અમૃતપાલ પંજાબને શુદ્ધ કરવા માગે છે. તે કથિત ‘અમૃત પ્રચાર’ મારફત યુવાનોમાં ઉન્માદ ભરે છે. તે ઉઘાડેછોગ ખાલિસ્તાનનું સમર્થન કરે છે
પંજાબમાં પુનઃ ખાલિસ્તાનનું કૉકટેલ તૈયાર થઈ રહ્યું છે
તે કહે છે, ‘ખાલિસ્તાનની અમારી માગણીને દુષ્ટ રીતે ન જોવી જોઈએ, પણ બૌદ્ધિક રીતે જોવું જોઈએ કે એના જિયોપૉલિટિકલ ફાયદાઓ શું છે. એ એક વિચારધારા છે અને વિચારધારા ક્યારેય મરતી નથી.’ અમૃતપાલે ગૃહપ્રધાન અમિત શાહને ઇન્દિરા ગાંધી જેવા હાલહવાલ કરવાની ધમકી પણ આપી છે
અલગાવવાદી ભાવના અથવા ચળવળોની મુસીબત એ છે કે એનું કોઈ પરિણામ આવવાનું ન હોય અથવા એ નિષ્ફળ ગઈ હોય તો પણ સુષુપ્ત અવસ્થામાં જીવતી રહે છે અને પેઢી-દર-પેઢી માથું ઊંચું કરીને જીવતદાન મેળવતી રહે છે. પંજાબમાં આ વાત સાચી પડી રહી છે. ૭૦ના દાયકામાં અલગ પંજાબ રાષ્ટ્ર ‘ખાલિસ્તાન’ની માગણી સાથે શરૂ થયેલી લોહિયાળ ચળવળ ૧૯૮૪માં સિખોના સૌથી પવિત્ર ધર્મસ્થાન ગણાતા અમૃતસરના સુવર્ણ મંદિરમાં ઑપરેશન બ્લુસ્ટાર નામની સૈનિક કાર્યવાહી અને તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા પછી ઠંડી પડી ગઈ હતી, પરંતુ તાજેતરની ઘટનાઓ પુરવાર કરે છે કે પંજાબ એના લડાયક અલગાવવાદથી સંપૂર્ણપણે મુક્ત થયું નથી અને એ એનો અરાજક અતીત ફરી દોહરાવે એવી આશંકા પેદા કરે છે.
ગયા અઠવાડિયે એક એવી ઘટના બની જેમાં અમૃતપાલ સિંહ નામના એક સિખ ઉપદેશક સામે પોલીસે ઘૂંટણિયાં ટેકવી દીધાં. ઇન ફૅક્ટ, આમ તો પંજાબ સરકાર જ તેની સામે ઝૂકી ગઈ એવું કહેવાય, કારણ કે આ ઉપદેશકના તલવારો અને બંદૂકોથી સજ્જ અનુયાયીઓએ તેમના એક સાથીદાર લવપ્રીત સિંહ ઉર્ફે તૂફાનને એક અપરાધિક કેસમાં જ્યાં રાખવામાં આવ્યો હતો એ અજનાલા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો; એટલું જ નહીં, પોલીસે તેમની માગણી સ્વીકારી લીધી અને અપરાધીને છોડી મૂકવો પડ્યો. પોલીસે તોફાનીઓએ પેશ કરેલા પુરાવાઓના આધારે અપરાધીને મુક્ત કર્યાનો દાવો કર્યો છે, પણ જે રીતે તેને છોડાઈ જવામાં આવ્યો એ કાનૂન-વ્યવસ્થાની ઐસીતૈસીથી કમ નથી.
ADVERTISEMENT
લવપ્રીત સિંહ ‘તૂફાન’ અમૃતપાલ સિંહના સંગઠન ‘વારિસ પંજાબ દે’નો નેતા છે. તેને અપહરણ અને મારામારીના કેસમાં પોલીસે ગિરફતાર કર્યો હતો. અમૃતપાલે એના વિરોધમાં ૨૩ ફેબ્રુઆરીએ પોલીસ સ્ટેશન સામે વિરોધ-પ્રદર્શનની જાહેરાત કરી હતી. પોલીસ એમાં ઊંઘતી ઝડપાઈ કે પછી અંદરખાને ગોઠવણ હતી એ તો ખબર નથી, પરંતુ વિરોધના નામે રીતસર પોલીસ સ્ટેશન પર આક્રમણ જ થયું.
એના દબાવમાં સરકાર ઝૂકી. પોલીસે પહેલાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવાની જાહેરાત કરી, પણ એનાથીયે તોફાનીઓ શાંત ન પડતાં લવપ્રીતને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી જ કરવામાં ન આવી, જેથી તેને જામીન પર છોડવાનો આદેશ થયો. પંજાબ સરકાર અને પોલીસ પોતાનું ખરાબ ન દેખાય એ માટે ૨૩ તારીખની ઘટનાને અલગ-અલગ રીતે ઓછી આંકવાનો પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે સરકાર અને સુરક્ષા બળો સામે કટ્ટરવાદીઓ જીતી ગયા છે અને આ હકીકત જ ચિંતાજનક છે.
પંજાબમાં આતંકવાદ સામે મહત્ત્વનું કામ કરનાર અને પાછળથી પંજાબના રાજ્યપાલના વિશેષ સલાહકાર બનેલા ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક જુલિયો રિબેરોએ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ સાથેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ‘૨૩ ફેબ્રુઆરીની અજનાલાની ઘટના પોલીસનું મનોબળ તોડનારી છે. સરકારે કોઈ પણ હિસાબે અમૃતપાલ સિંહને કાબૂમાં કરી લેવાની જરૂર હતી. સરકારે અને પોલીસે એ દિવસે એક ઉત્તમ અવસર ગુમાવી દીધો હતો.’
રિબેરોએ કહ્યું હતું કે ‘મને ખબર નથી કે આ અમૃતપાલ કોણ છે, પરંતુ અલગાવવાદીઓ અને દેશવિરોધીઓ આનો ફાયદો ઉઠાવશે. કટ્ટરવાદીઓની માગણીઓ સ્વીકારવાનું મોંઘું પડી શકે છે. તેના સાથીને છોડવાની જરૂર નહોતી. અમૃતપાલ હવે મોટો થશે અને પછી તેને કાબૂમાં લેવાનું મુશ્કેલ થશે. આ એક મોટી ભૂલ હતી.’
આ ઘટના પછી અમૃતપાલ સિંહ અને તેનું સંગઠન ‘વારિસ પંજાબ દે’ પ્રકાશમાં આવ્યાં છે અને કેન્દ્રીય તપાસ સંસ્થાઓ એને લઈને વિગતો એકઠી કરી રહી છે. આ એકદમ નવું નામ છે. દિલ્હીની સીમા પર પંજાબના ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા અને કેન્દ્ર સરકાર તેમના પર જોર-જબરદસ્તી કરી રહી હતી ત્યારે તત્કાલીન મુખ્ય પ્રધાન (અને હવે ભાજપમાં જોડાયેલા) કૅપ્ટન અમરિંદર સિંહે ચેતવણી ઉચ્ચારી હતી કે પંજાબ સીમાવર્તી રાજ્ય છે, ખેડૂતોને ખાલિસ્તાની કે આતંકવાદી તરીકે ચીતરવાથી માહોલ બગડી શકે છે અને અરાજક તત્ત્વો એનો ફાયદો ઉઠાવી શકે છે.
આ અમૃતપાલ એ આંદોલનનું ફરજંદ છે. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ સમાચારપત્રે તેની વિગતવાર પ્રોફાઇલ તૈયાર કરી છે. ૨૯ વર્ષનો અમૃતપાલ સિંહ ખાલસા દુબઈમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હતો. ખેડૂત આંદોલન દરમિયાન તે પંજાબના ખેડૂતોને સમર્થન આપવા માટે આવ્યો હતો. ૨૦૨૧-’૨૨માં કેન્દ્ર સરકારે કૃષિ કાનૂન પાછા ખેંચી લીધા એ પછી અમૃતપાલ પાછો દુબઈ જતો રહ્યો હતો. ઑગસ્ટ ૨૦૨૨માં તે પાછો આવ્યો હતો. આ વખતે તેણે ધાર્મિક વાઘા પહેર્યા હતા.
તમને જો યાદ હોય તો ખેડૂત આંદોલન વખતે દિલ્હીમાં લાલ કિલ્લા પર ખાલસાનો ધ્વજ લહેરાવનારા પંજાબી ગાયક દીપ સિદ્ધુનું નામ બહુ ઊછળ્યું હતું. એ વખતે એવા આરોપ થયા હતા કે ખેડૂત આંદોલનને બદનામ કરવા માટે દીપ સિદ્ધુને પૅરૅશૂટ કરવામાં આવ્યો હતો. ખેડૂત આંદોલનના નેતાઓએ પણ તેનાથી અંતર કરી લીધું હતું.
પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ આ દીપ સિદ્ધુનું એક રોડ-અકસ્માતમાં મોત થઈ ગયું હતું. તેના મોત પછી તેનું એક સંગઠન ‘વારિસ પંજાબ દે’ (પંજાબનો વારિસ) લાવારિસ થઈ ગયું હતું. અમૃતપાલ સિંહ ખાલસાએ આ સંગઠનને ‘ગોદ’ લઈ લીધું હતું. ઇન્દિરા ગાંધીના ઑપરેશન બ્લુસ્ટાર વખતે સુવર્ણ મંદિરમાં ઠાર મરાયેલા જનરૈલ સિંહ ભિંડરાંવાલેના ગામમાં જ તેને આ સંગઠનની કમાન સોંપવામાં આવી હતી. દીપ સિદ્ધુના ભાઈ અને પરિવારનો જોકે દાવો છે કે અમૃતપાલ ખાલિસ્તાનના નામ પર યુવાનોને ગુમરાહ કરી રહ્યો છે.
આ સંગઠનને હાથમાં લીધા પછી તેને અચાનક પંજાબમાં ડ્રગ્સનું દૂષણ દેખાયું અને તેણે એની સામે જનજાગૃતિ શરૂ કરી. એમાં તેનો ધાર્મિક અવતાર થયો. તેણે ખુદને ખાલિસ્તાની નેતા જનરૈલ સિંહ ભિંડરાંવાલેનો વારિસ ઘોષિત કરી દીધો. તેની સક્રિયતા છેલ્લા છ મહિનાથી વધી છે. સોશ્યલ મીડિયા પર તે છવાયેલો છે. તેનાં દસેક ભાષણો વાઇરલ છે, જેમાં તે ખાલિસ્તાનની માગણી કરતો દેખાય છે. તે નશામુક્ત કેન્દ્રો પર જાય છે અને ધાર્મિક નેતાની જેમ વક્તવ્યો આપે છે. પંજાબનાં ગામડાંઓમાં તેની સારીએવી પકડ બની રહી છે.
અમૃતપાલ પંજાબને શુદ્ધ કરવા માગે છે. તે કથિત ‘અમૃત પ્રચાર’ મારફત યુવાનોમાં ઉન્માદ ભરે છે. તે ઉઘાડેછોગ ખાલિસ્તાનનું સમર્થન કરે છે. તે કહે છે, ‘ખાલિસ્તાનની અમારી માગણીને દુષ્ટ રીતે ન જોવી જોઈએ, પણ બૌદ્ધિક રીતે જોવું જોઈએ કે એના જિયોપૉલિટિકલ ફાયદાઓ શું છે. આ એક વિચારધારા છે અને વિચારધારા ક્યારેય મરતી નથી.’ અમૃતપાલે ગૃહપ્રધાન અમિત શાહને ઇન્દિરા ગાંધી જેવા હાલહવાલ કરવાની ધમકી પણ આપી છે.
અમૃતપાલનો ઉદય ભિંડરાંવાલે જેવો જ છે. દમદમી ટકસાલ નામના રૂઢિચુસ્ત સિખ સંગઠનનો લડાયક નેતા ભિંડરાંવાલે ભારતની અંદર જ પંજાબની સ્વાયત્ત રાજ્યની માગણી સાથે મોટો થયો હતો અને ધીમે-ધીમે તેની રાજકીય વગ વધતાં (અને ખાસ તો ઝિયા-હલ-હકના પાકિસ્તાનની મદદથી) અલગ ખાલિસ્તાનની ચળવળનો આંતરરાષ્ટ્રીય નેતા બની ગયો હતો. વિદેશોમાં વસતા સિખ યુવાનો પણ તેના પ્રભાવમાં આવી ગયા હતા.
ભિંડરાંવાલે કેટલો મોટો થઈ ગયો હતો તે એ હકીકત પરથી ખબર પડે છે કે ૧૯૮૨માં તેણે તેના સાથીદારો (અને દારૂગોળા સાથે) સુવર્ણ મંદિરમાં આશરો લીધો હતો અને ત્યાં સમાંતર સરકારની સ્થાપના કરી હતી. તેને ખદેડવા માટે ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીએ સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલવું પડ્યું હતું, જેને પગલે સિખોમાં રોષ વ્યાપી ગયો હતો અને એમાં જ તેમના સિખ અંગરક્ષકોએ ઇન્દિરા ગાંધીની હત્યા કરી હતી.
અમૃતપાલ ભિંડરાંવાલેની જેમ જ પંજાબના યુવાનોમાં રાજકારણ અને રાજકારણીઓ પ્રત્યે વ્યાપ્ત રોષ અને નિરાશાનો ફાયદો ઉઠાવી રહ્યો છે અને એમાં તેને ધાર્મિક કટ્ટરતાનું હાથવગું સાધન મળ્યું છે. પંજાબની સામાજિક અને આર્થિક સમસ્યાઓ પણ એવી છે કે લોકો વૈકલ્પિક નેતાઓ તરફ ખેંચાઈ રહ્યા છે. ભિંડરાંવાલેની માફક તેને વિદેશમાંથી પણ સિખોનો ટેકો હોવાનું કહેવાય છે. કૅનેડા અને ઑસ્ટ્રેલિયાથી લગાતાર એવા સમાચારો આવતા રહે છે કે ત્યાં ખાલિસ્તાનની ભાવના બળવત્તર બની રહી છે.
આ તમામ પરિબળો એક ખતરનાક કૉકટેલ છે. ભિંડરાંવાલેનો જ્યારે ઉદય થઈ રહ્યો હતો ત્યારે કેન્દ્રની સરકારે એને કાનૂન-વ્યવસ્થાનો સ્થાનિક પ્રશ્ન ગણીને નજરઅંદાજ કર્યો હતો. કંઈક એવું જ અમૃતપાલના કિસ્સામાં થઈ રહ્યું છે. અમૃતપાલ કેટલી હદે તેની વિચારધારાને આકર્ષક બનાવવા માટે સક્ષમ છે એ તેના સમાચાર સંસ્થા એએનઆઇને આપેલા એક ઇન્ટરવ્યુ પરથી ખબર પડે છે. ‘હિન્દુ રાષ્ટ્ર’ અને ‘ખાલિસ્તાન’ વચ્ચે સરખામણી કરતાં તેણે કહ્યું હતું...
‘તમે જો ખાલિસ્તાન ઝિંદાબાદ બોલો તો એ બરાબર ન કહેવાય, તમે સુપ્રીમ કોર્ટને પડકાર ફેંકો છો એવું કહેવાય; પણ કોઈ જો હિન્દુ રાષ્ટ્ર ઝિંદાબાદ બોલે તો કેમ બરાબર છે? હિન્દુ રાષ્ટ્ર એટલે શું? એ ક્યાં સ્થપાયું છે? લોકોને એનો વાંધો નથી. હિન્દુ રાષ્ટ્રનો વિચાર ખાલિસ્તાનના વિચારથી તદ્દન વિરોધી છે. એમાં હિન્દુ સિવાયના લોકોનો સમાવેશ નથી. ખાલિસ્તાનનો વિચાર એકદમ શુદ્ધ છે. એ સમાવેશી છે.’
અજનાલાની ઘટના પછી કૅપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું કે ‘આ કોઈ કાયદો-વ્યવસ્થાની સામાન્ય બીના નથી. એમાં રાજ્ય અને દેશની સુરક્ષાનો ગંભીર પ્રશ્ન છે.’
તેઓ કહે છે કે વિદેશોમાં હિન્દુ મંદિરો પર અલગાવવાદીઓ હુમલા કરી રહ્યા છે ત્યારે જ પંજાબમાં ખાલિસ્તાની તત્ત્વો માથું ઊંચકે એ યોગાનુયોગ નથી.
લાસ્ટ લાઇન
ધર્મસ્થળમાં સુરક્ષાની કાર્યવાહી કરવી સહેલી નથી, પણ સિખોના આ આસ્થાસ્થળને આતંકી ગતિવિધિમાં ફેરવી દેવામાં આવ્યું હતું. અમારી પાસે સુરક્ષા બળોને મોકલવા સિવાય કોઈ રસ્તો નહોતો.
- ઇન્દિરા ગાંધી, માર્ગરેટ થૅચરને લખેલા એક પત્રમાં


