કચ્છનું સૌથી જૂનું શહેર અજેપાળનું અંજાર
કચ્છનું સૌથી જૂનું શહેર એટલે અંજાર. આશરે ૧૪૦૦થી વધુ વર્ષનો ઇતિહાસ ધરાવતા અંજારનો પ્રથમ ઉલ્લેખ વિ. સં. ૬પ૦માં થયો છે. આકર્ષક પુરાતત્ત્વીય સાઇટ, શ્રેષ્ઠ હિન્દુ સ્થાપત્ય અને કલાનો સંગમ જોવો હોય તો તમારે અંજાર એક વાર તો જોવું જ પડે. અનેક ભૂકંપોએ ઘમરોળ્યું છે છતાં દર વખતે ખુમારીથી ઊભું થયું છે એવા અંજારનો જન્મદિવસ ઊજવાય છે માગશર વદ આઠમના એટલે કે આ વર્ષે ૧૯ ડિસેમ્બરે કચ્છનું અંજાર શહેર ૪૭૫મો જન્મદિવસ ઊજવશે, પરંતુ શહેરના સ્થાપના દિવસ વિશે જ વિવાદો સાથે ઊછરેલું અંજાર આજે ઊણપ અને અભાવથી સતત ઉપેક્ષિત હોવાનો અનુભવ કરી રહ્યું છે.
અજેપાળના નગર અને જેસલ-તોરલની સમાધિના સ્થળ તરીકે ગુજરાતભરમાં પ્રખ્યાત અંજાર શહેર આમ તો તીર્થસ્થાનસમું છે. જોકે વહીવટી, પ્રાકૃતિક આપદાઓની દૃષ્ટિએ એ દયનીય સ્થિતિમાં છે. કચ્છના મહારાવ ખેંગારજીએ ભુજમાં રાજધાની સ્થાપી એ પહેલાં અંજાર રાજધાનીનું શહેર હતું. રાજધાનીનું બિરુદ તો ગયું, પણ કચ્છમાં થતા તીવ્ર ભૂકંપોનો મહત્તમ ભોગ હંમેશાં અંજાર જ બનતું રહ્યું છે. ૧૯૫૬ અને ૨૦૦૧ના ભૂકંપોમાં અંજારને સૌથી વધુ નુકસાન થયું હતું.
અંજાર ખરેખર કેટલાં વર્ષનું થયું? ૧૪૭૪નું, ૧૨૧૪નું, ૧૦૧૫નું કે પછી આજે લોકો માની રહ્યા છે એ ૪૭૪નું? આ વિશે ખૂબ રસપ્રદ કિવંદતીઓ છે. કચ્છના મહારાવ ખેંગારજી પહેલાએ વિ. સં. ૧૬૦૨ની માગશર વદ આઠમના દિવસે અંજારનું તોરણ બાંધ્યું હતું અને એ દિવસને આજે પણ અંજારના જન્મદિવસ તરીકે ઊજવાય છે. એ હિસાબે અંજારને ૪૭૪ પૂરાં થયાં અને ૪૭૫મો જન્મદિવસ કહેવાય, પરંતુ અંજાર કહેવાય અજેપાળનું. કહેવાય છે કે દરિયાપારના આક્રમણને ખાળવા ચૌહાણ વંશના અજમેરના રાજાનો ભાઈ અજયપાળ ચૌહાણે અજમેરથી આવી અંજાર શહેરમાં પોતાનું થાણું સ્થાપ્યું હતું. અહીં હિન્દપારની ચોકી ગોઠવી. તે અજેપાળ વિ. સં. ૭૪૧માં દેવ થયા. સ્વાભાવિક છે કે એ દેવ થયા એ પહેલાં પણ કેટલાંક વર્ષો તે અંજારમાં રહ્યા જ હશે. અંજારમાં તેમનું મંદિર હજી પણ અસ્થાનું સ્થાન ગણાય છે. અંજારમાં એ પીર તરીકે પૂજાય છે. અજેપાળ દેવ થયાને ૧૩૨૫ વર્ષ થયાં. એ પહેલાંના ઇતિહાસને પણ જો ગણતરીમાં લઈએ તો અંજારને ૧૪૭૪ વર્ષ થયાં એમ માનવાને પૂરતા પુરાવા છે. કચ્છનો ઇતિહાસ એમ કહે છે કે સં. ૮૬૨માં ઉજારનું તોરણ બંધાયું હતું. તો એ પ્રમાણે ૧૨૧૪ વર્ષ થયાં. બાદમાં કાઠી રાજપૂતોએ ફરીને ૧૦૬૧માં તોરણ બાંધ્યું. એ હિસાબે ૧૦૧૫ વર્ષ થયાં કહેવાય.
અંજારનાં અનેક ધાર્મિક સ્થળો કચ્છની સંસ્કૃતિ સાથે વણાયેલાં છે. અજયપાળે (કચ્છમાં અજેપાળ પણ કહેવાય છે) અંજારના રક્ષણ માટે જીવન વ્યતિત કર્યું હતું એથી અંજારમાં તે પીર તરીકે પૂજાય છે. અંજારમાં તેમની સમાધિનું સ્થળ આજે પણ એટલું જ આસ્થાનું સ્થાન છે.
અંજાર શહેરની પાદરે અજેપાળ મંદિરની પૂર્વે આવેલી જેસલ-તોરલની સમાધિ અને લોકકથામાં કરાયેલું એનું વર્ણન પણ મુલાકાતીઓને જિજ્ઞાસા પ્રેરે છે અને સંસારની વિરકત ભાવનાઓને જાગૃત કરે છે. અલખની આરાધના જગાડનાર જેસલ-તોરલની અમરગાથા આજે પણ લોકહૃદયમાં તાણાવાણાની માફક ગૂંથાઈ ગઈ છે. ૧૪મી સદીની મધ્યમાં જામ લાખાનો પૌત્ર જેસલ જાડેજા બહારવટિયો બન્યો હતો. લૂંટફાટ અને અનેક લોકોની કતલ ઠંડે કલેજે કરનારો જેસલ કેવી રીતે કાઠી સતી તોરલને મળે છે અને કેવી રીતે તોરલ તેનો હૃદયપલટો કરી તેને પવિત્ર બનાવે છે એ બધું આપણે ફિલ્મ જેસલ-તોરલમાં જોયું જ છે. નિષ્ઠુર બહારવટિયા જેસલને ઉપદેશ પ્રબોધી તેના અંતરના કમાડ ખોલી તેને પશ્ચાતાપના પુનિત આધ્યાત્મિક માર્ગે વાળનાર સતી તોરલનો ઇતિહાસ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રચલિત લોકકથાઓ અને લોકકાવ્યોમાં અમર બની ગયો છે.
આજથી પાંચેકસો વર્ષ પહેલાં જેસલ અંજર શહેરની ‘કજ્જલીવન’ નામે ઓળખાતા આંબલીઓના ગીચ વનમાં રહેતો અને ‘કચ્છ જો કાળો નાગ’ તરીકે ઓળખાતો. સૌરાષ્ટ્રના સાસતિયા કાઠી પાસેથી તોરી ઘોડી લઈ આવવાના ભાભીએ મારેલા મહેણા પરથી આવેલા સંત જેવા સાસતિયાએ તોરી શબ્દ પરથી તોરી ઘોડી અને તોરી રાણી બન્ને સોંપી દીધાં. વહાણમાં પાછા વળતાં મધદરિયે તોફાનમાં બેબાકળા બનેલા જેસલને ધીરગંભીર તોરલે પાપોનો પસ્તાવો કરાવી હૃદયપલટો કરાવ્યો અને જેસલે પણ બહારવટું છોડી તોરલને ગુરુ માની અલખની આરાધના શરૂ કરી. આમ, તોરલના સતીત્વ અને ભક્તિ થકી તલવાર ત્યજી તંબુરાના શરણે આવનાર જેસલ જાડેજો જેસલ પીર તરીકે પૂજાયો.
હજારો દર્શનાર્થીઓ ભક્તિભાવથી ભીંજવતી આ સમાધિ પરની ઇમારતને યુગના બદલાતા પરિવર્તનમાં આજનું આધુનિક રૂપ આપવામાં આવ્યું છે. કચ્છ અને કચ્છ બહારથી દર વર્ષે હજારો યાત્રિકો અહીં દર્શન કરવા આવે છે. ર૦૦૧ના ધરતીકંપમાં આ સમાધિનું મંદિર ધ્વંસ્ત થઈ ગયું હતું. એનો જિર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે. એક વાયકા એવી છે કે જેસલની સમાધિ દર વર્ષે તલના દાણા જેટલી અને તોરલની સમાધિ દર વર્ષે જવના દાણા જેટલી એકબીજાની નજીક ખસે છે. જેસલ-તોરલની સમાધિએ દર વર્ષે ચૈત્ર સુદ ચૌદસ અને પૂનમના દિવસે મેળો ભરાય છે.
અંજારમાં માધવરાયનું મંદિર, ભરેશ્વર મહાદેવનું મંદિર અને સ્વામિનારાયણ મંદિર પણ જોવાલાયક છે. પીયુ ચાવડાએ વસાવેલું અંજાર નજીકના ભુવડ ગામે ભુવડેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. નજીકના ભીમાસરના ચકાસર તળાવ પાસે હોથલ-પદમણિનાં લગ્ન થયેલાં. જોગણીનાળ પાસે જોગણીનારનું પણ મંદિર આસ્થાનું સ્થાન છે. આવા અંજાર શહેરને એના જન્મદિવસે ખૂબ ખૂબ વધામણી.


