આટલી સરળ અને સહજ કહેવાય એવી આ વાત ક્યારેય કોઈ શીખવતું જ નથી. સખત પરિશ્રમ કરવા છતાં સફળતા દૂર-દૂર સુધી જોવા ન મળતી હોય એવા સમયે પણ તમારા મનની પ્રસન્નતા જળવાયેલી રહે તો માનજો કે તમને જીવન જીવતાં આવડી ગયું. એ પછી સફળતા આવે કે નિષ્ફળતા, તમે ટકી રહેશો અને આમ પણ જિંદગીનું બીજું નામ પ્રસન્નતા જ છે

મારી લાઇફની સ્ટોરી જ્યારે હું કોઈને કહું તો એ કાલ્પનિક કથા જેવું લાગે, કારણ કે જે પ્રકારના સંઘર્ષની કલ્પના પણ આપણે ન કરી હોય એ સંઘર્ષ કોઈ જીવ્યું હોય તો નૅચરલી સમજાય નહીં. નાનપણમાં જે દિવસે બન્ને ટાઇમ જમવા મળે એ દિવસે કોઈ જુદો જ ઉત્સવ હોય એવો આનંદ થાય. ખિસ્સામાં પૈસા ન હોય અને મુંબઈની સડકો પર સેંકડો કિલોમીટર તમે ચાલી નાખતા હો. ભૂખ્યા રહેવું એ તમારા જીવનનો ભાગ બની ગયો હોય. જીવનમાં ઘણી એવી બાબતો છે જેણે તમને એ સ્તર પર ઘડી કાઢ્યા હોય કે પછી દુઃખ કે અગવડ તમને લાઇફનો પાર્ટ લાગવા માંડે. પટના અને દિલ્હીમાં મારું બાળપણ અને ઉછેર થયાં. પ્રાઇમરી એજ્યુકેશન મેં પટનામાં લીધું તો સેકેન્ડરી એજ્યુકેશન વખતે ફરી અમે દિલ્હીમાં હોઈએ. કૉલેજનાં અમુક વર્ષ પટનામાં પૂરાં કર્યાં તો ગ્રૅજ્યુએશન માટે પાછો દિલ્હીમાં હોઉં. એક સ્થળે સ્થિર ન હોવું એ પણ મારે મન એક જાતનો સંઘર્ષ છે.

હું બહુ જ દૃઢપણે માનું છું કે કોઈ પણ માણસ જીવનમાં જે પણ નિર્ણયો લે છે એમાં તેનો ઉછેર, તેના સંજોગો, તેનું ભણતર, તેના મિત્રો, તેનો પારિવારિક માહોલ, તેને મળેલી આર્થિક સ્વતંત્રતા અને તેના જીવનમાં આવેલા લોકોનો બહુ મોટો રોલ હોય છે. આમ જ એકાએક કોઈ નિર્ણય ક્યારેય નથી લેતું. તમારું વ્યક્તિત્વ તમે જીવેલી પ્રત્યેક ક્ષણ અને તમારા જીવનમાં આવેલા પ્રત્યેક જણનું ઋણી છે. 
આઠ વર્ષની ઉંમરથી કમાવાનું શરૂ કરનારો મારા જેવો માણસ ૨૦૦૯માં મુંબઈમાં મહિનાની ત્રણ લાખ રૂપિયાની આવક આપતી નોકરી છોડીને ઍક્ટર બનવાના સંઘર્ષ માટે માનસિક તૈયાર થઈ જાય તો એ જે હિંમત છે એ મને મારા ભૂતકાળે આપી છે.

ભૂખ્યા રહેવામાં વાંધો નહોતો, માથે છત ન હોય તો પણ જીવી લેવાશે અને ખિસ્સામાં એક રૂપિયો પણ ન હોય તો ટકી જવાશે એ આત્મવિશ્વાસ મને મારી બાળપણની ટ્રેઇનિંગમાંથી મળ્યો હતો એટલે જ હું જૉબ છોડીને મુંબઈ આવવાનો નિર્ણય લઈ શક્યો. તમારા માટે આ બોલ્ડ નિર્ણય હોઈ શકે, પણ મારા માટે આ આત્મસંતુષ્ટિ માટેનો નિર્ણય હતો. નાનપણથી જ અભિનય કરવો છે અને એ જ ક્ષેત્રમાં આગળ વધવું છે એવી તીવ્ર ઝંખના મારા જીવનમાં વાસ્તવિકતા બની, પણ મારું ફોકસ ક્લિયર હતું. અખબાર વહેંચવાથી લઈને અખબારમાં કામ કરવાનો અનુભવ હોય કે પછી બીજા જે કોઈ નાના-મોટા કામના અનુભવો હોય, મને મારા અનુભવોએ બહુ ઘડ્યો છે એવું હું વારંવાર કહીશ. પિતાના નિધન પછી સિંગર અને ઍક્ટર બનવાનું સપનું લઈને મુંબઈ આવ્યો એ પછી પેટ ભરવા માટે કામ શરૂ કર્યું ત્યારે મારો પગાર અઢી હજાર રૂપિયા હતો.

