બાપુનો જન્મદિવસ ભલે ગઈ કાલે ગયો; પણ તેમણે કહેલી વાતો તો આજીવન ઉપયોગી બનવાની છે એટલે એ કહેવા માટે કોઈ ચોક્કસ દિવસની નહીં, એ વિચારધારાને અપનાવવા માટે ચોક્કસ માનસિકતાની જરૂર છે
ફાઇલ તસવીર
ગાંધી જયંતી તો ગઈ કાલે હતી, પણ બાપુની વાત કરવાની તક મળે તો હું એ ટાળું નહીં. તમને કહ્યું હતું કે ગાંધીજી ગુજરી ગયા એ સમયે અમારા ઘરમાં જમવાનું નહોતું બન્યું અને આઈ અઠવાડિયા સુધી રડતી રહી હતી. ઘરમાં એવો જ માહોલ હતો જાણે કે આપણે આપણું સ્વજન ગુમાવ્યું હોય અને એવો માહોલ માત્ર અમારા ઘરમાં જ નહીં, દેશભરમાં પ્રસરી ગયો હતો. એ મહાત્મા ગાંધીનો પ્રતાપ હતો. તેઓ સૌના હતા અને એ પછી પણ તેઓ દરેક વાતથી પર હતા. તેમને કશું આકર્ષતું નહીં, સિવાય કે બે વાત. એક તો સત્યનું આચરણ અને બીજું રામનું નામ.
સત્યનું આચરણ કરવું જરા પણ અઘરું નથી અને બાપુનો આગ્રહ એ જ કારણે હતો. જો સત્યનો સાથ આપવો અઘરો હોત તો બાપુ પણ દુનિયા આખીને એવું કહેવા ન ગયા હોત કે તમે લોકો બધા આ રસ્તે ચાલો. બાપુએ જે-જે માર્ગ દુનિયાને દેખાડ્યા એ બધા માર્ગ બહુ સરળ હતા અને આજે પણ છે, પણ તકલીફ એ વાતની છે કે આપણને સરળ રસ્તે ચાલવું નથી હોતું. આપણી ઇચ્છાઓ એ સ્તર પર વધતી જાય છે કે આપણે અસત્યના માર્ગે આગળ વધીને આપણી એ ઇચ્છાઓ પૂરી કરવાની દોટમાં ઊતરી જઈએ છીએ. બાપુએ તેમની આત્મકથામાં એક વાત બહુ સરસ લખી છે. બાપુએ લખ્યું છે : જો તમે ઇચ્છાઓને કાબૂમાં રાખતાં શીખી જાઓ તો તમને સુખી કરતાં કોઈ રોકી ન શકે.
ADVERTISEMENT
કેટલી સરસ વાત અને કેટલી સાચી વાત.
આપણને આપણી ઇચ્છાઓ ચલાવે છે, દોડાવે છે અને આ જ ઇચ્છાઓ આપણા પર સુલતાન બનીને રાજ કરે છે. એ ઇચ્છાઓને કશી ખબર નથી પડતી. એ તો માત્ર એક જ વાત સમજે છે કે બસ, મારી પૂર્તિ થવી જોઈએ. તમારે જે કરવું હોય એ કરો, જે રીતે કરવું હોય એમ કરો; પણ બસ, મને તર્પણ આપો. આ જ તો કારણ છે કે સામાન્ય માણસ સત્યનો માર્ગ છોડતાં ખચકાતો નથી અને એ જ તો મોટી ભૂલ છે. તમે જુઓ તો ખરા, આજે માણસ રોજબરોજની હાયવોયમાં કેવો ભાગતો રહે છે, પિસાતો રહે છે અને એ પછી પણ તે શાંતિથી બેસીને સમજવા રાજી નથી કે આ બધું તે કોના માટે કરે છે.
ગાંધીજીએ ધાર્યું હોત તો દરેકેદરેક જગ્યાએ તેઓ પોતાનું સ્થાન બનાવી શક્યા હોત. કૉન્ગ્રેસમાં પણ તેમણે ક્યારેય કોઈ પદ લીધું નહીં અને દેશની પહેલી સરકાર બની એ સમયે પણ તેમણે કોઈ પદ લીધું નહીં. એટલું જ નહીં, તેમણે કોઈ સુવિધા પણ સ્વીકારી નહીં. થોડા સમય પહેલાં હું એક બુક વાંચતી હતી ત્યારે મેં એમાં વાંચ્યું કે આઝાદી પછી તેમને અમુક સુવિધા એમ જ પ્રથમ સરકાર દ્વારા આપવામાં આવતી તો પણ બાપુ ગુસ્સે થઈ જતા. સરદાર વલ્લભભાઈ પટેલે બાપુની સુરક્ષા માટે સિક્યૉરિટી આપવાની વાત કરી એ બાબત પર તો બાપુ અને સરદાર વચ્ચે રીતસરનો ઝઘડો થઈ ગયો હતો. એ વાત જુદી છે કે એ ઝઘડા પછી પણ સરદાર પોતાની વાત પર અડગ રહ્યા અને તેમણે સિવિલ ડ્રેસમાં બાપુને સિક્યૉરિટી આપી હતી. સરદાર ખોટા નહોતા, પણ અહીં આપણે વાત કરીએ છીએ બાપુની અને મારે કહેવું છે કે બાપુએ ખરા અર્થમાં પોતાનું સમગ્ર જીવન દેશને સમર્પિત કર્યું.
સત્ય સિવાયની કોઈ વાત બાપુને બહુ સ્પર્શતી તો એ વાત હતી સ્વચ્છતા. બાપુએ સ્વચ્છતા વિશે પુષ્કળ કહ્યું છે, લખ્યું છે અને એ પછી પણ આપણે એ બાબતમાં આજે પણ બેદરકાર છીએ જ છીએ. હવે તો આપણા અત્યારના વડા પ્રધાન પણ સૌકોઈને સ્વચ્છતા માટે વારંવાર કહી રહ્યા છે અને પોતે પણ ઝાડુ લઈને દેશની સફાઈ કરવા માટે રસ્તા પર આવી જાય છે જે જોઈને આપણે પ્રાઉડ અનુભવીએ છીએ. જોકે હું કહીશ કે આપણે શરમાવું જોઈએ. તેમના જેવી સિદ્ધહસ્ત વ્યક્તિએ જો આપણી સમજણ માટે ઝાડુ હાથમાં લેવું પડે એના કરતાં તો બહેતર છે કે આપણે આપણી ગંદકી વચ્ચે જીવવાની માનસિકતા છોડીને જરા ચીવટ સાથે સ્વચ્છતાનું આચરણ કરીએ, સ્વચ્છતાને જીવન સાથે જોડીએ.
બાપુએ સ્વચ્છતાનું આચરણ કરાવવાનો જે આગ્રહ શરૂ કર્યો એની પાછળ તેમના બે હેતુ હતા. એ સમયે અસ્પૃશ્યતાનું વાતાવરણ હતું અને સફાઈનું કામ નાનું ગણવામાં આવતું હતું. દેશમાં ગંદકીનું સામ્રાજ્ય તો હતું જ એ પણ એટલું જ સાચું હતું. બાપુએ દેશની ગંદકી અને દેશવાસીઓના મનમાં ઘૂસી ગયેલી પેલી અસ્પૃશ્યતાની ગંદકી એમ બન્નેને દૂર કરવાના હેતુથી હાથમાં ઝાડુ લીધું અને સફાઈ અભિયાન શરૂ કર્યું.
હું કહીશ કે આપણે પણ આવા જ બે હેતુસર સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવાની છે. દેશ ચોખ્ખો રહે, ગંદકીને કારણે બીમારી ફેલાય નહીં અને આપણે સ્વચ્છ જીવન જીવીએ તો સાથોસાથ આપણે બાહ્ય સ્વચ્છતાની સાથે મનની સ્વચ્છતા પર પણ કામ કરીએ. મનમાં કોઈ રાગ ન રહે, ઈર્ષ્યા ન હોય, સ્વાર્થહીન જીવન હોય અને લાલચ વિનાના વિચારો હોય એવું મન મેળવવા માટે પણ આપણે જે સ્વચ્છતા-કાર્ય કરવાનું હોય એનો પણ હવે આરંભ કરીએ.
બહુ જરૂરી બની ગયું છે આ પ્રકારનું સ્વચ્છ જીવન પણ. રોજબરોજના જીવનમાં જે પ્રકારની હાડમારી વધી ગઈ છે એ હાડમારી માનસિક સ્વચ્છ વિચારધારા જ ઓછી કરી શકશે. નિયમિત જીવન દરમ્યાન લઈ લેવાની જે માનસિકતા મનમાં ઘર કરી ગઈ છે એ માનસિકતાથી છુટકારો આપણને તો જ મળશે જો આપણે મનના ઘરને સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરીશું. સમય આવી ગયો છે કે આપણે હવે એ અભિયાન પર પણ કામ કરીએ જે અભિયાન આપણને નિષ્કલંક જીવન આપે. સમય આવી ગયો છે કે આપણે હવે એ અભિયાન પર કામ કરીએ જે અભિયાન આપણને નિરાંત અને શાંતિનું જીવન આપે અને જવાબદારી સાથે આગળ વધવાની સમજદારી પણ આપે. સમય આવી ગયો છે કે આપણે હવે એ અભિયાન પર કામ કરીએ જેનાથી અન્ય કોઈને દુઃખનો અનુભવ ન થાય અને કોઈના મનમાં રાગદ્વેષ કે ઈર્ષ્યા ન જન્મે. સમય તો પહેલેથી જ આવી ગયો હતો, પણ હવે તો પાણી નાકની ઉપર આવી ગયું છે.
બહેતર છે કે આપણે સમજણનું એ જીવન શરૂ કરીએ જે જીવન ક્યાંક ને ક્યાંક રાહત આપવાનું કામ કરે. મનમાં મેલ રાખીને કશું મળવાનું નથી એ સમજીને આપણે એવું જીવન શરૂ કરીએ જે જીવન આપણા અંતરાત્માને સાફ કરે અને આપણને ખુશ કરવાની સાથોસાથ સુખી રાખવાનું કામ પણ કરે. અંતરાત્મા પણ એ જ કહી રહ્યો છે, એક વાર શાંતિથી બેસીને સાંભળજો. ઘોંઘાટ વચ્ચે પણ એનો અવાજ તમને સંભળાયા વિના રહેશે નહીં. બસ, માત્ર એ અવાજ સાંભળવાની કોશિશ કરજો.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

