૧૮૭૪ની ૩૧ જાન્યુઆરીએ માઘી પૂર્ણિમાની પૂર્ણ ચંદ્રની રાત્રે લાલગોલા પૅલેસમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે સંસ્કૃત અક્ષરો રચ્યા હતા...
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
પહેલી ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ...’ને ૧૫૦ વર્ષ પૂરાં થયાં એની ઉજવણી કરવાનું નક્કી થયું હતું. આ ગીત અને ખાસ કરીને આ બે શબ્દોએ જન-જનમાં આઝાદી માટેનો જુવાળ ઊભો કરવામાં ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો છે. આજની પેઢીને એનાથી અવગત કરાવવાના હેતુથી આ ગીતના જન્મને ૧૫૦ વર્ષ પૂરાં થવાના અવસરને વિશેષ બનાવવાની જાહેરાત ભારત સરકારે કરી હતી. આજે જાણીએ આ ગીત કઈ રીતે રચાયું એના ઇતિહાસ વિશે. સાથે જ ગીતના રચનાકાર અને સંગીતકાર વિશે પણ
સ્વતંત્રતાસંગ્રામ પછી મળેલી આઝાદી અને ત્યાર બાદના ભારતને આપણે બે ગીતો દ્વારા સન્માનિત કરીએ છીએ. એક રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ અને બીજું રાષ્ટ્રગાન ‘જન ગણ મન’. એકની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કરી હતી તો બીજાના જન્મદાતા હતા રવીન્દ્રનાથ ટાગોર. આજે બન્ને મહાન પદ્ય રચનાઓને યાદ કરવાનું કારણ એ જ કે એમાંના એક ગીતની ૧૫૦મી વર્ષગાંઠનું આ વર્ષ છે. એ ગીત એટલે વંદે માતરમ. બંકિમચંદ્ર દ્વારા રચિત આ ગીતનો ઇતિહાસ, એની પાછળની કહાણી ખૂબ રસપ્રદ છે.
ADVERTISEMENT
બંકિમચંદ્રજીએ આ મહાન કવિતાની રચના કરી હતી ૧૮૭૫ની સાલમાં. ચટ્ટોપાધ્યાયજીએ મૂલતઃ એ સમયે આ ગીત બંગાળી લહેજાવાળી સંસ્કૃત ભાષામાં લખ્યું હતું. ત્યાર બાદ ૧૮૮૨ની સાલમાં તો તેમણે પોતાની આ જ રચનાને એક સ્વલિખિત નૉવેલમાં પણ સ્થાન આપ્યું અને એ નૉવેલ હતી ‘આનંદમઠ’. યાદ હોય તો એ જ નૉવેલ પરથી ૧૯૫૨ની સાલમાં એ જ નામથી હિન્દી ફિલ્મ પણ બની હતી. પૃથ્વીરાજ કપૂર, ભારત ભૂષણ, ગીતા બાલી અને અજિત દ્વારા અભિનીત ફિલ્મ ‘આનંદમઠ’ બંકિમચંદ્ર લિખિત નૉવેલ ‘આનંદમઠ’નું જ સિનેમૅટિક વર્ઝન હતું. ખેર, આ બધી જાણીતી વાતો પછી તમને લઈ જવા છે અજાણી માહિતી તરફની સફરે. કંઈક અંદાજ લગાવી શકો ખરા કે આ મહાન પદ્યની રચના કઈ રીતે થઈ હશે? વાત ખરેખર જ રસપ્રદ છે.
રચના પાછળનો રસપ્રદ ઇતિહાસ
૧૮૩૮ની ૨૬ જૂનના દિવસે બંગાળના એક નાનકડા ગામ નૈહાતીમાં બંકિમચંદ્રનો જન્મ થયો હતો. આટલી મૂળભૂત માહિતી તો આપણે બધા જ જાણીએ છીએ. પરંતુ તેમની મહાન રચના વંદે માતરમ કઈ રીતે અને કેવા સંજોગોમાં લખાઈ હતી એ વિશે ખાસ જાણતા નથી.
વાત કંઈક એવી છે કે મુર્શિદાબાદમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા બંકિમચંદ્ર એક દિવસ પાલખીમાં બેસી બહેરામપુર થઈને નૈહાતી તરફ જતા રસ્તે પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. હવે બહેરામપુરના કૅન્ટોન્મેન્ટમાં એ સમયે ત્યાંના બ્રિટિશ કમાન્ડિંગ ઑફિસર કર્નલ ડફીન તેમની ટીમ સાથે ક્રિકેટ રમી રહ્યા હતા. બંકિમચંદ્રની પાલખી ધોરી માર્ગના લાંબા રસ્તેથી જવાને બદલે કૅન્ટોન્મેન્ટના એ સ્ક્વેર ગ્રાઉન્ડવાળા રસ્તેથી પસાર થઈ. હવે ગ્રાઉન્ડમાં વચ્ચેથી પાલખી પસાર થઈ રહી હોવાને કારણે કર્નલ ડફીન અને તેમની ટીમને ક્રિકેટ મૅચમાં ખલેલ પડી. આથી ગુસ્સે ભરાયેલા ડફર ડફીને બંકિમચંદ્રજીની પાલખી ઊભી રખાવી. બંકિમજીને નીચે ઉતાર્યા અને ડેપ્યુટી કલેક્ટર જેવા પદને શોભાવતા પદાધિકારીને ત્યાં જ બધાની સામે ચાર-પાંચ થપ્પડ જડી દીધી.
અપમાન તો થયું જ હતું. બંકિમચંદ્ર ન માત્ર એક ભારતીય હતા બલકે તેઓ સરકારી અધિકારી પણ હતા. એ સમયે કેટલીક જાણીતી હસ્તીઓ પણ ત્યાં હાજર હતી જેમાં પ્રિન્સિપાલ રૉબર્ટ હેન્ડ, રેવરન્ડ બાર્લો, જજ બેનબ્રિજ, રાજા જોગીન્દર નારાયણ રૉય ઑફ લાલગોલા, દુર્ગાચરણ ભટ્ટાચાર્ય અને આ બધાની સાથે કેટલાક બીજા બ્રિટિશ ઑફિસર્સ પણ હતા. આ બધી જ વ્યક્તિઓ ત્યાં હાજર સાક્ષીઓ હતા જેમણે આ ઘટના જોઈ હતી.
એક સરકારી અધિકારીનું આ રીતે અપમાન કરવા બદલ બીજા દિવસની સવારે તારીખ ૧૮૭૩ની ૧૬ ડિસેમ્બરના દિવસે બંકિમબાબુએ કર્નલ ડફીન વિરુદ્ધ મિ. વિન્ટરની ડિસ્ટ્રિકટ કોર્ટમાં કેસ કર્યો. આગળનો કલેશ ટાળવા માટે બાકીના બ્રિટિશ ઑફિસર્સે તો ડફીન વિરુદ્ધ બોલવાનું ટાળ્યું, પરંતુ પ્રિન્સિપાલ રૉબર્ટ હેન્ડ દ્વારા કબૂલાત કરવામાં આવી કે કર્નલ ડેફીને બંકિમબાબુને તમાચા માર્યા હતા. સાથે જ રાજા જોગીન્દર નારાયણ રૉય અને દુર્ગાચરણ ભટ્ટાચાર્ય પણ બંકિમચંદ્રજીના પક્ષમાં ઊભા રહ્યા. તારીખ હતી ૧૨ જાન્યુઆરી અને સાલ હતી ૧૮૭૪ની. કોર્ટમાં આરોપી સહિત તમામ હોદ્દેદારો હાજર હતા અને જજ મિ. વિન્ટર પ્રવેશે છે. પોતાની કોર્ટમાં તેઓ આ કેસની સુનાવણી શરૂ કરે એ પહેલાં જ થપ્પડવાળી એ ઘટનાના સાક્ષી એવા જજ બેનબ્રિજ તેમને કૅબિનમાં મળવા માટેની રિક્વેસ્ટ કરે છે. બે જજ વચ્ચે બંધ બારણે મીટિંગ થાય છે અને ત્યાર પછીની થોડી જ મિનિટમાં જજ વિન્ટર કર્નલ ડફીન અને બંકિમચંદ્રજીને પણ કૅબિનમાં બોલાવે છે.
જજ બેનબ્રિજ બંકિમબાબુને કહે છે કે તેઓ આ કેસ પાછો ખેંચી લે અને કર્નલ ડફીન વિરુદ્ધ ફરિયાદ ન કરે. પરંતુ બંકિમબાબુ એમ તે કઈ રીતે અન્યાય સામે માથું મૂકી દે? ત્યારે જજ વિન્ટર તેમની સામે પ્રસ્તાવ મૂકે છે કે શું કરવામાં આવે તો તમે આ કેસ પાછો ખેંચી લેવા તૈયાર થશો? એના જવાબમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી કહે છે, જો કર્નલ ડફીન આખાય કોર્ટરૂમ સામે તેમની માફી માગે તો તેઓ આ કેસ પાછો ખેંચી લેવા તૈયાર છે. જજ વિન્ટર અને જજ બેનબ્રિજ દ્વારા ડફીનને સમજાવવામાં આવ્યો કે ડફર ડફીન બંકિમબાબુની માફી માગી લે.
કોર્ટમાં હાજર લગભગ ૧૦૦૦ લોકો જેમાં સ્થાનિક લોકોની સાથે કેટલાક યુરોપિયન્સ અને બ્રિટિશર્સ પણ હતા એ બધાની સામે કર્નલ ડફીને બંકિમચંદ્રજીની માફી માગી. પરંતુ એક અંગ્રેજ કોઈ ભારતીયની માફી માગે એ જોઈ ત્યાં હાજર જનતા અત્યંત જોશમાં આવી ગઈ અને તેમણે અંગ્રેજોનો હુરિયો અને બંકિમબાબુનો જયઘોષ બોલાવવા માંડ્યો. આ ઘટનાથી પોતાને અપમાનિત મહેસૂસ કરી રહેલા કર્નલ ડફીને બંકિમબાબુને મરાવી નાખવાનું આખુંય એક કાવતરું રચ્યું. પરંતુ તેનો એ પ્લાન એક્ઝિક્યુટ થાય એ પહેલાં જ રાજા જોગીન્દર નારાયણ રૉયને એની જાણ થઈ ગઈ અને તેમણે તરત બંકિમબાબુને પોતાના લાલગોલા પૅલેસમાં બોલાવ્યા અને ત્યાં જ રહેવા કહ્યું. સરકારી ચોપડે આજે પણ તમે રેકૉર્ડ્સ ચકાસશો તો ડેપ્યુટી કલેક્ટર શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની સર્વિસ બુકમાં ૩ ફેબ્રુઆરી, ૧૮૭૪થી બીજી મે, ૧૮૭૪, ત્રણ મહિના દરમિયાન તેઓ રજા પર હોવાનું જાણવા મળે છે.
અનેક હિન્દુ મંદિરોથી ઘેરાયેલા એ લાલગોલા પૅલેસના ગેસ્ટહાઉસમાં બંકિમબાબુ રહ્યા અને આ સમય દરમિયાન ડિપ્રેશન કે બીજી કોઈ બીમારી તેમને ઘેરી ન વળે એથી તેમણે માતાની ભક્તિ કરવા માંડી. અને આખરે ૧૮૭૪ની ૩૧ જાન્યુઆરીએ માઘી પૂર્ણિમાની પૂર્ણ ચંદ્રની રાત્રે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે જે સંસ્કૃત અક્ષરો રચ્યા હતા ‘વંદે માતરમ...’ એ અક્ષરસમૂહને તેમણે લાલગોલા પૅલેસના તેમના નિવાસ દરમિયાન એક સંપૂર્ણ કાવ્યનું સ્વરૂપ આપ્યું. અને રચના થઈ એક મહાન કવિતા વંદે માતરમની, જેને પૂર્ણ સ્વરૂપ ઓપ મળતા સુધીમાં ૧૮૭૫ની સાલની શરૂઆતનો સૂર્યોદય થઈ ચૂક્યો હતો.

ક્રેડિટ ઍન્ડ ડ્યુ ક્રેડિટ
સો આ મહાન કવિતાની રચના થઈ ૧૮૭૫માં અને એ જ રચયિતાની એક નૉવેલ ‘આનંદમઠ’માં એને સ્થાન મળ્યું ૧૮૮૨માં. આટલી માહિતી તો હવે આપણે બધા જાણીએ છીએ એટલું જ નહીં, ૧૮૯૬ની સાલ પછી એને દેશવ્યાપી ખ્યાતિ મળી એનું મોટું શ્રેય કવિ રવીન્દ્રનાથ ટાગોરજીને ફાળે જાય છે. બન્યું હતું કંઈક એવું કે ૧૮૯૬ની સાલમાં કલકત્તામાં સ્થિત કૉન્ગ્રેસ હાઉસમાં રવીન્દ્રનાથ ટાગોરજીએ પહેલી વાર આ મહાન કવિતાના શરૂઆતનાં બે મુખડાંનું પઠન કર્યું. સ્વાતંત્ર્યની લડત લડી રહેલા વિરલાઓને આ કવિતાના એ શબ્દોથી એવું જોમ મળ્યું કે તેમણે બંકિમચંદ્ર દ્વારા લિખિત અને રવીન્દ્રનાથ દ્વારા ગવાયેલી એ કવિતાનું ઉચ્ચારણ પોતાની રૅલીઓમાં પણ કરવા માંડ્યું. ૧૯૦૫ની સાલ આવતા સુધીમાં કલકત્તામાં ગવાયેલું એ ગીત ધીરે-ધીરે આખાય દેશમાં એટલું ચહીતુ અને પ્રેરણાદાયક બની ચૂક્યું હતું કે હવે તમામ ભારતીયો શેરી-શેરીએ પ્રભાતફેરીમાં અને રૅલીઓમાં માર્ચિંગ સૉન્ગ તરીકે એ ગાવા માંડ્યા હતા.
સો કવિતાના રચયિતાને તેમની ક્રેડિટ મળી, કવિતાના ગાનારને પણ તેમની ક્રેડિટ મળી. પરંતુ એક ક્રેડિટ હજીયે ડ્યુ છે. હજી આજે પણ ખાસ કોઈ જાણતું નથી કે બંકિમચંદ્ર દ્વારા લિખિત આ આખીય કવિતાનું કમ્પોઝિશન કોણે કર્યું હતું. હા, એ વાત સાચી કે પહેલાં બે મુખડાં એટલે કે સ્ટૅન્ઝા ગુરુ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યાં હતાં પરંતુ આખીય કવિતા કમ્પોઝ કરી હતી રવીન્દ્રનાથ ટાગોરનાં મોટા બહેન સ્વર્ણકુમારીનાં દીકરી સરલાદેવીએ! સરલાદેવી એટલે એ જ મહાન સ્વાતંત્ર્ય સેનાની જેમણે ૧૯૧૦ની સાલમાં ‘ભારત સ્ત્રી મહામંડલ’ની સ્થાપના કરી હતી એટલું જ નહીં, સ્ત્રીઓની સ્વતંત્રતા અને એજ્યુકેશન માટે લડનારાં સરલાદેવીએ જ કલકત્તામાં ભારત સ્ત્રી શિક્ષા સદનની પણ સ્થાપના કરી હતી. રવીન્દ્રનાથનાં એ ભાણેજ સરલાદેવી પોતાની ઑટોબાયોગ્રાફીમાં લખે છે કે ‘બંદે માતરમનાં પહેલાં બે મુખડાં તેમણે (રવીન્દ્રનાથ ટાગોરે) કમ્પોઝ કર્યાં. એ દિવસો દરમિયાન જાહેર જનતામાં માત્ર એ બે મુખડાં જ વધુ ગવાતાં હતાં. તેમણે (રવીન્દ્રનાથ ટાગોરે) મને કહ્યું કે સરલા, બાકીની આખીય કવિતા તારે કમ્પોઝ કરવી જોઈએ. મેં એ પ્રમાણે જ કર્યું અને તેઓ એ સાંભળી ખૂબ જ ખુશ થયા હતા! અને ત્યાર બાદ એ દિવસ પછી બંદે માતરમ આખીય રચના જાહેરમાં જાહેર જનતા દ્વારા મારા કમ્પોઝિશન પ્રમાણે ગવાવા માંડી.’ તેમણે ન માત્ર આ આખીય કવિતા કમ્પોઝ કરી હતી બલકે તેમણે જ પહેલી વાર આ આખીય કવિતાને પોતાનો અવાજ પણ આપ્યો હતો. અર્થાત તેમનું પોતાનું કમ્પોઝિશન જાહેરમાં ગાનારા પણ તેઓ પોતે જ હતા.
એમાં પણ અન્યાય અને પક્ષપાતનું રાજકારણ
મૂલતઃ અંગ્રેજોના જ અન્યાયથી બચવા માટે છુપાયેલા બંકિમચંદ્ર દ્વારા આ મહાન કવિતાની રચના તો થઈ જે સમય વીતતાં અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે પ્રેરણાસ્રોત બની. વિશ્વાસ રાખજો કે એ સમયે આ કવિતાના મહાન શબ્દો ઉચ્ચારી રહેલા એક પણ સ્વાતંત્ર્ય સેનાનીને એવો વિચાર સુધ્ધાં નહોતો આવ્યો કે આ કવિતામાં પણ જાતિવાદનું ઝેર રેડી શકાય છે. પછી ભલે એ હિન્દુ હોય, મુસ્લિમ હોય, સિખ હોય કે કોઈ બીજી જાતિનો. પરંતુ કેટલાક નેતાઓ અને રાજકારણીઓ એવા હતા જેમને આટલી મહાન રચનામાં પણ જાતિવાદનું રાજકારણ રમી લેવું હતું.
૧૮૭૦ના દાયકા દરમ્યાન બ્રિટિશરોએ ‘ગૉડ સેવ ધ ક્વીન’ ગીત ગાવાનું અનિવાર્ય કર્યું હતું. અંગ્રેજોના આ આદેશ સામે સરકારી અધિકારી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે રચેલી ‘વંદે માતરમ...’ કવિતાને લોકોએ અંગ્રેજી ગીતના વિરોધમાં ગાવાની શરૂ કરી દીધી હતી, જેને કારણે સ્વતંત્રતાનો જુવાળ ઊભો કરવામાં આ ગીતે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી
કારણ કે આ કવિતા અનેક સેનાનીઓમાં જોશ ભરવા સક્ષમ હતી, અનેકો માટે પ્રેરણાસ્રોત હતી, ૧૯૩૭ની સાલમાં એ સમયની કૉન્ગ્રેસે બંકિમચંદ્ર દ્વારા લિખિત આ મહાન રચનાને રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવાનું નક્કી કર્યું. પરંતુ માત્ર શરૂઆતનાં બે જ મુખડાંઓ! અર્થાત આખીય કવિતાના માત્ર શરૂઆતના બે સ્ટૅન્ઝા! શું કામ? કારણ કે કૉન્ગ્રેસનાં એ સમયે કહેવાતાં કેટલાંક મોટાં માથાંઓને લાગતું હતું કે બાકીનાં બધાં જે મુખડાં (સ્ટૅન્ઝા) છે એ ભારતને એટલે કે મા ભારતીને માતા દુર્ગા તરીકે પોર્ટ્રે કરે છે. આથી એ માત્ર હિન્દુઓ માટે છે અર્થાત એ યુનિટી કે એકતા નથી દર્શાવતા. આથી એ બધા કાઢી નાખવામાં આવે અને માત્ર બે સ્ટૅન્ઝા જ લલકારવામાં આવે.
અને આપણે અબુધો હજી આજે પણ એ અન્યાય અને કૉન્ગ્રેસના એ સમયના લીડર્સના પક્ષપાતી જાતિવાદને એટલી સહજતાથી સ્વીકારીએ છીએ કે બંકિમચંદ્રની એ મહાન રચનાના માત્ર બે જ સ્ટૅન્ઝા ગાઈને ગૌરવ અનુભવીએ છીએ. ક્યારેક ઇચ્છા થાય તો એક-એક શબ્દમાં ગૌરવની લાગણી ભરનારી એ આખીય કવિતા વાંચી જજો. સમજાશે કે આ મહાન રચનાના રચયિતા કેટલા મહાન હતા અને તેમની આ રચના કેટલી મહાનતમ!