એ પછી એક જાણીતી ટીવી-ચૅનલમાં પ્રોમો ડિઝાઇન કરવાનું કામ મળ્યું. એ પહેલાં જે સિનિયર પોઝિશન પરથી મેં નોકરી છોડી ત્યારે નવ વર્ષના કૉર્પોરેટ એક્સ્પીરિયન્સે મારી મન્થ્લી ઇન્કમ ત્રણ લાખે પહોંચાડી હતી. 
મહેનત કરવાની દાનત હોય અને તમે તમારા કામમાં ફોકસ્ડ હો તો પૈસા તો કમાઈ લેવાશે એની મને ખબર હતી. મેં મારી લાઇફમાં કરેલી એક પણ જૉબમાં ૧૮ કલાકથી ઓછું કામ નથી કર્યું. જોઈતું હોય તો તમારે આપવું જ પડે એ માનસિકતા પહેલેથી મારી રહી છે. ભગવાન પર પૂરી શ્રદ્ધા છે અને દૃઢપણે માનું છું કે જીવનમાં જે પણ તકલીફો છે એ પ્રભુની કૃપા જ છે. ઈશ્વર ક્યારેય ત્રેવડ વિનાની વ્યક્તિને તકલીફો પણ ન આપે. આ માણસ તકલીફો વેઠી શકશે અને એ વેઠ્યા પછી પોતાની જાતને વધુ નવી ઊંચાઈ પર લઈ જશે એવી ભગવાનને ખાતરી હોય એ પછી જ તે જે-તે વ્યક્તિ પાસે તકલીફોનો સામનો કરાવે છે. દરેક સંજોગોમાં હું ખુશ હતો. જે પણ મળતું એમાંથી શીખવાનું ચાલુ રાખ્યું. હું હિન્દુજા ગ્રુપમાં કામ કરતો. સવારે પ્રોડક્શનને લગતી ડ્યુટી હોય તો રાતે હું મોડે સુધી એડિટિંગ શીખતો. એ કામ મને મારી બીજી જૉબમાં કામ લાગ્યું. મારી જવાબદારી કરતાં બમણું કામ કરતો એટલે લોકોને સો ટકા વહાલો લાગતો અને હું એમાં કામ શીખી રહ્યો હતો.

યાદ રાખજો, જેમણે નીચેથી ઉપર આવવું છે તેમણે મહેનત અને સંઘર્ષ કરવો જ પડશે. એ કર્યા વિના છૂટકો જ નથી. આ વાત ઘણાએ કહી હશે, પણ એમાં એક વાત કોઈ નથી કરતું કે સંઘર્ષ કરતી વખતે મનમાં દુઃખી હશો કે પછી બળાપો કાઢતાં-કાઢતાં સંઘર્ષ કરતા હશો તો એક સમય એવો આવશે કે છેલ્લે જ્યારે સંઘર્ષનું ફળ મળવાનું હશે ત્યારે તમે બીમારી સાથે હૉસ્પિટલ ભેગા થઈ ગયા હશો. સંઘર્ષને પણ લેસન તરીકે જુઓ, સંઘર્ષને પણ જીવન તરીકે જુઓ અને ખૂબ કામ કરો; પણ પૂરી પ્રસન્નતા સાથે અને એવી શ્રદ્ધા સાથે કે ઈશ્વર સાથે જ છે.

કર્મના સિદ્ધાંતને હું ખૂબ માનું છું. મારા જીવનમાં આવેલા સારા લોકો પણ પૂર્વનાં કર્મોને કારણે અને મને અન્યાય કરનારા લોકો પણ મારાં જ કર્મોને કારણે મને ભટકાયા છે. કર્મની થિયરી મને કોઈના માટે દ્વેષ, ઈર્ષ્યા કે ઇનસિક્યૉરિટી જગાવવા જ નથી દેતી. હું ગમે એવી દુષ્કર પરિસ્થિતિમાં પણ મોજથી, પૉઝિટિવિટીથી અને ઈશ્વર પરની પૂરી શ્રદ્ધાથી કામ કરી શક્યો છું. જો તમે મનથી પૉઝિટિવ થઈને કામ કરશો, કોઈના માટે ખરાબ વિચાર જ નહીં હોય તો ક્યારેય કોઈનું બગાડવાનું વિચારશો પણ નહીં અને દેખીતી રીતે જ પછી તમારા જીવનમાં પણ પૉઝિટિવ બદલાવો સૂક્ષ્મ રીતે આવતા જશે. મારે એક વાત કહેવી છે કે પ્લીઝ, મારી આ વાતને ફિલોસૉફી તરીકે નહીં જોતા. આ મારા જીવનની હકીકત છે અને એને ફૉલો કરવાનું તમને કહું છું.
હું દરેકને એક સલાહ સતત આપતો હોઉં છું. એ જ સલાહ અત્યારે પણ મારે આપવી છે.

કોઈને નુકસાન પહોંચાડ્યા વિના અથવા તો તમારા કારણે કોઈનું અહિત થાય એવું કોઈ પણ કૃત્ય અજાણતાં પણ ન થાય એનું ધ્યાન રાખીને તમે જે કાર્ય કરો છો એને ખુશ થઈને પ્રસન્નચિત્તે કરો અને સતત કંઈક નવું-નવું શીખતા જાઓ. તમારા ધ્યેય તરફ આગળ વધવા માટે તમારા ચિત્તની પ્રસન્નતા બહુ જરૂરી છે જેની કોઈ ચર્ચા નથી કરતું.

આ વાત ભગવદ્ગીતામાં બહુ સરસ રીતે સમજાવી છે. ગીતામાં આપ્યાં છે એ સુખ અને દુઃખ બન્નેમાં સમતા રાખો. સુખ આવે તોય ઠીક અને દુઃખ આવે તોય આપણા મનની પ્રસન્નતાને આંચ ન આવે એ રીતે જાતને ટ્રેઇન કરતા જાઓ. અઘરું છે અને ઘણી વાર પ્રયત્નો કર્યા પછી પણ એમાં પૂર્ણતઃ સફળતા નહીં મળે, પણ જો એક વાર આ આર્ટ શીખી ગયા તો દુનિયાનો કોઈ માણસ તમને દુઃખી નહીં કરી શકે અને ક્યારેય અપસેટ નહીં કરી શકે. તમારા મનની પ્રસન્નતા તમને કલ્પના પણ નહીં હોય એ સ્તરે તમારા જીવનમાં પૉઝિટિવ ચમત્કારો સર્જી શકે છે. ટ્રાય કરી જોજો. 
ગ્રોથ અને પ્રોગ્રેસ મનની પ્રસન્નતા સાથે મળ્યા હોય તો જ એનું મહત્ત્વ છે. સફળતાને માણવા માટે પણ તમારું સ્વસ્થ અને પ્રસન્ન રહેવું અત્યંત અગત્યનું છે અને આ વાતને જીવનપર્યંત યાદ રાખજો. મારું નામ સાનંદ છે અને હું દરેકને કહેતો હોઉં છું કે હંમેશાં આનંદમાં રહેજો. જે થવાનું છે એ થવાનું જ છે તો પછી ન ગમતું બને ત્યારે શોક મનાવીને જીવનનો બહિષ્કાર શું કામ કરવો?

- સાનંદ વર્મા

21 January, 2023 12:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

૧૭ સપ્ટેમ્બર તો માનાં ચરણોમાં જ

મોટી ઉંમરે પહોંચેલી વ્યક્તિ અને પોતાની માતા સાથે ગાઢ બૉન્ડિંગ જોવા ન મળે અને એમાં પણ વ્યક્તિ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હોય ત્યારે દુનિયામાં તે કોઈ પણ સ્થાને હોય, પણ ૧૭ સપ્ટેમ્બરે તો તે માનાં ચરણોમાં જ હોય.

26 January, 2023 07:58 IST | Mumbai | JD Majethia

જાણો, માણો ને મોજ કરો

શનિ અને રવિવારે તમે ઘેરબેઠાં કથક ડાન્સની ઊંડી બારીકીઓ શીખવા માટે જોડાઈ શકો છો.

26 January, 2023 07:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આજે પ્રજાસત્તાક દિન : સંવિધાન નહીં, માણસની માનસિકતા મહત્ત્વની પુરવાર થતી હોય છે

કઘહે છેને કે માણસના જાહેરમાં હોય છે એ વ્યક્તિત્વનો કોઈ આધાર ન બનાવી શકાય, પણ તે એકલો હોય ત્યારે કેવો છે અને કેવું વર્તે છે એ સૌથી મહત્ત્વનું છે.

26 January, 2023 07:26 IST | Mumbai | Manoj Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK