Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ચીનના આર્થિક વિકાસના દરમાં સાવ નજીવો વધારો

ચીનના આર્થિક વિકાસના દરમાં સાવ નજીવો વધારો

29 June, 2020 05:26 PM IST | Mumbai
Jitendra Sanghvi

ચીનના આર્થિક વિકાસના દરમાં સાવ નજીવો વધારો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોના મહામારીથી ઘેરાયેલું વિશ્વ અનેક અકલ્પનીય આપત્તિઓનો સામનો કરી રહ્યું છે. આઇએમએફના અંદાજ પ્રમાણે વિશ્વના આર્થિક વિકાસના દરમાં ૨૦૨૦માં પાંચ ટકાનો ઘટાડો થશે. અનેક દેશો અને કંપનીઓ દેવાંના ભાર હેઠળ દબાતા જશે. આની સીધી અસર કેટલીક બૅન્કો તેમ જ નાણાકીય સંસ્થાઓ પર પણ પડશે. ભારતના આર્થિક વિકાસનો દર પણ ૨૦૨૦-૨૧માં ૪.૫ ટકા જેટલો ઘટવાનો તેનો અંદાજ છે. છતાં તેના વર્લ્ડ ઇકૉનૉમિક આઉટલુક પ્રમાણે ૨૦૨૧-૨૨માં એટલે કે બીજે જ વર્ષે ભારતના આર્થિક વિકાસનો દર પૉઝિટિવ ૬ ટકા જેટલો થશે.

દેશભરના લૉકડાઉનના ૬૮ દિવસ પછી પહેલી જૂનથી અનલૉક-1.0ની છૂટીછવાઈ શરૂઆત થઈ જેમાં ગણતરીની સેવાઓ અને આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરાઈ. ધીમે ધીમે એ આર્થિક પ્રવૃત્તિઓનો ક્ષેત્રિય અને ભૌગોલિક વ્યાપ વધતો ગયો. આમ જૂન પહેલો એવો મહિનો હતો જેમાં આર્થિક પ્રવૃત્તિઓ આખા મહિના માટે વધતી ચાલી, એટલે જૂનના જુદા જુદા આર્થિક પેરામિટર્સ ઝડપથી સુધરી રહેલા અર્થતંત્રની ગવાહી જેવા છે.



૨૦૨૦માં ચીનના અપવાદ સિવાય વિશ્વના મોટાભાગના મોટાં અર્થતંત્રોમાં આર્થિક વિકાસનો દર ઘટશે. ચીનમાં આ દર એક ટકા જેટલો નજીવો પણ વધવાનો આઇએમએફનો અંદાજ છે. વિશ્વના બધા જ પ્રદેશોમાં એક સાથે આર્થિક વિકાસનો દર ઘટવાનો આ પહેલો પ્રસંગ છે.


આર્થિક વિકાસના દરના અંદાજો સાચા પડવા આડે નીચેની બાજુના જોખમો તેમ જ અનિશ્ચિતતાઓનું પ્રમાણ પણ વધુ છે.

અમેરિકન સરકારે સૌથી મોટું રાહતનું પૅકેજ જાહેર કર્યું હોવા છતાં વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં ચાલુ વરસે વિકાસના દરમાં આઠ ટકા જેટલો ઘટાડો થશે. જાહેર કરાયેલ રાહત પૅકેજની આર્થિક વિકાસના દર પર થતી અસર પણ (પૅકેજથી આર્થિક માગમાં થતા વધારા પ્રમાણે) જુદા જુદા દેશોમાં જુદા જુદા પ્રમાણમાં થવાની. બ્રિકસ દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દ. આફ્રિકા)માં ચાલુ વરસે આર્થિક વિકાસના દરનો સૌથી મોટો ઘટાડો બ્રાઝિલમાં (૯ ટકા) અને સૌથી ઓછો ઘટાડો (૪.૫ ટકા) ભારતમાં થવાના અંદાજ છે. એટલે ભારતના અર્થતંત્રની આવા અભૂતપૂર્વ આર્થિક જોખમો અને અનિશ્ચિતતાઓ સામે ટકવાની ક્ષમતા સારી ગણાય.


આઇએમએફના બધા અંદાજોનો આધાર કોરોનાની મહામારી નજીકના મહિનાઓમાં કેવો પલટો મારે છે તેના પર છે.

હજી મોટા ભાગના દેશો આ મહામારી પર બ્રેક લગાવવા માટે ઝઝૂમી રહ્યા છે ત્યારે કેટલાક પ્રદેશોમાં આ મહામારીનું બીજું મોજું શરૂ થયાના સમાચાર પણ છે. સ્વાભાવિક રીતે રાહતના પૅકેજની અસરનો આધાર જે તે દેશની આર્થિક પ્રવૃત્તિઓ કેવો વેગ પકડે છે તેના પર છે. તો આ પ્રવૃત્તિઓના વેગ પકડવાનો આધાર આ મહામારી કેટલી ઓછી થાય છે કે કેટલી વકરે છે તેના પર છે.

છતાં પણ આર્થિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો જાય અને મહામારી પરનો અંકુશ વધતો જાય તો રાહતનું યોગ્ય પૅકેજ આર્થિક માગના વધારા દ્વારા અર્થતંત્રના સુધારામાં ઝડપ લાવી શકે.

વિશ્વના ૯૦ ટકા જેટલા ઊભરતા અને વિકસતા દેશોની માથાદીઠ આવકમાં ઘટાડો થવાની સંભાવનાને કારણે ૧૯૯૦થી ગરીબી ઘટાડવામાં જે પ્રગતિ કરાઈ છે તેમાં પણ આ વરસે બ્રેક લાગશે. જે દેશોમાં અસંગઠિત ક્ષેત્રે રોજગારીનું મોટું પ્રમાણ હશે ત્યાં લૉકડાઉનને કારણે બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. પરિણામે પોતાના વતનથી માઇલો દૂર રહીને કામ કરનારા શ્રમિકોની આવકનો અણધાર્યો ઘટાડો અર્થતંત્ર માટે મોટી મુશ્કેલી સર્જી શકે.

ક્રેડિટ કાર્ડનો વધતો જતો ઉપયોગ, ટ્રાન્સપોર્ટનો ધંધો શરૂ કરવામાં અનુભવાતી ડ્રાઇવરોની ખેંચ (વતન પાછા ફરવાને કારણે અને ત્યાં ખેતી અને કન્સ્ટ્રકશન ક્ષેત્રે નાનાં-મોટાં કામ મળવાને કારણે), મુંબઈમાં છેલ્લા એક મહિનામાં પ્રૉપર્ટીના રજિસ્ટ્રેશનનો વધારો અને રેલવેના ફ્રેઇટ ટ્રાફિકમાં થઈ રહેલ વધારો જૂન મહિનામાં આર્થિક પ્રવૃત્તિઓના વધતા જતા વ્યાપના પુરાવા છે.

જૂન મહિને થતી નિકાસોનું પ્રમાણ વધીને ૨૦૧૯ના જૂનની નિકાસના ૮૦ ટકા જેટલું થશે, જે ધીમો પણ મક્કમ સુધારો સૂચવે છે. એપ્રિલ અને મેમાં આ પ્રમાણ બહુ ઘટી ગયું હતું. જોકે ફિસ્કલ ૨૧માં પહેલા ક્વૉર્ટરના મોટા ઘટાડાને કારણે અને વિશ્વ વેપારમાં ૨૦૨૦માં થનારા ૧૩ ટકાના અંદાજિત ઘટાડાને કારણે ૨૦૨૦-૨૧માં દેશની કુલ નિકાસ ૧૦થી ૧૨ ટકા જેટલી ઘટવાની ધારણા ફીઓએ વ્યકત કરી છે.

ભારતનું વિદેશી હૂંડિયામણ પ્રથમવાર જ ૫૦૦ બિલ્યન ડૉલરની સપાટીને કૂદાવીને ૫૦૮ બિલ્યન ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચ્યું છે. વિદેશી રોકાણકારો (એફડીઆઇ) અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો (એફપીઆઇ)ના ભારતના અર્થતંત્રના વધતા જતા વિશ્વાસ સાથે આ વિદેશી હૂંડિયામણ નજીકના સમયમાં વધતું રહેવાની સંભાવના છે (આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સીઓ ભારત માટેનું તેમનું સોવરિન રેટિંગ અને આઉટલુક ઘટાડવા છતાં). એમ થશે તો રિઝર્વ બૅન્ક આપણા વિદેશી હૂંડિયામણનું યુએસ ટ્રૅઝરીનું રોકાણ વધારશે.

રિઝર્વ બૅન્કે માર્ચ ૨૦૨૦માં તેના યુએસ ટ્રૅઝરીના રોકાણમાં ૨૧ બિલ્યન ડૉલરનો ઘટાડો કર્યા પછી એપ્રિલ મહિને તેમાં ૧ બિલ્યન ડૉલરનું રોકાણ વધાર્યું છે.

આ રોકાણ એ સૌથી વધુ સહીસલામત છે. વધતી જતી ફાઇનૅન્શિયલ સેક્ટરની અનિશ્ચિતતાને કારણે આપણું વધતું જતું વિદેશી હૂંડિયામણ આપણે માટે સંકટ સમયની સાંકળ બની રહેશે. આ હૂંડિયામણ આપણી ૧૨ મહિનાની આયાતો માટેનું રક્ષણ કવચ ગણી શકાય.

સમયસરના વરસાદ અને વધતી જતી વાવેતરની પ્રવૃત્તિને કારણે અને નૅશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી સ્કીમ હેઠળ પૂરા પડાતાં વધારાનાં કામને લીધે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

મે ૨૦૧૯ના ૩૭૦ મિલ્યન પર્સન ડેઝની સરખામણીએ મે ૨૦૨૦માં મનરેગા (રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી સ્કીમ) હેઠળ ૫૬૫ મિલ્યન પર્સન ડેઝનું કામ સરકાર દ્વારા પૂરું પડાયું છે. ૫૩ ટકાના આ વધારાને કારણે ગામડાઓમાં બેરોજગારીનો દર ઘટીને ૭.૩ ટકા થયો જે લૉકડાઉન પહેલાંના ૮.૩ ટકાના માર્ચ ૨૨ના દર કરતાં પણ નીચો છે. શહેરોમાં બેરોજગારીનો દર ૧૧.૨ ટકા છે અને સમગ્ર દેશ માટે આ દર ૮.૫ ટકા છે (જૂન-૨૧).

ઇલૅકટ્રૉનિક ટોલ કલેક્શનમાં એપ્રિલ (રોજના ૮.૨૫ કરોડ રૂપિયા) અને મે (રોજના ૩૬.૮ કરોડ રૂપિયા) કરતાં જૂનના પ્રથમ ત્રણ અઠવાડિયાંમાં સારો એવો વધારો (રોજના ૫૦ કરોડ રૂપિયા) થયો છે જે પેસેન્જર અને ગુડઝ ટ્રાન્સપોર્ટ માટેનાં વાહનોની વધેલી અવરજવર સૂચવે છે.

આ અવરજવર મૅન્યુફૅક્ચરિંગ અને ટ્રેડિંગ ક્ષેત્રની વધી રહેલી પ્રવૃત્તિનું સૂચક છે.

રૂપિયા ત્રણ લાખ કરોડની સરકારી ગેરન્ટીવાળી એમએસએમઇ માટેની લોનના પૅકેજમાંથી આવા એકમોને માત્ર ૩૨,૦૦૦ કરોડ રૂપિયા અપાયા છે. આ એકમો માટે લોન મંજૂરી માટેની પ્રક્રિયા ઝડપી બનાવવી પડશે. આવા એકમોને જોઈતી ઓછામાં ઓછી મૂડી તાત્કાલિક ધોરણે પૂરી નહીં પડાય તો આવા કેટલાયે એકમોને કાયમને માટે તાળાં પણ લાગી જઈ શકે. જેટલા એકમો બંધ થશે તેના પ્રમાણમાં બૅન્કોની એનપીએ પણ વધવાની અને આર્થિક વિકાસનો દર વધવાની ગતિ ધીમી પડવાની.

આવી બધી ઘટનાઓ વચ્ચે આસામના ગુવાહાટીમાં ૧૪ દિવસનો સંપૂર્ણ લૉકડાઉન (જૂન ૨૯થી) જાહેર કરાયો છે. પ. બંગાળમાં જુલાઈ ૩૧ સુધી લૉકડાઉન જાહેર કરાયું છે.

ઓવરઓલ કોવિડ-19ના દરદીઓનો રીકવરી રેટ વધ્યો હોવા છતાં કેટલાંક નગરો કે જિલ્લાઓમાં પરિસ્થિતિ બગડતી જાય છે. દિલ્હીનો પૉઝિટિવિટી રેટ (૧૦૦ ટેસ્ટમાં જેટલા કન્ફર્મ કેસ નીકળે તે) ૩૦ ટકા થઈ ગયો છે જે મહારાષ્ટ્ર માટે ૧૮ ટકાનો છે.

 હવે જોવાનું એ છે કે વધતી જતી આર્થિક પ્રવૃત્તિઓ સાથે આ મહામારીની ઝડપ કેટલી વધે છે અને તે ક્યારથી ઘટવા માંડે છે. આ વર્ષની આર્થિક પરિસ્થિતિ તેના પર નિર્ભર રહેવાની.

 (લેખક ઇન્ડિયન મર્ચન્ટ‍્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Whatsapp-channel Whatsapp-channel

29 June, 2020 05:26 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK