Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બૅન્ક, મેટલ અને ઑઇલ શૅરો હાલ મંદીના ટાર્ગેટમાં

બૅન્ક, મેટલ અને ઑઇલ શૅરો હાલ મંદીના ટાર્ગેટમાં

29 December, 2011 05:53 AM IST |

બૅન્ક, મેટલ અને ઑઇલ શૅરો હાલ મંદીના ટાર્ગેટમાં

બૅન્ક, મેટલ અને ઑઇલ શૅરો હાલ મંદીના ટાર્ગેટમાં




(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)





બજારનું માર્કેટ કૅપ ૪૯,૦૦૦ કરોડ રૂપિયા ઘસાઈ હવે ૫૩.૮૮ લાખ કરોડ રૂપિયા થયું છે. આજે ગુરુવારે નિફ્ટીમાં ડિસેમ્બર વલણનું સેટલમેન્ટ છે. એફ ઍન્ડ ઓની પતાવટની રસાકસીના ખેલમાં છેલ્લા બે દિવસ હાલ મંદીવાળાનો હાથ ઉપર રહ્યો છે. સવાલ છે : ડિસેમ્બર વલણની વિદાય ૪૬૫૦ના નિફ્ટીથી થશે કે પછી ૪૭૫૦ કે એથી વધુના લેવલથી? અમારાં સૂત્રો સેકન્ડ ઑપ્શનની શક્યતા જુએ છે. આ ધોરણે આજે નરમાઈની હૅટ-ટ્રિકના બદલે બે દિવસનો ઘટાડો અટકવાની સંભાવના વધારે છે. બુધવારે સેન્સેક્સના ૩૦માંથી ૧૮ શૅર તથા માર્કેટના ૨૧માંથી ૧૯ બેન્ચમાર્ક માઇનસ ઝોનમાં બંધ હતા.

બૅન્ક તથા ઑઇલ-ગૅસ ડાઉન



સેન્સેક્સના ૦.૯ ટકાની સામે બૅન્કેક્સ બે ટકા અને ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક ૧.૬ ટકા ગગડ્યા હતા. ઑટો, સ્મૉલ કૅપ, મિડ કૅપ, એફએમસીજી ઇન્ડેક્સ એકાદ ટકાની આજુબાજુ ડાઉન હતા. બૅન્કેક્સના ૧૪માંથી ૧૨ શૅર ઘટીને બંધ હતા. જે બે શૅર વધેલા હતા એમાં કોટક મહિન્દ્ર બૅન્ક તથા એચડીએફસી બૅન્ક છે. જોકે સુધારો મહત્તમ માત્ર ૯૫ પૈસા જેટલો જ હતો. સામે બૅન્ક ઑફ ઇન્ડિયા સવાચાર ટકા, પીએનબી ૪.૨ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૩.૯ ટકા, યસ બૅન્ક પોણાચાર ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૨.૯ ટકા, બૅન્ક ઑફ બરોડા ૨.૭ ટકા, યુનિયન બૅન્ક અઢી ટકા, ફેડરલ બૅન્ક ૨.૪ ટકા અને એસબીઆઇ બે ટકા ખરડાયા હતા. 

આઇસીઆઇસીઆઇ ૨૮ રૂપિયા ઘટી ૬૯૭ રૂપિયા બંધ આવતાં સેન્સેક્સને સૌથી વધુ ૩૯ પૉઇન્ટનો માર પડ્યો હતો. એસબીઆઇએ ૩૩ રૂપિયાના ઘટાડામાં ૧૬૧૦ રૂપિયાનો બંધ આપી એમાં બાર પૉઇન્ટનો ઉમેરો કર્યો હતો.

રિલાયન્સે ફૅન્સી ગુમાવી?

ધીરુભાઈ અંબાણીના જન્મદિવસે ચોરવાડમાં આયોજિત વિશિષ્ટ કાર્યક્રમમાં સમગ્ર અંબાણી-પરિવાર સાથ-સાથ રહેવાના કારણે મુકેશ-અનિલ વચ્ચેનો ખટરાગ લગભગ ધરબાઈ ગયો હોવાની ધારણા મુકાય છે. જોકે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સતત બીજા દિવસે નરમ રહી સેન્સેક્સને પ્રેશરમાં લેવામાં કામિયાબ બની છે. ગઈ કાલે આ શૅર બે ટકા ઘટી ૭૩૮ રૂપિયા બંધ આવતાં બજારને ૩૨ પૉઇન્ટની હાનિ થઈ હતી. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સના ૧૦માંથી નવ શૅર ડાઉન હતા. એકમાત્ર ઑઇલ ઇન્ડિયા બે રૂપિયાથી ઓછા સુધારામાં ૧૧૬૦ રૂપિયા બંધ હતો. ઇન્ડિયન ઑઇલ ત્રણ ટકા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ પોણાત્રણ ટકા, કેઇર્ન ઇન્ડિયા સવાબે ટકા, ભારત પેટ્રોલિયમ પોણાબે ટકા ડાઉન હતા. ઓએનજીસી એક ટકાથી તથા એસ્સાર ઑઇલ્સ પોણા ટકાથી વધુ નરમ હતા.

કૉપરની નબળાઈ નડી

લંડન ધાતુબજારમાં કૉપર કે તાંબાના ભાવ ચાર દિવસની મજબૂતી બાદ દોઢ ટકો ઘટીને ટનદીઠ ૭૫૩૫ ડૉલર રહ્યાની તેમ જ વૈશ્વિક વપરાશ વિશેનો આઉટલુક નબળો આવવાની અસરમાં ઘરઆંગણે મેટલ શૅર નોંધપાત્ર રીતે ખરડાયા હતા. મેટલ ઇન્ડેક્સના ૧૨માંથી માત્ર એક શૅર નામ કે વાસ્તે અપ હતો. સેલિંગ લિસ્ટમાં જિન્દાલ સ્ટીલ આઠ ટકાની ખરાબીમાં મોખરે હતો. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, હિન્દાલ્કો, નાલ્કો, હિન્દુસ્તાન ઝિન્ક જેવી જાતો બે ટકાથી લઈ પોણાત્રણ ટકા ગગડી હતી. સેસાગોવા એક ટકો અને એનએમડીસી પોણો ટકો નરમ હતા. તાતા સ્ટીલ ૦.૬ ટકા ઘટી ૩૪૭ રૂપિયા આસપાસ બોલાતો હતો. માન ઍલ્યુમિનિયમ ત્રણ ટકા, હિન્દુસ્તાન કૉપર ૧.૮ ટકા, બિલ પાવર સવાત્રણ ટકા, ઇન્ડિયન મેટલ્સ ૫.૭ ટકા, જીએમડીસી સવા ટકો, મોનેટ ઇન્ડસ્ટ્રીઝ પાંચ ટકા ખરાબ હતા.

પાવરમાં કરન્ટ અદાણી ખરાબ

વધેલા બે ઇન્ડેક્સમાં પાવર ઇન્ડેક્સ ૦.૮ ટકા તથા કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ ૦.૩ ટકાના સુધારામાં હતા. પાવર ઇન્ડેક્સના આમ તો ૧૯માંથી ફક્ત આઠ શૅર જ પ્લસ હતા, પરંતુ વધનારા શૅર વેઇટેજની રીતે પાવરફુલ હોઈ સરવાળે સમગ્ર ઇન્ડેક્સ પ્લસમાં બંધ હતો. એનટીપીસી ૨.૭ ટકા વધી ૧૬૧ રૂપિયા, ભેલ સવાબે ટકા વધી ૨૪૬ રૂપિયા તથા તાતા પાવર ૧.૬ ટકાની મજબૂતીમાં ૯૨ રૂપિયા નજીક બંધ હતા. સામે અદાણી પાવર સાડાસાત ટકાની ખરાબીમાં ૬૨ રૂપિયા બંધ હતો. એટલું જ નહીં, ઇન્ટ્રા-ડેમાં ૬૧.૫૦ રૂપિયાનો ભાવ આપી ઑલટાઇમ લો પણ એણે બતાવી હતી. થર્મેક્સ ૩.૬ ટકા, લૅન્કો ઇન્ફ્રા ૩.૩ ટકા, રિલાયન્સ ઇન્ફ્રા ૨.૮ ટકા, રિલાયન્સ પાવર અડધો ટકો, જેએસડબ્લ્યુ એનર્જી ૨.૩ ટકા, સિમેન્સ ૧.૬ ટકા ઘટીને બંધ હતા. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં ૧૦૫૫ જાતો વધેલી હતી, સામે ૧૬૬૭ શૅર નરમ હતા. એ ગ્રુપના ૭૨ ટકા શૅર ઘટીને બંધ રહ્યા હતા. ૧૭૭ જાતો તેજીની સર્કિટે તો ૨૦૭ શૅર મંદીની સર્કિટમાં બંધ હતા. એ ગ્રુપમાં જૈન ઇરિગેશન ૧૦ ટકાના જમ્પમાં ૯૪ રૂપિયાનો બંધ આપીને ટૉપ ગેઇનર હતો. આઇએફસીઆઇ સવાછ ટકા તથા રેડિંગ્ટન સાડાત્રણ ટકા પ્લસ હતા. ફેઇમ ઇન્ડિયા સતત બીજા દિવસે ૨૦ ટકાના ઉછાળે ૪૯ રૂપિયા થયો હતો. જિન્દાલ સ્ટીલ ચાર ગણા વૉલ્યુમે ૭.૧ ટકા ગગડી ટૉપ લૂઝરમાં એ ગ્રુપમાં બીજા ક્રમે હતો. પીએફએલ ઇન્ફોટેક બાવીસ ગણા વૉલ્યુમે પાંચ ટકા ગગડી ૧૨૨ રૂપિયા થયો હતો. અમરરાજા બૅટરીઝમાં ૧૨૨ ગણા વૉલ્યુમે ભાવ અઢી ટકા વધી ૨૦૩ રૂપિયા બંધ હતો.

એફઆઇઆઇની ચોખ્ખી લેવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇ (ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો)ની કુલ ખરીદી ૧૨૩૮.૮૧ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૧૫૭.૩૭ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી ફક્ત ૮૧.૪૪ કરોડ રૂપિયા રહી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૫૩૨.૧૪ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૬૨૮.૬૩ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૯૬.૪૯ કરોડ રૂપિયા જોવા મળી હતી. Whatsapp-channel Whatsapp-channel

29 December, 2011 05:53 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK