Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જો જીવન અસ્પષ્ટ હોય તો નારાજ નહીં, ખુશ થાઓ

જો જીવન અસ્પષ્ટ હોય તો નારાજ નહીં, ખુશ થાઓ

Published : 27 September, 2023 02:47 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

સંત ગૌર ગોપાલદાસજીની ‘લાઇફ’સ અમેઝિંગ ફૅક્ટ્સ’માં આ કહેવાયું છે. એનું કારણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રીતે સમજાવવામાં પણ આવ્યું છે અને કહેવાયું છે કે માત્ર અસ્પષ્ટતા જ જીવનને ઉદ્દેશ આપવાનું કામ કરે છે

સંત ગૌર ગોપાલદાસજીની ‘લાઇફ’સ અમેઝિંગ ફૅક્ટ્સ’

બુક ટૉક

સંત ગૌર ગોપાલદાસજીની ‘લાઇફ’સ અમેઝિંગ ફૅક્ટ્સ’


બહુ ભવ્ય કહેવાય એવી એજ્યુકેશન કરીઅર હોય, અદ્ભુત કહેવાય એવી અને ભવ્યાતિભવ્ય ગણી શકો એવી સૅલેરી સાથે તમને પહેલી જ જૉબ મળે અને એ જૉબ તમે છોડીને નીકળી જાઓ, નીકળીને તમે સંન્યાસી જીવન ધારણ કરી લો તો દુનિયા શું કહે?

હા, એ જ જે શબ્દ તમારા મનમાં આવ્યો અને એ જ શબ્દપ્રયોગ થતો હતો ગૌર ગોપાલદાસજી માટે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યા પછી કૅમ્પસ પ્લેસમેન્ટમાં જ ગૌર ગોપાલદાસજીને HPના શૉર્ટ નામથી પૉપ્યુલર એવી હ્યુલેટ પૅકાર્ડ કંપનીએ પોતાની કંપનીમાં આઠ આંકડામાં કહેવું પડે એવા મોટા વાર્ષિક પૅકેજ સાથે લઈ લીધા અને ગૌર ગોપાલદાસજી કંપનીના ઇન્વેન્શન ડિવિઝનમાં લાગી ગયા. નવી-નવી પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરવાનું કામ કરતા મહત્ત્વના દસ લોકોમાં તેમનું સ્થાન અને એ પછી પણ તેમને પોતાના કામમાં આનંદ આવે નહીં. ઓછામાં ઓછા કામના ભારણ સાથે જેનો દિવસ પૂરો થતો હોય એ માણસને તો નૅચરલી એક જ વાત મનમાં આવે કે પહેલી તારીખે લાખો રૂપિયાની સૅલેરી અકાઉન્ટમાં જમા થાય એટલે ભયો-ભયો. પણ ના, એવું ગૌર ગોપાલદાસજીને થતું નહોતું. તેમનું અશાંત મન સતત એ જવાબ શોધવાની દિશામાં કામ કરતું હતું કે સતત અજાણી લાગતી આ દુનિયા વચ્ચે પોતે કરે છે શું?



- અને એક દિવસ તેમને જવાબ મળ્યો. એ જે જવાબ મળ્યો એના આધારે જ ગૌર ગોપાલદાસજીએ ‘લાઇફ’સ અમેઝિંગ ફૅક્ટ્સ’ નામની બુક લખી, જે દુનિયામાં ૧૪ ભાષામાં ટ્રાન્સલેટ પણ થઈ અને એની લાખો નકલ પણ વેચાઈ. ગૌર ગોપાલદાસજી કહે છે, ‘મનમાં રહેલી અસ્પષ્ટતાથી ક્યારેય અકળાવું નહીં. અસ્પષ્ટતા તો કહે છે કે તમારે હજી મંજિલ શોધવાની બાકી છે એટલે અપસેટ થયા વિના, અકળામણ અનુભવ્યા વિના બસ, એ મંજિલ શોધવાનું કામ કરવું અને અસ્પષ્ટતાનો જવાબ મેળવવો. મેં પણ મારી લાઇફમાં એ જ કર્યું અને આજે હું મારા જીવનધ્યેયના સાચા માર્ગ પર છું.’


કોણ છે ગૌર ગોપાલદાસ? | સંત કહો કે મોટિવેશનલ મન્ક. જીવનનું જે અંતિમ ધ્યેય હોય એવા સ્થાન પર જીવનના પ્રથમ પગલે જ પહોંચી ગયેલા ગૌર ગોપાલદાસજીએ હ્યુલેટ પૅકાર્ડ કંપની છોડીને ઇન્ટરનૅશનલ સોસાયટી ફૉર કૃષ્ણ કૉન્શિયસનેસ એટલે કે ઇસ્કૉન જૉઇન કર્યું અને સંસારને તિલાંજલિ આપી. જોકે ઇસ્કૉન જૉઇન કર્યા પછી ગૌર ગોપાલદાસજીએ નવી ટેક્નૉલૉજીનો ભરપૂર ઉપયોગ કરીને યંગસ્ટર્સનું જબરદસ્ત મોટું ફૅન-ફૉલોઇંગ ઊભું કર્યું. આજે તેમની યુટ્યુબ ચૅનલ પર બે કરોડથી પણ અધિક સબસ્ક્રાઇબર્સ છે તો તેમના લાઇવ લેક્ચર થકી ચાલતી હોય એવી પચાસથી પણ વધારે યુટ્યુબ ચૅનલ છે. ગૌર ગોપાલદાસજીએ ક્યારેય કોઈને રોક્યા નથી. ગૌર ગોપાલદાસજી કહે છે, ‘સૌથી મહત્ત્વનું એ છે કે તમે કોને કેટલો લાભ કરાવી જાઓ છો. આપણે આ આખી વાતને ખોટી રીતે લેતા રહ્યા છીએ. આપણે એવું માનીએ છીએ કે આપણને કોના થકી લાભ થાય પણ જો જોવાનો દૃષ્ટિકોણ બદલી નાખશો અને અન્યના લાભની વાત પહેલાં વિચારશો તો તમને એટલો લાભ થશે જેની તમે કલ્પના પણ નહીં કરી શકતા હો.’

થોડા સમય પહેલાં થયેલા સર્વેમાં ઇન્ડિયન યુથમાં પૉપ્યુલર હોય એવા મોટિવેશનલ મન્કમાં ગૌર ગોપાલદાસજીનું નામ બીજા સ્થાને આવ્યું હતું.


શું છે તેમની બુકમાં? | ‘લાઇફ’સ અમેઝિંગ ફૅક્ટ્સ’ સેલ્ફ-હેલ્પ કૅટેગરીમાં આવતી બુક છે, જે જીવનના એ સવાલોના જવાબ આપે છે જેના જવાબ કાં તો ક્યાંયથી મળતા નથી હોતા અને કાં તો એ જવાબોમાં સ્પષ્ટતા નથી હોતી. ગૌર ગોપાલદાસજી કહે છે, ‘મનુષ્ય મનની નેવું ટકા સમસ્યા એવી હોય છે જે તેના મનમાં જ જન્મતી હોય છે અને મનની જગ્યા રોકીને રાખે છે. પરિણામે જે સમસ્યાનું મૂલ્ય શૂન્ય છે એવી સમસ્યામાં જ આપણી મેમરીનો વપરાશ થાય છે અને બાકીની દસ ટકા સમસ્યા જેનું સોલ્યુશન પણ હાથમાં છે, જેનું નિરાકરણ પણ સરળતાથી થઈ શકે છે એવી સમસ્યા માટે એ સમય નથી ફાળવી શકતો અને સરવાળે તેણે દુખી થવું પડે છે.’

‘લાઇફ’સ અમેઝિંગ ફૅક્ટ્સ’ દુઃખથી સુખ તરફ લઈ જવાનો માર્ગ દેખાડતું પુસ્તક છે. એવું બિલકુલ નથી કે આ પુસ્તક માત્ર યંગસ્ટર્સ માટે છે. ના, ગૌર ગોપાલદાસજીનાં અનેક પ્રવચનો આજની યંગ પેઢીને કામ લાગે એ પ્રકારનાં હોય છે પણ બુક ‘લાઇફ’સ અમેઝિંગ ફૅક્ટ્સ’ ટીનેજથી લઈને વડીલો એમ સૌકોઈના માટે ઉપયોગી અને લાભદાયી છે, કારણ કે એમાં વાત મનમાં ઘર કરી ગયેલો ડર દૂર કરવાની પણ છે તો સાથોસાથ જીવનને ઉદ્દેશ આપવાની પણ છે.

સ્ટોરી શૉર્ટકટ

‘લાઇફ’સ અમેઝિંગ ફૅક્ટ્સ’ કુલ ચાર ભાગમાં વહેંચાયેલી છે. એવી જ રીતે જે રીતે કારને ચાર ટાયર હોય છે. ગૌર ગોપાલદાસજી કહે છે, ‘ગાડીના ચારમાંથી એક ટાયર પણ જો કાઢી લેવામાં આવે તો એને બૅલૅન્સ ન રહે એવી જ રીતે જીવનના આ ચાર ખંડ પણ એવા છે જેમાં બૅલૅન્સ આવી જાય તો જીવન સરળ અને સહજ રીતે આગળ વધતું થઈ જાય અને જીવનની ગાડી ક્યાંય અટકે નહીં.’ ‘લાઇફ’સ અમેઝિંગ ફૅક્ટ્સ’ પણ એક કાર જર્ની દરમ્યાન જ આગળ વધે છે. ગૌર ગોપાલદાસજીનો એક શ્રીમંત મિત્ર હૅરી તેમને ઘરે જમવા બોલાવે છે. ગૌર ગોપાલદાસજી આવે છે, ભોજન પૂરું થાય છે એટલે હૅરી તેમને આશ્રમે મૂકવા માટે પોતાની કાર લઈને જાય છે પણ રસ્તામાં એટલો ટ્રાફિક નડે છે કે પંદર મિનિટનો રસ્તો કાપવામાં પિસ્તાલીસ મિનિટ લાગે છે. આ પિસ્તાલીસ મિનિટ દરમ્યાન કેટલીક ઘટના એવી ઘટે છે જે ગૌર ગોપાલદાસજી પોતાની આંખે જુએ છે તો આ જર્ની દરમ્યાન હૅરી અને ગૌર ગોપાલદાસજી વચ્ચે વાર્તાલાપ પણ ચાલુ રહે છે, જેનો સાર એટલે ‘લાઇફ’સ અમેઝિંગ ફૅક્ટ્સ’. ‘લાઇફ’સ અમેઝિંગ ફૅક્ટ્સ’માં જે ચાર પૈડાંની વાત છે એમાં વ્યક્તિગત જીવન, સંબંધો, કામકાજ સાથેનું જીવન અને સામાજિક યોગદાનનો સમાવેશ થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

27 September, 2023 02:47 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK